Premnu Rahashy - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું રહસ્ય - 3

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩


સારિકાએ બીજી વખત કારને અટકાવી હતી. તેનું કાર અટકાવવાનું કારણ સાચું હતું. આગળ એક ખાડો આવી ગયો હતો. પણ એ કારણ હવે અખિલના ગળે ઉતરી રહ્યું ન હતું. તેના ગળામાં સોસ પડી રહ્યો હતો. રાતના સમયમાં તેણે એક 'કોલગર્લ' પાસે લીફ્ટ લીધી હતી એ વિચારીને તેના શરીરમાં ઉત્તેજનાને બદલે ડર વ્યાપી ગયો હતો. તે એક સીધો- સાદો અને શરીફ માણસ હતો. એક યુવતી સંગીતાનો પતિ હતો અને સારિકા જેવી રૂપવતી તેને આંખો અને હોઠોથી જાણે આમંત્રણ આપી રહી હતી.

કારને ફરી આગળ વધારતાં સારિકા બોલી:'હં... હું શું કહેતી હતી?'

'હં...કોલગર્લ...' અખિલથી મનમાં ચાલતું હતું એ બોલી જવાયું.

'હા, તમે બરાબર સમજ્યા! હું કોલ સેન્ટરમાં કામ કરતી ગર્લ છું. જનતા ઇમારતમાં 'ગુડ સ્પા' છે ને? હા, એની બાજુમાં કોલ સેન્ટર ચાલે છે. એ જ અમારી ઓફિસ છે.' સારિકાએ એકસાથે જાણે બધો જ ખુલાસો કર્યો.

'અચ્છા!' બોલીને અખિલને થયું કે એની કલ્પનાની ઉડાન ગજબની હતી. સારું થયું કે સારિકાએ પોતાની કોઇ વાતને ગંભીરતાથી લીધી નથી કે ખોટું લગાડ્યું નથી. તેની વાતો, વર્તન અને રૂપ પરથી કોઇને પણ શંકા ઊભી થાય જ કે આ બાઇ ધંધો કરતી હશે. અખિલને થયું કે પોતાની પુરુષ વિચારસરણીનો પણ આ દોષ છે. સ્ત્રીઓ માટે બહુ જલદી હલકું કે ખોટું વિચારી લે છે. મનને ગમે એવું! સુંદર અને ખુલ્લા મનની સ્ત્રીને વધુ પડતી આધુનિક સમજી લેવામાં આવે છે. વળી પાછો પોતાને જ શાબાશી આપતો વિચારવા લાગ્યો:'સારું છે કે પોતે સારો અને સંસ્કારી છે. મારી જગ્યાએ બીજો કોઇ પુરુષ હોત તો આ લલના સામે લાળ ટપકાવતો થઇ ગયો હોત અને મનનો મેલો હોત તો...'

અખિલ આગળ બહુ વિચાર કરે એ પહેલાં જ સારિકાએ કહ્યું:'કોલ સેન્ટરમાં રાત્રે નોકરી કરવા જવાનું શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગ્યું હતું. પરંતુ પગાર સારો મળતો હતો અને સારી તક હતી એટલે સ્વીકારી લીધી. કંપનીએ કાર આપી છે એટલે આવવા-જવામાં કોઇ તકલીફ લાગતી નથી...'

'તમારા પરિવારને આવી રાતની નોકરીથી કોઇ વાંધો આવ્યો નહીં?' સવાલ પૂછ્યા પછી અખિલને થયું કે જાણે તેને વાંધો હોય અને એ પરિવારના નામે કારણ જાણવા માગતો હોય એવું લાગતું હતું.

'એમનો તો કોઇ પ્રશ્ન જ ન હતો...' સારિકાએ રોડ પર જ નજર કરીને કાર ચલાવતાં કહ્યું.

'ઓહ! તમે એમની જાણ બહાર નોકરી સ્વીકારી છે?' અખિલ વચ્ચે જ બોલી પડ્યો.

'ના-ના, મારો કહેવાનો મતલબ એ છે કે પરિવારમાં કોઇ નથી. એક દૂરના ફોઇ છે... જે અહીં રહેતા નથી. મને રોકનારું કે ટોકનારું કોઇ નથી!' એમ કહીને સારિકા હસી પડી.

'આઝાદ છો એમ ને?!' બોલ્યા પછી અખિલને થયું કે તેની દરેક વાતમાં એ કોઇ ઇશારો કરતી હોય એમ કેમ લાગી રહ્યું છે? કે પછી પોતે વધારે પડતું ખુલ્લુ વિચારી રહ્યો છે.

'એક સ્ત્રી તરીકે જ નહીં હું તો માનું છું કે એક વ્યક્તિ તરીકે દરેક જણે આઝાદ હોવું જોઇએ...' સારિકાએ એની વાતને સમર્થન આપતાં કહ્યું.

'હા...' કહેતા અખિલે જોયું કે કાર એની- એમની વાસ્તુપાર્ક સોસાયટીમાં પ્રવેશી ચૂકી છે.

રાતનો સમય હતો એટલે ક્યાંય કોઇ ન હતું. બધું ભેંકાર ભાસતું હતું. રાતનો સન્નાટો વધારે ભય પમાડતો હતો. વોચમેન એની ખુરશીમાં જ ઘોરતો હતો. કારની લાઇટથી એ ઊઠ્યો નહીં. સામાન્ય સંજોગોમાં અખિલે એને ખખડાવી નાખ્યો હોત. પણ અત્યારે એ ઇચ્છતો હતો કે તે એકલી સારિકા સાથે આવ્યો એની કોઇને ખબર ના પડે તો સારું છે. સારિકાએ કાર પાર્ક કરી એટલે દરવાજો ખોલતાં પહેલાં 'થેન્ક યુ' કહ્યું અને બહાર નીકળ્યો.

'થેન્ક યુ તો મારે તમને કહેવું જોઇએ કે તમે મને આટલી રાત્રે કંપની આપી...' સારિકાએ કારને ચાવીથી જ લોક કરતાં કહ્યું. જાણે રીમોટથી લોક કરવાથી એના અવાજથી વોચમેન ના જાગી જવાનો હોય?

'આમ તો હું રાત્રે આઠ સુધીમાં ઘરે આવી જઉં છું. આજે અચાનક વધારે કામ આવી ગયું એમાં રોકાવું પડ્યું. હવે જલદી મુલાકાત થશે નહીં!' અખિલને જ ખબર ના પડી હોય એમ એનાથી મુલાકાતનું બોલાઇ ગયું હતું.

'મળવા માટે બહાનાની ક્યાં જરૂર હોય છે. મન થાય ત્યારે આવી જજોને! ઉપર જ તો રહું છું!' સારિકા બાજુમાં ચાલતાં બોલતી હતી ત્યારે નજર ના હટે એવા એના શરીરના વળાંક જોઇને અખિલને થયું કે આ રૂપસુંદરી તો સહજ શબ્દોમાં આમંત્રણ આપી રહી છે!

'જી...' કહી અખિલે વાતને ટૂંકાવી દીધી અને પહેલા માળે પોતાના ફ્લેટના દરવાજા પાસે આવીને અટક્યો. તેને ખ્યાલ હતો કે સારિકા પાછળ જ ઊભી છે. તે જીન્સ પેન્ટના ખિસ્સામાં ચાવી શોધવા લાગ્યો. અચાનક એને યાદ આવ્યું કે સવારે બાઇકમાં ચાવી નાખ્યા પછી પંકચર થયું હોવાનો ખ્યાલ આવ્યો હતો. પછી કોઇને ફોન કરવામાં ચાવી બાઇકમાં જ રહી ગઇ હશે. તે ચાવી લેવા નીચે ઉતરવા પાછું ફર્યો અને ચમકી ગયો. પાછળ કોઇ ન હતું. તેના મનમાં સવાલ થયો:'સારિકા ક્યાં ગાયબ થઇ ગઇ? એ મારી પાછળ- પાછળ જ આવી હતી.'

અચાનક સોસાયટીની લાઇટો બંધ થઇ ગઇ. અખિલનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને થયું કે આ યોગાનુયોગ છે કે એની પાછળ કોઇ રહસ્ય છે?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED