એક અવિસ્મરણીય ભેટ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અવિસ્મરણીય ભેટ

વાર્તા:- એક અવિસ્મરણીય ભેટ
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની








"કેમ આ વખતે તારા ભિખારી ભાઈએ તને રક્ષાબંધન પર આવવાનો હજુ સુધી ફોન ન કર્યો? લાગે છે કે કવર કરવું પડે એટલે જાણીજોઈને ફોન નથી કરતો." સુધા સમસમી ગઈ. જોકે એને માટે આ નવું ન હતું. સુધીર વારે ઘડીએ સુધાનાં પિયરની ગરીબાઈની મજાક ઉડાવી એને સંભળાવ્યા કરતો.


ગરીબ એટલે કંઈ છેક જ ગરીબ નહીં, પરંતુ નિમ્ન મધ્યમ વર્ગના કહી શકાય એવું એનું પિયર. સુધા અનુસ્નાતક થયેલી અને લગ્ન પહેલાં ખૂબ સારી નોકરી પણ કરતી હતી અને પોતાનાં કુટુંબને આર્થિક ટેકો પૂરો પાડતી હતી. સુધીર પણ આમ તો ઈજનેર પણ એનાં ઘરનાં સંકુચિત માનસિકતા ધરાવતાં વાતાવરણમાં એનું મગજ પણ એવું જ થઈ ગયેલું.


સુધીરનું ઘર ઉચ્ચ મધ્યમવર્ગમાં આવે, છતાં પણ એનાં માતા પિતા એક એક રૂપિયાનો હિસાબ રાખે. સુધા સાથે જ્યારે લગ્ન કરવા માટે વાત ચાલતી હતી ત્યારે તો એમણે ખૂબ જ સારો દેખાવ કર્યો હતો અને એમનું વર્તન સ્હેજે એવું ન લાગ્યું કે આ લોકોની માનસિકતા આટલી સંકુચિત હશે!


લગ્નનાં બે વર્ષ થયાં છે પણ સુધાને હેરાન કરવામાં કોઈ કસર બાકી ન હતી, માત્ર એનાં પર ક્યારેય કોઈએ હાથ ન્હોતો ઉપાડ્યો. લગ્નના બીજા જ મહિને સુધા પાસે જબરદસ્તી નોકરી છોડાવી દીધી, એમ કહીને કે, "પરણેલી સ્ત્રી પારકા મરદો સાથે કામ કરે એ સારું ન કહેવાય."


મન મારીને સુધા ઘરમાં રહેવા લાગી. તકલીફ એ પડી કે સુધા એક એક રૂપિયા માટે ભિખારી જેવું જીવન જીવતી. એનાં કપડાં લાવવા માટે કે નાની નાની કોઈ વસ્તુ પણ લાવવાની હોય તો કેટકેટલી આજીજી કરે ત્યારે માંડ સુધીર એને વસ્તુ અપાવે. પૈસા તો ન જ આપે, સુધીર પોતે સુધાને લઈ જાય અને સસ્તામાં સસ્તી વસ્તુ અપાવી દે.


પોતાનાં પિયરનો વિચાર કરીને સુધા ચૂપ હતી. દરેક વાર તહેવારે એનાં સાસરેથી પિયર એક લિસ્ટ મોકલવામાં આવતું, જેમાં એમની માંગણીઓ લખેલી હોય. બધી જ વસ્તુઓ સાથે એનો ભાઈ આવીને બધાને ખુશ કરી જતો. પણ સુધાની ભાભી સમજી ગઈ કે કંઈક તો ગરબડ છે. એણે પોતાની રીતે તપાસ ચાલુ કરી દીધી હતી.


આટલું બધું થતું હોવાં છતાં સુધાને વિશ્વાસ હતો કે સુધીર સુધરી જશે. એનો વિશ્વાસ જાણે સાચો પડવાની તૈયારીમાં હતો. સુધાનાં ભાઈ ભાભીએ મળીને આખી એક યોજના ઘડી હતી. એ મુજબ એ બંને જણાં 'માતાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે' એવું બહાનું કાઢી સુધાને પોતાની સાથે લઈ ગયા.


પછી ત્યાંથી ફોન કરીને સુધીરને કહી દીધું કે છૂટાછેડાનાં કાગળ તૈયાર રાખજો, હવે સુધા પાછી નહીં આવે. સુધાને આખી યોજના સમજાવી દીધી હતી. સુધીરની તો હાલત ખરાબ થઈ ગઈ. એણે કલ્પના પણ કરી ન હતી કે આવું થશે. આ બાજુ સુધા વગર એનું કોઈ ધ્યાન લાગતું ન હતું. ધીમે ધીમે એને પસ્તાવો થવા લાગ્યો. આખરે છ મહિનાની જુદાઈ પછી એણે એક નિર્ણય લીધો અને લગ્નની ચોથી વર્ષગાંઠે એ પોતાનાં સાસરે પહોંચ્યો.


એણે સુધાને બોલાવવાનું કહ્યું. જેવી સુધા આવી કે તરત જ એનાં હાથમાં એક ફાઈલ મૂકી દીધી. સુધાને ખાતરી થઈ ગઈ કે સુધીર એને છૂટાછેડા આપવા માંગે છે. સુધીરે એને ફાઈલ ખોલવા કહ્યું. ફાઈલ ખોલતાં જ સુધાની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. 'સોરી' લખેલું કાગળ હતું ત્યાં. એ સુધીરને તાકી રહી.


સુધીરે કહ્યું, "હા સુધા. મને માફ કરી દે. હું તને અને તારા પ્રેમને ઓળખી ન શક્યો. મમ્મી પપ્પા સાથે એમનાં જેવો જ બની ગયો હતો. તારો છૂટાછેડા માટેનો ફોન સાંભળીને હું તો તૈયાર જ હતો, પણ તારા ભાઈ ભાભી મને સતત પતિ પત્ની વચ્ચેનાં સંબંધોને લગતાં વિડીયો મોકલતા હતાં. પહેલાં તો મને ગુસ્સો જ આવ્યો હતો, પણ પછી જેમ જેમ વિડીયો જોતો ગયો તેમ તેમ મને મારી ભૂલ સમજાતી ગઈ."


સુધીર જેમ જેમ બોલતો હતો તેમ તેમ એની અને સુધાની આંખમાંથી આંસું નીકળતાં જતાં હતાં. "મને સમજાયું કે આટલું બધું વીતવા છતાં પણ તારો મારા પ્રત્યેનો પ્રેમ બદલાયો ન હતો. મને માફ કરી દે." અને બંને એકબીજાને ભેટી પડ્યાં. સુધીરે ફાઈલમાં બીજું જોવા કહ્યું. સુધા જોઈને આશ્ચર્ય પામી. સુધીરે એમને રહેવા માટે નવું ઘર ખરીદ્યું હતું, એ પણ સુધાનાં નામે.



સુધાએ કહ્યું, "આમ અલગ રહેવા ન જવાય. મમ્મી પપ્પાની સાથે જ રહેવાનું હોય. તમે મને ત્યાં જ લઈ જાઓ." સુધીર થોડો ઉદાસ થયો. બોલ્યો, "તને શું લાગે છે, મેં નહીં સમજાવ્યા હોય એમને? બહુ સમજાવ્યા પણ એમણે તો સ્પષ્ટ જ કહી દીધું છે કે કોઈ પણ સંજોગોમાં એઓ તને ઘરમાં આવવા દેશે નહીં. એમને તો હજુ ખબર જ નથી કે મેં આપણે માટે ઘર લઈ લીધું છે, નહીં તો એ લોકો ખબર નહીં શું કરે તારી સાથે? તુ આવીશ ને મારી સાથે આપણાં ઘરમાં?" સુધીર ગળગળૉ થઈ ગયો.


સુધાએ હા પાડી પછી એને થોડી રાહત થઈ. ત્યારબાદ સુધીરે એક કવર સુધાનાં હાથમાં મૂક્યું. સુધાને બધાંની વચ્ચે જ એ કવર ખોલવા કહ્યું. સુધાએ જોયું તો કવરમાં સુધાની નોકરી માટેનો કાગળ હતો. આવતાં મહિનાની પહેલી તારીખથી એણે એ જ્યાં નોકરી કરતી હતી ત્યાં જ ફરીથી જવાનું હતું. સુધાને કંઈ સમજાયું નહીં. એનો ચહેરો જોઈને સુધીર સમજી ગયો.


એણે સુધાને કહ્યું કે આવતી કાલથી જ એઓ પોતાનાં નવા ઘરમાં રહેવા જશે. એણે ત્યાં બધી જ સગવડો કરી રાખી છે. કંપનીમાંથી લોન લઈને એણે આ ઘર ખરીદ્યું છે. હવે ઘરમાં પહેલાં સુધા જ દાખલ થાય એવી એની ઈચ્છા છે. અને ત્રણ અઠવાડિયા પછી એટલે કે આવતાં મહિનાની પહેલી તારીખથી સુધા નોકરીએ જશે. સુધીર પોતે એ ઑફિસમાં મળવા ગયો હતો અને શા માટે સુધાએ નોકરી છોડવી પડી એ બધું સમજાવ્યું અને સુધાને ફરીથી લઈ લેવા વિનંતિ કરી. ઑફિસના માલિક માની ગયા અને આવતાં મહિનાથી એને ત્યાં મોકલવા કહ્યું. સુધાની ખુશીનો પાર ન્હોતો.



આજની રાત સુધીરે સાસરે જ રોકાવવાનું નક્કી કર્યું. સાંજે એ સુધા સાથે બહાર ફરવા ગયો, હોટેલમાં જઈને આજનો દિવસ ઉજવ્યો, અને સુધાને એની પસંદગીના કપડાં પણ અપાવ્યાં. સુધા માટે આજનાં દિવસે મળેલી આ તમામ ભેટ અવિસ્મરણીય બની ગઈ.


બીજા દિવસે નવા ઘરમાં પ્રવેશ કરીને સુધાને આલિંગનમાં લઈને સુધીરે એક જ પંક્તિ ગાઈ,

"હમ બને તુમ બને એક દૂજે કે લિયે..."



સાચી વાત ને? પતિ પત્ની વચ્ચેની ગેરસમજ દૂર થઈ જાય તો એક સુખી જીવન રાહ જોતું ઉભું જ હોય છે.




આભાર.


સ્નેહલ જાની.