ક્ષમા અને ક્ષિતિજ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષમા અને ક્ષિતિજ

વાર્તા :- ક્ષમા અને ક્ષિતિજ
વાર્તાકાર :- શ્રીમતી સ્નેહલ રાજન. જાની



ક્ષિતિજ અને ક્ષમા - જીવન સંધ્યાએ ઝૂલા પર બેસી પોતાનાં સુંદર ભૂતકાળને વાગોળી રહ્યાં હતાં. આજે એમણે લગ્નજીવનના પચાસ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. એમનો ભૂતકાળ સુંદર હતો એટલે એવું નહીં સમજતાં કે વર્તમાનમાં તેઓ દુઃખી છે. હાલમાં પણ તેઓ ખૂબ જ સુખી છે. દીકરો વહુ તેમજ દીકરી જમાઈ ખૂબ ધ્યાન રાખે છે બંનેનું. તેમનાં બાળકો માટે તો દાદા દાદી અને નાના નાની એટલે જાણે સાક્ષાત ભગવાન! મમ્મી પપ્પા કરતાં પણ ચારેય બાળકો આમની સાથે વધારે રહેતાં હતાં. બધાંએ ભેગાં મળીને આજે ખૂબ સુંદર રીતે આ પચાસમી લગ્ન વર્ષગાંઠ ઉજવી હતી.


બધાં છૂટા પડ્યાં પછી ક્ષમા અને ક્ષિતિજ એમનાં નિત્યક્રમ મુજબ એમનાં રૂમની બહાર ગેલેરીમાં મૂકેલા હીંચકે ઝૂલી રહ્યાં હતાં. ક્યાં પહેલી મુલાકાત અને ક્યાં આજે લગ્નનાં પચાસ વર્ષની ઉજવણી! એકબીજા સામે જોઈ બંને હસી પડ્યા.


વાત છે એમનાં લગ્નનાં આઠ વર્ષ પહેલાંની, જ્યારે બંને એક જ કૉલેજમાં ભણતાં હતાં. બીજા વર્ષમાં આવ્યાં ત્યારે બંને વચ્ચે દોસ્તી થઈ. ત્રીજા વર્ષમાં પહોંચતાં સુધીમાં તો બંને ખાસ મિત્રો બની ગયાં. ત્યારબાદ અનુસ્નાતક માટે પણ સંજોગો એમને અનુકૂળ રહ્યાં અને એક જ કૉલેજમાં એડમિશન મળ્યું. ફરીથી બે વર્ષ સાથે ગાળ્યા. હજુ સુધી બંનેમાંથી કોઈને પણ પ્રેમનો અહેસાસ થયો ન્હોતો. એમને માટે આ સંબંધ એ ગાઢ મૈત્રી જ હતો. એથી વિશેષ કંઈ નહીં.


પરંતું હવે બંને જુદા પડ્યા. ક્ષમા વધુ ભણવા માટે વિશ્વવિદ્યાલયમાં ગઈ અને ક્ષિતિજ નોકરીએ લાગ્યો. નોકરી કરતાં કરતાં પણ એણે પત્રવ્યવહાર થકી અભ્યાસ ચાલુ જ રાખ્યો હતો. ત્યારે મોબાઈલ તો હતાં નહીં, પરંતુ બંનેનાં ઘરે લેન્ડલાઈન હતો. ઉપરાંત બંનેનાં ઘરનાં લોકો એકબીજાને સારી રીતે ઓળખી ગયા હતા. આથી ફોન પર પણ બંને વાત કરે તો કોઈ વાંધો ઉઠાવતું નહીં.


બંનેનાં ઘરે એમનાં માટે યોગ્ય પાત્ર શોધવાની શરૂઆત કરી દીધી હતી, પણ કોણ જાણે કેમ એમને કોઈ પસંદ આવતું જ ન હતું. ક્ષમા અને ક્ષિતિજ બંને કોઈક ને કોઈક બહાનું કાઢીને ના પાડી દેતા હતા. હવે એ બંનેનાં ઘરનાં લોકો એકબીજાને એ બંનેની જાણ બહાર મળ્યા. એક મજબૂત પ્લાન બનાવ્યો અને છૂટા પડ્યા.


એક રવિવારે એ બંનેનાં ઘરનાં લોકોએ ક્ષમાનાં ઘરે ભેગાં થવાનું આયોજન કર્યું. બધાંએ ભેગાં થઈ ખૂબ મજા કરી. દિવસનાં અંતે બંનેનાં મમ્મી પપ્પાએ તેઓને સીધેસીધું જ પૂછી લીધું, "તમે એકબીજાને પસંદ કરો છો? શું તમારે લગ્ન કરવા છે?" પેલાં બંને તો શું જવાબ આપવો એ સમજી ન શક્યા, કારણ કે ક્યારેય એમણે એકબીજા માટે આવું તો વિચાર્યું જ ન્હોતું.


પણ એકબીજાને નાપસંદ કરવાનું પણ કોઈ કારણ ન હતું. આખરે બંનેનાં લગ્ન થઈ ગયા. ધીમે ધીમે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. એકબીજાને સમજતાં તો પહેલેથી જ હતાં. એમને કલ્પના પણ ન્હોતી કે એમની દોસ્તી આ રીતે પ્રેમમાં પરિણમશે. તેમનાં આ લગ્નને એઓ વડીલોના આશિર્વાદ જ સમજતાં હતાં.


એમની આ વાતો ચાલતી હતી ત્યાં એમનાં દીકરાએ બૂમ પાડી કે, "બહુ મોડું થઈ ગયું છે, સુઈ જાઓ હવે." અને બંને રૂમમાં જઈને પોતાનાં સુખી લગ્નજીવન માટે ભગવાનનો આભાર માની સુઈ ગયા.


વાત તો સાચી છે. આપણાં માતા પિતા આપણાં માટે ક્યારેય ખરાબ વિચારી જ ન શકે. જો એઓ આપણી પસંદને નાપસંદ કરે છે તો ચોક્ક્સ જ એની પાછળ કોઇક કારણ હશે. ક્ષમા અને ક્ષિતિજ ક્યારેય પ્રેમમાં પડ્યા ન હતાં, પણ વડીલોના આશિર્વાદ થકી આજે પચાસ વર્ષે ય એમનો પ્રેમ અકબંધ છે.


આભાર.

સ્નેહલ જાની