પ્રેમનું રહસ્ય - 15 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું રહસ્ય - 15

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૫

અખિલને સારિકા કોઇ આત્મા હોવાનો ડર ઊભો થઇ રહ્યો હતો એ સાથે એની વાત સાચી લાગી રહી હતી. એનું રૂપ ખરેખર કાતિલ હતું. કોઇ આત્મા જ આવું સુંદર રૂપ ધારણ કરીને આવી શકે છે. એ જો આત્મા નીકળી તો પોતાની હાલત હજુ ખરાબ થશે. એની એ વાત સાથે એક પુરુષ તરીકે સંમત થવું જ પડે કે દેહયષ્ટિ જ નહીં પણ સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠેલી છે. એને પત્ની તરીકે જ નહીં પ્રેમિકા તરીકે પણ સ્વીકારવા કોઇપણ તૈયાર થઇ જાય એમ છે. એનું રૂપ આંજી દે એવું છે. પુરુષો મટકું માર્યા વગર એને જોયા કરે તો દિલમાં જ નહીં રક્ત નલિકાઓમાં હલચલ મચી જાય એવી છે.

પોતે પરિણીત છે અને પરસ્ત્રીમાં રસ ધરાવતો નથી. એટલું જ નહીં સારિકાને પોતાના સહકર્મચારી કુંદન વિશે વાત કરવાનો ઇરાદો રાખી રહ્યો હતો એટલે એના પ્રત્યે ખાસ આકર્ષણ ઊભું થયું નથી. બાકી કોઇ ફિલ્મની નટીને જોઇને ખુશ થતો હોઉં એવી સ્થિતિમાં છું.

અખિલ વિચારમાં હતો ત્યારે સારિકા ઊભી થઇ અને નજીકના એક્વાગાર્ડમાંથી પાણીનો ગ્લાસ ભરવા લાગી ત્યારે એના ટોપ અને જીન્સના ચુસ્ત કપડામાં શરીરના એક-એક વળાંક પર અછડતી નજર નાખવાનું રોકી શકયો નહીં. એ સુંદર હોવાનો જાણે પોતાના મનને પુરાવો આપતો હોય એમ એના સૌંદર્યને માત્ર જોઇ રહ્યો.

એના હોઠ ગુલાબની પાંદડીઓને જલન થાય એવા છે. ગાલ તો એવા ગોળ અને ગોરા છે કે મીઠું બચકું ભરી લેવાનું મન થાય. એની આંખો સમુદ્રના પાણીથી ઊંડી લાગે છે. થોડીવાર જોનાર એના નશામાં ડૂબી શકે છે. એના લાંબા રેશમી વાળ જેમાં ખોવાઇ જવાનું મન થાય, એના ઉત્તેજના લાવે એવા નિતંબ, એની કમસીન ચીકણી કમર અને એના ઉત્તુંગ શિખર સમા ઉરોજનું તો કહેવું જ શું? ઓહ! એ અરિસામાં જુએ તો એને જ એની નજર લાગી જાય એમ છે. કોઇ કવિ હોય તો એના અંગેઅંગ પર કવિતા લખી નાખે અને પતિ હોય તો કાબૂ ગુમાવી એના પર હક જતાવવા લાગી જાય એ હદની સુંદરતા છે.

તેના મનમાં પ્રશ્નો બંદૂકમાંથી છૂટતી ગોળીઓની જેમ ફૂટી રહ્યા હતા. શું ખરેખર એ ગયા જન્મમાં મારી પ્રેમિકા હશે? અમે મળી શક્યા નહીં હોય અને એ પ્રેત બનીને પાછી આવી છે? મારી જિંદગી હવે કેવો વળાંક લેશે ?

સારિકાએ પાણીનો એક ગ્લાસ ધરી કહ્યું:'પાણી પીને તન-મનથી થોડા ઠંડા થઇ જાવ!'

એની વાતથી અખિલ વધારે ચોંકી ગયો હતો. તેણે ન જાણે કેમ સારિકાના પ્રેમભર્યા આહવાનનું અનુકરણ કર્યું અને પાણીનો ગ્લાસ એક જ ઘૂંટડે પી લીધો.

એનામાં હવે બોલવાની તાકાત આવી હોય એમ કહ્યું:'સારિકા, મને તો તું કોઇ સપના જેવી લાગે છે. મેં કલ્પના કરી ન હતી કે તારી સાથે મુલાકાત થશે અને તું મને ગયા જન્મની પ્રેમિકા તરીકે ઓળખાવશે. આજના સમયમાં ગયા જન્મની કોઇને યાદ હોતી નથી. જો દરેક જણને એના ગયા જન્મની યાદ આવી જતી હોત તો આ જન્મમાં એ જીવી શકત નહીં. તને કોઇ ગેરસમજ થઇ છે. તું ખરેખર કોણ છે અને મને આમ કેમ કહી રહી છે એ સમજાતું નથી...'

'તમે વિચાર કરો કે મારું રૂપ કોઇપણ પુરુષને લાળ પડાવે એવું છે છતાં તમારી પ્રેમિકા હોવાનું ગૌરવ કેમ અનુભવી રહી છું. તમારા જેવા યુવાન સાથે મારો ગયો જન્મ વીતી ગયો હોત તો આ જન્મમાં આમ મારે તમને શોધવાની જરૂર પડી ન હોત. આપણે જન્મોજન્મના બંધનમાં બંધાઇ ગયા હોત અને એકબીજાના અત્યારે સાથી હોત. તમારા લગ્ન સંગીતા સાથે થયા ન હોત. ગયા જન્મમાં આપણે એક થઇ શક્યા ન હતા. આ જન્મમાં હવે મળી ગયા છે ત્યારે એક થવામાં તમને વાંધો શું છે?' બોલીને સારિકા એકદમ નજીક આવી ગઇ અને પોતાના ધગધગતા હોઠને અખિલના ફફડતા હોઠ સુધી લઇ જવા લાગી.

ક્રમશ: