Premnu Rahashy - 14 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું રહસ્ય - 14

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૪

અખિલ સતર્ક થઇ ગયો હતો. તેને ખ્યાલ આવી ગયો કે સારિકા અને મલ્લિકા જ નહીં આ સ્ત્રીના બીજા અનેક નામ હોવા જોઇએ. પોતે જે આશયથી એની પાછળ- પાછળ ફરી રહ્યો છે એ પૂરો થવાનો નથી. એની સાથે મિત્રતા તો શું કોઇ રીતે સંબંધ રાખી શકાય એમ નથી. એની સાથે પડોશી તરીકેની ઓળખાણ પણ રાખવા જેવી નથી. એ પોતાના સૌંદર્યના દમ પર કોઇ ઇરાદો પાર પાડવા માગે છે. એ સમજે છે કે હું એટલી સુંદર છું કે અખિલ જેવા પોતાની પત્નીને છોડીને મારી પાછળ લટૂડાપટૂડા કાઢશે. અહીં એની ભૂલ થઇ રહી છે. એનું રૂપ થોડીવાર માટે તનમનને પ્રભાવિત કરી શકે છે. એની માયામાં આવી જઉં એવો પુરુષ નથી. ભૂલથી પણ કોઇ ભૂલ ના થાય એ માટે સતર્ક રહેતો પુરુષ છું. હવે એનાથી પીછો છોડાવવો પડશે. એ તો હવે મને બીજા નામથી એની સાથે સાંકળી રહી છે... મલ્લિકા? કઇ મલ્લિકા? એ કોઇ હીરોઇન તો નથી...

'યાદ આવતું નથી ને?' સારિકા બોલી.

'ના, હું શા માટે કોઇ મલ્લિકાને યાદ કરું?' અખિલને થયું કે એને અને મલ્લિકાને કોઇ લેવાદેવા જ રહી નથી. કોઇ મલ્લિકા હતી કે હોય તો એણે એને યાદ કરવાની જરૂર જ નથી.

'મલ્લિકા તને યાદ કરી રહી છે એનું શુ?!' એ આંખોને નચાવતાં બોલી.

અખિલનો કોઇ પ્રત્યુત્તર ના આવ્યો એટલે આગળ કહેવા લાગી:'તમને મલ્લિકા નામની કોઇ સ્ત્રી અત્યારે યાદ ના હોય એ સ્વાભાવિક છે. હું તો કહું છું કે તમને યાદ ના જ આવી શકે... હું તમારો વાંક કાઢતી નથી. તમારી જગ્યાએ હું હોઉં અને તમે મને કહો કે ગયા જન્મમાં તું મારી પ્રેમિકા હતી તો હું પણ આવો જ પ્રતિભાવ આપું...'

'મતલબ?' અખિલ ચોંકીને એને જોઇ જ રહ્યો. પહેલાં કહેતી હતી કે 'હું મલ્લિકા છું' અને હવે એ એને ઓળખી ના શક્યો એટલે વાત બદલી રહી છે.

'કેમકે મને જ ખબર નથી કે મલ્લિકા કેવી હતી... હું ગયા જન્મની મલ્લિકાની વાત કરું છું. જે મલ્લિકા તમારી પ્રેમિકા હતી...' સારિકાએ થોડું રહસ્ય ખોલ્યું.

'ગયા જન્મમાં કોણ ક્યાં હતું અને કેવો જન્મ હતો એની કોઇને ખબર હોતી નથી. તને કેવી રીતે ખબર પડી કે તું મલ્લિકા હતી અને મારી પ્રેમિકા હતી. તારી પાસે કોઇ સબિતી છે? આજના પુરુષો તો આ જન્મના નાતાને ભૂલી જાય છે ત્યારે તું ગયા જન્મની વાત ક્યાંથી લાવી? અને તને જ ખબર નથી કે મલ્લિકા કેવી હતી તો ગયા જન્મમાં હું તારો પ્રેમી હતો એ કેવી રીતે જાણ્યું? તું સમય પસાર કરી રહી નથી ને?' અખિલને મનમાં થયું કે સારિકા કોઇ મજાક કરી રહી છે.

'ના-ના, તમારી કસમ!' તે પોતાના જ હોઠ પર આંગળીઓ મૂકીને આગળ બોલી:'હું વિશ્વાસ સાથે કહી રહી છું. ગયા જન્મમાં આપણે પ્રેમી- પ્રેમિકા હતા. તો આ જન્મમાં આપણે અત્યાર સુધી કેમ મળ્યા ન હતા એમ તમને થતું હશે.' સારિકા ભાવુક સ્વરે બોલી રહી હતી.

'હા, અને આજની તારીખે હું પરિણીત છું ત્યારે ગયા જન્મને યાદ કરીને શું અર્થ છે? પહેલાં એ કહે કે તું કેવી રીતે કહી શકે છે કે હું જ તારો પ્રેમી હતો...આમ બોલવાથી વાત સાચી થઇ જતી નથી.' અખિલને થયું કે પોતે મૂરખ બને એવો નથી.

'માની લો કે હું ગયા જન્મમાં તમારી પ્રેમિકા હતી એ વાતની તમને સાબિતી મળી જાય છે અને તમે કુંવારા છો તો તમે આ જન્મમાં મને સ્વીકારશો...? માત્ર ધારણા કરવાની છે. શું તમે એક સુંદર સ્ત્રીને ઠુકરાવશો? મારા જેવી સ્ત્રી કોઇપણ પુરુષ માટે ધરતી પર સ્વર્ગ ઊભું કરી શકે એવી છે. હમણાં મારો સ્વયંવર રચાય તો કુંવારા તો શું પરણેલા પણ પત્નીને છોડીને દાવો કરવા આવી જાય એમ છે. કહો જોઇએ મારામાં એવું આકર્ષણ છેને જે તમને પુરુષ તરીકે મારી નજીક ખેંચી શકે...?' સારિકા ભાવાવેશમાં એકદમ નજીક આવી ગઇ. તેના શ્વાસ અખિલના મોં સાથે અથડાવા લાગ્યા.

અખિલ ધ્રૂજી ગયો તેને થયું કે ગયા જન્મમાં મલ્લિકા હોવાની વાત કરતી આ સારિકા માનવ સ્વરૂપમાં નહીં પણ કોઇ આત્મા હશે તો? એની વાત પરથી તો એવું જ લાગે છે. હવે એનાથી કેવી રીતે છૂટકારો મેળવીશ? મારી મતિ મારી ગઇ હતી એટલે કોઇની ભલાઇ માટે એની પાછળ ફરી રહ્યો હતો. જો એ ભૂત-પ્રેત કે આત્મા હશે તો મારું શું થશે?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED