Dashavtar - 50 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 50

          એ ઈમારતની છત વિશાળ હતી. શૂન્યોના ખેતરના લગભગ ત્રણ ગણા કદની એ છત કાટમાળ અને તૂટેલા પથ્થરોથી ઢંકાયેલી હતી. દુરોજયે છતને દસ ભાગમાં વહેંચી દીધી. એમણે દરેક વિભાગ પર એક પછી એક કામ કરવાનું નક્કી કર્યું જેથી કોંક્રિટ મિક્સ કરવા અને કામ કરતી વખતે સરળતાથી ઊભા રહેવા માટે પૂરતી જગ્યા મળી રહે. દુરોજય મેદાન પર કાર્યકારી વ્યૂહરચના બનાવવામાં પાવરધો હતો.

          પાંચ દિવસ વીતી ગયા હતા. એમણે છતના પાંચ વિભાગ પૂરા કર્યા હતા. દરેક વિભાગના સમારકામમાં લગભગ એક એક દિવસ ગયો હતો. હવે મોટાભાગના તાલીમી શૂન્યોએ પણ કોંક્રીટ કેવી રીતે રેડવો અને એને કેવી રીતે લેવલ કરવો, બાજુઓ બાંધવા માટે પાટિયા કેવી રીતે ગોઠવવા એ બાબતો શીખી લીધી હતી.

          પાંચમાં દિવસથી દુરોજયની ટુકડીની શૂન્ય યુવતીઓને કઠેડો ધોળવાનું કામ સોપવામાં આવ્યું. દુરોજય અને યુવકોની ટુકડી વિભાગ છ પર કામ કરતી હતી ત્યારે શૂન્ય યુવતીઓની એક ટુકડી કઠેડો ધોળતી હતી. સુરતા નામની જે યુવતી દીવાલ આ તરફ આવવાથી ડરતી હતી અને નીરદે એને સમજાવીને તૈયાર કરી હતી એ પણ ધોળવાના કામમાં જોડાઈ હતી. ટુકડીમાં એની સાથે બીજી પાંચ યુવતીઓ હતી. તાલીમી યુવતીઓને શરૂઆતમાં ધોળવા જેવા બિનજોખમી કામ સોપવામાં આવતા.

          બે કલાક પછી દુરોજય અને ટુકડી વિભાગ સાતમાં લગભગ અડધું કામ પૂરું કરવાની તૈયારીમાં હતા ત્યારે એક દેવતા છત પર આવ્યો. એ દેવતાઓના પરિધાનમાં નહોતો. એણે અડધી બાંયનો સફેદ ઝભ્ભો પહેર્યો હતો જે દેવતાઓનો રાત્રી પોષક હતો. એ દેવતા યુવાન વયનો હતો. એના હાથ અને પગ પર લીલા રંગની વિચિત્ર નસ દેખાતી હતી. એના ચહેરા અને ગરદન પર પણ એવી જ લીલી નસ હતી. એની આંખોમાં દીવાલ પર દેખાતી વેલો જેમ લાલ નસ ગૂંચળાની જેમ ફેલાયેલી હતી. એકંદરે એનો દેખાવ ભયાવહ અને ચીતરી ચડે એવો હતો.

          તાલીમી શૂન્યોને લાગ્યું કે અનુભવીઓ સાચા હતા. એ જાણતા હતા કે દેવતા માણસો કરતા અલગ હોય છે પણ એ માનવ કરતાં એટલા અલગ હશે એવી એમને કલ્પના પણ નહોતી. દેવતા કોઈ રીતે માનવ નહોતો લાગતો. એ કંઈક અંશે અમાનવીય અને કંઈક અંશે નિર્જીવ દેખાતો હતો. એનું ચાલવું, બોલવું, આંખો પલકાવવી જેવા બાકીના બધા લક્ષણો પણ અમાનવીય હતા.

          બધા શૂન્યોએ એને પ્રણામ કર્યા. ત્યાં છતના કામ પર દેખરેખ રાખતા નિર્ભય સિપાહીઓએ પણ એને પ્રણામ કર્યા. શૂન્યોને આશ્ચર્ય થયું કે નિર્ભય કેમ દેવતા સામે માથું નમાવતા હશે? દેવતા કામનું નિરિક્ષણ કરતો હતો ત્યારે શૂન્યો એનું નિરીક્ષણ કરતા કરતા કામ કરવાનો ડોળ પણ કર્યે જતા હતા. દેવતા કઠેડો ધોળતી યુવતીઓ પાસે ગયો. યુવતીઓએ એની સામે જોવાને બદલે ફફડતા હ્રદયે ધોળવાનું કામ ચાલુ રાખ્યું. આમ પણ કોઈ શૂન્યને દેવતાની આંખમાં આંખ પરોવી જોવાનો હક્ક નહોતો.

          “એય, તું, અહીં આવ,” દેવતાએ સુરતા તરફ ઈશારો કરતાં કહ્યું.

          “હું… હું…” સુરતા દેવતા એને કેમ બોલાવે છે એ સમજી ન શકી.

          એ દેવતા તરફ ગઈ. બીજી યુવતીઓ પણ એમનું કામ બંધ કરી એ તરફ જોવા લાગી.

          "મારી પાછળ આવ." દેવતાએ કહ્યું.

          "કેમ?" સુરતાએ હિંમત એકઠી કરીને પૂછ્યું. એ બહાદુર બનવા લાગી હતી.  દેવતાને પ્રશ્ન કરવો એ આફતને આમંત્રણ આપવા જેવું હતું અને ખરેખર એ યુવતીએ એક મોટી આફત વહોરી લીધી હતી.

          એને આશા હતી કે લોકો એની મદદ કરશે. કમ-સે-કમ એના પિતા તો એની વ્હારે આવશે પણ બધા પથ્થરના તાબૂતની જેમ ઊભા રહ્યા. કોઈએ જરા સરખી પણ હિલચાલ ન કરી.

          "મારી પાછળ આવ." દેવતાએ ફરી એ જ આદેશ આપ્યો.

          ટુકડીની બાકીની છોકરીઓ સુરતાને જોઈ રહી હતી. એના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો હતો. દેવતા તરફના નાના પગથિયાં, ટાઇલ્સના ઢગલા પાસેથી પસાર થતા એના પગ ધ્રૂજતા હતા. એ બરાબર ચાલી નહોતી શકતી પણ પોતાની જાતને રોકી શકે એમ પણ નહોતી. દેવતાની આજ્ઞાનો અનાદર કરવાની સજા મૃત્યુ હતી.

          કોઈ મને મદદ કરશે. સુરતાએ આશા રાખી પરંતુ એની બધી આશા ધૂંધળી થઈ ગઈ જ્યારે દેવતાએ એને ગળાથી પકડી અને છતના બીજા છેડા તરફ ખેચી જવા લાગ્યો. છતના એ છેડા તરફ હજુ પણ કાટમાળ પડ્યો હતો. એ વિભાગ હજુ સાફ કરવામાં આવ્યો નહોતો. શૂન્યો એમને જોઈ રહ્યા હતા. નિર્ભય સિપાહીઓની આંખો પણ એમના ઉપર જ હતી.

          દેવતાએ સુરતાને કાટમાળના ઢગલા પાછળ ફેંકી. એ વિભાગ દસ હતો. નિર્ભય સિપાહીઓ થોડી મૂંઝવણમાં હતા. શૂન્યોની ભીડમાં હળવો ગણગણાટ શરૂ થયો.  નિર્ભયની ટુકડીના ચહેરાના ભાવ પણ બદલાયા. કેટલાક ચહેરા પર લાગણી દેખાઈ - નાખુશ - કેટલાક નિર્ભય નાખુશ હતા. કદાચ એમને દેવતાની આ હરકત વાજબી નહોતી લાગી.

          અને પછી દેવતાને એક અવાજ સંભળાયો.

          "તમે આ શું કરો છો?" 

          એ અવાજ એક નિર્ભય સિપાહીનો હતો જે કામનું નિરીક્ષણ કરતી ટુકડીમાં હતો. એ છતના પ્રવેશદ્વાર પાસે ઊભો હતો.

          "તમે આ છોકરી સાથે શું કરો છો?" નિર્ભયએ ફરી પૂછ્યું. એની બાકીની ટુકડી ફાટી આંખે એને જોઈ રહી.

          "તેં મને પ્રશ્ન કરવાની હિંમત કરી?" દેવતાએ કહ્યું, “એક તુરછ સિપાહીની આ હિંમત?”

          "તમે કામદાર પર બળાત્કાર ન કરી શકો." નિર્ભય બોલ્યો, “એ દીવાલ આ તરફના કાયદાઓ વિરુદ્ધ છે.”

          નિર્ભયના શબ્દોથી સુરતાના ઘૂંટણ ઢીલા પડી ગયા. દેવતા તેના પર બળાત્કાર કરવા જઈ રહ્યો હતો. એને બળાત્કાર શું છે એ ખબર હતી. એ શબ્દ દીવાલની એ તરફ પણ અજાણ્યો નહોતો. જોકે દીવાલની એ તરફ એ માટે નિર્ભય સિપાહીઓ મૃત્યુદંડની સજા કરતાં એટલે ભાગ્યે જ એવી ઘટના ઘટતી.

          "એને છોડી દો." નિર્ભયે આદેશ આપ્યો.

          દેવતાએ નિર્ભય તરફ જોયું. એ યુવાન મજબૂત હતો.

          "તાંરું નામ શું છે, સિપાહી?" દેવતાએ પૂછ્યું એ જ સમયે એનો જમણો હાથ તેની પીઠ પાછળ પહોંચ્યો.

          "મનહર." નિર્ભય સિપાહીએ જવાબ આપ્યો.

          "મરવા માટે તૈયાર થઈ જા, મનહર." દેવતાનો હાથ એની પીઠ પાછળથી બહાર આવ્યો. આ વખતે એનો હાથ ખાલી નહોતો પણ એના હાથમાં એક નાનકડું હથિયાર હતું.

          સુરતાને ખબર ન પડી કે એ શું હતું પણ દેવતાએ મનહર નામના એ નિર્ભય સામે એ હથિયારની દિશા ફેરવી. બાકીના નિર્ભય સિપાહીઓ ખસી ગયા. મનહરને છોડીને બાકીના સિપાહીઓ ધ્રુજતા હતા. એ એક અફવા હતી કે નિર્ભયને ક્યારેય ડર નથી લાગતો. 

          બધાએ આકાશમાં થતી વાદળની ગર્જના જેવો મોટો અવાજ સાંભળ્યો અને બીજી જ ક્ષણે મનહરનું માથું તરબૂચની જેમ ફાટી ગયું. એમાંથી ચારે બાજુ લોહી અને મગજના અવયવ ઉડ્યા. એ જમીન પર પટકાયો. 

          દેવતાએ એને મારી નાખ્યો હતો.

          પણ કેવી રીતે?

          એણે એને સ્પર્શ કર્યા વિના કે કોઈ હથિયારનો ઘા કર્યા વિના કેવી રીતે મારી નાખ્યો? એની પાસે તલવાર નહોતી, છરી નહોતી કે લાકડી પણ નહોતી. એના હાથમાં જે ચીજ હતી એને શૂન્યો કાળદંડ તરીકે ઓળખતા કેમકે એનાથી મોતની સજા આપવામાં આવતી.

          "દેવતાએ એને શ્રાપ આપ્યો..." શૂન્યો બૂમો પાડવા લાગ્યા, "દેવતાએ એના શ્રાપથી એને મારી નાખ્યો."

*

          વિરાટ, નીરદ અને જગપતિ ભૂગર્ભમાં હતા. નીરદ અને વિરાટ તૂટેલી પાઈપ બદલતા હતા જ્યારે એમણે એ મેઘગર્જના જેવો ભારે અવાજ સાંભળ્યો અને પછી એમના લોકોના બરાડા સંભળાવા લાગ્યા. એમણે લોકોને બૂમો પાડતા સાંભળ્યા. એ બૂમો પાડતા હતા, “દેવતાએ એને શ્રાપથી મારી નાખ્યો.” શૂન્યો પાગલની જેમ બૂમો પાડતા હતા.

          "શું થઈ રહ્યું છે?" વિરાટે પાઈપ બાજુ પર મૂકીને પૂછ્યું.

          "કદાચ આપણા લોકોએ કંઈક વિચિત્ર જોયું છે." નીરદે જવાબ આપ્યો.

          "કંઈક તો થયું છે." વિરાટે આગ્રહ કર્યો, "આપણે ઉપર જવું જોઈએ."

          "શું તું નથી જાણતો કે આપણા લોકો અંધશ્રદ્ધાળુ છે?" એના પિતાએ કહ્યું, "એમણે કંઈક અસામાન્ય જોયું હશે."

          “ના, એ કહી રહ્યા છે કે દેવતાએ એને શ્રાપથી માર્યો. એ લોકો નિર્ભય સિપાહીઓની હાજરીમાં બૂમો પાડવાની હિંમત ન કરે. નક્કી કઈંક થયું છે." વિરાટે કહ્યું એ જ સમયે ચિત્રા ભૂગર્ભમાં પ્રવેશી. દેવતાએ નિર્ભય સિપાહીને મારી નાખ્યો અને છત પર હંગામો થયો એ જ સમયે એ છત પરથી સરકી ગી હતી.

          એ થાકી ગઈ હતી. એ હાંફતી હતી. જ્યારે એનો શ્વાસ સામાન્ય થયો ત્યારે એ બોલવાને બદલે રડવા લાગી.

          “શું થયું?” વિરાટે પૂછ્યું.

          "દેવતાએ એક નિર્ભયની હત્યા કરી અને હવે એ સુરતાને મારી નાખવા જઈ રહ્યો છે." ચિત્રાએ રડતાં રડતાં કહ્યું, "નિર્ભય સેનાનાયક ક્યાં છે? એમને સુરતાની મદદ કરવી જોઈએ."

          જગપતિ એમની નજીક દોડી આવ્યો. એ સમજી ગયો કે જો નિર્ભયની હત્યા થઈ હોય તો મામલો ગંભીર હોવો જોઈએ પણ એ જાણતો હતો કે દેવતાને રોકવાનો કોઈ રસ્તો નથી.

          "દેવતા સુરતાનો બળાત્કાર કરશે અને એની હત્યા કરશે." ચિત્રા ડુસકા ભરતી હતી. એ જગપતિ તરફ જોઈ રહી હતી. એને આશા હતી કે એ સુરતાને મદદ કરશે કારણ કે એણે સાતમી સુરંગમાં એમને મદદ કરી હતી, "તમારે એની મદદ કરવી જોઈએ."

          "સુરતા." વિરાટના ગળામાંથી દબાયેલા શબ્દો બહાર આવ્યા અને એના સ્નાયુઓ તંગ થવા લાગ્યા, "સુરતા." એ ઉપર જવા સીડીઓ તરફ આગળ વધ્યો પણ એના પિતાએ હાથ પકડીને કહ્યું, "ક્યાં જાય છે?"

          "એની મદદ કરવા."

          "હવે કોઈ એની મદદ ન કરી શકે." એના પિતાએ કહ્યું, "હવે કોઈ એની મદદ ન કરી શકે.” નીરદે પાગલની જેમ શબ્દો દોહરાવ્યા.

          "આપણે એની સુરક્ષાનું વચન આપ્યું હતું." વિરાટે યાદ અપાવ્યું.

          "હું જાણું છું પણ..." નીરદે કહ્યું, "પણ આપણે એ વચન પૂરું કરી શકીએ એમ નથી."

          "હું કરીશ..."

          "દેવતા એક પળમાં તને મારી નાખશે." નીરદે ચેતવણી આપી.

          "ભલે એ ગમે તે કરે." વિરાટે તેનો હાથ નીરદની પકડમાંથી છોડાવતા કહ્યું.

          "અને પછી દેવભાષા કોણ સમજશે?" નીરદે કહ્યું, “તું એક યુવતી માટે આપણા લોકોનું ભવિષ્ય જોખમમાં ન મૂકી શકે."

          વિરાટ પાસે એ સમજાવવા માટે શબ્દો નહોતા કે એક યુવતી પણ મહત્વપૂર્ણ છે. દરેકનું  જીવન મહત્વનું છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED