દશાવતાર - પ્રકરણ 49 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 49

          બીજું સપનું પહેલા કરતાં વધુ વિલક્ષણ હતું. વિરાટ પાટનગરમાં ક્યાંક ફસાઈ ગયો હતો. એ નાના બાળકની જેમ રડતો હતો. જોકે એ સ્વપ્નમાં એ ચાલીસ વર્ષનો હતો. એના માથામાં દુખાવો શરૂ થયો જાણે કોઈ એની ખોપરી પર હથોડાના ફટકા મારતું ન હોય. એ એક નાનકડા ઓરડામાં હતો જે પથ્થરના ચોસલાથી બનેલો હતો. એ જેલ જેવો ઓરડો હતો. એકાએક એ ઓરડો લાવાથી ભરાવા લાગ્યો. લાવા ક્યાંથી આવે છે એ વિરાટ સમજી ન શક્યો. ઓરડા બહાર એક  ધાતુના દરવાજા સિવાય કોઈ માર્ગ નહોતો. દરવાજો હવાચુસ્ત બંધ હતો. હવા કે પાણી પણ અંદર આવી કે બહાર જઈ શકે એમ નહોતા. વિરાટ લાવામાં ઊભો હતો પણ નવાઈની વાત એ હતી કે એના પગ બળતા નહોતા. એને લાગ્યું જાણે એ પાણીમાં ઊભો છે. 

          થોડીવારમાં લાવા એને ડુબાડવા લાગ્યો. એણે તરવાનો પ્રયત્ન કર્યો. એણે સપાટી પર રહેવાની કોશિશ કરી પણ એના હાથ દુખતા હતા. એ થાકી ગયો હતો. એ એટલો થાકી ગયો હતો કે એના હાથ હલાવી શકે એમ નહોતો, એ હવે તરી શકે એમ નહોતો, એ વધારે સમય પોતાની જાતને સપાટી પર રાખી શકે એમ નહોતો.

          અને પછી એકાએક કોઈ જૂની તસવીર જોઈ પરિચિત માણસની ઓળખ થાય એમ એના મનમાં કેટલાક શબ્દોએ આકાર લીધો – મારી સાથે છળ થયું છે. કોઈએ એની સાથે દગો કર્યો હતો અને એને એ ઓરડોમાં ફસાવ્યો હતો.  એ જાણતો હતો. પણ કોણ? એ જાણતો નહોતો. અને પછી એનું શરીર ફર્શ પર અથડાયું. એકાએક એ જેના પર તરતો હતો એ લાવા અદૃશ્ય થઈ ગયો. એ લાવા કેમ અદૃશ્ય થઈ ગયો એ એને એક પળમાં સમજાઈ ગયુ. લાવા પર તરતી વખતે એ કોઈ સહારો મેળવવા માટે આમતેમ ફાંફાં મારતો હતો.  એ સમયે ધાતુની પાઈપનો એક ફૂટનો ટુકડો એના જમણા હાથમાં આવ્યો હતો. એના હાથમાંની પાઈપ જોતા જ એને ડૂબાડતો લાવા અદૃશ્ય થઈ ગયો હતો. એ ફરી એકલો હતો – એક જેલ જેવા ઓરડામાં એની આસપાસ એકલતા સિવાય કશું નહોતું. એણે પોતાના હાથમાંની પાઈપના ટુકડા તરફ જોયું - એ ટુકડો વિચિત્ર હતો. 

          કદાચ એ એક પ્રકારનું શસ્ત્ર હતું. એના પર દેવભાષામાં ‘રત્નમેરુ’ લખેલું હતું. સ્વપનમાં વિરાટ દેવભાષા વાંચી શક્યો પણ એને એ શબ્દોનો અર્થ ન સમજાયો. એને ખબર નહોતી કે એના હાથમાં શું છે. એણે બંને હાથે કોઈ લાકડી પકડે એમ એ પાઈપના ટુકડાને પકડ્યો એ સાથે જ એના બંને હાથની પ્રિન્ટ એ શસ્ત્રને મળી અને પાઈપના એક છેડેથી ત્રણેક ફૂટ લાંબી તલવાર નીકળી. હવે એના હાથમાં પાઈપનો ટુકડો તલવારની મૂઠ બની ગયો હતો. એણે તલવારથી દરવાજા પર પ્રહાર કર્યો. એ દરવાજાના વચ્ચેના ભાગે અથડાઈ એ પહેલા ધગધગતા લાવા જેવી બની ગઈ હતી. એ દરવાજાની બરાબર મધ્યમાં અડધે સુધી ઉતરી ગઈ. વિરાટ ઊભો થયો અને તલવારનો પાઈપ જેવો ભાગ પકડી કોઈ કાગળને કાપતો હોય એમ દરવાજો કાપી નાખ્યો. એ તલવાર લઈને દરવાજા બહાર નીકળ્યો. એને ખબર નહોતી કે કઈ રીતે પણ બહાર આવી એણે તલવાર પરથી એક હાથ ખસેડી લીધો અને એક હાથમાં તલવાર રાખી સહેજ નીચે તરફ આંચકો આપ્યો એ સાથે જ તલવાર ફરી એક ફૂટનો નાનકડો પાઈપનો ટુકડો બની ગઈ.

          હવે એ રસ્તા પર હતો. રસ્તો કાર અને બીજા વાહનોથી ભરેલો હતો. આસપાસ માનવ કે બીજા જીવનું કોઈ નામો નિશાન નહોતું. એકાએક એને અવાજ સંભળાયો.

          “વિરાટ...”

          એ અવાજ એના માટે પરિચિત હતો. એ અવાજ એના પિતાનો હતો. એણે આંખો ખોલી તો સામે નીરદ એનો ખભો ઢંઢોળી એને જગાડતા હતા.

          "શું?" વિરાટ સફાળો બેઠો થયો, “શું થયું?” ગઈકાલના થાકથી એનું શરીર દુખતું હતું.

          "મધ્ય શહેરની મુલાકાત લેવા માટે તૈયાર થા."

          "મધ્ય શહેર?" એણે પ્રશ્ન કર્યો.

          “હા.” એના પિતાએ કહ્યું, “નિર્ભય નેતાએ હમણાં જ આદેશ આપ્યો છે કે તમામ તાલીમીને બહારના ક્ષેત્રમાં કામ કરવા માટે તૈયાર કરવા. આપણે એક ઈમારતનું સમારકામ કરવું પડશે જે સારી સ્થિતિમાં છે.”

          "ક્યાં?"

          "શહેરના મધ્યમાં." એના પિતાએ કહ્યું, "કેટલાક દેવતા આ શહેરને જાળવવા માટે ત્યાં રહેશે."

          વિરાટે એના થેલામાંથી ટુવાલ કાઢ્યો અને મશીન સાથે જોડાયેલ એક વિશાળ  પાણીની ટાંકી પાસે ગયો. એ લોકો એ મશીનને ટ્રેક કહેતા. એ જ્યાં પણ જાય ત્યાં ટ્રેક સાથે જોડેલી પાણીની ટાંકી સાથે લઈ જવામાં આવતી. ત્રણ દિવસે એકવાર શૂન્યોને એ પાણીથી નહાવાની છૂટ મળતી. નહાયા પછી વિરાટે કામ પર જવાના કપડા પહેર્યા, કમર પર ટૂલકીટ બાંધી અને કામ પર જવા માટે તૈયાર થયો. નીરદ ગઈકાલે નહાયા હતા એ નહાયા વગર શૂન્યોનો પરિધાન અને રબરના જોડા પહેરીને તૈયાર થયા.

          "તમારી પાસે વધુ સમય નથી." નિર્ભય નેતાએ આદેશ આપ્યો. એ બધા ઇમારતની અંદર એકઠા થયા હતા, "આપણે બપોર પહેલા શહેરના મધ્યમાં પહોંચવું પડશે. દેવતાઓ શહેરમાં કામની તપાસ કરવા આવ્યા છે. એ શહેરના મધ્યની એક ઈમારતમાં રોકાશે. દેવતાઓની હાજરીમાં કરેલી એક નાની ભૂલ માટે પણ તમારું માથું કાપી નાખવામાં આવશે એટલે કોઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો, શૂન્યો.”

          "જાઓ." જગપતિએ કહ્યું, "બસમાં બેસો, બધા તાલીમી તમારા અનુભવી સાથે રહો. જ્યારે તમે દેવતાની સામે જાઓ ત્યારે માથું નમાવો નહિતર તમને મૃત્યુદંડની સજા કરવામાં આવશે."

          વિરાટનું હૃદય જોરથી ધબકતું હતું. જો કોઈ દેવતા સામે માથું ન નમાવે તો એને મારી નાખવામાં આવે એ વાજબી નહોતું.

          નીરદે એની સામે જોયું, "જઈશું હવે?"

          થોડાક ખચકાટ પછી વિરાટ એમની પાછળ ચાલવા લાગ્યો. લગભગ બધા શૂન્યો  ઇમારતમાંથી બહાર નીકળવા માટે દોડી રહ્યા હતા. એ બપોર પહેલા શહેરના મધ્યમાં પહોચવા માંગતા હતા.

          "જાઓ, ઉતાવળ કરો. બસમાં જાઓ, બસમાં ચડો." નિર્ભય નેતાની બૂમો સાંભળી શૂન્યો ઘેટાના ટોળા જેમ બસમાં ચડતા હતા. વિરાટ અને નીરદ બસમાં ચડ્યા.

          એક નિર્ભય સિપાહી એમની બસમાં પ્રવેશ્યો. હવે બસ દયનીય હાલતમાં હતી કારણ કે એ કેટલીય રાતોથી બહાર ચાલતા વીજળીના તોફાનમાં પડી હતી. એ અહીં આવ્યા ત્યારે બસ સારી સ્થિતિમાં હતી પરંતુ હવે એની બાજુઓ પર ગોબા પડી ગયા હતા અને મોટાભાગની બારીઓના કાચ તૂટી ગયા હતા. ડ્રાઇવરની આગળનો કાચ જરા અલગ હતો. એમાં અગણિત તિરાડો પડી હતી છતાં એ કોઈ ચમત્કારિક રીતે ત્યાં જ ચોટી રહ્યો હતો.

          "ઉપર આવી જાઓ."  નિર્ભય સેનાનાયક બીજી બસોમાં ચડવા શૂન્યોને આદેશ આપતો હતો, "જલ્દી કરો."

          શૂન્યો એક પછી એક બસમાં પ્રવેશ્યા. અંતે નિર્ભય નાયક જગપતિ બસમાં ચડ્યો અને ડ્રાઇવરને આગળ વધવાનો આદેશ આપ્યો. એક પણ શબ્દ બોલ્યા વિના ડ્રાઇવરે એન્જીન ચાલુ કર્યું અને બસ ધૂળવાળા માર્ગ પર રેતાળ હવા સોંસરવી આગળ વધી. કલાકો સુધી બસ આગળ કેટલાક મીટર કરતા વધુ કઈ દેખાતું નહોતું કેમકે હવામાં રેતીનું પ્રમાણ વધુ હતું. એક કલાક પછી જ્યારે એ પાકા રસ્તા પર ચડ્યા ત્યારે હવામાં રેતીનું પ્રમાણ ઓછુ થયું અને આસપાસનું બધું દેખાવા લાગ્યું.

          ડ્રાઇવર બેપરવાઈથી બસ ચલાવતો હતો. તમામ બસ, મશીન, ટ્રેકટર અને પાણીની ટાંકી બેપરવાઈથી આગળ વધતા હતા. બસો એક જૂના ખખડધજ સેતુ પરથી પસાર થઈ. સૂકી નદીને પાર કર્યા પછી ફરી એ પાકા રસ્તા પર આવ્યા. એ પછીના કેટલાક માઈલો સુધી રસ્તાની બંને બાજુ વિશાળ ઈમારત હતી. આગળ જતા એક ગેસ સ્ટેશન દેખાયું. ગેસ સ્ટેશન પસાર થાય એ પહેલાં વિરાટની નજર એ તરફ ગઈ. સ્ટેશન હવે કાટમાળ જેવું હતું. આઠેક જેટલા પંપ અને વિશાળ ગેસ ટાંકીઓ વિચિત્ર રીતે કચડાયેલી હાલતમાં હજુ પણ એમની જગ્યાએ ઊભા હતા. ગેસ સ્ટેશનની ઈમારતમાં બારીઓના બદલે મોટા ગાબડા હતા. 

          બાંધકામનો ડાબો ભાગ સાવ તૂટી ગયો હતો. બધે ધૂળ અને રાખ જાણે કોઈએ આખી ઈમારતને સળગાવી દીધી હોય એમ ફેલાયેલા હતા. એ પછી બસો રસ્તા પર ડાબી બાજુ વળીને એક સેતુ નજીકની પસાર થઈ. હવે વિસ્તાર રાખનો હોય એમ લાગ્યું. વિરાટની આંખો ધૂળ અને રેતીને બદલે માત્ર રાખ જોઈ શકતી હતી. જાણે આખો વિસ્તાર બળી ગયો હોય એમ ચારે બાજુ વૃક્ષોના અડધા બળેલા ઠુંઠા ઊભા હતા. કોલસા જેવા અને ડાળીઓ વિનાના વિશાળ વૃક્ષો કોઈએ અંગવિહીન રાક્ષસો જમીનમાં ખોદીને ઊભા કરી દીધા હોય એવા લાગતા હતા. હવામાં ઉડતી રાખને લીધે ચારે તરફ ધુમાડો હોય એવો અભાસ થતો હતો અને એમની બંને તરફના એ ખંડેર શહેરો હજુ હમણાં જ કોઈએ સળગાવ્યા હોય અને એમાંથી હજુ ધુમાડો નીકળતો હોય એવું લાગતું હતું.

          રસ્તાની બંને બાજુએ બધી ઇમારતોને કોઈએ સળગાવી દીધી હોય એવું લાગતું હતું. એ કોલસાનું શહેર હતું અને જમીનને બદલે રાખ પર ઊભું હતું. એક કલાક પછી રાખનો વિસ્તાર છોડીને એ બીજા શહેરમાં પ્રવેશ્યા જ્યાં ફરીથી તૂટેલી ઇમારતો દેખાતી હતી. એક નાની ઈમારતની સામેના મોટા પ્રાંગણમાં બસ ઊભી રહી ત્યાં સુધી વિરાટે વિવિધ વિશાળ ઈમારતોનું નિરીક્ષણ કર્યું. એમની બસ જે ઈમારત સામે ઊભી રહી એને બહુ નુકસાન થયેલું નહોતું. વિરાટે અનુમાન લગાવ્યું કે એ જ ઈમારતના સમારકામ માટે એમને આદેશ મળ્યો હશે.

          બસની અંદરના નિર્ભયના આદેશ મુજબ શૂન્યો એક હરોળમાં બસમાંથી બહાર નીકળ્યા અને એ જ રીતે કતારમાં ચાલતા એ નાનકડી ઈમારતના મોટા પ્રાંગણમાં એકઠા થયા. વિરાટને આશ્ચર્ય થયું કેમકે એ ઇમારતતે એક પણ બારી નહોતી. બાકીની ઈમારતો જેમ એના પર અડધા તૂટેલા કાચ પણ જોવા મળતાં નહોતા. પ્રાંગણમાં નિર્ભયની એક ટુકડી કેટલાક મશીનો સાથે એમની રાહ જોતી હતી. એમાંથી એક મશીન વાદળની ગર્જના જેવો અવાજ કરતુ હતું.

          "એ શું છે?"  વિરાટે ટ્રક સાથે જોડાયેલા એ વિશાળ કાળા મશીન તરફ ઈશારો કરી નીરદને પૂછ્યું.

          "એ જનરેટર છે." નીરદે કહ્યું, "એ વીલ્ડિંગ માટે વીજળી ઉત્પન્ન કરે છે. લોખંડી કામદારો માટે એ ઉપયોગી છે.”

          થોડીવારમાં વિવિધ કામ માટે ઓર્ડર આપવામાં આવ્યા. વિરાટના પિતાને બીજા પાંચ શૂન્યો સાથે કોંક્રિટ વોક-વે નાખવાનું કામ મળ્યું. વિરાટ એમની સાથે વોક-વેના કામમાં જોડાયો.

          “નમસ્કાર.” જે છોકરાને ટેસ્ટ ઓરડોમાં સૌપ્રથમ બોલાવવામાં આવ્યો હતો એ વિરાટ માટે આવ્યો, “તું કેવું અનુભવો છો?”

          "શેના વિશે?"

          "આ બધા વિશે."

          "મને આ બધું અર્થહીન લાગે છે."  વિરાટે કહ્યું, "તને શું લાગે છે?"

          "હું મારી ઝૂંપડી, મારા નાના ભાઈ અને મારી માતા વિશે વિચારું છું." એણે કહ્યું, "મારી પાસે દીવાલની આ તરફની બાબતો વિશે વિચારવાનો સમય નથી."

          વિરાટે માથું હલાવ્યું, "તને મળીને આનંદ થયો." 

          "મને પણ." એ હસ્યો અને એના કામ માટે રવાના થયો. એના પિતા આગળના દરવાજા પાસે ફૂટપાથ પર કામ કરતા હતા.

          એ યુવકે એના પરિવારનો ઉલ્લેખ કર્યો એટલે વિરાટના મનમાં પણ એની ઝૂંપડીની યાદો હવા સાથે રેતના કણોની જેમ ધસી આવી. વિરાટ એની મા, પદ્મા, દક્ષા, કૃપા, અંગદ અને એના બીજા બધા જ મિત્રો જે દીવાલની દક્ષીણ તરફ હતા એમને યાદ કરવા લાગ્યો.

          "અહીં ધ્યાન આપ." વિરાટને વિચારો ઘેરી વળે એ પહેલાં એક અનુભવી શૂન્યે કહ્યું, "તાલીમીએ કામમાં પૂરું ધ્યાન આપવું જોઈએ."

          વિરાટે જવાબ ન આપ્યો. એણે માત્ર હકારમાં માથું હલાવ્યું. એનું મન અત્યારે કોઈ જવાબ આપવા માંગતું નહોતું. એમની ટુકડીએ સફેદ રંગથી વોક-વે ચિહ્નિત કર્યો અને ત્યાંથી કાટમાળ ખસેડી નાખ્યો. એકવાર કાટમાળ હટાવ્યા પછી એમણે અડધા ફૂટ જેટલો વોક-વે ખોદ્યો. 

          એ પછી ટુકડીના તમામ લોકોએ રોડાં અને કાંકરી નાખી અને સપાટી તૈયાર કરી. એ કામમાં એમને બે કલાકથી વધુ સમય લાગ્યો. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, કેટલાક લોખંડના કામમાં, કેટલાક કોંક્રીટ બનાવવામાં, કેટલાક ફૂટપાથનું સમારકામ કરવામાં, કેટલાક પગથિયાં પર, કેટલાક દીવાલ પર અને કેટલાક થાંભલાઓ પર કામ કરતા હતા. બધા જાણે પોતાના ઘરનું સમારકામ કરતા હોય એવી નિષ્ઠાથી કામ કરતા હતા. વિરાટને સમજાતું નહોતું કે આ બધા આટલી નિષ્ઠાપૂર્વક કેવી રીતે કામ કરતા હશે. એમને પોતે ગુલામ હોવાનો અહેસાસ નહોતો એટલું તો પાક્કું હતું.

          એમણે વોક-વેની ધાર બાંધવા માટે લાકડાના પાટિયાનો ઉપયોગ કર્યો. અંતે કોંક્રીટ ભરતા પહેલા પાણી છાંટવામાં આવ્યું. નીરદ કડિયાકામમાં પણ નિપુણ હતા. એમને પાઈપ વર્ક જેમ કડિયાકામની પણ આવડત હતી.   

           એણે દેવતાઓને બાંધકામ બહાર આવતા જોયા. પાંચ દેવતા ઇમારતમાંથી બહાર આવ્યા. એમાંથી ચાર નીરદની ઉંમરના હતા અને એક એની ઉંમરનો હતો. બધા એક જ પરિધાનમાં હતા – દેવતાઓના સફેદ પરિધાનમાં.

           એમના લક્ષણો સમાન હતા. એ બધાની આંખો લાલ નસ અને શરીર લીલી નસથી ભરેલા હતા. એમના શરીર પર વાળ નહોતા, માથા પર તો શું ભ્રમર પર પણ વાળ નહોતા. એમણે માર્ગ તપાસ્યો પણ કંઈ બોલ્યા નહીં.  માત્ર અવલોકન કર્યું અને ફરી ઇમારતમાં ચાલ્યા ગયા.

          "શું એમને આપણું કામ પસંદ નથી આવ્યું?" દેવતા ઇમારતમાં ગયા પછી વિરાટે નીરદને પૂછ્યું.

          "કેમ નહી?"

          "તો પછી એ કેમ કંઈ બોલ્યા નહીં?"

          "મતલબ?" એના પિતાએ પૂછ્યું, "શું તું એમ અપેક્ષા રાખે છે કે એ આપણા કામની પ્રશંસા કરે?"

          "ના." વિરાટ હસવા લાગ્યો, “પણ...”

          "આપણે ભાગ્યશાળી છે કે એમને આપણા કામમાં કોઈ ખામી નથી દેખાઈ."

          "જો કોઈ ખામી દેખાઈ હોત તો?"

          “તો આપણને સાંજનું ભોજન અને કાલ સવારનો નાસ્તો ન મળોત." નીરદે કહ્યું, "આપણે આવતીકાલે સાંજે પણ જો એમને પસંદ આવે તેવો વોક-વે ન બનાવ્યો હોત તો આખો દિવસ ઉપવાસ કરવાનો વારો આવોત." 

          જ્યાં સુધી તમે તમારા કામથી એમને ખુશ ન કરો ત્યાં સુધી તમને રાશન મળતું બંધ થઈ જાય – કેવો જુલમ? વિરાટ પાસે કોઈ શબ્દો નહોતા. એણે મનોમન દેવતાઓને શ્રાપ આપ્યો.

          વોક-વેનું કામ પૂરું થયાને દસ દિવસ વીતી ગયા હતા. શૂન્યોએ ટેરેસ સિવાય લગભગ આખી ઇમારતનું સમારકામ પૂરું કરી લીધું હતું.

          "આજથી એક ટુકડી ભૂગર્ભના તમામ લીકેજ કવર કરશે અને એક ટુકડી ટેરેસનું સમારકામ કરશે. એ બંને કામ પૂર્ણ થશે એટલે આપણે બીજા શહર તરફ રવાના થઈશું." નીરદે વહેલી સવારે જ વિરાટને સમાચાર આપ્યા.

          "બીજા શહેર તરફ?" એને આશ્ચર્ય થયું.

          "હા, આ શહેર ઉપયોગી નથી." એના પિતાએ કહ્યું, "જગપતિએ શહેરને સમારકામ કર્યા વિના છોડી દેવાનો આદેશ આપ્યો છે કારણ કે અહીં તમામ ઇમારતોમાં ભૂગર્ભ સુરંગો નથી."

          "તો પછી આપણે આ ઇમારતનું સમારકામ કેમ કરી રહ્યા છીએ?"

          "એનો ઉપયોગ નજર રાખવા માટે કરશે." નીરદે જવાબ આપ્યો, "કેટલાક નિર્ભય સિપાહીઓ અહીં રહેશે જેથી એ નજીકના તબાહ શહેરોની તપાસ કરી શકે. એ આસપાસ કોઈ શહેર માનવ નિવાસમાં ફેરવી શકાય એમ છે કે નહીં એની ખાતરી કરશે."

          નીરદ એને બીજા લોકોથી દૂર લઈ ગયો અને કોઈના કાને એમના શબ્દો પડે એમ નહોતા ત્યારે એણે કહ્યું, "જગપતિ તને વધુ સમય અહીં રાખવા માંગતો નથી."  એનો અવાજ એકદમ ધીમો હતો, "એ તને શક્ય એટલી વહેલી તકે ઘરે મોકલવા માંગે છે."

          "હું સમજુ છું." વિરાટે કહ્યું અને એ ફૂડ પેકેટ લેવા બીજા શૂન્યો સાથે હરોળમાં જોડાયા.

          દસ મિનિટ કતારમાં ઊભા રહ્યા પછી એમને ફૂડ પેકેટ મળ્યા. વિરાટ અને નીરદ પેકેટ લઈને જૂની ખુરશીઓ પર ગોઠવાયા. ખુરશીઓ પર કાટ લાગેલો હતો.

          "તું છતના કામમાં જોડાયેલ છો?" ચિત્રા એની પાસે આવીને ઊભી રહી.

          "હા." એણે કહ્યું, "ખુરશી લે." વિરાટે સળિયાવાળી કાટ ખાધેલી એક ખુરશી તરફ ઈશારો કર્યો.

          “આભાર.” એ એ ખુરશીમાં ગોઠવાઈ, "જો એ દિવસ જેમ કોઈ જોખમ હોય તો મને ચેતવણી આપજે."

          "ચોક્કસ."  વિરાટે કહ્યું, "ચિંતા ન કર કેમકે આપણા પર કોઈને શંકા નથી."

          ચિત્રાએ માથું હલાવ્યું, "તેં એક નિર્ભયની ગરદન પર છરી કેવી રીતે મૂકી?"

          "મને ખબર નથી." એણે કહ્યું, "ક્યારેક હું મારામાં એક અલગ જ શક્તિનો સંચાર થતો અનુભવું છું."

          “ખરેખર?” એ મોં બનાવીને બોલી, "જો તું મને કહેવા માંગતો ન હોય તો મને કોઈ વાંધો નથી."

          "એવું કંઈ નથી." વિરાટે આસપાસ નજર કરી, "ક્યારેક મને લાગે છે કે મારી અંદર બે વિરાટ છે." એણે આસપાસ કોઈ નથી એ તપાસ કર્યા પછી કહ્યું, "ક્યારેક હું માત્ર શૂન્ય હોઉં છું પરંતુ કેટલીકવાર મારી અંદર કોઈક બીજું જ હોય છે જે મજબૂત અને શક્તિશાળી છે."

          "શું અંદરની વ્યક્તિ તારા પર કાબૂ મેળવે છે?" ચિત્રાએ પૂછ્યું.

          "ક્યારેક પરંતુ મોટે ભાગે હું એને કાબુમાં કરી લઉં છું,."

          "ક્યારેક એ મારી સાથે થાય છે પરંતુ મારામાં બે વ્યક્તિ જેવું નથી."

          “તો?”

          "હું હંમેશા જે છું એ જ છું પરંતુ કેટલીકવાર મારી પાસે હોવી જોઈએ એના કરતા વધુ હિંમત હોય છે."

          "મેં જોયું છે." વિરાટ હસ્યો, "જ્યારે તેં ભીડ વચ્ચે કૃત્રિમ શ્વાસ આપ્યા હતા."

          "હા." એ હસીને બોલી, "મને લાગે છે કે મેં તને એ ભૂલી જવાનું કહ્યું હતું."

          "હા, તેં કહ્યું હતું." વિરાટ હળવું હસ્યો, "હું જાણું છું કે કોઈક દીવાલની પેલી તરફ તારી રાહ જોઈ રહ્યું છે."

          "અને કોઈ તારી પણ રાહ જોઈ રહ્યું છે," ચિત્રાએ પોતાનું પેકેટ પૂરું કરતાં કહ્યું.

          "મારે જવું જોઈએ." વિરાટે કહ્યું, "તું પણ છતના કામમાં છો?"

          "હા, ધોળવાના કામમાં." એ બોલી અને ઊભી થઈ.

          વિરાટ અને નીરદ પણ ઊભા થયા. એ જગપતિ અને બીજા બે નિર્ભય સિપાહીઓ સાથે ભૂગર્ભમાં ઉતર્યા. એ ઈમારતમાં દેવતાઓ રોકાવાના હતા એટલે જગપતિ પોતે ભૂગર્ભના સમાર કામ પર દેખરેખ રાખવા માંગતો હતો અથવા કદાચ એ વિરાટની આસપાસ રહેવા માંગતો હતો જેથી એને કોઈ પણ અણધાર્યા જોખમથી એ બચાવી શકે. શૂન્યોની એક ટુકડી દુરોજયની દેખરેખ હેઠળ છત પર કામ કરતી હતી. એ છતના સમારકામમાં માહેર હતો.

 

ક્રમશ: