લેખ:- એક પત્ર મમ્મી પપ્પાનેલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
કેમ છો મમ્મી પપ્પા? હું પણ શું તમને પૂછું છું, તમે મજામાં જ હોવ ને! ભગવાનને ત્યાં ક્યાં કોઈને દુઃખ પડવાનું જ છે?! પણ તમને ખબર છે અહીંયાં અમે સૌ તમને બહુ જ યાદ કરીએ છીએ? જ્યારે પણ કોઈક ખાસ દિવસ હોય ત્યારે તો તમને યાદ કર્યા વગર રહી જ ન શકાય!
મને તો હજુ પણ યાદ છે પપ્પા, કે તમે મોટા ભાગે નોકરીમાં રજા લેવા તૈયાર થતા નહોતા, પણ જ્યારે પણ તમારી લગ્નની વર્ષગાંઠ હોય કે મમ્મીની વર્ષગાંઠ હોય તમે રજા લેતા જ હતા. દસ પંદર દિવસ અગાઉથી તમે આ દિવસે ઘરે શું બનાવીશું એની ચર્ચા શરુ કરી દેતા. ત્યારે ક્યાં હોટેલોમાં જવાનું થતું હતું? આપણે તો ઘરે જ બધું બનાવીને મજા કરતાં ને!
એમાં પણ જો તમારી અને મમ્મીની વર્ષગાંઠ એકસાથે આવે તો તો ખબર છે ને તમે બંને જણાં કેટલા ખુશ થઈ જતાં? (બંને જણાની સાથે એટલે કે એકની તારીખ પ્રમાણે તો એકની તિથિ પ્રમાણે). આવો દિવસ આવે એટલે જાણે આપણે ત્યાં મહોત્સવ હોય એવું વાતાવરણ સર્જાતું! અને પપ્પા તમે, આવા દિવસોએ તમારો ગુસ્સો તો ક્યાં જતો રહેતો ખબર પણ ન્હોતી પડતી. આ દિવસે સવારથી તમે બંને જણાં સતત કામમાં હોવ. મમ્મી જેટલું કહે એટલો સામાન તમે લાવી આપો મમ્મીને બજારથી. પછી તમે બંને ભેગાં મળીને સાંજની રસોઈની તૈયારી કરો. અમે તો સ્કૂલે જતાં રહેલા હોય. આમ પણ પપ્પા, તમે હો પછી મમ્મીને અમારી મદદની જરુર જ ક્યાં પડતી હતી? ઘરનાં બધાં જ કામોમાં તમને પણ સારી એવી ફાવટ હતી. રસોઈ તો પપ્પા તમારી પણ જબરદસ્ત જ બનતી હતી.
શિયાળો આવે એટલે તમે જાતજાતની વાનગીઓ અખતરા કરીને બનાવતા. ઉપરથી તમારી વર્ષગાંઠ પણ શિયાળામાં જ આવે. એટલે આ સંયુક્ત જન્મદિને તો અમને જલસા થઈ જતાં. પપ્પા, તમારા જેવો વટાણાનો સૂપ તો હજુ સુધી કોઈનાં હાથે બની શક્યો નથી, અને મમ્મી તારા હાથની ગળી રોટલી (પૂરણપોળી) તો આજ સુધી નથી ખાધી. શું કરવું જ્યારે આ બધું યાદ આવે? યાદ જ કરવાનું ને? તમે તો આવવાનાં નથી.
મને યાદ નથી કે તમે બંનેએ ક્યારેય પણ વગર કારણે અમારાં પર ગુસ્સો કર્યો હોય. ખૂબ જ ટૂંકી આવકમાં પણ તમે અમને ઉચ્ચ શિક્ષણ અને મોભાદાર જીવન આપ્યું છે. આજે અમે જે પણ કંઈ છીએ એમાં અમારી મહેનત ઓછી અને તમારો સંઘર્ષ વધારે છે. માતાપિતા જેવી તાલીમ આપે એવા જ બાળકો બને એ ઉક્તિ તમે લોકોએ સાચી સાબિત કરી બતાવી.
તમને કદાચ ખબર જ હશે જો ઉપરથી અમારાં પર નજર રાખતાં હશો તો કે તમારી આ દીકરી અણધારી લેખિકા બની ગઈ છે. પપ્પા, આને માટે તમે જ જવાબદાર છો. વાંચનની અને એને આધારે વિચારોને કાગળ પર ઉતરવાની આદત તમે જ મને પાડી હતી. લાયબ્રેરીનો ઉપયોગ જીવનમાં કેટલો જરુરી છે એ તમે મને મારાં આઠમા ધોરણમાં જ શીખવી દીધું હતું.
આ વર્ષે 27 ડિસેમ્બર, એટલે કે મમ્મી તારી વર્ષગાંઠ અને હિંદુ તિથિ છે 'પોષ સુદ પાંચમ' એટલે કે પપ્પા તમારી વર્ષગાંઠ. ફરીથી આવો દિવસ આવ્યો પણ એ ઉત્સાહ કે કોલાહલ નથી. તમને બંનેને યાદ કરીને હું આવી એક જાદુઈ ચિરાગ શોધી રહી છું કે જે મને થોડી ક્ષણો માટે પણ આજે તમારી પાસે લઈ આવે.
લિ.
તમને હરહંમેશ યાદ કરતી,
તમારી વ્હાલી દીકરીનાં પ્રણામ.🙏🙏