દશાવતાર - પ્રકરણ 46 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 46

          “શૂન્યો, તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહી જાવ.” એ ટનલ નંબર 7માંથી બહાર આવ્યા એ જ સમયે વિરાટને અજાણ્યો અવાજ સંભળાયો. ના, એ અવાજ એના માટે અજાણ્યો નહોતો. એ અવાજને એ ઓળખતો હતો. એના મગજમાં એ અવાજની સ્મૃતિ હજુ એકદમ તાજી જ હતી. 

          એ અવાજ નિર્ભય સૈનિકોના બીજા સેનાનાયકનો હતો. એ અવાજ ભૈરવનો હતો.  ભૈરવ જગપતિ પછી નિર્ભય સૈનિકોમાં બીજા પદે હતો. 

          "તમે અહીં શું કરો છો?" એનો અવાજ સ્ત્તાવાહક હતો. 

          વિરાટ જવાબ આપવા માંગતો હતો પણ એનું મોં સુકાઈ ગયું હતું, એનું ગળું પણ સુકાઈ ગયું હતું અને એનું મન કોરું અને સફેદ થઈ ગયું હતું. એને સમજાતું નહોતું કે એણે શું કરવુ જોઈએ કે શું કહેવું જોઈએ. એનો અવાજ એના ગાળામાં જ દબાઈ ગયો હતો. કોશિશ કરવા છતાં જીભ ન ઉપડી ત્યારે એને થયું કે કદાચ એ પોતાનો અવાજ ગુમાવી બેઠો છે અને એને શંકા થઈ કે એ ફરી ક્યારેય બોલી શકશે કે કેમ? 

          "ડરીશ નહીં." એના પિતાએ હળવેથી એના કાનમાં કહ્યું, "એવો દેખાવ કર જાણે આપણે નિયમોની વિરુદ્ધ કંઈ કર્યું નથી." 

          એમણે ચાલવાનું બંધ કર્યું અને ઊભા રહી ગયા. વિરાટને લાગ્યું જાણે આસપાસની હવા નક્કર બનીને એમને આગળ વધતા રોકી રહી છે. 

          ભૈરવે પણ ચાલવાનું બંધ કર્યું. વિરાટ એનાથી બને એટલો શાંત દેખાવા પ્રયત્ન કરતો હતો. એને ફક્ત એટલું કરવાનું હતું કે ભૈરવને એના પર શંકા ન થાય પરંતુ એના હાથ ધ્રુજતા હતા અને ધ્રુજારી રોકવા માટે એ કંઈ કરી શકે તેમ નહોતો. શાંત રહેવા મથામણ કરવા છતાં વિરાટના શ્વાસ ધમણની જેમ ઝડપથી ચાલતા હતા જાણે એના શરીરને સામાન્ય કરતાં વધુ ઓક્સિજનની જરૂર ન પડતી હોય. 

          વિરાટે ભૈરવની પાછળ બે નિર્ભય સૈનિક આવતા જોયા. એમાંથી એકે ચિત્રાને બાવડાથી પકડેલી હતી અને એની છરી ચિત્રાના ગળા પર હતી. બીજા નિર્ભયના હાથમાં ખુલ્લી તલવાર હતી. વિરાટનો ભય ચરમસીમાએ પહોંચી ગયો.

          "મેં તેને કૃત્રિમ શ્વાસ આપતા જોઈ છે." ભૈરવએ ચિત્રાની નજીક જઈ આંગળી વડે ચિત્રાના ગાલ પર ટકોરા મારતા કહ્યું, "એક શૂન્ય કેવી રીતે જાણી શકે કે કૃત્રિમ શ્વાસ જીવન બચાવી શકે છે?" એણે વિરાટ અને તેના પિતા સામે જોયું. "તમે મને કહી શકશો?"

          એ પછી ભૈરવ લાંબા ડગલાં ભરીને એમની નજીક પહોંચ્યો અને વિરાટના પિતાના ચહેરાની નજીક એનો ચહેરો આવે એટલો ઝૂકીને પૂછ્યું, "શું તું મને સમજાવીશ કે તારો દીકરો વીજળીના પ્રહારથી કેવી રીતે બચી ગયો?" એ હસ્યો, "જો નિર્ભય વીજળીના પ્રહારથી મરી જાય તો શૂન્ય કેવી રીતે બચી શકે?" 

          "વીજળી એની નજીક ત્રાટકી હતી. તેના ઉપર નહીં." નીરદે જવાબ આપ્યો પણ એનો અવાજ ભયથી ધ્રુજતો હતો.

          "ના, આ સાચું નથી," ભૈરવએ કહ્યું, "મેં એના પર વીજળીનો બોલ્ટ પડતો જોયો હતો. એ મેં જોયેલો સૌથી તેજસ્વી બોલ્ટ હતો અને થોડી મિનિટો પછી મેં શું જોયું? આ છોકરી…” એ જરા અટક્યો અને ચિત્રા તરફ જોયું, “આ છોકરી દોડીને એની નજીક ગઈ અને એને બચાવનો શ્વાસ આપ્યો. તારો દીકરો ફરી એના પગ પર ઊભો થયો ત્યારે એના શરીર પર વીજળીની કોઈ અસર થઈ નહોતી એના કપડાને પણ કઈ થયું નહોતું.” એનો હાથ એની તલવારની મુઠ પર પહોંચ્યો, "શું તમે મને સમજાવી શકશો?"

           વિરાટના દાંત ભીંસાયા અને જડબા તંગ થયા. ‘વિરાટ, કંઈક કર નહીં તો આ લોકો તને અને તારા પિતાને મારી નાખશે.’ એણે પોતાની જાતને કહ્યું પણ શું કરવું એ એને સમજાતું નહોતું. એ કંઈક કરવા માંગતો હતો પરંતુ એને ખબર નહોતી કે એવી સ્થિતિમાં શુ કરવું જોઈએ કેમકે પહેલા ક્યારેય એણે નિર્ભય સિપાહીઓનો સામનો નહોતો કર્યો. એના ફેફસાંમાં બળતરા થવા લાગી - મારે કંઈક કરવું પડશે એણે વિચાર્યું - પણ એ માત્ર એટલું જ કરી શકયો કે એ તણાવમાં એકદમ છીછરા શ્વાસ લેવા માંડ્યો હતો અને ઓક્સિજનની અછતને લીધે એના ફેફસાં બળવા લાગ્યા હતા. હું એમને મને મારી નાખવા ન દઈ શકું, હું એમને મારા પિતા અને ચિત્રાને મારવા ન દઈ શકું... ચિત્રાએ મારો જીવ બચાવ્યો છે... 

          વિરાટનો હાથ અનાયાસે એના પિતાના કમરબંધ સુધી પહોંચ્યો. એણે કમરબંધમાં ભરાવેલી છરી બહાર ખેંચી કાઢી અને ભૈરવ તરફ લપકયો. એને પોતાને ખબર નહોતી પણ એ કોઈ હિંસક જાનવરની જેમ વીજળી વેગે ભૈરવ પાસે પહોંચી ગયો હતો. પ્રલય પહેલા લુપ્ત થયેલા ચિત્તા જેમ એ ભૈરવ સુધી પહોંચ્યો એટલે એને અટકાવવા ભૈરવ કશું કરી ન શક્યો. એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કોઈ શૂન્ય એક નિર્ભય કરતા ઝડપી તેજ હોઈ શકે.

          "તારી તલવાર ફેંકી દે,” વિરાટે એના ગળે છરી ભીડાવી કહ્યું. છરી ભૈરવના ગળાની ચામડીમાં ઉતરતી હતી. 

          "એક શૂન્ય કોઈ નિર્ભયને ન મારી શકે." ભૈરવ હસ્યો પણ એના અવાજમાં ભયની આછી અસર વર્તયા વગર ન રહી.

          "શું તું એ તપાસવા માંગે છે?" વિરાટે પૂછ્યું. 

          "તું મને મારી નહીં શકે." ભૈરવે કહ્યું. “તારો હાથ ધ્રૂજે છે."

          વિરાટે નોંધ્યું કે ખરેખર એની આંગળીઓ ધ્રૂજતી હતી. એણે દાંત ભીંસ્યા, "હું તને કેમ ન મારી શકું?" 

          "કારણ કે તું એક શૂન્ય છો."

          "ધારણા તો સારી છે પણ જો એવું હોય તો તું મને કેમ મારવા માંગે છે?" 

          "કારણ કે તું એ વ્યક્તિ છો જેને હું શોધી રહ્યો છું." ભૈરવએ કહ્યું, "તું એ જ શૂન્ય છે જેના વિશે ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે." 

          "શું તને નથી લાગતું કે ભવિષ્યવાણીમાં જે શૂન્ય છોકરાની વાત થઈ છે એ નિર્ભયને મારી શકે છે?" 

          ભૈરવે જવાબ ન આપ્યો પરંતુ એક પળ પછી એણે તલવાર પરની પકડ ઢીલી કરી અને રણકાર કરતી તલવાર જમીન પર પડી.

          "સેનાનાયકને છોડી દે નહીંતર હું આ છોકરીને મારી નાખીશ." ચિત્રાના ગળા પર છરી રાખેલા માણસ આઘાતમાંથી બહાર આવ્યો હોય એમ એણે કહ્યું. એણે એની આંખોની સામે જે જોયું એ એક આઘાત કરતાં ઓછું નહોતું. એક શૂન્ય એના સેનાનાયકને તાબામાં કરી શકે એ તેના માટે માની ન શકાય એવું હતું. 

          વિરાટે ભૈરવના ગળા પર છરી દબાવી. ચામડી વધારે કપાતા લોહીની બુંદોથી છરીની ધાર ભીની થઈ. "એને જવા દે નહીં તો હું તારા સેનાનાયકને મારી નાખીશ." એણે કહ્યું. 

          "શુ ચાલી રહ્યું છે?" એક નવો અવાજ સંભળાયો અને એને અનુસરતો સેનાનાયક જગપતિ છઠ્ઠા ક્રમની સુરંગમાંથી એ રીતે બહાર આવ્યો જાણે કોઈ જાદુગરની તરકીબે એને હવામાંથી ઉત્પન્ન કર્યો હોય. 

          "આ છોકરાએ સેનાનાયકને તાબામાં કરી લીધા છે." ચિત્રાના ગળા પર છરી રાખેલ માણસે કહ્યું. 

          "મૂર્ખ....." જગપતિ એની નજીક આવ્યો, "તને ખબર નથી કે આવી સ્થિતિમાં શું કરવું?" 

          એ માણસે કઈ જવાબ ન આપ્યો. જગપતિએ છરી બહાર કાઢી અને એની છાતીમાં ઉતારી દીધી. છરી બરાબર એના હૃદયના ભાગે વાગી હતી. એ નિર્ભય જમીન પર પડ્યો. બીજો નિર્ભય આ જોઈ રહ્યો - એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. 

          "તું એને મારી નાખ." જગપતિએ વિરાટ તરફ ફરીને કહ્યુ, "અને પછી હું તમને બધાને મારી નાખીશ." 

          બીજી જ પળે એનો હાથ વીજળીની જેમ ફર્યો. બીજા નિર્ભયના ગળા પર લાલ રેખા દેખાઈ. એ રેખા વિસ્તરતી અને એ પણ  જમીન પર ફસડાઈ પડ્યો. 

          "તું શું કરે છે, જગપતિ?" જમીન ઉપર ફેલાતા નીર્ભયના લોહી સામે જોતા ભૈરવે પૂછ્યું. વિરાટની છરી હજુ પણ એના ગળા પર હતી. વિરાટ શું કરવું એ નક્કી નહોતો કરી હતો. 

          "એ સાવ નકામા હતા." જગપતિ હવે વિરાટ અને ભૈરવથી થોડાક ડગલાં જ દૂર હતો. 

          "આગળ ન વધીશ નહીં તો હું આને મારી નાખીશ." વિરાટે કહ્યું. નીરદ પથ્થરની પ્રતિમા બનીને બધું જોઈ રહ્યા હતા. એ કંઈ પણ કરવા અસમર્થ હતા. 

          "મેં કહ્યું ને તું એને એને મારી." જગપતિ ન અટક્યો, "અને પછી હું તને અને તારા પિતાને મારી નાખીશ." 

          વિરાટને આશા હતી કે ચિત્રા કંઈક મદદ કરશે પણ ચિત્રા તરફ નજર ફેરવી તો એ જમીન પર ઘૂંટણિયે પડીને રડતી  હતી. એની પાસે મદદની આશા રાખવી નકામી હતી. 

          જગપતિ વિરાટથી એક ડગલું દૂર અટકયો, "એને છોડી દે." 

          વિરાટે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. એ એમ જ ભૈરવના ગળા પર છરી દબાવીને ઊભો રહ્યો. 

          "બળવાખોર, એને છોડી દે નહીં તો અમે સફરમાં આવેલા બધા શૂન્યોને મારી નાખશું." એનો ચહેરો ગુસ્સાથી લાલ થવા લાગ્યો. એની આંખોમાં હિંસક ચમક દેખાવા લાગી. 

          વિરાટનો હાથ આપોઆપ કામે લાગ્યો હોય એમ એણે ભૈરવના ગળા પરથી છરી હટાવી. એ પોતાના જીવ માટે પોતાના લોકોના જીવનું જોખમ લેવા તૈયાર નહોતો. એ તેના પિતાના કે ચિત્રાના જીવ માટે પણ એટલા શૂન્યોની કુરબાની આપવા તૈયાર નહોતો. એણે ભૈરવને છોડી દીધો અને એ એક ડગલું પાછળ ખસી ગયો. 

          "આભાર, જગપતી." ભૈરવએ કહ્યું. "સારું થયું તું સમયસર આવી ગયો." 

          "હા." જગપતિએ કહ્યું અને ભૈરવની છાતીમાં છરી ઉતારી દીધી.

          "શું થયું..." ભૈરવ વધુ બોલી ન શક્યો.

          "જો તારામાં કોઈને મારવાની હિંમત નથી તો કોઈના ગળા પર હથિયાર મુકવાનો કોઈ અર્થ નથી." જગપતિએ વિરાટ સામે જોયું.

          વિરાટ હજુ સ્થિતિને સમજવા મથી રહ્યો હતો. એક પળમાં એણે ન ધાર્યું હોય એવું ઘણું બધું થયું હતું અને એ બધું નજરે જોવા છતાં એનું મગજ એમાંથી કશું સમજી શકતું નહોતું. જગપતિએ પોતાના જ માણસોને કેમ મારી નાખ્યા એ એને સમજાતું નહોતું. 

          "તું ઠીક છે, નીરદ?" એણે વિરાટના પિતા સામે જોયું, "હું તમારી મદદ કરવા માટે અહીં છું." 

          વિરાટને એના પર વિશ્વાસ ન થયો. એ મજાક કરે છે કે શું? નિર્ભય સેનાનાયક શૂન્યોની મદદ કેમ કરે? 

          "હું ઠીક છું." નીરદે કહ્યું, "મને ખબર જ હતી કે તું સમયસર આવી જઈશ." 

          મારા પિતાને શું થયું છે? શું એ જગપતિની વાતનો વિશ્વાસ કરવા લાગે એટલા મૂર્ખ છે? વિરાટે વિચાર્યું કે જગપતિ એમને મારતા પહેલા માહિતી મેળવવા માટે છેતરપિંડી કરતો હશે. 

          "પાણી જોઈએ છે?"  જગપતિએ એના કમરબંધમાંથી પાણીની મશક કાઢતા કહ્યું.

          વિરાટે જવાબ ન આપ્યો.

          "થોડું પાણી પી લે." જગપતિએ કહ્યું, "તારું ગળું સુકાઈ રહ્યું છે." એણે વિરાટના હાથમાં પાણીની મશક પકડાવી.

          વિરાટે લીધું પણ પાણી ન પીધું.

          "પાણી પી લે, વિરાટ" એના પિતાએ કહ્યું, "તારે પાણીની જરૂર છે."

          "એ આપણને છેતરે છે." વિરાટે કહ્યું. એનો અવાજ ધ્રૂજતો હતો.

          જગપતિએ વિરાટ તરફ નજર કરી, " મારી તરફ જો."

          વિરાટે એની સામે જોયું.

          "મેં જ તારો જીવ બચાવ્યો છે." એ પાછો ફર્યો અને ચિત્રા પાસે ગયો, "તમારે લોકો પર વિશ્વાસ કરતા શીખવું જોઈએ." એણે પાછળ જોયા વિના કહ્યું.

          નીરદ વિરાટની નજીક ગયા, "તું ઠીક છે, બેટા?" એણે કહ્યું. નીરદે એનો હાથ દીકરાના ગાલ પર ફેરવ્યો અને ખાતરી કરી કે એ ઠીક છે.

          "હું ઠીક છું." એણે કહ્યું અને ધીમા અવાજે ઉમેર્યું, "આપણે એના પર વિશ્વાસ ન કરવો જોઈએ."

          એના પિતાએ હસીને એનો હાથ પકડ્યો, "એનાથી ડરવાની કોઈ જરૂર નથી."

          વિરાટે નીરદને દૂર ધકેલી દીધા.

          "શું?" એના પિતાએ પૂછ્યું, "શું થયું બેટા?"

          "એ છે..."  વિરાટે જગપતિ સામે જોયું અને અટકી ગયો.

          જગપતિ ચિત્રાને ઊભા થવા ટેકો આપતો હતો.

          "તું ઘાયલ છે?" જગપતિએ એને પૂછ્યું.

          "ના." ચિત્રાએ માથું હલાવીને કહ્યું પણ એ જગપતિથી ડરીને દૂર ખસવા લાગી.  

          "તું મારાથી ડરે છે?"

          "હા."

          "તારે ન ડરવું જોઈએ." એણે તેના ખભા પર હાથ મૂક્યો, "હું દેખાઉં તેના કરતાં વધારે દયાળુ છું."

          "મને તમારા પર વિશ્વાસ છે." એ બોલી અને વિરાટને આશ્ચર્ય થયું કે એ જુઠ્ઠું બોલતી હશે કે ખરેખર તેના પર વિશ્વાસ કરતી હશે!

          "કોણ જાણે છે કે ભૈરવે તને પકડી લીધી છે?" જગપતિએ પૂછ્યું.

          "કોઈ નહીં." એ બોલી, "હું એકલી હતી."

          "સારુ છે." જગપતિએ કહ્યું, “શું તું આ લોહી સાફ કરી શકીશ? કોઈ એને જુએ એ પહેલાં આપણે આ ગંદકી સાફ કરવાની જરૂર છે.”

          ચિત્રાએ માથું હલાવ્યું.

          "એને તમારી પાણીની મશક આપો." જગપતિએ વિરાટ અને નીરદ તરફ જોયું, "એની પાણીની મશક આ સાફ કરવા માટે પૂરતી નથી."

          જગપતિ એમની પાસે ગયો, "આપણે આ લાશોનો નિકાલ કરવો પડશે."

          હવે વિરાટને એના પર વિશ્વાસ બેઠો, "જો આપણે એમને સુરંગમાં ફેંકી દઈએ તો?"

          "આપણે એમ ન કરી શકીએ." જગપતિએ કહ્યું, “આપણે સુરંગમાં એટલા ઊંડા છીએ જેટલા આપણે ન જવું જોઈએ. બીજા લોકોથી કેટલાક કિલોમીટર દૂર છીએ પરંતુ એનો અર્થ એ નથી કે સાંજે ત્રણ નિર્ભય ગુમ થયાના સમાચાર મળ્યા પછી પણ કોઈ અહીં તપાસ કરવા નહીં આવે.

          "તો શું કરવું?" નીરદે પૂછ્યું, "આપણે લાશોનું શું કરીશું?"

          “તમે સવારથી સુરંગોમાં ફરો છો. તમે એવો કોઈ દરવાજો નથી જોયો કે જેનામાં આગ લાગી શકે એવો વાયુ હોવાની શંકા હોય?”

          "એ આ સુરંગના બીજા છેડે છે." વિરાટે કહ્યું.

          "તેં તારા દીકરાને ઘણું બધું શીખવી દીધું છે." જગપતિ હસ્યો, "નીરદ, આપણે ઉતાવળ કરવી જોઈએ."

          વિરાટને આશ્ચર્ય થયું કે જગપતિ એના પિતાને નામથી કેવી રીતે ઓળખે છે. નિર્ભય અને દેવતાઓ માટે શૂન્ય માત્ર શૂન્ય હતા. એમના નામ યાદ રાખવાની કોઈને પરવા નહોતી.

          “આપણે મૃતદેહને સળગાવી નાખીશું?” નીરદે પુછ્યું.

          “ના, બ્લાસ્ટ કરીશું.” જગપતિએ કહ્યું, “હવે વજન ઉપાડવું પડશે.” એ ફરી હસ્યો.

          "ઠીક છે." નીરદે કહ્યું, "મારે કોનો મૃતદેહ લેવો જોઈએ?"

          "ભૈરવનો." જગપતિએ કહ્યું, "હું આ બદસુરતનો મૃતદેહ ઉઠાવીશ અને પ્રતાપનો મૃતદેહ વિરાટ ઉઠાવશે." એણે વિરાટ તરફ જોયું, "શું તું મૃતદેહ સાથે ચાલી શકીશ?"

          વિરાટે માથું હલાવ્યું. જો એ એના લોકોના ન હોય તો મૃતદેહ સાથે ચાલવામાં વિરાટને કોઈ વાંધો નહોતો. એમણે પાણીની મશક જમીન પર મૂકી અને મૃતદેહો ઉપાડ્યા.

          "જો કોઈ આવે તો?" વિરાટે ચિત્રા તરફ જોઈને કહ્યું. એ લોહી સાફ કરતી હતી.   "એ એકલી હશે."

          “અહીં કોઈ નહીં આવે.” જગપતિએ એને ખાતરી આપી, “આપણે બહુ દૂર છીએ. જો કોઈ આવવાનું હોત તો એ એ ત્યારે આવી ગયું હોત જ્યારે મેં એને મારી નાખ્યો અને એમાંથી એકના ગળામાંથી મરણચીસ નીકળી હતી.” જગપતિએ ચિત્રા તરફ જોયું અને કહ્યું, "લોહી સાફ થયા પછી અમારી રાહ ન જોતી. તારા પિતા પાસે જજે અને એવું વર્તન કરજે જાણે કંઈ થયું જ નથી.”

          ચિત્રાએ એની સામે જોયું અને માથું હલાવ્યું.

          “જો કોઈ તને પૂછે તો કહેજે કે તું પાંચમી સુરંગમાં ભૂલી પડી ગઈ હતી. બીજું કશું ન કહીશ. ગમે તેમ ઉલટતપાસ કરે તો પણ એક જ વાતને વળગી રહેજે. તારા પિતાને પણ હકીકત ન કહીશ.” જગપતિએ સુચના આપી, “અને અમારી પાણીની મશક અહીં છોડી દેજે. અમે પાછા આવીશું ત્યારે અમને પાણીની જરૂર પડશે.”

          "ઠીક છે." ચિત્રાએ ફરીથી માથું હલાવ્યું.

          "ચાલો." જગપતિએ કહ્યું, “આપણે હજુ ઘણું કામ કરવાનું છે.”

          વિરાટ અને નીરદ ખભા પર નિર્ભય સિપાહીઓના મૃતદેહ લઈને જગપતિ સાથે સુરંગમાં દાખલ થયા.

ક્રમશ: