દશાવતાર - પ્રકરણ 45 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 45

          "શૂન્ય, મારી પાછળ આવો." નિર્ભય સેનાનાયક જગપતિએ નાસ્તો પૂરો થતા જ આદેશ આપ્યો. બધા શૂન્યોએ હકારમાં માથું હલાવ્યું અને તેની પાછળ એમ જવા લાગ્યા જાણે કે એ બધા ઘેટાંના એક ટોળા કરતા વિશેષ કંઈ જ ન હોય. વિરાટ અને નીરદ સીડી ઉતરી નીચે ભોંયરા તરફ ગયા. વિરાટ પહેલીવાર કામ કરવા જઈ રહ્યો હતો. કામ એ શૂન્યના જીવનમાં સૌથી મહત્વનું પાસું હતું. આજે તેના માટે કામનો દીવાલની આ તરફનો પહેલો દિવસ હતો. આ દિવસ ગમે ત્યારે પહેલા દિવસમાંથી છેલ્લા દિવસમાં ફેરવાઈ જવાની સંભાવના હતી. કોઈ ખંડેર ઇમારત નીચે દબાઈ મરવું, વીજળીના તોફાનમાં સપડાવું જેવા તો હજારો પાસા હતા જે શૂન્યને તેના દયનિય જીવનથી છુટકારો આવવા માટે પૂરતા હતા. કોઈ કહી શકે નહીં કે કયો દિવસ શૂન્ય માટે આખરી દિવસ હશે. અકસ્માત એ શૂન્યના જીવનમાં સામાન્ય ઘટના હતી. 

          વિરાટ અને એના પિતા નિર્ભય સેનનાયકને અનુસરતા સીડીઓ ઉતરી એક અંધારિયા ભોંયરામાં દાખલ થયા. નિર્ભયની બાકીની ટુકડી તેમની પાછળ ચાલતી હતી. વિરાટ પોતાની પાછળ ઝેરી વીંછીઓના ટોળા જેમ તેમની હાજરી અનુભવતો હતો. દીવાલો પર ફૂગની પોપડીઓ વળેલી હતી અને માથું ફાડી નાખે એવી તીવ્ર વાસ આવતી હતી. ચારે તરફ અંધારું હતું એટલે એ દીવાલો કે છતને બરાબર જોઈ નહોતો શકતો. આસપાસની અંધકારમય જગ્યા ભયની જનેતા હોય એમ શુન્યોના હૃદય આસપાસ ભય અજગરની જેમ ભરડો લઈ રહ્યો હતો.  

          "આગળ વધતા રહો." શૂન્યોના પગ ભયથી જમીન સાથે જાડાઈ જાય એ પહેલાં જ નિર્ભય સેનાનાયકે હાકલ કરી, "આપણે આ સુરંગના છેડેથી તપાસ શરૂ કરીશું." 

         વિરાટ પાછો ફરવા માંગતો હતો. એ નિર્ભય સેનાનાયક સામે રાડો પાડવા માંગતો હતો. તમામ શૂન્યની એવી જ હાલત હતી. એ આગળ જવા માંગતા નહોતા. એ સેનાનાયકને આગળ વધવા ઇનકાર કરવા માંગતા હતા. જોકે નિર્ભય સેનાના આદેશનો અનાદર કરવો એટલે મૃત્યુદંડ વહોરી લેવા જેવું હતું અને કોઈ શૂન્ય એટલો મૂર્ખ નહોતો કે પોતાના માટે મૃત્યુદંડ વહોરી લે. એ જાણતા હતા કે જો નિર્ભય સેનાનાયકને અનુસરતા આગળ નહીં વધીએ તો પાછળ આવતા સૈનિકોની ટુકડી એમને મારી નાખવા તત્પર છે. કોણ જાણે કેમ પણ નિર્ભય સિપાહીઓ નિર્ભય કરતા નિર્દય વધારે હતા. 

           બિચારા શૂન્યો! વિરાટે એક ઊંડો શ્વાસ લીધો. થોડી મિનિટો સીધા ચાલ્યા પછી આખરે એ લોકો એક ગોળ સીડી ઉતરીને એક તોતીંગ લોખંડના દરવાજા પાસે પહોંચ્યા. નિર્ભય સેનાનાયકે જરા પણ અચકાયા વગર ડબલ ડોરના કાટ ખાધેલા હેન્ડલ પકડી દરવાજાના ફડકીયા ખોલ્યા. વિરાટને લાગ્યું કે એ પોતાની બહાદુરી બતાવવાનો પ્રયત્ન કરે છે. એ બતાવવા માંગે છે કે એ વિચિત્ર અથવા અંધારાવાળી જગ્યાઓથી ડરતો નથી. એ સાચું પણ હતું. શૂન્યો અંધકારથી ભયભીત હતા પરંતુ નિર્ભય સેનાનાયક કે એની ટુકડીની આંખોમાં ભયનું કોઈ નામો નિશાન નહોતું. 

          દરવાજો ખોલતા જ જાણે એ બધા કોઈ બ્લેક હોલ સામે ઊભા હોય એમ લાગ્યું કેમકે દરવાજાની અંદરના ભાગે સુરંગ કરતા પણ વધારે અંધારું હતું. થડકતા હૃદયે શૂન્યો અંદરના અંધકારમાં દાખલ થયા. એમના હૃદય પ્રલય પછી લુપ્ત થઈ ગયેલા પારેવા જેમ ફફડતા હતા. 

          "ટોર્ચ ચાલુ કરો." નિર્ભય સેનાનાયકે આદેશ આપ્યો. એ આદેશ શૂન્યોના ટોળા પાછળ દાખલ થયેલા સૈનિકો માટે હતો. 

          એ પછી શૂન્યોએ એક સાથે સ્વીચ ચાલુ થવાના અવાજ સાંભળ્યા. અંધકારને ચીરતા ઉજાસના સેરડા સૈનિકોના હાથમાંથી ઉદ્દભવ્યા અને આખા વિસ્તારને પ્રકાશિત કરવા લાગયા. ઉજાસનો એક સેરડો વિરાટના ચેહરા પર અથડાયો. આંખોને રોશનીથી બચાવવા એણે હાથ વડે આંખો આગળ ધરી દીધા. 

          એણે હાથ એમ જ રાખીને ત્રણ ચાર વખત આંખો પલકાવી અને આખરે આંખ સામેથી હાથ ખસેડી લીધો કેમકે એની આંખોની કીકીઓ પ્રકાશથી ટેવાઈ ગઈ હતી. વિરાટને ખયાલ હતો કે સૈનિકોએ એમની મશાલો સળગાવી હતી પણ એમની મશાલો શૂન્યોના ફાનસ જેવી નહોતી. એમની મશાલોની અંદર બલ્બ હતા. એણે સ્ટેશન પર જોયા હતા એ ઇલેક્ટ્રિક બલ્બ કરતા પણ શક્તિશાળી બલ્બ એ મશાલોમાંથી ગરમ પ્રકાશ રેલાવતા હતા.

          "શૂન્યો." સેનાનાયક એ વિશાળ ખંડની મધ્યમાં અટક્યો અને પાછા ફરીને એણે સંબોધન કર્યું.  વિરાટને એ માણસ કોઈ આગેવાન જેવો પ્રભાવશાળી લાગ્યો. એના અવાજમાં એક અલગ જ રણકાર હતો, “પહેલાં તો આપણે અહીં બધું તપાસવાની જરૂર છે. ભોંયરામાં કેટલા પ્રવેશદ્વાર અને બહાર નીકળવના રસ્તા છે એ તપાસ્યા પછી એમાંથી કેટલા રસ્તા સુરંગ સાથે જોડાયેલ છે એ નોંધવાનું છે. બધી જ પાઈપો તપાસો કારણ કે પાતાળ પ્રવેશનો પાઇપો વિના કોઈ અર્થનો નથી રહેતો. ભૂગર્ભને રહેઠાણ બનાવવા માટે પાઈપો ખૂબ જ મહત્વપૂર્ણ છે." એ એક શ્વાસના વિરામ માટે અટક્યો અને શૂન્યો પર એક નજર ફેરવી, “બધા પાઈપ કામદારો તમારા તાલીમીને લઈને પાઈપો શોધવા લાગી જાવ અને જો એ લીક હોય તો એનું સમારકામ કરવા લાગો. અત્યાર સુધી આ ઇમારતની ટાંકીઓ બહારના મશીનોએ  ભરી નાખી હશે. પાણીના કામદારોને ગઈકાલે રાત્રે આ ઈમારતની ટાંકી મળી ગઈ છે અને હવે તમારે દરેક લીકેજ શોધીને સમારકામ કરવાનું છે. એ સાથે ભોંયરામાં અંદર કોઈ ગૌણ પાણીની ટાંકી છે કે કેમ એ પણ તપાસવું પડશે." 

          આટલું કહી નિર્ભય સેનાનાયક એના સિપાહીઓ તરફ ફર્યો,  "દરેકને એક એક નાની ટોર્ચ આપો." એણે આદેશ આપ્યો એ સાથે જ સિપાહીઓએ એમને કતારમાં ઊભા રાખી દરેકના હાથમાં એક એક નાનકડી ટોર્ચ પકડાવી. 

          “આંખો ખુલ્લી રાખજે.” વિરાટનો હાથ પકડી નીરદ એને ભૂગર્ભ ખંડના છેડા તરફ દોરી ગયા. એ સમયે વિરાટને ગુરુ જગમાલના શબ્દો યાદ આવ્યા. એણે આસપાસ ધ્યાન આપ્યું. ટોર્ચના અજવાળામાં દીવાલો પર વિગતો શોધવા મથામણ કરી પણ દીવાલો પર ફૂગના પોપડા વળેલા હતા એટલે એ નોંધવાલાયક કશું જોઈ શક્યો નહીં. 

          એના પિતાએ ખંડના છેડાનો એક ધાતુનો દરવાજો ખોલ્યો અને એ સુરંગમાં પ્રવેશ્યા. એમની નાની ટોર્ચમાંથી નીકળતી અને અનંત અંધકારમાં જ ક્યાંય સમાપ્ત થતી પ્રકાશની બે રેખાઓ સિવાય અંદર ઘોર અંધકાર હતો. વિરાટની બધી ઇન્દ્રિયો સર્તક હતી - મોટે ભાગે એની આંખો અને એના કાન. એ આસપાસની દરેક ચીજ પ્રત્યે સભાન હતો. એનું મન શિકારી જાનવર જેટલું સર્તક હતું. આ દુનિયામાં જ એને પોતાના લોકો માટે કંઈક કરી છૂટવાની તક મળે એમ હતી. ગુરુ જગમાલે એને જે શીખવ્યુ હતું. એણે પુસ્તકોમાંથી જે જાણ્યું હતું અને એ પોતાના વિચારોથી જે કંઈ પણ શીખ્યો હતો એ બધું જ હવે ઉપયોગમાં લેવાનો સમય આવી ગયો હતો.

          જેમજેમ એ અંધકારમાં પ્રકાશની બે નાની રેખાઓને અનુસરતા આગળ વધ્યા વિરાટને ગૂંગળામણ થવા લાગી. હવામાં ભીનાશ અને રબરની તીવ્ર ગંધ ફેલાયેલી હતી જે અપ્રિય અને ઠંડી સુગ ઊપજાવતી હતી. 

          એણે અપ્રિય હવા શ્વાસમાં ભરતાં પૂછ્યું, "આપણે ક્યાં જઈ રહ્યા છીએ?" 

          "આપણે પાઈપો શોધવા જઈએ છીએ. આપણે સુરંગમાં છીએ."

          "આ સુરંગ ક્યાં લઈ જાય છે?" 

          "મને ખબર નથી." એના પિતાએ જવાબ આપ્યો, "મને લાગે છે કે આ સુરંગો શહેરની નીચે સમાન ભાતમાં બનાવવામાં આવી છે. મોટાભાગની સુરંગો એકબીજાને મળે છે જે આપણને શહેરમાં ગમે ત્યાં લઈ જઈ શકે છે....” એણે અચાનક ચીસ પાડી, "આગળ ન વધીશ." 

          "કેમ?" વિરાટે પૂછ્યું અને બીજી જ ક્ષણે એને સુરંગમાં એક વિશાળ ગાબડું દેખાયુ. જો એ આગળ વધ્યો હોત તો જરૂર એ ખાડામાં પડ્યો હોત. 

          "ટોર્ચ એ તરફ કર." એના પિતાએ કહ્યું અને એની ટોર્ચ વડે ગાબડાંમાં અંદર પ્રકાશ ફેંક્યો.

          "ત્યાં એક સીડી છે." વિરાટે કહ્યું કારણ કે બંને ટોર્ચના સંયુક્ત અજવાળામાં ગાબડાંમાં ઉતરવા બનાવેલી  ગોળાકાર સીડીની આછેરી આકૃતિ દેખાતી હતી. સીડી થોડેક સુધી દૃશ્યમાન થઈ પછી અંધારામાં વિલીન થઈ જતી હતી. 

          એના પિતા હસી પડ્યા, "લાગે તો સીડી જેવુ જ છે." 

          "હા," એણે કહ્યું. "મને પણ."

          "હું પહેલા જાઉં છું." એના પિતાએ કહ્યું, "તું મારી પાછળ આવ."

          "ઠીક છે." એણે હકારમાં જવાબ આપ્યો.

          એ સીડી આગળની સીડી જેમ ધાતુની  બનેલી નહોતી. એ પથ્થરની હતી અને સમયની અસરથી કાટમાળમાં ફેરવાઈ જવાની તૈયારીમાં હતી. વિરાટ એના પિતાને અનુસરતો સીડીઓ ઉતરવા લાગ્યો. નીરદની આંખો કેટલાક પગથિયાંથી આગળ કશું જોઈ શકતી નહોતી. વિરાટે બંને તરફ ટોર્ચ ફેરવી અને જોયું કે બંને તરફ પથ્થરની જર્જરિત દીવાલો હતી. દીવાલો પર ચિત્ર વિચિત્ર રંગની ફુગે કબજો જમાવેલો હતો. પથ્થરની સીડીઓને લોખંડની સીડીઓ જેમ રેલિંગ નહોતી. બંને સાવચેતીથી નીચે ઉતરતા રહ્યા. વિરાટ એક એક ડગલું સંભાળીને ભરતો હતો. એનું પૂરું ધ્યાન તેના પગ તરફ  કેન્દ્રિત હતું કેમકે એ જાણતો હતો કે જરા સરખો પણ પગ ચુકી ગયો તો એને અંધકારના સમુદ્રમાં ગરકાવ થતા અટકાવવા માટે ત્યાં કોઈ રેલિંગ નથી. 

          એ ખખડધજ સીડીઓ એક દરવાજા સુધી દોરી ગઈ. સીડીઓ એ દરવાજા પાસે જઈને પૂરી થતી હતી. વિરાટના પિતાએ દરવાજા પર ટોર્ચનો પ્રકાશ ફેકયો. એણે ટોર્ચને આમતેમ ફેરવી દરવાજાના દરેક ખૂણાને તપાસ્યો. 

          "તમેં શું કરો છો?" વિરાટે પૂછ્યું. 

          "હું તપાસ કરી રહ્યો છું કે દરવાજા પર કોઈ ચેતવણી છે કે કેમ." 

          "ચેતવણી?" એણે પૂછ્યું, "તમે વાંચી શકો છો?"

          "હા, હું વાંચી શકું છું અને તેથી જ હું દસ વર્ષથી આ શહેરોમાં પાઇપવર્કર તરીકે કામ કર્યા પછી પણ જીવિત છું." એણે કહ્યુ, "કેટલાક દરવાજા ખોલવા ન જોઈએ કેમકે અંદર ખતરનાક ગેસ હોય છે. એ ગેસ તમે દરવાજો ખોલો તેની બીજી જ ક્ષણે તમને મારી નાખે એટલો ઝેરી હોય છે."

          એ જાણતો હતો કે તેના પિતા સાચા છે. એણે પાઇપના કામમાં ઘણા અકસ્માત થવાનું સાંભળ્યુ હતું. એ કાર્યક્ષેત્રમાં એના પિતા જેટલા લાંબા સમય સુધી કોઈ બચ્યું નહોતું. મોટેભાગે પાઇપવર્કર ત્રણ કે વધુમાં વધુ પાંચ વર્ષમાં મૃત્યુ પામતા. 

          "આ રહી ચેતવણી." એણે દરવાજાના એક ખૂણા પર ટોર્ચનો પ્રકાશ સ્થિર કરતા કહ્યું. 

          "એના પર શુ લખ્યું છે?"

          "મુખ્ય સુરંગમાં જવાનો માર્ગ." 

          "તો એ સલામત છે." એના પિતાએ કહ્યું અને દરવાજો ખોલ્યો. એ બંને અંધકારનો એક સમુદ્ર છોડી અંધકારના બીજો સમુદ્ર જે પહેલા કરતા વધુ અંધારીયો હતો એમાં દાખલ થયા. એ હવે મુખ્ય સુરંગમાં હતા જે લગભગ દસ ફૂટ પહોળી અને દસ ફૂટ ઊંચી હતી. વિરાટે પોતાની બંને તરફ જોયું પણ માત્ર પથ્થરોથી બનેલી દીવાલ સિવાય બીજું કંઈ દેખાયું નહીં.

          "તું એ માટે તૈયાર છે?" એના પિતાએ પૂછ્યું. આસપાસ કોઈ નિર્ભય સૈનિક ન હોવા છતાં એણે પોતાનો અવાજ એકદમ ધીમો રાખ્યો. એ અવાજ સ્વરપેટીમાંથી દબાઈને આવતા હળવા ગણગણાટ જેવો હતો છતાં એ ભેંકાર અને બંધિયાર સ્થળે એ અવાજ તીવ્ર લાગતો હતો.

          એ શબ્દો એટલા ધીમેથી બોલાય હતા કે સમજવા પણ મુશ્કેલ હતા તેમ છતાં વિરાટ એ શબ્દોમાં છુપાયેલી ભયની લાગણી અનુભવી શકતો હતો અને ચિંતાનો સંકેત જોઈ શકતો હતો. 

          "હું તૈયાર છું." એણે કહ્યું અને સ્મિત આપવા પ્રયત્ન કર્યો પરંતુ એના હોઠ પર અતિશય ગરમીને લીધે ફાટ પડી ગઈ હતી અને બંધિયાર સુરંગમાં ચહેરા પર વળતો પરસેવો હોઠની તિરાડ સુધી પહોંચતા વેદના થતી હતી એટલે એનું સ્મિત નિસ્તેજ અને ફિક્કું દેખાયું. 

          "મારી પાછળ આવ." એના પિતાએ કહ્યું અને એ એવી રીતે ચાલવા લાગ્યા જાણે કે તે પોતાના દીકરાને કોઈ સત્તાવાર કામકાજ પર લઈ જઈ રહ્યા હોય!

          વિરાટ પોતાના આંખ કાન ખુલ્લા રાખીને એની પાછળ ચાલવા લાગ્યો. એ એકદમ સર્તક હતો કેમકે એ જાણતો હતો કે જ્યાં સુધી મન કંઈક શોધવા માટે સર્તક ન હોય ત્યાં સુધી આંખો ઉપયોગી નીવડે તેવું કંઈ પણ શોધી શકતી નથી. એ બંને આગળ વધતા રહ્યા. વિરાટને લાગવા માંડ્યું કે સુરંગો આખા શહેર નીચે કરોળિયાના જાળાની જેમ પથરાયેલી છે કેમકે મુખ્ય સુરગને અનેક નાની મોટી સુરંગો મળતી હતી. પ્રલય પછી કે પ્રલય પહેલા પણ લોકોએ કોઈ જોખમથી પોતાને બચાવવા માટે શહેરની નીચે પાતાળમાં રહેવાનું શરૂ કર્યું હશે. એ સમયે બહાર નીકળવુ એટલે જીવના જોખમ બરાબર હશે એટલે એમણે ભૂગર્ભ માર્ગો વિકસાવ્યા હશે પણ એ જોખમ, એ ખતરો શું હોઈ શકે એ અંદાજ લગાવવો મુશ્કેલ હતો. એને લાગ્યું કે કદાચ સૂર્યની ગરમી અતિશય વધી ગઈ હશે અને સૂરજના દઝાડી નાખતા કિરણોથી બચવા લોકોએ પાતાળલોકનો સહારો લીધો હશે. એણે બાંધેલો અંદાજ સાચો હતો કે ખોટો એ એને ખબર નહોતી પરંતુ એના પોતાના જ્ઞાન મુજબ એને સૂર્યપ્રકોપ લોકોને પાતાળ પ્રવેશ માટે મજબૂર કરનારું સૌથી વાજબી કારણ લાગ્યું.

          પંદર મિનિટ ચાલ્યા પછી અચાનક વિરાટની નજર એક ડબલ ડોરવાળા દરવાજા પર પડી. એણે મોટેથી કહ્યું, "આ દરવાજો જુદો છે. બીજા બધા દરવાજા કરતાં અલગ દેખાય છે." 

          "હા, લાગે તો અલગ છે." એના પિતાએ પણ ઉત્સાહમાં આવીને ઊંચા અવાજે જવાબ આપ્યો. 

          એ બને જાણતા હતા કે નિર્ભય સૈનિકો એમને સાંભળી શકે એમ નથી કેમકે એ મુખ્ય સુરંગમાં બહુ આગળ નીકળી ગયા હતા. એમનો અવાજ ઉપરના ભૂગર્ભ ખંડ સુધી પહોંચવાનો કોઈ ભય નહોતો. 

          "આ દરવાજો કેમ બાકીના દરવાજા કરતાં અલગ છે?" 

          "ખબર નથી." 

          "શું આપણે અંદર જઈ શકીશું?" 

          "હા."

          "શું એ ખતરનાક નથી?"

          "ના." 

          "કેમ?" 

          "ડબલડોર ખતરનાક ન હોઈ શકે," નીરદે કહ્યું, "એ ગેસ લીકીંગને રોકી શકતો નથી." 

          "હા, એ ખરું." એણે કહ્યું. "આપણે કામ પર હોઈએ ત્યારે નિર્ભય શા માટે આપણા પર નજર રાખતા નથી?"  

          "એમની જરૂર નથી." નીરદે જવાબ આપ્યો અને દરવાજો ખોલી વિરાટને અંદર દોરી ગયા. 

          "કેમ?" એણે પૂછ્યું પણ બીજી જ પળે ઓરડોની અંદરનું દૃશ્ય જોઈ તેની આંખો નવાઈથી પહોળી થઈ ગઈ.

          "એ જાણે છે કે દરેક શૂન્યો કામ કરશે જ અને દરેક શૂન્ય જાણે છે કે પોતે બધી ઇમારતોનું સમારકામ પૂરું થયા પહેલા ઘરે જઈ શકશે નહીં પરિણામે નિર્ભયને આપણા પર નજર રાખવાની જરૂર રહેતી નથી." એના પિતાએ જવાબ આપ્યો પણ તેનું પૂરું ધ્યાન ઓરડોમાં હોવાથી એણે માંડ એક બે શબ્દો જ સાંભળ્યા હતા. 

          ઓરડોની દીવાલો પર કોઈ અલગ જ પ્રકારની ધાતુની રેક બનાવેલી હતી અને દરેક રેક પર શીલબંધ પ્લાસ્ટિકની છાજલીઓ હતી જેમાં પૃષ્ઠોના સેંકડો પેકેટો સાચવીને રાખવામાં આવેલા હતા. પૃષ્ઠોના દરેક પેકેટને દોરાથી બાંધેલા હતા. કોઈ છાજલીમાં પૃષ્ઠોના પેકેટ મોટા હતા તો કોઈમાં નાના હતા. કોઈમાં તો માત્ર ગણ્યા ગાંઠ્યા પાનાંની નાનકડી થપ્પી દોરી બાંધ્યા વગર જ મુકેલી હતી. 

          એ દીવાલની નજીક ગયો અને છાજલીઓ પર ટોર્ચની લાઈટ ફેંકી. જૂના પેકેટના પાના પીળા પડી ગયા હતા. પાનાની કિનારીઓ ખૂણેથી વળેલી હતી એ જોતાં તેને લાગ્યું કે એ પાનાં ક્યારેક તો કોઈકે વાંચ્યા જ હશે. 

          "એ કાલ્પનિક પુસ્તકો છે," એના પિતાએ કહ્યું, "એ ઉપયોગી નથી."

         વિરાટ જાણતો હતો કે એ કાલ્પનિક પુસ્તકો છે જે લોકોએ એમની કલ્પનાથી બનાવ્યા છે અને તેમાં કોઈ તથ્ય નથી. એ પુસ્તકોમાં એ બધું સમાયેલું હોઈ શકે જે માણસ કલ્પના કરી શકે છે પરંતુ તેમાં રતીભર વાસ્તવિકતા નથી હોતી. 

          એણે ડાબી દીવાલની છાજલીઓ પર પ્રકાશ ફેંકયો. એ વિભાગમાં જ્ઞાનના પુસ્તકો હતા. એ જાણતો હતો કે તથ્યો માટે જ્ઞાનના પુસ્તકો જરૂરી છે. એમાંથી જ વાસ્તવિક દુનિયા વિશેની માહિતી મળે છે. 

           એ ટૉર્ચલાઇટને દીવાલ પર ફેરવતો રહ્યો. દીવાલના બીજા છેડે ટોર્ચની લાઈટ પહોંચી એ સાથે જ તેનો હાથ જડાઈ ગયો અને ટોર્ચનું અજવાળું એક જ સ્થાને સ્થિર થયું. એ લાઈમ લાઈટ જેવું ચાંદરણુનું દીવાલના છેડે એક ડેસ્ક પર સ્થિર થયું હતું.  ડેસ્કની પાછળ એક માણસ હતો. એ માંણસ નહીં પણ માણસનું હાડપિંજર હતું. હાડપિંજરના શરીર પર કપડાંના ચીંથરા ચોટયા હતા. 

          "ડરતો નહીં." તેના પિતા ઝડપથી તેની પાસે ગયા, "એ મરેલો છે."

          "હું જોઈ શકું છું કે એ મરી ગયો છે અને એટલે જ મને ડર લાગે છે." એણે જવાબ આપ્યો. 

          "આપણે જીવતાથી ડરવું જોઈએ નહીં કે મરેલાથી." નીરદે હાડપિંજર તરફ આગળ વધતા કહ્યુ. વિરાટ એને અનુસરતો એની પાછળ ગયો. એ હાડપિંજરની નજીક પહોંચ્યો.  હાડપિંજર એના ડેસ્કની પાછળ ખુરશીમાં જે રીતે બેઠું હતું એ જોતાં લાગતું હતું કે કોઈ માણસ ખુરશીમાં બેસીને કામ કરતી વખતે આકસ્મિક મૃત્યુ પામ્યો હશે. એની હાડકાની આંગળીઓમાં એક નાની પેન હતી. કદાચ એ મરતા પહેલા તેના જમણા હાથથી કંઈક લખતો હતો.

          એકાએક વિરાટને ચક્કર આવતા હોય એમ લાગ્યું. પહેલા તો એ સમજ્યો કે હાડપિંજરની ભયાવહ હાલત જોઈને એને એ અસર થઈ હશે પણ પછી જાણે ત્યાંની તબાહી કાલ્પનિક હોય એમ એક પળમાં દૂર થઈ ગઈ અને એની આંખો સામે એ પુસ્તકલાય પ્રલય પહેલાના સમયમાં હતું એ ભવ્યતા રજૂ કરવા લાગ્યું. પુસ્તકાલયમાં અનેક માણસો આમતેમ ફરતા હતા. એક ખૂણામાં એક યુવક અને એક યુવતી કંઈક ચર્ચા કરતા હતા. 

          વિરાટ એમની તરફ ચાલવા માંડ્યો. 

          "ઓરેકલ..." એ એમની નજીક પહોંચ્યો ત્યારે યુવકે કહ્યુ અને વિરાટ તરફ ફર્યો. વિરાટની આંખો નવાઈથી પહોળી થઈ ગઈ કેમકે એનો ચહેરો આબેહૂબ તેના જેવો જ હતો. 

          એ એક ડગલું આગળ વધ્યો અને એ યુવક તરફ હાથ લંબાવ્યો પણ એમના બંનેના હાથ એકબીજાને સ્પર્શે એ પહેલાં જ લાયબ્રેરીની ભવ્યતા ઓગળવા લાગી અને ફરી એકવાર એની સામે એ જ જર્જરિત ખંડેર હતું. હજારો લાખો પુસ્તકો, ત્યાં ફરતા માણસો અને એ યુવક યુવતી લાયબ્રેરીની ભવ્યતા સાથે જ હવામાં ઓગળી ગયા. 

          "અહીં એક ગુપ્ત ચેમ્બર હોવી જોઈએ." વિરાટે કહ્યું. 

          "એવું તું કઈ રીતે કહી શકે?" એના પિતાએ પૂછ્યું. 

          "મને ખબર નથી." એણે કહ્યું, "પણ કોણ જાણે કેમ મને લાગે છે કે હું આ લાયબ્રેરીને પહેલેથી જાણું છું."

          "તો એ ચેમ્બર ક્યાં છે?"

          "આ ડેસ્ક ખસેડવું પડશે." એણે કહ્યું, "ડેસ્કની નીચે એ ચેમ્બર છે."

          એમણે ડેસ્ક ખસેડયું અને સાચે જ તેના નીચે એક ગુપ્ત ચેમ્બર દેખાઈ જે એક લોકથી સુરક્ષિત હતી. 

          "આ લોક તો કોડથી જ ખુલશે." એના પિતાએ કહ્યું. 

          વિરાટે જવાબ આપવાને બદલે આંખો બંધ કરી. એની આંખો સામે કોઈ એ લોક બંધ કરતું હોય એ દૃશ્ય દેખાયું. એણે આંખો ખોલી અને કહ્યું, "રત્નમેરૂ." 

          એના પિતાએ એ કોડ લગાવ્યો અને લોક ખુલી ગયું. લોક ખોલીને એ અંદરની ચીજો ખોળવા માંડ્યા. થોડાક નકામા પુસ્તકો અને જૂની કરન્સીની નીચેથી તેમને એક ચર્મ પત્ર મળ્યો જે હકીકતમાં અનબ્રેકેબલ ફાઇબરનો બનેલો હતો. એના પર દેવભાષામાં કંઈક લખેલું હતું. 

          વિરાટે એ પત્ર તેના પહેરણમાં છુપાવ્યો અને એ લાયબ્રેરી છોડીને બહાર નીકળ્યા. એ બંને સાંકડી સુરંગોની ભૂલભુલૈયા પાર કરતા આગળ વધવા લાગ્યા. ભોંયતળિયે જમા થયેલી ધૂળ, દીવાલો પર લાગેલી દુર્ગંધ ફેલાવતી ફૂગ અને છત પર લટકતાં વિશાલ કદના કરોળિયાના જાળા સિવાય સુરંગો એકદમ ખાલી હતી. 

          એ બે કલાક સુધી સુરંગોમાં ભટકતા રહ્યા એ પછી એમને સાત નંબરની સુરંગમાં પાઇપ લાઇન નજરે ચડી. 

ક્રમશ: