ડીલીશીયસ ડેટ jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડીલીશીયસ ડેટ

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે એને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો એવું કાંઈ હોય તો એ એક સંજોગ હશે. આ વાર્તાના સંપૂર્ણ હક્ક લેખકને આધીન છે એનો કોઈપણ પ્રકારના ઑડિયો -વિઝ્યુલ માધ્યમમાં ઉપયોગ કરતાં પહેલા લેખકની પરવાનગી લેવી અનિવાર્ય છે પરવાનગી વગર જો ઉપયોગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
SWA Membership No : 032938

ક્રિષ્ના હજી પથારીમાં જ હતો અને ત્યાં મોબાઇલ ઉપર મેસેજ ટોન વાગ્યો. ક્રિષ્ના એ મોબાઇલ લીધો અને જોયું તો રોજ સવારે આવતો પંક્તિનો ગુડ મોર્નિંગનો મેસેજ હતો.ક્રિષ્નાએ પણ સામે ગુડ મોર્નિંગ લખ્યું. ક્રિષ્ના એક ઓટીટી પ્લેટફોર્મ પર વાર્તાઓ લખતો અને પંક્તિ એ વાર્તાઓની વાચક , ચાહક અને યાચક પણ હતી. ક્રિષ્ના જો થોડા દિવસ કોઈ વાર્તા ન મુકતો કે કાંઈ ન લખતો ત્યારે પંક્તિ એને રિમાઇન્ડર આપતી તમારી કોઈ વાર્તા મને વાંચવા મળી નથી. કેમ લખતા નથી? અને ક્રિષ્ના વાર્તા અથવા કંઈ પણ લખી અને પંક્તિને મોકલતો. પંક્તિને કુકિંગનો શોખ હતો એટલે એ નાના મોટા એક્ઝિબિશન હોય એમાં પોતાની વાનગીઓનો સ્ટોલ રાખતી અને ઘણી વખત ક્રિષ્નાને એમાં આવવા માટે ઇન્વિટેશન પણ આપતી ને કહેતી Delicious Date Book કરો પણ ક્રિષ્ના ક્યારેય જઈ શક્યો નહોતો અથવા તો જાણી જોઈને ગયો નહોતો.

આજે પંક્તિએ ફરી પાછું Delicious Date નું એક invitation મોકલ્યું હતું અને ક્રિષ્નાને કહ્યું કે તમે ચોક્કસ આવો.

ક્રિષ્નાએ લખ્યું કે જોઈશ શક્ય બનશે તો આવીશ. થોડી જ વારમાં ફોન આવ્યો અને પંક્તિએ એને ફોન ઉપર કહ્યું કે તમારે આ વખતે તો આવવું જ પડશે તમે દર વખતે મને ઉલ્લુ બનાવો છો. દર વખતે હું તમને કહું છું પણ તમે આવતા નથી પણ આ વખતે તો તમારે આવવું જ પડશે જેટલી તમારી વાર્તા મારા માટે ઈમ્પોર્ટન્ટ છે એટલું જ આ એક્ઝિબિશન પણ મારા માટે ઈમ્પોર્ટન્ટ છે એટલે તમારે આ Delicious Date પર આવવું તો પડશે જ. ક્રિષ્ના એ કહ્યું કે સારું " આઈ વીલ ટ્રાય " ફોન મુકાઈ ગયો.

એક્ઝિબિશનનો દિવસ હતો અને પંક્તિ એક્ઝિબિશનની તૈયારીમાં લાગેલી હતી આજે એની ઘણી બધી બેનપણીઓને એણે બોલાવીને રાખી હતી કારણ કે એ જેની ચાહક હતી જેની વાચક હતી એવો એક રાઈટર આજે એના સ્ટોલની મુલાકાત લેવાનો હતો જે એના માટે એક સેલિબ્રિટી હતો એટલે એણે એની ખાસ ખાસ બહેનપણીઓને એ રાઇટરને મળવા માટે બોલાવી હતી. પંક્તિ બીઝી હતી. એક પછી એક કસ્ટમર આવતા જતા હતા એની વાનગીઓ વેચાતી જતી હતી પણ એની નજર કોઈકને શોધતી હતી એની બેનપણીઓ પણ એને ઇશારાથી પૂછતી હતી. શું થયું તારો રાઇટર આવ્યો કે નહીં? પંક્તિએ કહ્યું કે " ના, પણ એમણે મને આ વખતે પ્રોમિસ આપ્યું છે એટલે એ આવશે તો ખરા જ એક પછી એક કસ્ટમર આવતા ગયા પણ એ જેની કાગડોળે રાહ જોતી હતી એ ન્હોતા આવ્યા.

પંક્તિ કિચનમાં ગઈ એણે બનાવેલી સ્પેશ્યલ ડીશને રેડી કરવા.

એક કસ્ટમર આવીને ઊભું રહ્યું . એ વ્યક્તિએ કહ્યું કે તમારી જે પણ સારામાં સારી Delicious Dish હોય જે તમે સારામાં સારી બનાવતા હો એ આપો. એણે એને ડિશ સર્વ કરી. પેલા વ્યક્તિએ ચાખીને કહ્યું કે ખૂબ જ સુંદર ખૂબ જ ડીલીસીયસ છે આ તમારી ડીશ મારી વાર્તા જેટલી જ અને એ માણસે કહ્યું " Hi હું ક્રિષ્ના " એ એકદમ શોક થઈ ગઈ એણે એક રાઈટર ક્રિષ્નાનું જે રૂપ વિચાર્યું હતું એ રૂપથી તદ્દન અલગ એના વિચારોથી તદ્દન વિપરીત એક કાળો કોલસાને પણ શરમ આવે એવો માણસ એની સામે ઊભા હતો.
એને શોક લાગવો વ્યાજબી હતો કારણકે બન્નેએ મેસેજ પર વાતો તો ઘણી કરી હતી પરંતુ એકમેકને ક્યારેય વીડિયોકોલ પર કે રૂબરૂમા મળ્યા નહોતા કદાચ ક્યારેય જરૂર જ ન્હોતી પડી.

તે વિચારવા લાગી કે હું શું કહું? બેનપણીઓ હજી થોડી દૂર હતી. તેની બેનપણીઓએ સાંભળ્યું ન્હોતું કે આ માણસે પોતાની ઓળખાણ ક્રિષ્ના તરીકે આપી એટલામાં એક બેનપણી એની પાસે આવી અને કહ્યું કે શું થયું પેલો રાઇટર આવ્યો કે નહીં ? જેની બધા રાહ જોઈ રહ્યા છે અને ક્રિષ્ના હજી કંઈ બોલે એ પહેલા જ એણે કહ્યું ના એ આજે નથી આવવાનો એને એક કામ આવી ગયું છે એટલે એ નહી આવે. ક્રિષ્નાને નવાઈ લાગી એના હાવભાવ ને અવાજના ટોન ઉપરથી એ સમજી ગયો હતો કે પંક્તિ એની ઓળખાણ કરાવવા નથી માગતી અને ક્રિષ્નાએ એ ડીશના પૈસા ચૂકવ્યા અને કહ્યું તમે ખૂબ જ સારું જમવાનું બનાવો છો બસ આમ જ બનાવતા રહેજો અને ક્રિષ્ના ડિશ મૂકી પૈસા આપી અને નીકળી ગયો.

હજી એ એક્ઝિબિશનના ગેટ પાસે પહોંચ્યો જ હશે ત્યાં જ એને પાછળથી કોઈ સ્ત્રીની બૂમ સંભળાઈ
" ક્રિષ્ના ક્રિષ્ના " અને એણે પાછળ વળીને જોયું તો પંક્તિ હતી પણ અવાજ એનો ન્હોતો કદાચ એની સાથે એક બીજી લેડી હતી એનો હતો. ક્રિષ્ના હજી કંઈ સમજે એ પહેલા જ એ લેડીએ આવીને ક્હ્યું આને માફ કરી દો આની બુધ્ધિ બહેર મારી ગઇ હતી એણે તમારી સાથે જે મિસબીહેવ કર્યું એના માટે હું તમારી માફી માંગુ છું. ક્રિષ્ના I am Sorry.

ક્રિષ્નાને કાંઈ સમજાઈ ન્હોતું રહ્યું કે પંક્તિને માફ કરવા કહેતી એ લેડી પોતે પણ પંક્તિ તરફથી કેમ માફી માંગતી હતી? પછી એ લેડી પંક્તિને ધમકાવતા બોલી સાચી હકીકત કહે અને પછી એણે કહેવાનું શરૂ કર્યું કે " તમે આવ્યા અને તમારી ઓળખાણ જ્યારે ક્રિષ્ના એક રાયટર તરીકે આપી ત્યારે મને એવું લાગ્યું કે તમને જોઈને મારી બેનપણી ને બહુ દુઃખ થશે અને એટલે જ પછી મેં તમારી સાથે મિસબીહેવ કર્યું સૉરી મારું નામ પંક્તિ નથી, હું પંક્તિ નથી હું તો ખુશ્બુ છું પંક્તિની ફ્રેન્ડ. એક્ચ્યુલી પંક્તિને કામ હતું એટલે કાઉન્ટર પર મને ઊભી રાખીને એ કિચનમાં ગઈ હતી. તમારા ગયા પછી પંક્તિ આવી અને જ્યારે મેં એને કહ્યું કે તારો રાઇટર આવ્યો હતો ને એતો..... એ બોલતા બોલતા અટકી ગઈ.

કેવો દેખાય છે? કાગડો દહીંથરું લઈ જાય એવો નહિ? ક્રિષ્નાએ ક્હ્યું.

ખુશ્બુ ઝંખવાણી પડી ગઈ પછી બોલી ત્યારે એણે મને ખૂબ ધમકાવી ને તમારી માફી માગવા કહ્યું એણે મને પૂછ્યું કે ક્યાં ગયા? જસ્ટ તમે નીકળ્યા જ હતા એટલે અમે દોડીને આવ્યા. વેરી વેરી સોરી કે મેં તમારી સાથે આવું કર્યું હું પંક્તિ નથી. ક્રિષ્નાએ પુછ્યું તો પંક્તિ ક્યાં છે.
પંક્તિ આ છે અને જે લેડી એની જોડે આવી હતી એની સામે એણે હાથ કરતા કહ્યું. હવે સાચી પંક્તિ ક્રિષ્નાની સામે હતી. બન્નેએ એકબીજા સામે જોયું ને અને બંનેની આંખોમાં આંસુ હતા કારણકે બંનેએ ક્યારેય એકબીજાને જોયા નહોતા ક્યારેય જોવાની જરૂર જ ન્હોતી પડી. પંક્તિએ હાથ આગળ કર્યો ક્રિષ્નાનો હાથ પકડ્યો અને એના સ્ટોલ ઉપર લઈ ગઈ બધાની સાથે ક્રિષ્નાની ઓળખાણ કરાવી ને ક્રિષ્ના માટે બનાવેલી સ્પેશ્યલ ડિશ જે તૈયાર કરવા એ કિચનમાં ગઈ હતી એ પણ ખવડાવી.

એક લેખક ને વાચકની એ યાદગાર Delicious Date હતી.

- જીગર બુંદેલા