birthday cakr books and stories free download online pdf in Gujarati

બર્થડે કેક


મેં અગાઉ લખેલી હાસ્ય કથા બર્થડે કેક માણીએ. અગાઉની ઘણી વાર્તાઓની જેમ આમાં મસ્કત અને ગલ્ફ કન્ટ્રીઝ માં રહેતા ભારતીયો ની વાત ડોકાય છે. ત્યાં પણ મોંઘવારી હોય અને કમાવા ના ખાનગી રાહે લોકો રસ્તા કરતા હોય તેની વાત. જો કે કાલ્પનિક છે.
*******
બર્થડે કેક
----------
લોકો જન્મ્યા હોય ત્યાં જ પડ્યાપાથર્યા કેમ રહેતા નથી? વાચકો, તમારામાંના કેટલા જ્યાં જન્મ્યા ત્યાં જ છે? ભણવા કે કમાવા માટે દૂર જવું પડે છે. ખરુંને? એટલે કે પેટ લોકોને એક કરે છે. ઘણી સંસ્કૃતિઓનું આદાન પ્રદાન ડાઇનિંગ ટેબલ, નહીતો થાળી પર જ થયું છે. અમે પણ અન્ય ભાતભાતના, વિવિધ પ્રાંતના લોકો સાથે મુખ્યત્વે વધુ કમાવાના આશયથી અહીં ભારત છોડી અન્ય દેશમાં સ્થાયી થયાં છીએ.
પણ અંતરમાં ધબકતું ભારત છોડાય કે? નહીં ને? તો અહીં અમારા વહાલા પુત્રનો બીજો જન્મદિવસ નજીક આવ્યો. અમે નક્કી કર્યું કે અહીં તે ઉજવવો અને ગમતાનો કરીએ ગુલાલ એ ગુજરાતી સંસ્કૃતિ. અમને જે કોઈ ઓળખીતા પાળખીતા હોય એને બોલાવવાનું મન થયું.
પુત્રના સાંજે બાગમાં રમવા ભેગાં થતાં રમકડાં જેવાં મિત્રો તો ખરાં જ. એ એટલાં નાનાં હોય કે એમના મા-બાપને બોલાવવાં પડે. એમની ઘણી ખરી મમ્મીઓ મારી સહેલી બની ગયેલી.
સહેલી એટલે? અહીંનાં બંધ બારણાંના કલ્ચરમાં થોડી ઘણી ઓળખાણ.
તો પહેલી ગઈ થોડી જૂની ‘સહેલી’ ચંદ્રકલા પાસે. જે જરૂર પડે ખાલી વાટકી, સ્ક્રુ ડ્રાઇવર, ક્યારેક મેળવણ માંગવા આવતી ને એ બહાને પોતાના સાસરાનું બૂરું અને પિયરનું સારું બોલતી. ચાલો કોઈ હિન્દી બોલનારું તો મળ્યું? મેં એ સંબંધ ચાલુ રાખેલો.
એની ડોરબેલ મારી. એના 'એ' એ દરવાજો ખોલ્યો. ચશ્માંમાંથી કોઈ નવું પ્રાણી ઘરમાં ઘુસી આવ્યું હોય તેમ મારી સામે જોયું. કદાચ એના હોઠને ખૂણે સ્મિત નામની વસ્તુ ફરકી. ‘અરી સુનતી હો? વો સામને વાલી … આઈ હૈ’ (કોડા, સ્ક્રુ ડ્રાઇવર માંગવા તો બહેનજી, મેડમજી બનાવે છે. મારી જીભે ‘કૈસે હો જીજ્જુ!’ શબ્દો હતા એ મેં પેટમાં જ થુકી નાખ્યા.)
તે બહાર આવી. “અરી …, સુબહમેં? આ. આ. “ કહેતી મને ભેટી. એમનામાં ભેટવું, વડીલને પગ સ્પર્શવા વગેરે દેખાવ કરવો સામાન્ય છે.
“ મૌસી, તેરે ભાંજે કા દૂસરા જન્મદિન … તારીખકો હૈ. સબસે પહલે તો તુઝે હી બુલાના પડેગા ના!” હવે ‘માસા’ના ઠંડા વર્તનથી ક્ષુબ્ધ બનેલી મેં કૃત્રિમ ઉત્સાહ અવાજમાં લાવી કહ્યું.
“વાહ. તો કેક તો આ માસી પાસેથી જ લેવાની હોં! અરે જોજે તો ખરી, એવી બનાવી દઈશ! હમણાં જ સામેના અલ.. અલ્લલ.. બિલ્ડીંગ (જે નામ હોય તે, અહીં બધું અલ થી શરૂ થાય) માં રહેતી ગૌરીસીથા લઈ ગયેલી. ફક્ત 13 રિયાલની કિલો તારી માટે. લોકોના 15 લઉં છું. તું કહેતી હો તો 3 કિલો લખી લઉં.”
ઠીક. ભેટવાનો ઉમળકો જાહેરાત, સેલ્સ ટ્રિક હતી. અહીં એક રિયાલ એટલે 180 રૂ. જેવા થાય. 2400 રૂ. જેવું.
“હું તને ફોન કરી કહીશ. પણ આવજે જરૂર.” કહી હું બહાર નીકળી. સહેજ આગળ જઈ સામે જાણીતી બેકરીમાં ભાવ પૂછ્યો. 11 રિયાલની કિલો. ડિઝાઇન માટે એણે આલ્બમ કાઢ્યું. સુંદર ડિઝાઈનો.
થોડો રસ્તો ફંટાવી મેં મૂળ કેરાલાની વતની ગૌરીસીથાના ફ્લેટની ડોરબેલ મારી. ડાર્ક બ્લ્યુ સાડી, ઘટ્ટ વાળમાં તેલ અને કાળા ભમ્મ વાળમાં કોન્ટ્રાસ્ટ સફેદ વેણી. ક્યાંથી લાવી હશે આ દેશમાં? ભાઈ મળી રહે. અહીં મૂળ રહેવાસીઓ કરતાં કેરાલીઓ વધુ દેખાય છે.
‘“વડકકમ સિથા! તુને વો ચંદ્રકલાસે કેક મગવાયા થા? કૈસા થા?” મેં પૂછ્યું.
પાછળથી તડબડ દોડતી આવી ઘૂંઘરાળા વાળ વાળી બાળા તેની સાડીમાં ભરાઈ.
“ચંદ્રકલા સે કેક? વો તો બયેચના ચાહતી થી, વ્યો ભાસ્કરન કો અચ્છા યેક્સપિરિયન્સ નયી થા. યે સૌકન્યા કે પાપાને વો … બેકરી સે યોર્ડર દિયા થા. યેક બાર કરને કા. અચ્છા હી મંગતા હૈ ના! કિસકા બયર્થડે હૈ?”
“મેરે બેટે કા. વહાં મોલમેં રાઈડ પર મિલા થા ના, આપકી સુકન્યા કે બાદ બેઇઠા થા!”
ઠીક. ચંદ્રકળાની કળા. જાહેરાત પણ ફેઈક. એને ખબર નહીં હોય હું ક્રોસચેક કરીશ.
“ ગ્લેડ. તુમ યેસા કરો, ડેએકોરેશન હમસે કરાને કા. હમ રંગોલી કરતા, યે બલૂન ડિઝાઇન કરતા. આપસે કયા લેના? સિર્ફ સાથ (7) રિયાલ. યક યીડલી પ્લેટ કા ભી હોટેલ વાલા દો રિયાલ લેતા હૈ. લેકિન ડયેકોરેશન કરાના જરૂર. અચ્છા લગેગા. ઔર ડયેકોરેશનમેં હમ મલ્યાલી કા જવાબ નયી.”
સારું. એણે ચંદ્રકલાને ઓર્ડર નહોતો આપ્યો. કન્ફર્મ. એણે પોતાના ધંધાની જાહેરાત કરી એક ગ્રાહક લેવા કોશિશ કરી. મને કોઈ કમાય તેનો વાંધો નથી પણ એ વ્યવસ્થિત કામ, બહારના પ્રોફેશનલ કરતાં કઈંક ઓછા ભાવે કરે તો.
હું નેક્સટ આમંત્રણ આપવા મારા પુત્ર સાથે બાગમાં રમતી દોઢેક વર્ષની જાડુડી ફિલિપાઈન ઢીંગલી સૂઝીને ઘેર ગઈ.
આ વિદેશી ધરતી પર તમારા કોણ? જે સંપર્કમાં આવે અને જેની સાથે કઈંક આનંદ શેર કરીએ તે. અહીં ઊંચી નીચી જ્ઞાતિ, ધર્મ, આર્થિક સ્થિતિ (કદાચ વધુ કમાતા હોય તો પણ અહીં શેખી ન મારે) જેવું ન હોય.
હવે બપોર પડી ચુકેલી. પુરુષ વર્ગ કામે ગયેલો. તેની મા આન્યા (ડીગેલો બ્રિગેલો એવું કોઈ પૂંછડું આપણે ભૂલી જઈએ)એ દરવાજો ખોલ્યો.
બાફેલા બટાકાની છાલ ઉતારી હોય તેવી ત્વચા, પાછળ બ્રાઉન વાળની વિશાળ નિતંબો પર સવારી કરતી પોની, એક સ્ત્રી થઈ શું કહું? માત્ર ડુંટી આસપાસનું પેટ દેખાય તેટલા વિશાળ સંપૂર્ણ ગોળ ઉરજો.. એ સામી છાતીએ ઉભે તો દાઢી તેમના પર ટેકવી શકે. લટકામાં ફિટ ટીશર્ટ!
આન્યાએ એકદમ બ્રોડ સ્માઈલ આપ્યું. ક્યાંકથી દોડતી સૂઝી આવીને મને વળગી. આન્યાએ મારી સાથે એકદમ વોર્મ શેકહેન્ડ કર્યું.
“યા.. યોર ટેડીઝ બર્થડે? આય થિંક યુ ટોલ્ડ મી સમ ટાઈમ્સ બેક. હી ઇઝ એક્ઝેટલી સિક્સ મંથ્સ એલ્ડર ટુ સૂઝી. વેલકમ.”
ઓહ, એને યાદ હતું! મેં આમંત્રણ આપ્યું કે એ બે અને આન્યાના પતિ જરૂર આવે.
એણે સ્ટ્રોંગ ફિલિપિન કોફી મૂકતાં પૂછ્યું “વ્હોટ એબાઉટ કેક? આઈ સપ્લાય ટુ ધેટ … શોપ. ઇફ યુ વોન્ટ, માય પ્લેઝર.”
“સ્યોર. વ્હોટ ઇઝ ધ રેઈટ?” મેં પૂછ્યું.
“ ઓહ યુ.. આપણા એવા સંબંધ છે કે ભાવ પૂછીએ? ચાલ હમણાં જ. પેલી … શોપ પર લઈ જાઉં. “
મેં કહ્યું કે સાંજે મારા પતિ આવે એટલે એમને સાથે લઈ એ શોપ પર જશું. હું સિરિયસ હતી. કોઈ ઓળખાણવાળું કમાય તેમાં હું ખુશ છું.
ઢીંગલી સુઝીને કિસ કરી હું નીકળી.
અહીંના ગુજરાતીઓના ફંક્શનમાં ભેગાં થતાં કામિની માસીને ઘેર ગઈ.
કામિની માસીએ બે હાથના ટચાકા ફોડી કાને હાથ અડાડયા. ઓવારણાં લીધાં.
“આવ દીકરી. અહીં ભૂલી પડી?”
“માસી, મારા … નો બીજો જન્મદિવસ છે. …તારીખે.”
“તે ક્યાં ઉજવવાનાં છો? તમારા ફ્લેટમાં જ?”
“ના માસી. ફ્લેટમાં તો આઠ દસ માણસો થાય ત્યાં જ ક્રાઉડેડ લાગે. … બેંકવેટ હોલમાં.”
“ શું કામ ખરચવા છે એક્સટ્રા પૈસા? આ હું અને તારા માસા કેટરિંગનું કરીએ છીએ. આ તો જાહેર કરીએ તો વર્ક પરમીટ વગર ધંધો કરીએ છીએ એ ખબર પડે તો એમના શેઠ અને આ દેશની સરકાર ઉચાળા ભરાવી દે.
અરે શિખંડ, જલેબી, દુધપાક પુરી, તું જે કહે એ બનાવી દેશું. ઘેર જ કર. ક્યાં બધા એક ટાઈમે બેસવાના છે!”
“માસી, મહેમાનો ગુજરાતી તો બે ત્રણ જ છે. બાકી બીજા રાજ્યોના અને બીજા દેશના.”
“તે એમાં શું? આપણી વાનગીઓ એને ખવરાવીએ તો ખબર પડે કે ગુજરાતમાં કેવું સ્વાદિષ્ટ ખાવાનું બને છે”
(સ્વાદિષ્ટ, આ માસા માસીનું? લોકો ઘેર આવતા હોય તો પણ ન આવે. આમાં પારખાં ન હોય. પૈસા ખરચવા જ છે તો સહુ એન્જોય કરે એવું જ કેમ ન કરવું?)
“આ અમે એક ડીશ દોઢ રિયાલમાં મિષ્ટાન સાથે આપીએ. એ મુઆઓ અઢી રિયાલ ઠોકી લે. પછી તમારી મરજી. ચોવીસ કલાક પહેલાં કહેજો. મોલ માંથી શાકપાંદડું લાવવાની ખબર પડે.”
બીજા મારા પુત્રના દોસ્તો, એની ભાષામાં ‘બેબી ફ્રેન્ડ’ છોકરીઓ, સહુને અને અમારા પરિચિતોને આમંત્રણ આપ્યું.
બધાનું વર્ણન કરું તો વાર્તા ખૂબ લાંબી થાય પણ બીજા પણ કેટલાકને પોતાનો ખાનગી ધંધો આ બર્થડે પાર્ટીના બહાને કરી લેવો હતો.
અહીં જાહેરમાં સરકાર વર્ક પરમીટ ન આપે ત્યાં સુધી કોઈ આર્થિક પ્રવૃત્તિ ન કરાય. હું પોતે ભારતમાં ઉચ્ચ નોકરી કરતી હતી, અહીં મારા પતિનો પડછાયો બની આવી અને અહીં વર્ક પરમીટ નથી. સિંહ ઘાસ ન ખાય એમ કેક વેચવી, આઈબ્રો કરી આપવી, સાડીને ફોલ મૂકી આપવા જેવાં કામ કરવાની મારી ઇચ્છા નથી અને વગર વર્ક પરમીટે ગેરકાયદે કશું કરવું પણ નથી. હું ધારું તો લોકોની પુત્રીઓને ભારત નાટ્યમ શીખવી શકું છું. પાછલે બારણે કશું કરવું નથી. એથીક્સમાં માનું છું.
લોકો ભારતથી વધુ પૈસા મળે એટલે તો અહીં આવ્યા હોય પણ લોભને ન થોભ. અહીં કમાણી વધારે તો ખર્ચ પણ વધારે. થોડા વધુ બચાવવા, વરને ટેકો કરવા આવા ઘરઘરાઉ ધંધાઓ ગૃહિણીઓ છાને ખૂણે કરતી હોય છે. પકડાય તો વરની નોકરી જાય ને ભાગવું પડે ભારત.
કોઈએ તો પોતે બ્યુટીપાર્લરનો બિઝનેસ (ત્રણેક મહિને એક બકરી પકડયાનો) કરતી હોઈ બર્થડે પાર્ટી પર તૈયાર થવા પોતાની પાસે આવવા સૂચવ્યું! અરે બહેન, પુત્રના લગ્નને હજુ વર્ષોની વાર છે. એ અહીં કરશું તો તને યાદ કરીશ મારા ભોગ લાગ્યા હોય તો.
અમે આન્યા સાથે પેલા સ્ટોર પર ગયાં. કેક શણગારી તો સારી હતી. પણ કડક હતી. કદાચ થોડી વાસી પણ લાગી. દુકાનદારનો ફોન નં. લઈ પછી ફોન કર્યો. આન્યા કેક આપે અને વેંચાય તો પોતે એને કમિશન આપતો. પણ આન્યા હજુ શિખાઉ હતી. તેની બનાવેલી કેક ક્યારેક જૂની, વાસી ક્યારેક કડક તો ક્યારેક લિકવિડ જેવી થઈ જતી.

અમે જાણીતી બેકરીમાં ગયાં. એની ડિઝાઇન ઉપરાંત પતિએ સુધારા સૂચવ્યા, એકદમ યુનિક કલર, ડિઝાઈનની કેક કરવાનો ઓર્ડર આપ્યો. 40 જેવા માણસો હોઈ તેટલી મોટી કેક પર એણે ડિસ્કાઉન્ટ પણ આપ્યું. ડેકોરેશન માટે રંગ રંગના બલૂનની કોથળી, પમ્પ અને ફુલાવી શકાય તેવા તથા થર્મોકોલના અક્ષરો લઈ આવ્યાં. મેન્યુ પણ સહુને ગમે તેવું નક્કી કર્યું. ગેસ્ટમાં આ દેશના મુસ્લિમ, પેલી આન્યા, ગૌરીસીથા, ચંદ્રકલા, કામિની માસી અને એક બે મોલમાં અવારનવાર મળતી ‘સહેલી’ઓ, એમની ઓફિસના ક્લીગ્સ એમ પચરંગી, ના, બહુરંગી પ્રજા હતી.
તો એ ‘ડી ડે’ પર સવારથી બેંકવેટ હોલ જઈ બલુનો લટકાવ્યાં, અક્ષરો ફુલાવીને ગોઠવ્યા, કૃત્રિમ ફૂલોની સજાવટ કરી. હોલના એમ્પ્લોયીની મદદ મળી. લોકો જોઈ દંગ રહી જાય તેવું ડેકોરેશન થયું.
સાંજે મારા લાડલાને તૈયાર કર્યો. મેં પણ સોળ નહીં તો બાર તેર શણગાર સજ્યા. મારા પતિએ ઇસ્ત્રીબંધ ડ્રેસ પહેર્યો. અમે હોલ પર સહુને ઉમળકાભેર આવકારવા પહોંચી ગયાં.
કેક આવી. ખુદ કેકવાળો એના પ્રેમમાં પડી ગયો. એણે ખૂણેખાંચરેથી કેકના ફોટા લીધા. એમના મિત્રોએ હોલનો શણગાર જોઈ અનેક ફોટા ચપોચપ પાડ્યા અને ‘વંડરફુલ’ એમ કહ્યું.
એ બધી ‘સહેલીઓ’ એમનાં શિશુઓને લઈ આવી પહોંચી.
કેક કાપવાનો ટાઈમ થયો. ખોખું ખુલ્યું. સહુથી પહેલી ચંદ્રકલા આગળ ધસી. કેક ધારી ધારીને જોયું અને પડી ગયેલા મોઢે પાછી ફરી. ચંદ્રકલા લોકોનું ધ્યાન ખેંચવા પરી જેવો ઘેરવાળો અને સ્લીવલેસ સફેદ ગાઉન પહેરી આવી હતી. સારો એવ મેકઅપ કરેલો. પરફ્યુમથી મઘમઘતી હતી. ભવિષ્યના રીઢા ધંધાદારી એના પુત્રે કેક પાસે જઈ ઉપર ડેકોરેશન માટે મુકેલી ટ્રેઈન ઊંચકી ચૂપચાપ ખિસ્સામાં મુકવા મીણબત્તી ખોસવાના બહાને ટ્રાય કરી પણ પતિએ એને એક ફુગ્ગો આપી ‘લે, તારા ફ્રેન્ડને રમાડ’ કહી મારો પુત્ર એની પાસે એ જ ફુગ્ગાથી રમવા મૂકી દીધો. ટ્રેઇન રમકડાંની દુકાનેથી પુત્ર માટે જ લાવેલાં. પર્વત અને હરિયાળીનું ડેકોરેશન હોઈ સારી વિઝ્યુઅલ ઇફેક્ટ માટે ટ્રેઈન ત્યાં મુકેલી. ‘બિઝનેસમેન’ કોઈ પણ રીતે ટ્રેઈન હાંસલ કરવા આગળ પાછળ થયો પછી કોઈની સુંદર બેબી મળી જતાં એની સાથે રમવા ચાલ્યો ગયો. હાયર ટાર્ગેટ!
આન્યા કેકની નજીક ગઈ અને એને આંખોથી ખાઈ ગઈ. એને ‘ચાટી ગઈ’. જો કે ‘વાઉ, વ્હોટ એ ડિઝાઇન! ધ કલાઉડઝ, ગ્રાસ, હીલ એન્ડ એ ટોય ટ્રેન પાસિંગ! આઈ વિલ ટ્રાય ધીસ’ કહી કેકના ફોટા પાડ્યા, હજુ ન કપાયેલી કેક આંગળીથી દબાવી. કેવી પોચી! એણે હાર માની અને ઉદાસ થઈ નીચી નમી પાછી હટવા ગઈ. કેકનું ક્રીમ એના સેમી ટ્રાન્સપરન્ટ ડ્રેસ પર બરાબર ગોળ સ્તનની વચ્ચે ટપકું કરી રહ્યું. એક બાજુ હોય એ સારું લાગે? એ ટર્ન મારવા બીજી તરફ ઝૂકી. એ બાજુ પણ વિશાળ સ્તન પર ટપકું ચોંટ્યું. આપણે ત્યાં નજર ન લાગે એ માટે ટપકું થાય, આણે નજર ત્યાં જ લાગે એવું ટપકું કર્યું!
કામિની માસી સામે પડેલ હરાભરા કબાબ, દ્રાક્ષ જ્યુસ, બાળકોને ભાવે તેવા ગુજરાતી ઢોકળાં સામે ભૂખી નજરે જોઈ રહ્યાં. તાજાં ગુલાબજાંબુની સોડમ તેમને દુર્ગંધ જેવી લાગી હશે. તેઓ નાક ચડાવી એક ખૂણે બેઠાં. એમના વાળા માસા 'આવી પાર્ટીમાં આવું મેન્યુ બનાવાય' એ મગજમાં કોતરી રહ્યા.
બ્યુટીપાર્લર મેડમ ખુદ બ્યુટીક્વિન બની મેકઅપ ચડાવી આવી હતી પણ ડ્રેસમાં કલર સેન્સ ઓછી એટલે ભડકામણી લાગતી હતી. એ કોઈ, એટલીસ્ટ કોઈના પપ્પા એને જુએ એવા પ્રયત્નો કરતી હતી.
બાળકો તો બસ ફુગ્ગાઓ ઉડાડી કેચ કેચ રમવામાં મશગુલ હતાં. એમાં પણ કોઈ 5 વર્ષનો બાબો 3 વર્ષની બેબી સામે ધારીને જોતો હતો. બાબાએ એને 'રમાડવા', આપણી મોટાંની ભાષામાં 'ઇન્ટ્રો કરવા' બોલાવી. પેલીએ ભાવ ન આપ્યો.
મ્યુઝિક શરૂ થયું. ‘હેપી બર્થ ડે ટુ યુ’.. મારો લાડલો કેક પર ઝૂકી નવતર ચીજ જોઈ રહ્યો. અમે એના હાથે કેક કપાવી. બાળકો તાળી પાડી રહ્યાં.
એક ખૂણામાં ચંદ્રકલા કોઈને કહેતી હતી “ડિઝાઇન મેં બનાવી છે, ખબર છે? આ તો મારો ભાવ વધુ લાગ્યો. બાય ધ વે તમારા બાબાનો બર્થડે આવતા મહિને છે ને? મને એડવાન્સ આપી દેજો. પછી મારી પાસે ખૂબ ઓર્ડર હશે. ફક્ત 13 રિયાલની કિલો…”
જીવતું બ્યુટીપાર્લર હું કેવી તૈયાર થઈ છું એ જોતી હતી. જલતી હતી. અંતર હસતું હોય તો આંખો હસે અને પ્રસન્ન ચિત્ત હોય તો સુંદરતા આખા શરીરમાંથી ફોરતી હોય. મારી બોડી લેન્ગવેજ પણ.. ઇટ રેડીએટેડ ચાર્મ. એ ચકિત થઈ જોઈ રહી. એને એક આઈબ્રો પણ કરવા ન મળી એટલે ખોટું તો લાગ્યું. એણે બીજી સ્ત્રીઓને પોતાનું મૌખિક કાર્ડ આપવા ગુસપુસ શરૂ કરી.
કામિનીમાસીને આ રસોઈ ભાવશે નહીં એમ લાગેલું પણ સહુથી પહેલાં એ જ લાઈનમાં ઊભાં. હા, એમણે સહુને કોઈ પ્રસંગ આવે ત્યારે ગુજરાતી ડીશ ટ્રાય કરવા અને પોતાને જ કોન્ટ્રેક્ટ આપવા કહ્યું.
આન્યાની ઢીંગલી સૂઝી આમેય મારા પુત્રની ફ્રેન્ડ છે. બેય કેક પરથી રમકડાં લઈ રમવા લાગેલાં. આન્યા પોતાની કેકની જાહેરાત કરે તો પણ એના અંગ્રેજી ઉચ્ચારો ચંદ્રકલા કે કામિનિમાસી સમજે એમ ન હતું.
સહુ પોતાના વ્યવસાયની જાહેરાત માટે ઉત્સુક હતાં, હવે ચંદ્રકલા કોઈ પાસે પોતાની સાસુ વિશે વાટતી હતી.
આન્યા એના વર સાથે અડોઅડ બેસી કઈંક ગુસપુસ કરતી હતી. એના ‘નજર લાગે એવા ‘ ગોળ સ્તનો અને પાશ્ચાત્ય ડ્રેસ નીચે દેખાતા ચમકતા ગોરા પગ ‘પપ્પાઓ’ કેક ખાતાં મમળાવતા, માણતા હતા.
પતિના મિત્રો ખાતાં ખાતાં કોઈ પુરુષસહજ સામાન્ય વાતોમાં લાગી ગયેલા. લાડલો આંગળીથી પોતે કાપેલી કેક ચાટતો હતો અને હું હોસ્ટ હોઈ સહુને જોતી હતી.
બધું સુંદર રીતે પતી ગયું કેમ કે આમંત્રણમાં સંબંધો જાળવેલા પણ વસ્તુઓમાં વ્યવસાયીઓ પર જ આધાર રાખેલો. જેનાં કામ જે કરે.
બાળગીતોની સીડી તો વાગતી હતી પણ સાંભળવાની કોને ફુરસદ હતી? જેને આનંદ થવો હતો તેને થયો, કોઈને ઈર્ષા અને કોઈને ધંધો ગુમાવ્યાની વ્યથા. સહુ પોતપોતાનામાં મશગુલ હતાં અને એ સહુને સાક્ષીભાવે જોતી હતી.. સેન્ટરમાં પડેલી, કપાયેલી સુંદર .. બર્થડે કેક.
….
-સુનીલ અંજારીયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED