Dashavtar - 39 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 39

          બધી બસ તબાહ થયેલા શહેરમાં પહોંચી ગઈ હતી. અંધકારમાં માંડ દેખાતી ઇમારતોના રેખાચિત્ર પરથી બસ યોગ્ય અંતરે ઊભી રાખવામા આવી. બસ ઊભી રહેતાં એને અનુસરતા મશીનોના ડ્રાઇવરોએ પણ એંજિન બંધ કર્યા. એંજિનોના ધબકારા અને બ્રેકોની ચિચિયારી થોડીવાર હવામાં ફેલાઈ અને પછી ત્યાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. હવે ત્યાં માત્ર હવાના સુસવાટા સિવાય કોઈ અવાજ નહોતો.

           નિર્ભય સેનાનાયક ભૈરવના આદેશ પર મશીનોને બસોથી આગળ ખસેડવામાં આવ્યા અને મશીનો પર ગોઠવેલી ફોક્સ લાઇટો ચાલુ કરવામાં આવી. એક પળમાં એ જગ્યા પ્રકાશથી ઝળહળવા લાગી. એ ઉજાસમાં વિરાટે જોયું કે બસો એક અર્ધ ખંડેર ઇમારત સામે ઊભી રહી હતી. એ ઇમારતનો ઉપરનો છોર તો એ ફોક્સ લાઈટોનું અજવાળું હોવા છતાં અંધકારમાં ડૂબેલો હતો. ફોક્સ લાઇટોનો ઉજાસ ત્યાં સુધી પહોંચી શકે એમ નહોતો.

           ઇમારતનું નીચેનું બાંધકામ પથ્થરોનું હતું અને ઉપરનો ભાગ લાલ ઈંટોથી ચણેલો હતો. ઠેકઠેકાણેથી પ્લાસ્ટર ઊખડી ગયું હતું ત્યાં ખવાઈ ગયેલી લાલ ઈંટો દેખાતી હતી. ઊધઈ જેમ લાકડાને ખાઈ જાય તેમ સમય આખા શહેરને ભરખી ગયો હતો. આસપાસના બાંધકામો પણ એવા જ બદતર હાલમાં હતા. કોઈ ઇમારત તેના મૂળ આકાર કે અસલ રંગમાં નહોતી. હવે દીવાલો અને છત પર રંગને બદલે ધૂળ અને રજ રાજ કરતાં હતા. આખી ઇમારત જાણે ધૂળની ચાદરમાં લપેટી નાખી હોય તેવી દેખાતી હતી.

           “અનુભવી શૂન્યો...” વિરાટની કારમાં વ્યવસ્થા જાળવતા નિર્ભય સિપાહીએ સૂચના આપવી શરૂ કરી, “ યુવકોને લઈને બસ બહાર નીકળો.”

           બધા એક પછી એક બસમાંથી બહાર નીકળ્યા. નીરદે વિરાટનો હાથ પકડ્યો અને એને બસ બહાર દોરી ગયા. એ જે જમીન પર ઉતર્યા એ જમીન લાલ પથ્થર અને રેતનું અજબ મિશ્રણ હતી. વિરાટે જોયું કે એમની બસ પર ત્રણ નંબર લખેલું હતું. બધા શૂનયો ઉતર્યા પછી ત્રણ નંબરની બસમાથી નિર્ભય સિપાહી ઉતર્યો અને બસનો દરવાજો બંધ કર્યો.

           “ત્રણ નંબરની બસના લોકો અહીં જ ઊભા રહે.” એણે કહ્યું.

           વિરાટે આસપાસ જોયું. જ્યાં સુધી ફોક્સ લાઇટોનો પ્રકાશ જઈ શકે ત્યાં સુધી બધે તબાહી જ તબાહી હતી અને તેનાથી આગળ માત્ર અને માત્ર અંધકાર હતો. એ કેવા શહેરમાં હતા એનો અંદાજ આવી શકે એમ નહોતો કેમકે અમુક અંતર કરતાં આગળ ફોક્સ લાઇટોનો પ્રકાશ નકામો થઈ જતો હતો. એ હાર માની અંધકારમાં ભળી જતો હતો.

           ત્યાં ઊભો દરેક શૂન્ય તેના શ્વાસમાં ધૂળની પડતર વાસ મહેસુસ કરતો હતો. હવામાં જાણે રેતની એક પરત લહેરાતી હતી અને શ્વાસ લેતા જ ફેફસા ફરિયાદ કરવા લાગતાં હતા કે એમાં પ્રાણવાયુ કરતાં વધારે તો ધૂળ છે. બધાની આંખોમાં પણ પવનના ઝાપટાં સાથે વહેતી રેત પડતી હતી અને જે યુવક-યુવતીઓ અનુભવી નહોતા એમણે આંખો ચોળવાની ભૂલ કરી હતી. જેણે પણ આંખો ચોળી એને હવે બરાબર દેખાય એમ પણ નહોતું કેમકે રેતના કણ આંખના ડોળાને છોલી નાખતા હતા. એ ભયાનક રેગિસ્તાન પ્રદેશ હતો. માનવ માટે ત્યાં એક રાત રહેવું અશક્ય હતું પણ ત્યાં માનવો નહીં શૂન્ય ઊભા હતા જે ઠંડી, તડકો અને ગમે તેવા કુદરતી પડકાર સહન કરવા ટેવાયેલા હતા.

          વિરાટ જાણતો હતો કે આંખો ચોળવાથી શું થશે. એણે એ ભૂલ ન કરી. બસમાં બારીના કાચ એની આંખોને રક્ષણ આપતા હતા પણ અહીં કોઈ રક્ષણ નહોતું. તેની આંખોમાં રેતી પડ્યે જતી હતી પણ ગુરુ જગમાલે એને કહ્યું હતું એ પ્રમાણે એણે આંખો ચોળી નહીં. થોડીવારમાં આંખોના ખૂણે ચીકણો પદાર્થ એકઠો થવા લાગ્યો અને આંખમાંથી પાણી સાથે વહીને રેત નીકળી જવા લાગી. બાકીની રેતી એ ચીકણા પદાર્થમાં ચોટી આંખના ખૂણે ભેગી થતી હતી. 

          ધૂળના વાદળોમાં અદૃશ્ય થઈ જતી ઇમારતો આસપાસ મેળાવડો જામ્યો હતો. શૂન્યોને દક્ષીણમાં રોકી રાખતી દીવાલ જેટલી ઊંચી એ ઇમારતો દીવાલ જેવી જ દેખાતી હતી. કોઈ ફેર હતો તો એ વેલા હતા. દીવાલમાં જ્યાથી ગંગાની કેનાલ દાખલ થતી ત્યાં પુષ્કળ પ્રમાણમા પાણી લીકેજ થતું અને એ પાણી દીવાલની સાથો સાથ વહેતું રહેતું. એ પાણી પર પોષણ મેળવી અનેક પ્રકારના વેલા ઊગી નીકળ્યા હતા જે દીવાલની એકલતા દૂર કરવા માંગતા હોય એમ તેના પર ફેલાયા હતા પણ અહીં વેલા કે વૃક્ષોનું કોઈ નામોનિશાન નહોતું. ક્યાય પાણી નહોતું. અહીં બસ સિમેન્ટ, ક્રોકિટ, માટી, પથ્થર, કાચ અને મેટલના ખંડેર બાંધકામો ભૂખી ભૂતાવળ જેમ ચારેકોર ફેલાયેલા હતા.

          વિરાટની આંખો બધાથી અલગ હતી. એ લાંબા અંતર સુધી અંધારામાં પણ જોઈ શકતો. પણ ત્યાં આસપાસ જોવા માટે તબાહી સિવાય કશું નહોતું. એણે એ જોયું જે પહેલા ક્યારેય જોયું નહોતું. ત્યાં દુનિયા એવી હતી જે એણે ક્યારેય સપનામાં પણ કલ્પી નહોતી. એ થથરી ઉઠ્યો. એની આસપાસની ઇમારતો દીવાલ પેલી તરફ રાતના અંધકારમાં શિકારની શોધમાં ફરતા શિકારી જાનવરો અને મધરાતની ભૂતાવળ કરતાં પણ બિહામણી હતી.

          એક સમયે અહીં લોકો રહેતા હતા. વિરાટે વિચાર્યું. ઇમારતો જમીનદોસ્ત નહોતી મતલબ ત્યાં વસતા લોકો પ્રલયમાં દટાઈને નહોતા મર્યા. એ લોકો પ્રલય પછી ભૂખ અને તરસથી મર્યા હશે. કેવું દર્દનાક હશે એ મૃત્યુ? દીવાલ પારના લોકો માટે ભૂખમરો અજાણ્યો નહોતો. એ જાણતા હતા કે ભૂખથી દિવસો સુધી પીડાઈ માણસ મરે છે. કદાચ ફાંસી કે નિર્ભયની તલવાર કરતાં પણ એ મોત વધારે દર્દનાક હશે.

          એ બધા કરતાં પણ વધુ દુખદ બાબત હતી લોક પ્રજાનું સ્થળાંતર. એકવાર એ શહેરનું સમારકામ થાય ત્યાં લોક પ્રજાને રહેવા માટે મોકલવામાં આવશે એ કલ્પના માત્ર વિરાટના શરીરમાં ધ્રુજારી પેદા કરતી હતી. એ લોકોને ઇમારતોના ભોયરાને ઘર અને જમીન નીચેના સુરંગ માર્ગોને રસ્તા સમજી જીવન જીવવાનું હતું. એ જીવન એક ખરાબ સ્વપ્ન કરતાં પણ વધુ ખરાબ હતું.

          પવન ધીમેધીમે ગતિ પકડતો હતો. હવાનું જોર વધતાં હવે હવામાં કાગળ, દીવાલોના ઊખડેલા કલરના પોપડા, ધૂળ અને કેટલાય અજાણ્યા પદાર્થો તરવા માંડ્યા હતા. એકાએક એને લાગ્યું જાણે આકાશમાં સૂરજ ઊગી નીકળ્યો છે પણ એ અશક્ય હતું. હજુ હમણાં જ તો એ શાપિત શહેર પાછળની ટેકરીઓમાં સૂરજ ગાયબ થયો હતો. કમ-સે-કમ બાર કલાકના આરામ પહેલા એ ફરી પ્રલય પહેલાની ગોજારી દુનિયા જોવા ન આવે.

          એક ક્ષણના ઉજાસમાં બાકીના શૂન્યોએ એ જોયું જે એમને અંધકારમાં દેખાયું નહોતું. એ દૃશ્ય જોઈ બધા છળી ઉઠ્યા. આસપાસની દરેક ઇમારતને નુકશાન થયેલું હતું. કેટલીક સીધી ઊભી હતી તો કેટલીક આમ કે તેમ નમેલી હતી અને હમણાં જ પડી જશે એમ લાગતું હતું. કેટલીક ઇમારતો જમીન બહાર હતી તો કેટલીક જમીનમાં અડધે સુધી દટાઈ ગઈ હતી. કોઈ ઇમારતનો ઉપરનો અડધો ભાગ તૂટી ગયો હતો તો કોઈને જાણે પડખેથી છોલી નાખવામાં આવી હતી. મોટાભાગની ઇમારતોમાં કોઈ રાક્ષસે તેના હથોડાથી ફટકા માર્યા હોય એવા વિશાળ ગાબડાં હતા. લગભગ બધી ઇમારતોમાં બારી અને બારણાંને બદલે મોટા મોટા બાકોરા હતા.

          એ એક ક્ષણના દૃશ્યએ શૂન્યોને વિચારતા કરી મૂક્યા કે પાંચસો વર્ષ પહેલાનો એ પ્રલય કેવો ભયાનક હશે. સૌથી વધારે ઉદાસી વિરાટના હ્રદયમાં હતી. આસપાસનું વાતાવરણ એને બીમાર કરી નાખશે એમ તેને લાગ્યું. જાણે પ્રલય હજુ ત્યાં જ હોય અને વર્ષો પહેલા એ શહેરના લોકોને ભરખી ગયો એમ ત્યાં ઊભા એના લોકોને પણ ભરખી જશે એ ભયે તેનું શરીર ધ્રૂજતું હતું. શું પ્રલય પહેલાના ભગવાન પણ કારુ જેમ નિર્દય હતા? શું એમણે બધાને દર્દનાક મોત આપવા પ્રલય મોકલ્યો હશે? કે પછી લોકો કહે એમ માણસોએ પોતે જ પ્રલયને આમંત્રણ આપ્યું હશે? શું એ કુદરતી હશે કે માનવનિર્મિત? શું થયું હશે એ સમયે?

          “વિરાટ....” એના પિતાએ એકાએક તેનો હાથ પકડ્યો અને ચીસ પાડી, “ભાગ....”

          વિરાટ સામેની એક અર્ધ ખંડેર ઇમારતમાં પડેલા રાક્ષસી બાકોરાને જોઈ રહ્યો હતો. જેવો એણે નીરદનો અવાજ સાંભળ્યો એક મિનિટ માટે તો એ અવાક બની ગયો. શું થયું છે એ તેને ન સમજાયું પણ બીજી જ પળે એના પગ આપોઆપ કામે લાગ્યા. નીરદે કહ્યું કે ભાગ મતલબ જીવનું જોખમ છે.

          એ નીરદ સાથે કદમથી કદમ મિલાવી સામે દેખાતી ઇમારત તરફ દોડવા લાગ્યો. એના પિતાએ તેનું કાંડું મજબૂત રીતે પકડી રાખ્યું હતું. બંને પિતા પુત્ર સામે દેખાતી ગગનચુંબી ઇમારાત તરફ દોડવા લાગ્યા પણ ત્યાં દોડવું મુશ્કેલ હતું. એક પગ રાતા માટીયાળ ભાગમાં પડતો હતો તો બીજો પગ રેતમાં ખૂંપી જતો હતો. ત્યાંની જમીન અજીબ હતી. એ રાતી માટી અને રણની રેતીનું ગજબ મિશ્રણ હતી. વિરાટને લાગ્યું કે ગમે તે સમયે પોતે સમતોલન ગુમાવીને ફસડાઈ પડશે.

          “શું થયું?” એણે દોડતા દોડતા જ પુછ્યું, “આપણે કેમ ભાગીએ છીએ?”

          એ સો કરતાં પણ વધારે શૂન્યોની ભીડ વચ્ચે દોડતા હતા. હવે ત્યાં કોઈ નિયમ નહોતો. બસ એક જ નિયમ હતો સામે દેખાતી ઇમારતમાં દાખલ થાઓ અને જીવતા રહો. પહેલી બસના મુસાફરો નસીબદાર હતા કેમકે સૌથી પહેલા એ ઉતાર્યા હતા અને એમનો વ્યવસ્થાપક સિપાહીએ એમને એક હરોળમાં ગોઠવી ઇમારત સુધી લઈ ગયો હતો. એ વ્યવસ્થાનો એક ભાગ હતો. એક પછી એક દરેક બસના મુસાફરોને ગણીને એ ઇમારતમાં લઈ જવાના હતા કેમકે એ શહેરમાં રાત્રે કોઈ બહાર રહી જાય તો સવારે તેનો કોઈ અંશ પણ ન મળે.

          પણ બાકીની બસોના લોકો હજુ ઈમારતથી બહુ દૂર હતા. એમના વ્યવસ્થાપક નિર્ભયો પણ હવે એમની સાથે જ દોડતા હતા.

          “તોફાન આવી રહ્યું છે...” નીરદે વિરાટને જવાબ આપ્યો એ જ સમયે વીજળીનો એક લીસોટો હેઠો ઉતાર્યો. એ વીજળીનો વજ્રધાત સામેની ઇમારતના પડખે અથડાયો અને ત્યાંથી ઈંટ, પથ્થર અને પ્લાસ્ટરના ફુરચા ચારે તરફ વિખેરાયા.

          વિરાટ પૂરી તાકાત લગાવી દોડતો હતો પણ એની પીઠ પરના થેલામાં વધારે પડતું વજન હતું. ખોરાકના પેકેટ અને પાણીની મશકોથી પેક એ થેલો વીસેક કિલો વજનનો હતો. નીરદ માટે પણ એ જ બાધા હતી. એના થેલામાં મોટા ભાગના વજનદાર ઓજાર હતા અને એની કમરે લગાવેલ ટુલબેગ પણ નાના નાના ટુલથી ભરેલી હતી. રેતમાં પગ ઉતરી જતાં હોય ત્યારે એ વજન લઈ દોડવું મુશ્કેલ હતું. દરેક શૂન્યને એ મુશ્કેલી નડતી હતી એટલે એમની દોડવાની ગતિ અડધી થઈ જતી હતી.

          મોટાભાગના શૂન્યોએ દીવાલ પેલી તરફ સંદેશવાહક તરીકે કામ કરેલું હતું. સ્વયંસેવક તરીકે કરેલું કામ આજે કામ કરી ગયું નહિતર એ રેતમાં એટલુ વજન લઈ દોડવું કોઈ પણ માણસ માટે અશકય હતું. વિરાટ પોતે પણ એક વર્ષ સુધી સંદેશવાહક રહ્યો હતો. એને કલાકો સુધી દોડવાનો અનુભવ હતો પણ દીવાલ પેલી તરફ એણે ક્યારેય કલ્પ્યું પણ નહોતું કે ક્યારેક દોડવું ખરેખર એટલુ મુશ્કેલ પણ હોઈ શકે. દોડવું મુશ્કેલ હતું પણ જીવ બચાવવાનો એ એક જ રસ્તો હતો એટલે દરેક શૂન્ય દોડતો હતો. ભલે તે યુવક હોય, યુવતી હોય, અનુભવી શૂન્ય હોય કે નિર્ભય સિપાહી કેમ ન હોય. મશીનો હંકારવા આવેલા ડ્રાઇવરો પણ મશીનો પડતાં મૂકી એમની સાથે દોડવા લાગ્યા હતા.

          કરો અથવા મરો જેવી પરિસ્થિતી હતી. દોડતા રહો અથવા વીજળીના તોફાનમાં સપડાઈ ભડથું બની જાઓ. હજારો કિલોવોટની એ વીજળી કેવી તબાહી મચાવી શકે છે એનો નમૂનો તો એ લોકોએ પહેલી વીજળી ઈમારતના પડખે અથડાઈ ત્યારે જોઈ લીધો હતો.

          એ દોડતો હતો. એની નસોમાં એટલી જ ઝડપે લોહી અને એડ્રેનાલિન પણ દોડતું હતું. પણ જે ઇમારતમાં બધાને દાખલ થવાનું હતું એ હજુ ખાસ્સી દૂર હતી. ઇમારતનું પ્રાગણ વિશાળ ઘેરાવામાં હતું. વાહનો પ્રાગણ બહાર રસ્તામાં ઊભા કરાયા હતા એટલે પ્રાગણ પાર કરી અંદર દાખલ થતાં પાંચેક મિનિટ થઈ જાય એમ હતી.

            હવે બધા શૂન્યો પ્રાંગણમાં હતા. પ્રાંગણ પોતે પણ ઈમારત જેમ શાપિત અને ભૂતિયા લાગતું હતું. એક સમયે એ ઈમારતમાં વસતા હજારો લોકોનો મેળાવડો એ પ્રાંગણમાં રહ્યો હશે પણ હવે ત્યાં જીવ બચાવવા ભાગતા લોકો સિવાય કોઈ નહોતું. એક સમયે એ પ્રાંગણમાં બાળકો માટે બનાવેલા હીંચકા અને લોખંડની મોટી લપસણીઓનો રંગ હવે ઊડી ગયો હતો. એના પર કાટ લાગેલો હતો. ઝડપથી ફૂંકાતા પવનમાં હીંચકા આમથી તેમ ચિચિયારી પાડી હાલતા હતા. જાણે એમના પર જીવતા જાગતા ભૂત સવાર હોય એમ ચિંચવા ઉપર નીચે થતાં હતા. છાતીના પાટિયા બેસી જાય એવા એ પ્રાંગણમાં જીવ બચવાવાનો ન હોય તો કોઈ દાખલ થવાનો વિચાર પણ ન કરે. જોકે અત્યારે કોઈની પાસે પસંદને અવકાશ નહોતો.

            વિરાટ અને નીરદ ચિંચવા નજીક પહોચ્યા એ જ સમયે વીજળીનો હીંચકા ઉપર પડી. ચારે તરફ આંખ આંજી નાખે એવો પ્રકાશ અને કાન ફાડી નાખે એવો અવાજ થયો. સદભાગ્યે વીજળી જમીન પર આળોટવાને બદલે હીંચકાની સાંકળે થઈ ફરી આકાશમાં ચડી ગઈ નહિતર ભયાનક ખુવારી વેઠવી પડી હોત.

            “ડરીશ નહીં...” નીરદે બૂમ પાડી, “દોડવાનું ચાલુ રાખ...”

            વિરાટ જાણતો હતો કે આ ડરવાનો સમય નથી. એ દોડતો રહ્યો. એના લોકો દોડતા રહ્યા.

            “તમે સુરતાને ક્યાય જોઈ?” એકાએક વિરાટને સુરતા યાદ આવી. એણે દીવાલ પાર લઈ આવવા માટે તેના પિતાએ જે વચનો આપ્યા હતા એ યાદ આવ્યા, “આપણે તેની સલામતીનું વચન આપ્યું હતું.”

            “એ સલામત છે. મેં એને મુંજન સાથે આપણાથી આગળ જતાં જોઈ હતી. એ પહેલી બસમાં હતા એટલે તોફાન પહેલા ઇમારતમાં દાખલ થઈ ગયા છે.”

            વિરાટને એ છોકરી સલામત છે એ જાણી રાહત થઈ. કાશ! કે એ તોફાનમાં મરી ગઈ હોત! વિરાટ જાણતો નહોતો કે નસીબે એના માટે કેવું કરૂણ મૃત્યુ વિચારી રાખ્યું છે નહિતર એને સુરતા સલામત છે એ જાણી હાશકારો ન થયો હોત.

           આકાશના અંધકારને ચીરતાં વીજળીના પ્રહારો જમીન પર વરસાદ જેમ વરસવા લાગ્યા. જમીન પર જ્યાં વીજળી પડતી ત્યાં લાલ માટી અને રણ જેવી રેત ચારે તરફ વિખેરાતી. લાલ રંગની માટીના ધુળીયા વાદળ ગોટે ગોટા થઈ હવામાં ભળવા લાગ્યા. વીજળીના ચમકારા આંખ આંજી નાખતા હતા અને એના કાટકા કાન ફાડી નાખતા હતા.

           વિરાટના કાન હવે જાણે બહેર મારી ગયા હતા. એને બીજો કોઈ અવાજ સંભળાવાને બદલે દૂર સિટી વાગતી હોય એવું લાગ્યું. જાણે હવે એના કાન પૂરા બહેરા થઈ ગયા હતા. નીરદ વિરાટ તરફ જોઈ બૂમો પાડતા હતા પણ વિરાટને કશું સંભળાતું નહોતું. એના પિતા શું કહે છે એ સાંભળવા એ મથતો હતો પણ તેના કાને સાથ ન આપ્યો. ચારે તરફ અફડાતફડી અને શોરબકોર હતો. હવામાં રાતી ધૂળના વાદળો એ પ્રમાણમા ભળી ગયા હતા કે હવે શ્વાસમાં જાણે પ્રાણવાયુ નહીં પણ ધૂળ જતી હતી. ફેફસા આખરી દમ પર આવી હવામાથી જેટલો મળી શકે તેટલો પ્રાણવાયુ વાયુકોષ્ઠોમાં ભરતા હતા. જીવન અને મૃત્યુ વચ્ચે બહુ પાતળી ભેદરેખા જ બચી હતી. વિરાટ છીછરા શ્વાસ લેતો હતો. એના નશકોરા બળતા હતા કેમકે નાકમાં ધૂળ અને વિધુતમય વાસ જતી હતી.

          આકાશ વધુને વધુ કાળાશ પકડતું હતું. હવે એકબીજાને જોઈ શકવા પણ મુશ્કેલ  હતું કેમકે હવામાં લાલ રેત એટલી ફેલાઈ ગઈ હતી કે મશીનોની લાઇટો એ મોટા કણોના પ્રકીર્ણનમાં જ વપરાઈ જતી હતી. વક્રતા એ હતી કે પ્રકાશને ફેલાવતા કલીલ દૃવ્યો જ વધુ પડતાં થઈ જવાથી હવે પ્રકાશ માટે અવરોધ બની ગયા હતા. હવામાં ધૂળ એક પરતની જેમ પથરાઈ ગઈ હતી. આંખો ખૂલી રાખવી પણ મુશ્કેલ હતું અને બંધ આંખે દોડીને મંજિલ સુધી જવું અશક્ય હતું.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED