દશાવતાર - પ્રકરણ 38 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 38

          “પાર્કિંગ લોટથી આપણે બસમાં સવાર થઈશું.”

          “બસ?” વિરાટે નવાઈથી પુછ્યું, “એ શું છે?”

          “એક પ્રકારનું વાહન.” નીરદે કહ્યું, “આગગાડી જેમ એમાં પણ લોકો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે.”

          “એ આગગાડી જેટલી મોટી હશે?”

          “હું એમ સમજાવી નહીં શકું. તું જાતે જ જોઈ લેજે..” તેના પિતાએ હસીને કહ્યું, “આપણે પાર્કિંગ લોટમાં જ જઈ રહ્યા છીએ.”

          એ પાર્કિંગ લોટમાં પહોંચ્યા. વિરાટને થયું કે તેના પિતા સાચા છે. બસ ન સમજાવી શકાય એવું મશીન છે. એ શબ્દોથી વર્ણવી ન શકાય એવું જટિલ યંત્ર હતું. એ આગગાડીના ડબ્બા જેટલા જ કદના પણ પીળા રંગના વાહન હતા. મોટાભાગની બસો જૂની હતી અને ઠેકઠેકાણેથી પીળો રંગ ઊડી ગયો હતો. જ્યાંથી રંગ ઊડેલો હતો ત્યાં કાટના કાળા ડાઘ દેખાતા હતા.

          વિરાટ સમજી ગયો કે બસ આગગાડી કરતાં પણ આધુનિક વાહન છે. એને ચાલવા માટે આગગાડી જેમ પાટાઓની જરૂર નહોતી કેમકે પાર્કિંગ લોટમાં ક્યાય પાટા નહોતા. મતલબ એ વાહન કોઈ એક ચોક્કસ રસ્તાને બદલે ગમે તે માર્ગે ચાલવા સક્ષમ હતું.

          “આ બસો પાટા વગર કઈ રીતે ચાલશે?” કેશીએ તેને એ ભીડમાં પણ શોધી લીધો. તેના પિતા કરણગુરુ તેની સાથે હતા.

          “બસ રોડ પર ચાલે છે.” વિરાટના પિતાએ જવાબ આપ્યો, “એમને પાટાની જરૂર નથી.

          વિરાટને પૂછવાનું મન થયું કે રોડ શું છે પણ એ બોલ્યો નહીં. કેશીએ પણ રોડ કે બસ વિશે વધુ પૂછતાછ ન કરી. એ પછી કરણગુરુ કેશીને એક ખાલી બસ તરફ દોરી ગયા અને નીરદ વિરાટને બીજી બસ તરફ દોરી ગયા. બંનેએ હાથના ઇશારાથી એકબીજાને અલવિદા કહ્યું. વિરાટે ઇચ્છયું કે કાશ બેઉ એક બસમાં હોત તો એકબીજા સાથે વધુ પરિચય કેળવી શકાયો હોત. એને જ્ઞાની લોકો સાથે વાતો કરવી અને ભવિષ્યનું આયોજન કરવું ગમતું. એ ખાતરી કરવા માંગતો હતો કે એણે કેશીને બદલો ન લેવા અને તેના જ્ઞાનનો કંઈક યોગ્ય ઉપયોગ કરવા કહ્યું એ તેને સમજાયું છે કે કેમ પણ એ અલગ અલગ બસમાં હતા એટલે એ વાતચીત હમણાં પૂરતી શક્ય નહોતી. ફરી ક્યારેક. તેણે વિચાર્યું.

          નીરદ વિરાટનો હાથ પકડી તેને ત્રીજા નંબરની બસમાં દોરી ગયા. વિરાટને જાણ નહોતી કે દીવાલની આ પાર નીરદ દરેક પગલું ગણતરી બંધ ભરતા હતા. એમને ત્રીજા નંબરની બસમાં બેસવા એક નિર્ભય સિપાહી તરફથી સૂચના મળી હતી. જોકે નીરદે વિરાટને એ વિશે કઈ કહ્યું નહોતું. હજુ બધી હકીકત એને કહેવાનો સમય નહોતો આવ્યો અને આમ પણ એ કોઈ સત્ય એનાથી હંમેશાં છુપાવવા માંગતા હતા.

          બસમાં ચડવા માટે પગથિયાં હતા. બધા યુવક યુવતીઓ પણ સહેલાઈથી બસમાં સવાર થઈ શક્યા. બસ અને આગગાડીના ડબ્બામાં માત્ર બેઠકોમાં જ તફાવત હતો બાકીની રચના એક જ જેવી હતી. આગગાડીમાં બંને તરફ સમાન બેઠકો હતી જ્યારે બસમાં એક તરફ ત્રણ-ત્રણ અને બીજી તરફ બે-બેની જોડમાં બેઠકો હતી. વિરાટ ડાબી તરફ બે-બેની જોડવાળા ભાગમાં નીરદ સાથે ચોથા ક્રમની બેઠકની જોડમાં ગોઠવાયો.

          “બસની રચના કેવી ગજબ છે.” એણે કહ્યું, “તેના પગથીયાને લીધે નાનું બાળક પણ તેમાં ચડી શકે એમ છે. ખરેખર દેવતાઓ એમના મશીન બહુ સમજી વિચારીને બનાવે છે.”

          “આ મશીન દેવતાઓએ નથી બનાવ્યું.” એના પિતાએ કહ્યું, “આ મશીન પ્રલય પહેલાના માણસોએ બનાવ્યું હતું.”

          “મતલબ પ્રલય પહેલાના માણસો હોશિયાર અને બુદ્ધિમાન હતા?” વિરાટે ચોકીને પૂછ્યું, “તો પછી એ પ્રલય સામે કેમ ન ટકી શક્યા? એ કેમ પ્રલયમાં માર્યા ગયા?”

          “ખબર નહીં કેમ!” એના પિતાએ નિસાસો નાખ્યો, “પણ આપણે ખબર પાડવી જોઈએ.”

          એ જ સમયે એક નિર્ભય સિપાહી બસમાં દાખલ થયો. એણે બસમાં ચડીને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને દરવાજા પાસેની પહેલી સિટમાં બેઠો. દરવાજા પાસે તેના માટે ખાસ સીટ હતી. એ એક જ સીટ એવી હતી જેની સાથે જોડાયેલી કોઈ બીજી સીટ નહોતી.

          નિર્ભય સિપાહીએ તેના માથાના ઉપરના ભાગે લટકતી દોરી ખેચી અને મંદિરમાં વાગે તેવી ઘંટડી વાગી એટલે બસ ધીમી ગતિએ ચાલવા લાગી. વિરાટે જોયું કે બસના એંજિન મશીન માટે અલગ કેબીન હતી. એ આગળના ભાગમાં હતી અને ત્યાં ખાસ બેઠકમાં બેસી એક બીજો નિર્ભય સિપાહી બસને હંકારતો હતો. ધીમી ગતિએ બસ પાર્કિંગ લોટમાંથી સરીને એક વિશાળ દરવાજામાંથી પસાર થઈને બહાર નીકળી . શરૂઆતમાં ધીમી ગતિએ ચાલતી બસે મિનિટોમાં ગતિ પકડી લીધી.

          ટર્મિનસ ઇમારત આગળના મેદાનને પાછળ છોડી બસ ઉબડખાબડ રસ્તા પર દોડવા લાગી. બેઠક પાસેની કાચની બારીમાંથી વિરાટે જોયું કે જ્યાં સુધી નજર પહોચે ત્યાં સુધી વેરાન પ્રદેશ હતો. મોટા ભાગે બધુ તબાહ થયેલું હતું. સૂકો પવન હવામાં રેતને આમતેમ તાણી જતો હતો. આંખો દેખી શકે ત્યાં સુધી માત્ર અને માત્ર રેતના થર પથરાયેલા હતા.

          “અહીં આટલી રેત કેમ છે?” વિરાટે ધીમા અવાજે પુછ્યું.

          “કેમકે અહીં વૃક્ષો નથી.” એના પિતાએ જવાબ આપ્યો.

          “વૃક્ષ ખરેખર એટલા મહત્વના છે?”

          “હા, આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા..” નીરદે કહ્યું, “જ્યારે દુનિયામાં કોઈ વૃક્ષ નહીં હોય ત્યારે પૃથ્વી ઉપર જીવન નહીં હોય.”

          એ વધુ બોલ્યા વગર વૃક્ષો વિષે વિચાર કરતો બહાર તાકી રહ્યો. પશ્ચિમમાં લાલ આગના ગોળા જેવો સૂર્ય ડૂબવાની તૈયારીમાં હતો. ધીમેધીમે તેની લાલી આખા આકાશમાં ફેલાતી હતી અને એ રતાશ ધીમે ધીમે કાળાશમાં ફેરવાઈ રહી હતી.

          એની આગળ બેઠા યુવક અને તેના અનુભવીએ મશકોમાંથી પાણી પીધું. એને તરસ નહોતી લાગી. બસ હવે સપાટ રેતાળ મેદાન પર દોડતી હતી. અહીં પૃથ્વી જાણે નિર્જીવ હતી. જ્યાં નજર પડે ત્યાં કેવળ રેત જ હતી. ક્યાય કોઈ સજીવ હોવાના એધાણ નહોતા. એને લાગ્યું કે અહીં તો કદાચ સાપ, કાગડા અને ચામાચીડિયા જેવા નિશાચરોની પણ કમી હશે. ક્યાય એકલું અટુલું વૃક્ષ પણ દેખાતું નહોતું. દીવાલની પેલી તરફ નિર્જન વિસ્તાર હતા પણ ત્યાં કમ-સે-કમ ઝાંખરા અને કાંટાળી વનસ્પતિ તો જોવા મળતી જ્યારે અહીં તો કોઈ ઝાંખરાં પણ નહોતા. કુશ જેવુ રાક્ષસી ઘાસ પણ આ વિસ્તારમાં ઉગવાનુ નામ ન લેતું. કદાચ આ જમીન શાપિત હશે એમ મોટા ભાગના શૂન્યો વિચારતા હતા. માનવ કે બીજા કોઈ જીવનું ત્યાં કોઈ નામોનિશાન નહોતું. શાપિત જમીન સિવાય એ કઈ રીતે શક્ય હતું? કોઈ ટેકરીઓ નહીં, ક્યાય પહાડો નહીં, અરે સૂકી નદીઓ પણ ન હોય એવા માત્ર રેતના અફાટ સમુદ્રનો ક્યાય અંત નહીં આવે એમ લાગતું હતું. એને થયું કે બસ અનંત સમય સુધી એ શાપિત જમીન પર દોડતી જ રહેશે.

          સદભાગ્યે એવું નહોતું. અડધા કલાકની મુસાફરી પછી બસ ડાબી તરફ વળી અને મુસાફરોને એ શાપિત જમીનથી છૂટકારો અપાવ્યો. હવે રસ્તાની બંને તરફ દૂર જમીન ફાડી બહાર આવેલા પહાડોની આછી આકૃતિઓ દેખાતી હતી. બસ જે રસ્તા પર દોડતી હતી એ રસ્તા અને દૂર દેખાતા એ પહાડો વચ્ચેના વેરાન પ્રદેશમાં માચીસના ખાલી ખોખા એકની બાજુમાં બીજું અને બીજાની બાજુમાં ત્રીજું ગોઠવ્યા હોય એમ ઇમારતોની આછી રૂપરેખા દેખાતી હતી.

          “એ શહેર છે.” નીરદે કહ્યું, “આપણે એ શહેરનું સમારકામ કરવા જવાનું છે.”

          “એ કેટલું મોટું શહેર છે?” વિરાટે પુછ્યું.

          “આટલા દૂરથી એ કેટલું મોટું હશે એ કહેવું અશક્ય છે.” નીરદે સમજાવ્યું, “એ નજીક દેખાય છે પણ અહીં અર્ધવેરાન પ્રદેશમાં હવા એકદમ ગરમ હોય છે એટલે કોઈ વસ્તુના વાસ્તવિક અંતરનો અંદાજ લગાવવું મુશ્કેલ છે. અહીં હવા આંખો સાથે રમત રમી જાય છે અને મનમાં વાસ્તવિક ન હોય તેવી ભ્રમણાઓ પેદા કરે છે. ઘણીવાર તો જ્યાં શહેર ન હોય ત્યાં આખાને આખા શહેર દેખાય છે. ત્યાં પહોંચીએ ત્યારે ખબર પડે કે શહેર તો બાજુમાં જ રહી ગયું.”

          બસે વેરાન પ્રદેશમાં ડાબી તરફ વળાંક લીધો હતો એટલે સૂર્ય હવે પહાડીઓ તરફ હતો. શહેર જાણે કોઈ ચિત્ર હોય અને એની પાછળના ભાગે પૃષ્ઠભુમીમાં પહાડીઓ અને એ પહાડીઓ વચ્ચે આગનો લાલ ગોળો આથમતો હોય એવું લાગતું હતું. વિરાટ સમજી ગયો કે હવે ટર્મિનસ પૂર્વમાં છે અને એ જ્યાં જતાં હતા એ શહેર પશ્ચિમમાં છે.

          અંતે સંધ્યાના લાલ રંગો કેસરીમાં ફેરવાયા અને છેલ્લો રંગ એ કળિયુગના અંધકાર જેવો કાળો થયો. સાંજ હવે રાતમાં ઢળવા લાગી હતી. અંધારું કાળા ધુમાડા જેમ દૂર દેખાતા એ શહેરને ગળી જવા લાગ્યું. જ્યારે બસ ઇમારતોના મેળાવડા સામે ઊભી રહી ત્યારે આખી દુનિયા અંધકારમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે નજીકથી ઇમારતોની ધૂંધળી રૂપરેખા દેખાતી હતી. ઇમારતો અતિશય ઊંચી હતી. દરેક ઇમારત જાણે આકાશને આંબવા ઉપર દોડી જતી હતી અને અંધકારમાં ગરકાવ થતી હતી. મોટાભાગની ઇમારતોના કાચ તૂટેલા હતા અને બારીઓના બદલે મોટા બાકોરાં હતા. જાણે શૂન્યોને દક્ષીણમાં રોકી રાખતી દીવાલના ટુકડા અહીં વેરણ છેરણ પડ્યા હોય. દરેક ઇમારત દીવાલ જેટલી ઊંચી હતી અને એવા જ મજબૂત પથ્થરોની બનેલી હતી.

          એણે બારીનો કાચ ખોલ્યો એ સાથે જ ગરમ હવા તેના ચહેરા સાથે અથડાઈ. હવા સાથે વહેતી રેતી તેના ચહેરા પર કબજો જમાવવા ધસી આવી. એણે જોયું કે એવી જ રેતની પરત બસ પર જમા થવા લાગી હતી. હવામાં તરતી રેત બસ પર પણ કબજો જમાવવા લાગી હતી. એણે વાળમાં હાથ ફેરવી રેત ખંખેરી. મિનિટોમાં તો રેતે એના ચહેરાનો રંગ બદલી દીધો હતો. રાતભરમાં આ બધા વાહન રેતમાં દટાઈ જશે એવું એને લાગ્યું.

*

          શૂન્ય લોકો અને નિર્ભય સિપાહીઓની બસો અને મશીનોના કાફલા પાછળ યોગ્ય અંતર જાળવી ચાર બુકાનીધારી ધર્મસેનાના સિપાહીઓ મોટરસાઇકલો પર એમનો પીછો કરતાં હતા. સિપાહીઓ પાક્કા રાઇડર હતા. એમણે મોટરસાઇકલની લાઇટ બંધ રાખી હતી અને એટલુ અંતર જાળવી રાખ્યું હતું કે એમની મોટરસાઇકલના એંજિનનો અવાજ કોઈના ધ્યાનમાં ન આવે. જોકે અવાજને છુપાવી રાખવો કોઈ મુશ્કેલ કામ નહોતું કેમકે બસો અને એમને અનુસરતા મશીનોના એંજિન એટલો અવાજ કરતાં હતા કે એ ઘોઘાટમાં મોટરસાઇકલોના એંજિનનો હળવો ઘુરકાટ કોઈના ધ્યાનમાં આવે એમ જ નહોતો.

          બસોનો કાફલો શહેરની મુખ્ય ઇમારત સામે અટક્યો એટલે તેના પાછળ આવતા ધર્મસેનાના રાઈડરોએ પણ મોટરસાઇકલો થોભાવી. કોઈના ધ્યનમાં ન આવે એમ એ બધા અંધકારનો લાભ ઉઠાવી એક ખંડેર ઇમારતમાં એમની મોટરસાઇકલો લઈ ગયા અને ત્યાં જ અર્ધી તૂટેલી દીવાલ પાછળ છુપાઈ બસો પર નજર રાખવા લાગ્યા.

          હવામાં વહેતી રેત એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં મોટર સાઇકલોના ટાયરોની છાપ ભૂંસી નાખશે એ ચોક્કસ હતું એટલે એ બાબતે એ નિશ્ચિંત હતા. એ ચારેયમાં કનિષ્ક અગ્રેસર હતો. એની આંખો રાત્રે અંધકારમાં પણ સહેલાઈથી જોઈ શકે એવા સ્પાયગ્લાસ પાર બસો પર મંડાયેલી હતી.

          “એ યુવક કેમ એટલો મહત્વનો છે?” જૈવંત જરા અધિરો દેખાતો હતો.

          “કેમકે પાંચસો વર્ષથી ચાલતું આ ધર્મયુધ્ધ એના પર આધાર રાખે છે.” કનિષ્કે સ્પાયગ્લાસમાંથી નજર ખસેડ્યા કે જૈવંત તરફ જોયા વગર જ કહ્યું, “કારુની હાર કે જીતનો મદાર એના પર છે.”

          “એ કોણ છે?” જટાસ્યાએ પુછ્યું, “એ કેમ આટલો મહત્વનો છે?”

          “મને ચોક્કસ માહિતી નથી કે એ કોણ છે પણ રક્ષક અને વાનરસેના સદીઓથી એના આગમનની રાહ જોતી હતી.” કનિષ્કે કહ્યું, “કદાચ એ અવતાર છે.”

          “અવતાર...” જટાસ્યા ચોંકયો, “તો પછી પવિત્ર પહાડ ઓલૂસના નામ પર આપણે અવતારને નિર્ભય સિપાહીઓના કબજામાંથી છોડાવવો જોઈએ.”

          “નહીં, જટાસ્યા.” કૈરવે કહ્યું, “અવતાર એમની સાથે જ રહે એ જરૂરી છે. બરફના પહાડોથી એની રક્ષાનો આદેશ આવ્યો છે પણ નિર્ભય સિપાહીઓ પર હુમલો કરી એને આઝાદ કરાવવાનો કોઈ આદેશ નથી મળ્યો.”

          “એ દુનિયાને કારુના દુષ્ટ અને અન્યાયી શાસનથી આઝાદી અપાવવા આવ્યો છે.” કનિષ્કે તેના સાથીઓ તરફ જોયું, “એને આઝાદ કરાવવો... આવા મૂર્ખ જેવા શબ્દો વાપરવાનું તમે બંધ કરશો?”

          જટાસ્યા અને કૈરવે એકબીજા તરફ જોયું અને પછી બધા બસમાંથી ઉતરતા શૂન્ય લોકોને જોઈ રહ્યા. એમનું ધ્યાન ખાસ વિરાટ પર હતું.

ક્રમશ: