મર્સી કિલિંગ jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્સી કિલિંગ

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે એને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો એવું કાંઈ હોય તો એ એક સંજોગ હશે. આ વાર્તાના સંપૂર્ણ હક્ક લેખકને આધીન છે એનો કોઈપણ પ્રકારના ઑડિયો -વિઝ્યુલ માધ્યમમાં ઉપયોગ કરતાં પહેલા લેખકની પરવાનગી લેવી અનિવાર્ય છે પરવાનગી વગર જો ઉપયોગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
SWA Membership No : 032938


ટાઉનહોલ આખો ભરેલો હતો આજે પ્રખ્યાત કેન્સર સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર અક્ષય પટેલનું કેન્સર અને મર્સી કિલિંગ વિષય પર વ્યાખ્યાન હતું. વ્યાખ્યાન પત્યા પછી સવાલ જવાબનો દોર ચાલ્યો. એ પત્યા પછી ચા નાસ્તો હતો પણ ડૉક્ટર રોકાયા નહી નીકળી ગયા. ડૉક્ટર એમની કારમાં બેઠા. કાર ત્યાંની ભીડને ચિરતી આશ્રમરોડ પર આવી ને ચાર રસ્તા ક્રોસ કરીને સામે રિવરફ્રન્ટ પર આવી. ડોક્ટર થોડા અસ્વસ્થ લાગતા હતા એમના મનમાં આંખો પ્રોગ્રામ રીવાઇડમાં ચાલી રહ્યો હતો. પ્રોગ્રામ શરૂ થયો ત્યાંથી લઈને વ્યાખ્યાન અને પછી સવાલ જવાબ સુધી , અચાનક જ એમના ડ્રાઈવરે બ્રેક મારી ડોક્ટરનો વિચારોનો દોર અટક્યો. ડોક્ટર પૂછ્યું "શું થયું ?" ડ્રાઇવરે કહ્યું "સામે એક છોકરી ઉભી છે." ડોક્ટરે જોયું તેમને છોકરીનો ચહેરો જાણીતો લાગ્યો અને તરતજ તેમના મનમાં સ્ટ્રાઇક થઈ , મર્સી કિલિંગને લગતા ઘણા બધા સવાલ ને જવાબોની વાત ચાલતી હતી ત્યારે પ્રોગ્રામમાં પૂછાયેલો એકમાત્ર સવાલ એમને યાદ આવી ગયો ને સવાલ પૂછનાર એ વ્યક્તિ પણ.

ડોક્ટરે પોતાની જાત સાથે વાત કરતા પોતાને જ જવાબ આપ્યો કે " આખું ઓડિયન્સ શાંત હતું ત્યારે એક હાથ ઊંચો થયો હતો. અને એમણે yes please ક્હ્યું હતું ને એક છોકરી ઊભી થઈ હતી. અરે આ તો
એજ છોકરી છે જેણે મને સવાલ પૂછ્યો હતો કે

"સાહેબ તમે ક્યારેય મર્સી કિલિંગ કર્યું છે ?

ત્યારે ડોક્ટરે ના પાડી હતી ને હવે એ છોકરી એમની કારની સામે હતી જેણે એ સવાલ પૂછ્યો હતો. છોકરી ડોક્ટરની પાસે આવી ડોક્ટરે કાચ ઉતાર્યો. છોકરીએ ક્હ્યું "સાહેબ તમે મને મારા સવાલનો જવાબ નહોતો આપ્યો કે તમે ક્યારેય મર્સીક્લિંગ કર્યું છે? એટલે જ હું તમને આ સવાલનો જવાબ પૂછવા આવી છું. ડોક્ટર ફરી પાછા અસ્વસ્થ થઈ ગયા. છોકરીએ કહ્યું કે તમારા ચહેરા ઉપર જે આ અસ્વસ્થતા દેખાય છે એ જ અસ્વસ્થતા મેં તમને સવાલ પૂછ્યો ત્યારથી તમારા ચહેરા પર છે. તમે ત્યાં હોલમાં બધાની સામે મારો સવાલ ઉડાવી દીધો હતો પણ અસ્વસ્થતાને ઉડાવી ન શક્યા કદાચ કોઈને ધ્યાનમાં નહીં આવ્યું હોય પણ મેં તમારા ચહેરા ઉપર એ અસ્વસ્થતા વાંચી લીધી હતી. સાહેબ હવે મને મારા સવાલનો જવાબ આપો ને જ્યાં સુધી જવાબ નહીં આપો ત્યાં સુધી હું તમારી કારની સામેથી હટીશ નહી.

તમે ક્યારેય મર્સી કિલિંગ કર્યું છે?

ડોક્ટર અક્ષય પટેલે કારનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યા ડ્રાઇવરને ગાડી સાઈડ પર લેવા ક્હ્યું. ડૉક્ટર ચાલીને રિવરફ્રન્ટની પાળ પાસે ગયા જ્યાંથી નદી વહેતી દેખાતી હતી. છોકરી પણ એમની પાછળ પાછળ ગઈ. વહેતી નદીને જોતાં જોતાં ડોક્ટર પણ લાગણીમાં વહેવા લાગ્યા કદાચ ઘણાં વર્ષો પછી કોઈએ જૂનો ઘા ખોતર્યો હતો.

છોકરીને સવાલનો જવાબ આપતા કોઈ જૂના વર્ષોથી બંધ દરવાજા ખુલતા હોય ને જે અવાજ આવે એવા ભારે ને તરડાયેલા અવાજે ડૉક્ટર અક્ષય પટેલે કહ્યું "હા મે મર્સી કિલિંગ કર્યું છે. "

છોકરીને નવાઈ લાગી છોકરીએ પૂછયું "ક્યારે? કોનું ? કેવી રીતે ?" ડોક્ટરે કહ્યું આ વાત અત્યાર સુધી મેં કોઈને કહી નથી પણ તારા સવાલનો જવાબ આપવા માટે હું તને કહી રહ્યો છું જ્યારે મારી કેરિયરની શરૂઆત હતી , જ્યારે મારું કોઈ નામ નહોતું થયું ત્યારે એક હોસ્પિટલમાં જતો હતો ત્યાં એક પેશન્ટ હતું એ પેશન્ટને કેન્સર હતું એ પેશન્ટની સાથે મારો સારો ઘરોબો થઈ ગયો હતો. એ મને દીકરાની જેમ રાખતા હતા. ધીરે-ધીરે એ પેશન્ટની હાલત ખરાબ થતી ગઈ અને એક દિવસ મને બોલાવીને પૂછ્યું કે સાહેબ મારી પાસે કેટલો સમય છે ? બહુ સહેલા સવાલનો જવાબ આપવો અઘરો હતો છતાં મેં જવાબ આપતા કહ્યું કે ભગવાન આપે એટલો. તમારી જીવાદોરી જેટલી લખાઈ હશે એટલો. ત્રણ મહિના, છ મહિના, વરસ અથવા તો આજે છેલ્લો દિવસ પણ હોઈ શકે છે. ત્યારે એમણે મને કહ્યું મારી હાલત ધીરે ધીરે ખરાબ થઈ રહી છે. ભારે દવાઓ, કિમોથેરાપી આ બધું હું સહી નથી શકતો પણ જો મારી હાલત વધારે ખરાબ થઈ જાય અને છતાં ભગવાને મારું મૃત્યુ ના લખ્યું હોય તો મેં મર્સી કિલિંગ વિશે સાંભળ્યું છે તમે મને દયા રાખી મુક્ત કરશો? હું ખૂબ જ ડરી ગયો. મેં કહ્યું આ શક્ય નથી. ઇન્ડિયામાં મર્સી કિલિંગ ગુનો છે. હું એ ના કરી શકું. સાહેબ હુ રિક્વેસ્ટ કરું છું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જો મારાથી આ બધું સહન નહીં થાય. ત્યારે તમે મારું મર્સી કિલિંગ કરી નાખજો. હું મુક્તિ માગું છું . તમારી ઉપર કોઈ આરોપ નહીં આવે. કોઈને ખબર પણ નહીં પડે કે તમે મારું મર્સી કિલિંગ કર્યું છે.

સાહેબ જ્યારે મારાથી આ બધું સહન નહીં થાય અને મારે મરવું હશે ત્યારે હું તમને કહીશ

સાહેબ મને આઈસ્ક્રીમ ખવડાવો મને અમૂલનો

" Death By Chocolat " બહુ ભાવે છે ,

એ દિવસે તમે સમજી લેજો કે મારો છેલ્લો દિવસ હોવો જોઈએ.

તમે મને કોઈ પણ રીતે મુક્ત કરી દેજો. હું કાંઈ બોલી શક્યો નહી પણ એમની આંખોમાં એક ચમક હતી ને મારી તરફ એક આશા. ધીરે ધીરે એમનું દર્દ વધતું ગયું. દવાઓ ને દુવાઓ બંને બેઅસર થતી ગઈ.

આખરે એ દિવસ આવ્યો જ્યારે પેશન્ટે મને બોલાવીને કહ્યું સાહેબ મારે આઈસ્ક્રીમ ખાવો છે Death By Chocolat મને ખવડાવશો.

હું ખૂબ ડરી ગયો હતો પણ એ પેશન્ટે મને પરવાનગી આપી હતી ઇચ્છામૃત્યુ - દયા મૃત્યુની. એમની આંખોમાં કરૂણા ને દયાની ભીખ હતી. પેશન્ટની હાલત જોતા મને એમ થયું કે રિબાય એનાં કરતા તો એ બિચારા છૂટી જાય તો વધારે સારું. એમના પરિવારવાળા પણ ઘણીવાર કહેતા કે સાહેબ એમની હાલત અમારાથી જોવાતી નથી ભગવાન કરે કે હવે એમને મૃત્યુ આવે તો સારું બિચારા છૂટે. પેશન્ટે મારી સામે આશાભરી નજરે જોયું હતું ત્યારે એ નજરોમાં મારા માટે આશીર્વાદ પણ હતા .

મેં એમના માટે અમૂલનો "Death By Chocolate" આઈસ્ક્રીમ મંગાવ્યો બહુ લિજ્જતથી એમણે એ
" Last Supper " લાસ્ટ સપર કર્યું .

પછી મેં એમને એક ઇન્જેક્શન આપ્યું. એમનો ફેવરિટ આઈસ્ક્રીમ ખાધો અને થોડી જ વારમાં એમની આંખો એક આનંદ ને સંતોષ સાથે મીંચાઈ ગઈ ફરી ક્યારેય ન ખુલવા માટે.

ડોક્ટરોએ રિપોર્ટમાં લખ્યું Severe Cardiac Attack.

છેલ્લે જતા જતા એમણે એમનો હાથ ઊંચો કર્યો હતો મારી તરફ આશીર્વાદ આપતા હોય એમ. કદાચ એમના એ જ આશીર્વાદના કારણે આજે હું એક સફળ કેન્સર સ્પેશિયાલિસ્ટ બની શક્યો. મારા હાથે થયેલું કેન્સરના પેશન્ટનું એ પહેલું ને છેલ્લું મૃત્યુ હતું. આજ સુધીનો મારો રેકોર્ડ છે કે મારા કોઈ પણ પેશન્ટ હજી સુધી મૃત્યુ નથી પામ્યા બધા સાજા થઈને ઘરે ગયા છે. એમના આશીર્વાદ થકી હું એક સફળ કેન્સર સ્પેશિયાલિસ્ટ બની ગયો પણ હા એ વાતનો વસવસો આજે પણ મને છે કે મારા હાથે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે

કદાચ એ દિવસે ડૉક્ટર હારી ગયો હતો ને માણસાઈ જીતી ગઈ હતી.

પેલી છોકરી ડોક્ટર સામે જોઈ રહી હતી ડોક્ટરે એને ક્હ્યું તમને તમારો જવાબ મળી ગયો છે હવે હું જઈ શકું ? ડૉક્ટર જઈને ગાડીમાં બેઠા ગાડી નીકળી ગઈ . છોકરી એ ગાડીને જોતી રહી.

બીજે દિવસે સવારે છાપામાં સમાચાર હતા.

અક્ષય પટેલની ખૂનના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે

એમની ઉપર કેસ ચલાવવામાં આવશે કારણ કે ભારતમાં પ્રતિબંધિત મર્સી કિલિંગના વર્ષો પહેલાના એક પેશન્ટના મૃત્યુના કેસમાં એમની જ પૌત્રીએ દાખલ કરેલો કેસ.

-જીગર બુંદેલા