Dashavtar - 33 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 33

          “અહીં આના ઉપર ઊભો રહે.” નિરીક્ષકે બેડ નીચેથી એક ગોળાકાર મશીન કાઢ્યું. એ એક થાળીના કદનું હતું. એણે ફરી વિરાટ તરફ જોઈને ઉમેર્યું, “બંને પગ મશીન પર મૂકી ઊભા રહેવાનુ છે, એકદમ સ્થિર.”

          વિરાટે મશીન પર એક પગ મૂક્યો એટલે મશીનના આગળના ભાગના કાચના ડેસબોર્ડમાં સોય જેવો કાંટો હલ્યો. એણે બીજો પગ મૂક્યો. કાંટો થોડીવાર 70 અને 80ના આંકડા વચ્ચે ફર્યો અને અંતે 74 પર સ્થિર થયો.

          નિરીક્ષકે કાગળમાં 74 કે.જી. લખ્યું. એણે વિરાટને ફરી બેડ પર બેસાડીને તેના હ્રદયના ધબકારા માપ્યાં અને કાગળમાં લખ્યું: હાર્ટબિટ – નોર્મલ - ચેક.

          એના પછી એવું જ નાનકડું મશીન તેના લમણા પર મૂકી રાખ્યું અને મશીન હટાવી ફરી કાગળમાં લખ્યું: પલ્સ – નોર્મલ – ચેક.

          વિરાટ બધું જોતો રહ્યો. નિરીક્ષકે કોઈ લેધર જેવા કાપડનો પટ્ટો વિરાટના બાવડા ફરતે વીંટયો અને તેના સાથે જોડેલા વાયરના છેડાના રબરને ત્રણ-ચારવાર દબાવ્યું અને છોડયું. એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કાપડનો પટ્ટો છોડીને એણે ફરી કાગળમાં લખ્યું: બ્લડ પ્રેશર – નોર્મલ - ચેક.

          એ પછી એક નાનું મશીન તેના બગલમાં દબાવી રાખવા કહ્યું અને કાગળમાં નોધ્યું: બોડી ટેમ્પરેચર – નોર્મલ – ચેક.

          “બીજો રાઉન્ડ પૂરો થયો.” નિરીક્ષકે એ જ કુત્રિમ સ્મિત વેરતા કહ્યું. વિરાટ આ વખતે તેને સ્મિત ન આપી શક્યો કેમકે એ ચિંતિત હતો કે આ રાઉન્ડમાં શું થયું?

          ખરેખર એ આ રાઉન્ડમાં પાસ હતો. નિરીક્ષકે કાગળમાં જે લખ્યું તેનો અર્થ તેને સમજાયો નહોતો. શું બધુ બરાબર છે? કે પછી નિરીક્ષકે મને ઓળખી લીધો હશે?

          “તને શું કરવું ગમે છે?” નિરીક્ષકે પુછ્યું, “તારા શોખ, તારા સપના, તારી ઇચ્છાઓ વગેરે...”

          “મને દીવાલની આ તરફ આવી ભગવાનના શહેરોના નિર્માણમાં ફાળો આપવો ગમે છે.”

          “કેમ?”

          “કેમકે એ ભગવાનની ઇચ્છા છે અને ભગવાનની ઈચ્છા સૌથી ઉપર છે.”

          “અને તારી ઇચ્છાઓ?”

          “હું એક શૂન્ય છુ. શૂન્યને પોતાની ઇચ્છાઓ, શોખ કે સપના હોઈ જ કઈ રીતે શકે?” વિરાટે કહ્યું, “અમારી રચના દયાળુ ભગવાને દુનિયાને ફરી સુંદર બનાવવા માટે કરી છે અને મને એ વાતની ખુશી છે.”

          “તને આ બધુ કોણે કહ્યું?”

          “મારા માતા પિતાએ.”

          “તને એમની વાત પર વિશ્વાસ છે?”

          “હા, મને છે.”

          “દીવાલની એ તરફ મોટાભાગે લોકો શું ઇચ્છે છે?”

          “બે ટંકનું ખાવાનું.”

          “અને તું?”

          “હું પણ એ જ..”

          “અને કદાચ ખાવાનું ન મળે તો?”

          “તો હું ઇચ્છું કે મને મળે.”

          “સારું, હવે ત્રીજો અને અંતિમ રાઉન્ડ છે.”

          વિરાટે માથું હલાવી જવાબ આપ્યો કે એ સમજી ગયો.

          “કૂદકો લગાવ..”

          વિરાટે એ પ્રમાણે કર્યું.

          નિરીક્ષકે બેડ નીચેથી એક પાઇપ કાઢી. પાઈપના છેડે એક વાયર જોડેલો હતો જેનો બીજો છેડો કોમ્પ્યુટર મશીન સાથે જોડાયેલો હતો. વિરાટના હાથમાં પાઇપ આપી કહ્યું, “આને વાળી નાખ.”

          વિરાટે પાઇપ વાળવા પ્રયત્ન કર્યો પણ એ થોડી જ વળી.

          “પૂરેપુરું બળ લગાવીને પ્રયાસ કર...”

          વિરાટને વ્યવસ્થાપકના શબ્દો યાદ આવ્યા: તારું પૂરું બળ કોઈ કામમાં ન વાપરતો.

          “તારે આ તબક્કામાં ઉતીર્ણ થવા માટે આ પાઇપને વાળવી જ પડશે..” નિરીક્ષકે સહેજ ઊંચા અવાજે કહ્યું, “તારામાં જેટલી હોય તેટલી શક્તિ કામે લગાડી દે.”

          શું મારે બધૂ બળ વાપરવું જોઈએ? પણ એ વ્યવસ્થાપકે તો મને એમ કહ્યું હતું કે બળ ન વાપરીશ. શું કરું? નિરીક્ષક કહે છે કે પૂરું બળ વાપર નહિતર છેલ્લા તબક્કામાં નાપાસ થઈશ. શું કરું? કોણ સાચું? નિરીક્ષક કે વ્યવસ્થાપક? બંને મારા માટે અજાણ્યા છે. હું કોનો વિશ્વાસ કરું?

          “પૂરું બળ લગાવ..”

          વિરાટે ફેસલો કર્યો કે પોતે પૂરું બળ નહીં લગાવે. તેને થયું જો આ પાઇપ વાળીને જ ટેસ્ટ પાસ થાય એમ હોય તો અડધા કરતાં વધુ યુવકો ટેસ્ટમાં ફેલ થશે. અને જો અડધા કરતાં વધુ યુવકો મૃત્યુ પામવાના હોય તો તેમની સાથે મરવામાં મને કોઈ વાંધો નથી. એ જાણતો હતો કે માત્ર તેનામાં જ એટલી શક્તિ હતી કે એ પાઇપને સહેલાઇથી વાળી શકે પણ બાકીના યુવક અને ખાસ તો યુવતીઓનું શું?

          જો એ બધા પરીક્ષામાં નાપાસ થઈ અહીં મરવાના હોય તો મારે પણ દીવાલની પેલી તરફ નથી જવું. તેણે નક્કી કર્યું. મારામાં એટલી લાશો લઈ દીવાલની પેલી તરફ મારા લોકો સામે જવાની હિંમત નથી. મારું મરવું જ ઠીક રહેશે કેમકે દીવાલની પેલે પાર દરેક મા મારા માટે પોતાની મા સમાન છે. એમને તેમના વહાલસોયાઓની લાશ ભેટ આપવા હું પાછો ન જઈ શકું. ખરેખર મારું મરવું જ બહેતર રહેશે.

          “બસ એના કરતાં વધુ બળ મારામાં નથી...” વિરાટે ખોટું બોલ્યો, “મારા બાવડા ફાટી જશે...” ખરેખર એણે નહિવત બળપ્રયોગ જ કર્યો હતો.

          નિરીક્ષકે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ડેટા વાંચી કાગળમાં નોધ ટપકાવી: સ્ટ્રેંથ: 4.5 આઉટ ઓફ 5.

          વ્યવસ્થાપક સાચો હતો. વિરાટે વિચાર્યું. કદાચ મેં પૂરું બળ વાપરી પાઇપને વાળવાનો પ્રયત્ન કર્યો હોત તો એ મશીન તૂટી ગયું હોત કેમકે એ બળ મશીનની નોંધવાની ક્ષમતા કરતાં અનેક ગણું વધુ છે. પણ કેમ? મારામાં કેમ આટલી શક્તિ છે? શું ગુરુ જગમાલ કહે તેમ હું ખરેખર અવતાર છું? એ શક્ય નથી. અવતાર કોઈ ઝૂંપડીમાં ન રહે. કદાચ હું શારીરિક રીતે બીજાઓથી અલગ હોઈશ પણ હું માણસ જ છું, હું કોઈ અવતાર નથી.

          “એ પાઇપ મૂકી દે અને આ ચેન ખેચ.” નિરીક્ષકે મશીન સાથે જોડેલી એક સાંકળ તરફ ઈશારો કર્યો. સાંકળ એક પુલી સાથે જોડાયેલી હતી અને બીજી તરફ લોખંડની જાડા કદની વજનદાર પ્લેટો એક ઉપર એક ગોઠવેલી હતી.

          વિરાટે પાઇપ નિરીક્ષકના હાથમાં આપી અને સાંકળ પાસે ગયો. એણે સાંકળના છેડાનો હાથો પકડી તેને ખેચી. તેને માંડ 1/10 જેટલું બળ વાપર્યુ.

          4.9 આઉટ ઓફ 5. નિરીક્ષકે સ્ક્રીન ડેટા ક્લિપબોર્ડમાં ભરાવેલા કાગળને ઊલટો કરી બીજી તરફ નોધ્યો. વિરાટને નવાઈ થઈ કે કાગળની એ તરફ હજુ લખી શકાય તેટલી કોરી જગ્યા હતી છતાં નિરીક્ષકે કાગળ કેમ ફેરવી નાખ્યો?

          “હવે આ દીવાલને ધક્કો માર.” નિરીક્ષકે મેટલની દીવાલ તરફ ઈશારો કરી કહ્યું.

          વિરાટે દીવાલને બળપૂર્વક ધક્કો લગાવવાનો ડોળ કર્યો. નિરીક્ષકે કાગળમાં નોધ્યું: પુસિંગ સ્ટ્રેગ્થ: 4 આઉટ ઓફ 5.

          એ વિરાટ તરફ જોઈ હસ્યો અને કહ્યું, “તારો ટેસ્ટ પૂરો થયો. તારું શરીર પરફેક્ટ છે. તું પરીક્ષામાં પાસ છો.”

          વિરાટ જાણતો હતો કે એ શારીરિક પરીક્ષા તેના શરીરની ચકાસણી માટે નહોતી. એ પરીક્ષા દીવાલની આ તરફ તેનું સ્વાગત કરવા માટે નહીં પણ પાટનગરની કારાવાસમાં તેનો અંત લાવવા માટે હતી. એણે મનોમન વ્યવસ્થાપકનો આભાર માન્યો કેમકે એણે પહેલેથી જાણકારી ન આપી હોત તો અત્યારે એ હથકડીઓમાં કેદ નિર્ભય સિપાહીઓના બંધ વાહનમાં પાટનગરની કારાવાસ તરફ મુસાફરી કરી રહ્યો હોત.

          “બેસ...”

          વિરાટ બેડ પર બેઠો. નિરીક્ષકે ટેબલના ડ્રોઅરમાંથી એક ઈંજેકશન લીધું. એમાં નવી નીડલ ભરાવી. તેણે વિરાટના જમણા હાથની પહેલી આંગળીના ટેરવામાં નીડલ ભોકી ખાસ્સું એવું લોહી ઈંજેકશનમાં ખેચી લીધું અને એ ઈંજેકશન એક પારદર્શક નાનકડી બોટલમાં ઠાલવી તેના પર સ્ટિકર લગાવી કંઈક લખ્યું.

          “હવે છેલ્લો પ્રશ્ન...” નિરીક્ષકે બોટલ ટેબલ પર મૂકીને પુછ્યું, “તને કયો રંગ ગમે છે?”

          વિરાટ વિસ્મયમાં મુકાઇ ગયો. એ આવા પ્રશ્ન માટે તૈયાર નહોતો. શું કહેવું એ તેને સમજાયું નહીં. એ વિચારવા લાગ્યો પણ તેના વિચાર ગૂંચવાઈ ગયા. એ સીધું વિચારી ન શક્યો. તેના મનમાં બે અલગ અવાજ સંભળાયા. બરાબર તેના પિતા કહેતા એ મુજબ તેને લાગ્યું કે તેનામાં બે વ્યક્તિ હતી: એક શૂન્ય અને બીજો જ્ઞાની. એક અવાજ કહેતો હતો લાલ રંગ. એ અવાજ જ્ઞાનીનો હતો જ્યારે બીજો અવાજ કહેતો હતો લીલો રંગ. એ અવાજ શૂન્યનો હતો. બંને અવાજ તેના મનમાં ઉતાવળા થતા ગયા પણ આખરે તેણે જ્ઞાનીને કાબુમાં રાખી કહ્યું, “લીલો રંગ... મને લીલો રંગ ગમે છે.”

          “વેલ...” નિરીક્ષકે કાગળમાં કલરની નોધ ટપકાવી કહ્યું, “હવે બીજા તબક્કા માટે રાહ જો.” અને એ રૂમ બહાર ચાલ્યો ગયો. દરવાજો બંધ થયો.

          વિરાટ પોતાની જાતને શાંત રાખવા મથતો રહ્યો. કદાચ એ મને ઓળખી જશે તો? શું એ મને મારી નાખશે? મારી સાથે પિતાજીને પણ મારી નાખશે? એ તો ચોક્કસ હતું કે તેના પિતા જ્ઞાની હતા અને બીજા શૂન્યો જેમ પોતાના દીકરાને પાટનગર લઈ જતાં ચૂપચાપ જોઈ રહે એ શક્ય નહોતું. જો એ દખલ કરે તો નિર્ભય સિપાહીઓ એમને મારી નાખશે એ પણ નક્કી હતું. અમે બંને અહીં જ મરી જઈશું તો મારી માનું શું થશે?

          કદાચ એ પદ્માની મા જેમ પાગલ થઈ જશે? અને કદાચ નિર્ભય સિપાહીઓ દીવાલ પાર જઈને એને પણ મારી નાખે? રતન ગુરુની ઝૂંપડી પર આક્રમણ થયું ત્યારે એ જ થયું હતું. રતન ગુરુએ દેવતાઓના નિયમોનો ભંગ કર્યો પરિણામે તેમના આખા પરિવારને મારી નાખવામાં આવ્યો. શું હું મારા પરિવારના મૃત્યુનું કારણ બનીશ?

          તેના ધબકારા વધવા લાગ્યા. તેણે મુઠ્ઠીઓ ભીંસી. તેના કપાળ પર પરસેવાના બિંદુ એકઠા થવા લાગ્યા. તેણે પહેરણની બાયથી પરસેવો લૂછ્યો અને મનમાં ૐ શબ્દનું ઉચ્ચારણ શરૂ કર્યું.

*

          લાકડાના પ્લેટફોર્મ સામેના બંધ રૂમના બંધ બારણાં પાર ધર્મસેનાના ચાર સિપાહીઓ અધ્ધર શ્વાસે ઊભા હતા. ચારેયમાં સૌથી કદાવર અને મજબૂત દેખાતા સિપાહીનું નામ કનિષ્ક હતું. તેના હાથમાં સ્પાયગ્લાસ હતો. તેની આંખો સ્પાયગ્લાસના મેગ્નિફાઈંગ ગ્લાસમાંથી બંધ દરવાજાના કી-હૉલ પર વિરાટ જે રૂમમાં ગયો તેના દરવાજા પર મંડાયેલી હતી.

          બાકીના ત્રણેય સિપાહીઓ જાણે શ્વાસ રોકીને ઊભા હોય તેમ સ્થિર હતા. તેમના શરીરમાં નાનકડો સંચાર પણ થતો નહોતો. ધર્મસેનાના સિપાહીઓને એ ખાસ તાલીમ આપવામાં આવતી. એમની અંદર ચિતા જેવી ચપળતા અને બાજ જેમ શિકાર પર નજર રાખવાની ધીરજ હતી.

          ઓલૂસ પહાડ પર તાલીમ લેતા એ ધર્મસેનાના રક્ષક સિપાહીમાં કનિષ્ક સેનાનાયક હતો અને તેની સાથે આવેલા જૈવંત, કૈરવ અને જટાસ્યા તેના સૌથી વિશ્વાસુ અને વફાદાર હતા. તેઓ સેનામાં ગણનાયકના મધ્યમ એવા હોદા પર હતા પણ તેમની કુશળતા એક ગણનાયક કરતાં વધારે હતી.

          નિરીક્ષક રૂમ બહાર નીકળ્યો એ કનિષ્ક જોઈ રહ્યો અને પછીના બીજા તબક્કા માટે વિરાટના રૂમમાં કયો દેવતા દાખલ થાય છે તેની રાહ જોતો એ આંખનો પલકારો પણ લીધા વિના એમ જ ઊભો રહ્યો જાણે એ કોઈ સજીવ નહીં પણ યંત્રમાનવ હોય અને થાક, કંટાળો કે ડર જેવા માનવીય ગુણો તેના માટે અજાણ્યા હોય.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED