Dashavatar - 32 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 32

“આ હૉલ-વેના છેલ્લા ઓરડામાં તારી પરીક્ષા છે.” વ્યવસ્થાપકે પાછળ જોઈ કહ્યું. તેનો અવાજ હજુ એમ જ નમ્ર હતો. એના અવાજમાં તેના ઉમરની અસર પણ ભળતી હતી. તેનો અવાજ એકદમ ખોખરો હતો. તેની ઉમર પણ ખાસ્સી એવી હતી. તેના ચહેરા પર કરચલીઓ હતી અને આંખો જરા ઊંડી ઉતરી ગઈ હતી. જોકે તેમાં હજુ નિર્ભય જાતિની ચમક એમને એમ હતી.

એકાએક તે અટક્યો અને પાછળ ફર્યો, થોડીકવાર સ્ટેજને જોઈ રહ્યો અને કહ્યું, “સાંભળ, આ પરીક્ષાનો પ્રથમ તબક્કો છે. આ તબક્કામાં તારા શરીરની શક્તિ અને તારા શરીરની રચના તપાસવામાં આવશે.”

વિરાટ કઈ બોલ્યો નહીં તેણે માત્ર માથું હલાવી તે સમજી ગયો છે એમ જવાબ આપ્યો. વ્યવસ્થાપક ફરી ચાલવા લાગ્યો પણ તેણે બોલવાનું ચાલુ રાખ્યું, “આ તબક્કા માટે તૈયારી થઈ શકે છે.” વિરાટ તેની સાથે ચાલવા લાગ્યો. હવે બંને આગળ પાછળ નહીં પણ પાસે પાસે ચાલતા હતા. વ્યવસ્થાપકે વિરાટની આંખોમાં જોયું, “કમ-સે-કમ તું તો એ માટે તૈયાર થઈ શકે તેમ છે.”

વિરાટ હજુ સાંભળતો જ રહ્યો. તે કશું બોલ્યો નહી. વ્યવસ્થાપક તેને એ બધુ કેમ કહેતો હશે તે તેને સમજાયું નહીં. તેઓ ચાલતા રહ્યા પણ હૉલ-વે લાંબો હતો અને વિરાટના પરીક્ષા-ખંડનો દરવાજો હજુ બહુ દુર હતો.

“જો તું તારી શારીરિક શક્તિઓ છતી નહીં થવા દે તો નિરીક્ષકને ક્યારેય અંદાજ નહીં આવે કે તારામાં કેટલી શક્તિ છે.” વ્યવસ્થાપકે કહ્યું, “તેનું જ્ઞાન એ મશીન પર આધારિત છે અને યાદ રાખ કે...”

“શું?” વિરાટે પહેલીવાર વ્યવસ્થાપક સામે મો ખોલ્યું.

“તારી શારીરિક શક્તિનો અંદાજ તેને કોઈ હિસાબે ન થવો જોઈએ.” તેણે કહ્યું, “જ્યારે નિરીક્ષક તને કોઈ ચીજ પર બળ પ્રયોગ કરવા કહે ત્યારે તારી શક્તિનો પૂરો ઉપયોગ ન કરતો. તે પૂરું બળ વાપર્યું છે કે કેમ તેની ખબર તેને નહીં પડે.”

“કેમ?”

“કેમકે નિરીક્ષક માનવ નથી.” વ્યવસ્થાપકે કહ્યું, “તે માનવ જેવો દેખાતો યંત્ર માનવ છે.”

“યંત્ર માનવ....” વિરાટે નવાઈથી પુછ્યું, “એ શું છે?”

“એ બધુ સમજાવી શકાય તેટલો સમય નથી. બસ યાદ રાખ કે તે માનવ જેવો હૂબહૂ દેખાશે પણ તે એક યંત્ર માનવ છે તેની બધી બુધ્ધિ તેનામાં રહેલા સૉફ્ટવેર પર આધાર રાખે છે. તે તેના સૉફ્ટવેરના વર્ઝનની મર્યાદાઓ બહારનું કોઈ કામ કરી શકતો નથી.”

રોબોટ....યંત્ર માનવ.... સૉફ્ટવેર... વર્ઝન... એ બધા શબ્દો વિરાટ માટે નવા હતા. તેને કઈ સમજાતું નહોતું. વિરાટે વ્યવસ્થાપકના ચહેરા તરફ જોયું અને પુછયું, “તમે મારી મદદ કેમ કરી રહ્યા છો?”

“મને તારી મદદ કરવાની આજ્ઞા મળી છે. હું માત્ર આજ્ઞાનું પાલન કરી રહ્યો છુ॰”

“મારી મદદ કરવાની આજ્ઞા...?” વિરાટને નવાઈ થઈ, “મારી મદદ કરવાની આજ્ઞા કોણે આપી?”

“માફ કરજે...” વ્યવસ્થાપકે નમ્ર અવાજે કહ્યું, “મને એ કહેવાની સતા નથી..”

“વાંધો નહીં..” વિરાટે પુછ્યું, “તમે કોણ છો?”

“ધર્મ-રક્ષક.”

“તમારે નામ નથી?”

“છે પણ અત્યારે એ નામ જાહેર કરવાનો સમય નથી આવ્યો.”

“ભલે પણ તમે બીજા કોઈ શૂન્ય યુવકને બદલે આ બધુ મને જ કેમ કહો છો?”

“કેમકે જોખમ તારા પર છે બીજા કોઈ પર નહીં.”

“મારા પર જોખમ...?”

“હા...” વ્યવસ્થાપકે કહ્યું, “કારુ છેલ્લા પાંચસો વર્ષથી તને શોધી રહ્યો છે. એટલે જ તો દરેક યુવકની દૈવીપરીક્ષા લેવામાં આવે છે.”

“તેઓ બીજા જ્ઞાની બાળકોને નથી શોધી રહ્યા?”

“ના...” તેણે કહ્યું, “તેઓ જ્ઞાનીને નહીં પણ કોઈ બીજાને જ શોધી રહ્યા છે.”

“કોને?”

“કોઈ બીજાને પણ કોને એ મને ખબર નથી બસ મને તારી મદદ માટે મોકલવામાં આવ્યો છે.”

વિરાટે વધુ કશું ન કહ્યું. હવે તેનું હ્રદય ભય અનુભવવા લાગ્યું હતું. કારુ તેને પાંચ સો વર્ષથી શોધે છે... કેમ?

“પરીક્ષાનો પ્રથમ તબક્કો મુશ્કેલ નથી.” વ્યવસ્થાપકે કહ્યું, “પણ બીજો તબક્કો મુશ્કેલ છે.”

“બીજા તબક્કામાં શું થાય છે?” વિરાટે વાળમાં હાથ ફરેવ્યો. તે મુઝવણમાં હોય ત્યારે વાળમાં હાથ ફેરવવાની તેને આદત હતી.

“ખબર નથી પણ ત્યાં કોઈ યંત્ર માનવ નહીં પણ જીવતો જાગતો દેવતા તારા મનનું પરીક્ષણ કરશે.” તેણે કહ્યું.

“શું હું મરી જઈશ?” વિરાટે પુછ્યું, “જો બીજા તબક્કામાં હું નિષ્ફળ રહું તો મને દેવતા મારી નાખશે?”

“હા.” તેણે કહ્યું, “પણ તને એમ લાગે કે એવું કઈ થાય તેમ છે તો ઓરડા બહાર નીકળી જજે. ખુલ્લામાં તું સલામત છો.”

“ખુલ્લામાં સલામત...?”

“હા, ધર્મસેનાના સિપાહીઓ તારી રક્ષા માટે ટર્મિનસમાં હાજર જ છે. બહાર ખુલ્લામાં તેમના વીષબાણ ગમે તેવા દેવતાને પણ અમુક સમય પૂરતો માત કરી નાખશે.” વ્યવસ્થાપકે કહ્યું, “પણ એવું કઈ નહીં થાય. શક્ય હશે ત્યાં સુધી તો તને બીજા તબક્કામાં પણ મદદ પહોચી જશે.”

વિરાટ તેની સામે ઉભા એ અજાણ્યા માણસને જોઈ રહ્યો. તેની આંખો ન સમજાય તેવી હતી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા અને છતાં વિરાટને લાગ્યું કે તેણે એ માણસનો વિશ્વાસ કરવો જોઈએ.

હવે તેઓ પરીક્ષા-ખંડને દરવાજે પહોચવા આવ્યા હતા.

“યાદ રાખજે, તેઓ જાણવા માંગે છે કે તારામાં અવતાર છે કે નહીં. પણ નિરીક્ષક યંત્ર માનવ છે અને તેનું પરીક્ષણ તારા જવાબો અને પ્રતિક્રિયા પર આધાર રાખે છે. જો એ પૂછે તે દરેક પ્રશ્નનો ખોટો જવાબ આપવામાં તું સફળ રહે તો તારા પકડાઈ જવાના ચાંસ નહિવત છે. યંત્ર માનવ દેવતાઓ જેમ તારા મનમાં ડોકિયું નહીં કરી શકે.”

“સમજી ગયો.” વિરાટે તેમની સામેના દરવાજાને તાકી રહેતા કહ્યું.

“કદાચ તે પૂછે કે કારુ કોણ છે તો એમ કહેજે કે તે ભગવાન છે દીવાલની પેલી તરફ જેમ તું કહેતો ફરે છે કે તે કળિયુગનો અવતાર છે એવું કહ્યું તો બધુ બરબાદ થઈ જશે.”

વિરાટ વ્યવસ્થાપકને જોઈ રહ્યો. હું દીવાલની પેલી તરફ શું બોલું છુ એ પણ આ માણસને ખબર છે? તો તેણે બાકી શું ખબર નહીં હોય? ચોક્કસ તેને ગુરુ, છૂપી ગુરુશાળા, ચોરેલા પુસ્તકો વિશે પણ જાણ હશે.

“હવે બહાદુર બનવાનો સમય છે, વિરાટ.” વ્યવસ્થાપકે દરવાજો ખોલી, “તું બીજા જેવો નથી.”

વિરાટ નવાઈ પામી વ્યવસ્થાપક તરફ જોઈ રહ્યો. આ માણસને મારુ નામ પણ ખબર છે? વ્યવસ્થાપકે બહારથી દરવાજો બંધ કરી દીધો એટલે વિરાટ હળવેથી ઓરડામાં અંદરની તરફ ફર્યો.

તે ઓરડો વિરાટ રાતે રોકાયો હતો તેના કરતાં બમણા કદનો હતો. તેના મધ્યમાં એક પલંગ હતો અને તેની પાસે કેટલાક વિચિત્ર મશીનો ગોઠવેલા હતા. મશીનોની બીજી તરફ બે લોખંડની ખુરશીઓ હતી. વિરાટે એ પહેલા એટલી બધી અજાણી અને વિચિત્ર સાધનોથી ભરેલી કોઈ જગ્યા જોઈ નહોતી. ઓરડાની દરેક ચીજ તેને અસ્વસ્થ બનાવતી હતી. રૂમની વિશાળતા પોતે જ અગવડભરી લાગતી હતી. વિરાટ હમણાં જ બહાર વિશાળ ગૃહમાં હતો પણ ત્યાં તેની આસપાસ તેના લોકો હતા જ્યારે એ મોટા કદના વિચિત્ર ઓરડામાં તે એકલો હતો.

લોખંડ અને બીજી કોઈ અધાતુથી બનેલા મશીનની પાસે એક માણસ ઊભો હતો. વિરાટ જાણતો હતો કે તે નિરીશક હતો. તે તેની જ રાહ જોઈ રહ્યો હતો.

નિરીક્ષકે વિરાટને નજીક આવવા ઈશારો કર્યો. વિરાટે તેની તરફ જોયું. તે વિરાટ કરતાં ઊંચો હતો. તે નિર્ભય સિપાહીઓ જેમ ખૂંખાર કે દેવતાઓ જેમ ચીતરી ચડે તેવો નહોતો. તેની ચામડી ઘઉંવર્ણી હતી અને તે ગજબ રીતે ચમકતી હતી. તેની આંખો એકદમ અલગ હતી. તે પલકતી હતી પણ તેની પલકવાની ગતિ માનવ આંખના પલકારા કરતાં ધીમી હતી. જાણે એ કોઈ હજુ માનવ બનવાનો પ્રયાસ કરતો નવો જ જીવ હતો. તેના ખભા અને છાતી એકદમ સ્થિર હતા એટલે એક વાત નક્કી હતી કે તેના શરીરમાં શ્વાસઉચ્છવાસની પ્રક્રિયા થતી નહોતી. તેણે વાદળી રંગની ગળીવાળો સફેદ શુટ પહેર્યો હતો. તેની ગરદન પર કાળી શાહીથી માનવા-સપ્તમ લખેલું હતું. તે લખાણ ચમકદાર છૂંદણાં જેવુ હતું.

વિરાટ તેની નજીક ગયો. તેણે બહાદુર રહેવા પ્રયાસ કર્યો પણ નિરીક્ષકને જોયા પછી જાણે કોઈ ગજબ લાગણી તેના મનમાં ઉદભવતી હતી. કદાચ તેના હાથની વાત હોત તો એ જ પળે એ રૂમ છોડીને ચાલ્યો ગયો હોત. માનવ જેવા દેખાતા એ યંત્ર માનવ સામે ઊભું રહેવું તેને વિચિત્ર લાગ્યું.

શું ખરેખર કારુ ભગવાન છે કે તે આવા માનવ જેવા જીવો બનાવી શકે છે? શું આ યાંત્રિક જીવો પણ અમારી જેમ કારુની ગુલામીથી આઝાદ થવા માંગતા હશે? શું એ જીવો માનવીય લાગણી અનુભવતા હશે? તેના મનમાં પ્રશ્નો તુફાનની જેમ ઉઠતાં હતા પણ જવાબો મેળવવાનો કોઈ રસ્તો નહોતો.

એક પળ માટે વિરાટને થયું કે તે એ ઓરડો છોડીને દોડી જાય, એ હૉલ-વેમાથી ભાગી જાય, એ ટર્મિનસ ઇમારત બહાર નીકળી જાય પણ તરત જ તેણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો. તે જાણતો હતો એમ કરવું સૌથી મોટી મૂર્ખાઈ હતી.

“તારું નામ..?” નિરીક્ષકે પુછ્યું. તેનો અવાજ નમ્ર પણ વિચિત્ર હતો. વિરાટને લાગ્યું જાણે એક એક શબ્દ બોલાયો નહિ પણ ક્યાક ઊંડાણથી ઉદભવ્યો હોય અને અવાજ પણ માનવના અવાજ જેવો નહોતો. એ અવાજ જાણે જમીન પર કરા પડતાં થતાં અવાજ કે પથ્થરની ઘંટીના અવાજ જેમ ધાતુના રણકાર જેવો હતો.

“મારુ નામ વિરાટ છે.” વિરાટે કહ્યું. તેને નવાઈ લાગી કે શું ખરેખર એ યંત્રમાનવ તેનું નામ નહીં જાણતો હોય.

“વેલ, વિરાટ.” નિરીક્ષકે કહ્યું, તેની યાંત્રિક આંખો પલકી. “આ બેડ પર સૂઈ જા.” તેના માનવનિર્મિત હોઠ સ્મિત આપવા મથ્યા પણ એ સ્મિતમાં માનવીય સ્મિત જેવુ કઈ નહોતું. એ વ્યક્તિની દરેક બાબત યાંત્રિક હતી. તેના શરીરની ચામડી સુધ્ધાં એકદમ બનાવટી દેખાતી હતી. તેની ચાલ બનાવટી હતી. તેની આંખો માનવ જેવી હતી તો સામે તેના પલકારા બનાવટી હતા. વિરાટને લાગ્યું કે કારુ ભગવાન નથી. તે ક્યારેય ભગવાન ન બની શકે. તેનો કુત્રિમ માનવ બનાવવાનો પ્રયોગ તેની નિષ્ફળતાની નિશાની હતી.   

વિરાટે એક ઊંડો શ્વાસ લીધો અને નિરીક્ષકની સૂચના મુજબ બેડ પર સૂઈ ગયો. તે મનમાં ૐ શબ્દનું રટણ કરતો રહ્યો. ગુરુ જગમાલ કહેતો કે ૐ શબ્દમાં એક અલગ જ શક્તિ છે. બ્રહ્માંડની શરૂઆતમાં એ શબ્દનો ઉદભવ થયો હતો. આમ તો વિરાટ એવા અંધવિશ્વાસમાં ન માનતો છતાં એ સમયે તેને લાગ્યું કે કદાચ એ શબ્દ તેને હિમ્મત આપશે.

વિરાટ ઊંધ્યો એટલે નિરીક્ષકે નજીકના મશીનની કોઈ એક કળ દબાવી અને આખેઆખો બેડ દીવાલમાં ચાલ્યો ગયો. તેને સમજાયું નહીં કે નિરીશક શું કરે છે? તે દીવાલમાં હતો પણ એ દીવાલ નહોતી. ત્યાં આંખો આંજી નાખે તેટલો ઉજાસ હતો. તેનું મગજ સ્કેન થતું હતું. ઓરડામાં તેણે જે જોયું તે મશીન કોમ્પ્યુટર હતું કે જે દીવાલમાં તે ચાલ્યો ગયો તે દીવાલ એમ આર આઈ સ્કેનર હતું તેવી ખબર તેને નહોતી. દીવાલ પેલી તરફના શૂન્ય લોકો આધુનિક ટેકનૉલોજીથી બિલકુલ બેખબર હતા. તેમના માટે દેવતાઓની ટેકનૉલોજી જાદુ હતી. તેમના માટે મોડર્ન હથિયારો જાદુઇ અસ્ત્રો હતા. તેમના માટે દીવાલ આ પારની દુનિયા અજાયબી હતી.

એકાદ મિનિટમાં બેડ દીવાલ બહાર નીકળી ગયો. એ પછી નિરીક્ષકે વિરાટને ચાલવા કહ્યું. વિરાટ રૂમમાં એક આંટો ચાલ્યો. તેને નવાઈ થઈ કે ખરેખર કોઈના ચાલવા પરથી એ કોણ છે એ ખબર પાડી શકાય. એ પછી યંત્ર માનવે વિરાટના શરીરને અહી અને ત્યાં અડીને તપાસ્યું.

“પ્રથમ રાઉન્ડ પૂરો થયો.” નિરીશકે કહ્યું, “અભિનંદન, તારા શરીરમાં કોઈ ખામી નથી.” તેને હાથમાં ક્લિપબોર્ડમાં ભરાવેળો કાગળ અને પેન લીધા. કાગળ વિરાટ માટે અજાણી ચીજ નહોતી પણ એ પેન અજાણી હતી. દીવાલ એ તરફ ગુરુ હજુ કલમનો ઉપયોગ કરતાં. શાહી બનાવવા માટે ખાસ તો ફૂલો અને અમુક વનસ્પતિના રંગીન પાંદડા વપરાતા અને એ લખાણ પણ છાને થતાં અને ગુપ્ત સ્થળોએ સંતાડી રાખવામા આવતા.

“તું મને તારા વિશે કઈક જણાવીશ...” નિરીક્ષકે ફરી સ્મિત આપ્યું, “તેનાથી મને તારા વિશે કઈક જાણવા મળશે. મને નવા લોકો સાથે પરિચય કેળવવો ગમે છે.”

“હું શૂન્ય છુ.” વિરાટે પણ તેના જેવુ જ બનાવટી સ્મિત આપ્યું, “અને એક શૂન્ય પોતાના વિશે શું કહે? બસ મારા વિશે કહેવા લાયક મારુ નામ છે જે તમે જાણો જ છો.” વિરાટે જુઠ્ઠું બોલવામાં સફળતા મેળવી. તેને નવાઈ લાગી કે કદાચ તે પોતાના અને પોતે શું વિચારે છે એ સાચું કહેવા બેસે તો નિરીક્ષકને એ રૂમમાં તેની સામે દિવસો સુધી ઊભા રહેવું પડે.

નિરીક્ષકે મશીનના ડેશબોર્ડ પરનું એક વાદળી બટન દબાવ્યું. “તું કારુ વિશે શું વિચારે છે?”

“તેઓ ભગવાન છે અને અમારા જેવા અપવિત્ર શૂન્ય લોકો એ પવિત્ર નામ લેવાને પણ લાયક નથી.” વિરાટે કહ્યું. વિરાટને મા યાદ આવી કેમકે એકવાર માં સાથે કારુ બાબતે ચર્ચા થઈ ત્યારે માએ જે કહ્યું હતું એ જ શબ્દો વિરાટે નિરીક્ષકને કહ્યા હતા.  એટલે જ ગુરુ જગમાલ કહેતો છે કે જ્ઞાન ઉપયોગી છે. ક્યારેક ક્યારેક તો ખોટું જ્ઞાન પણ ફાયદારૂપ બને છે.

“ઇચ્છનીય જવાબ...” નિરીક્ષકે માથું હલાવ્યું, “હવે બીજો રાઉન્ડ.. તું તૈયાર છે?”

“હા..”

યંત્ર માનવ ઘડીભર વિરાટને જોઈ રહ્યો એ પછી તેને કહ્યું, “દીવાલનો ટેકો લઈ ઊભો રહી જા..”

નિરીક્ષકે જે તરફ આંગળીથી ઈશારો કર્યો હતો બરાબર તે સ્થળે વિરાટ દીવાલ પાસે જઈ ઊભો રહ્યો. નિરીક્ષક તેની નજીક ગયો અને તેના માથા પાસે દીવાલ પર લખેલા આંકડાઓ પર નજર કરી. વિરાટ જાણતો હતો કે તે સંખ્યાઓ હતી. દીવાલની પેલી તરફના લોકોને સંખ્યાજ્ઞાન હતું.

નિરીક્ષકે કાગળમાં 5 ફૂટ 9 ઇંચ લખ્યું.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED