Dashavatar - 31 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 31

નિર્ભય સિપાહીઓએ માઇકમાં દૈવી પરીક્ષાની ઘોષણા કરી એ સાથે જ શૂન્ય યુવકોને લઈને તેમના માતા પિતા કે વડીલો જે તેમની સાથે હતા તે ગૃહમાં ભેગા થવા માંડ્યા. થોડીક મિનિટોમાં ગૃહની દરેક ખુરશી પર શૂન્ય હતો. દરેક યુવકના સાથે વડીલ શૂન્ય તેની બાજુમાં બેઠો જેથી તેને રાહત રહે. બધા જાણતા હતા કે દૈવી પરીક્ષામાં નિષ્ફળ જનાર સાથે શું થાય છે. આજે કોણ પોતાના દીકરા કે દીકરીને કાયમ માટે ગુમાવી નાખશે એ નક્કી નહોતું. દરેકના હ્રદયમાં ફફડાટ હતો. ગૃહ  ચમકતા લોખંડની ખુરશીઓ અને ઉદાસ ચહેરે બેઠા શૂન્યોથી ભરાયેલુ હતું.

વિરાટ અને નીરદ ગૃહમાં જમણી તરફ દીવાલ નજીક બનાવેલા લાકડાના પ્લેટફોર્મની બરાબર સામે ખુરશીઓની ચોથી હરોળમાં ગોઠવાયા. હવે શું થશે એ ફફડાટ દરેકના ચહેરા પર દેખાતો હતો.

બધા શૂન્યો ગોઠવાઈ ગયા એ પછી પ્લેટફોર્મ પર શૂન્યો માટે કેટલાક અજાણ્યા તો કેટલાક જગપતિ, ભૈરવ અને બીજા જાણીતા નિર્ભય સિપાહીઓના ચહેરા દેખાયા. હાથમાં માઇક લઈ એક વ્યક્તિ ઊભો થયો. એ કઈ જાતિનો હશે તે કહેવું મુશ્કેલ હતું કેમકે તેનો દેખાવ નિર્ભય સિપાહીઓ જેવો હતો પણ તે નિર્ભય સિપાહીઓના પરિધાનમાં નહોતો. તેણે કાળા રંગના ચમકદાર કપડાં પહેર્યા હતા. તે ટીવી એંકરની જેમ લાકડાના સ્ટેજ પર જરા આગળ આવ્યો અને તેના હાથમાંની ફાઇલમાં જોઈ પાંચ નામ બોલ્યો.

એ વ્યવસ્થાપક હતો. વ્યવસ્થાપક પાસે દીવાલની એ તરફ આવનાર દરેક શૂન્યના નામની યાદી રહેતી. જે પણ નવા શૂન્યો દીવાલ એ પાર આવે તેમના નામ દીવાલની પેલી તરફ કલેકટર ઓફિસમાં નોધવામાં આવતા અને એ નામની યાદી નિર્ભય સિપાહીઓની નાની આગગાડીમાં ત્યાં પહોચતી.

વિરાટે તેની બાજુની ખુરશી પર બેઠી એક યુવતી તરફ નજર કરી. તે એકદમ તણાવમાં દેખાતી હતી. તેના પગના આંગળા જમીન પર ટપટપ થયા કરતાં હતા અને તેના હાથના આંગળા એકબીજા સાથે રમતા હોય તેમ તે આંગળીઓને આમ તેમ ફેરવ્યે રાખતી હતી. તે કદમાં નીચી પણ મજબૂત બાંધાની અને જરા શ્યામવર્ણી હતી. તેના વાંકળીયા વાળ તેના માથા પર અંબોડાની જેમ બાંધેલા હતા.

વિરાટ સમજી ગયો કે તે નર્વસ હતી. તે પોતે પણ નર્વસ હતો. ત્યાં બેઠેલો દરેક યુવક નર્વસ હતો. વિરાટને લાગ્યું કે બધા વ્યવસ્થાપકો નિર્ભય જાતિના હશે, ભલે તે પરિધાનમાં નહોતા પણ તેમનો અવાજ અને રૂઆબ નિર્ભય સિપાહી સાથે મેળ ખાતો હતો. વૈધરાજ કોણ હશે? વિરાટે વિચાર્યું? એ કઈ જાતિના લોકો હશે? શું તે નિર્ભય હશે કે પછી દેવતા? એ લોક જાતિના નહીં હોય તેની વિરાટને ખાતરી હતી.

“આદિ...” વ્યવસ્થાપકે બીજા પાંચ નામ બોલવા શરૂ કર્યા, “મીનરવા... અવિરા... શૈરવ... હરનીશ...”  

એ યુવકો અલગ અલગ હરોળમાંથી ઊભા થઈ લાકડાના પ્લેટફોર્મ પર ગયા. માઈક લઈને ઉભા વ્યવસ્થાપક સિવાયના વ્યવસ્થાપકો એ બધાને અલગ અલગ રૂમમાં દોરી ગયા. વિરાટ પહેલા બે યુવકોને ઓળખતો નહોતો પણ તે બાકીના ત્રણને ઓળખતો હતો. અવિરા અને હરનીશથી તે ખાસ પરિચિત હતો. તે બધા એક જ વિસ્તારમાં જ રહેતા. હરનીશ અને વિરાટ તો એક સમયે ખાસ મિત્રો હતા.

દીવાલની એ તરફ લોકો પાસે સંદેશાવ્યવહાર માટે કોઈ સાધનો નહોતા. તેઓ કોઈ પણ તાત્કાલિક બેઠક બોલાવવા માટે શંખનાદનો ઉપયોગ કરતાં. દક્ષિણના સાગર કિનારેથી મળતાં મોટા શંખનો ઉપયોગ તેઓ તાત્કાલિક બેઠકની ઘોષણા માટે કરતાં. અલગ અલગ પ્રકારના નાદ એ શંખમાં વાગી શકતા પણ જ્યારે કોઈ ખાસ સંદેશો ઘર ઘર સુધી પહોચડવાનો હોય ત્યારે એમને સંદેશાવાહકોની જરૂર પડતી. એ કામ માટે દીવાલની પેલી તરફ બાળકો સ્વયંસેવક બનતા. બાર વર્ષ થતાં દરેક બાળક એક વર્ષ સુધી સ્વેચ્છાએ સદેશાવાહક તરીકે સેવા આપતો. કોઈના લગ્ન હોય કે કોઈ  અવશાન થયું હોય, કોઈના ઘરે બાળક અવતર્યું હોય કે આગગાડી આવવાની ખબર હોય, એ સદેશાવાહક બાળકો આખો દિવસ દોડીને સંદેશો પહોચાડતા.

જ્યારે વિરાટે બાર વર્ષની ઉમરે સંદેશાવાહક તરીકે સ્વયંસેવા આપી એ સમયે હરનીશ તેનો સાથી હતો. લગભગ બધા સંદેશા આપવા તેઓ સાથે જ દોડતા. તેઓ મૌખિક સંદેશો પહોચડતા. લેખિત સંદેશો દીવાલની પેલી તરફ ઉપયોગ ન થતો કેમકે દીવાલની પેલી તરફ પુસ્તકો અને કાગળ-કલમ પ્રતિબંધિત હતા.

દીવાલની આ તરફ દેવતાઓ ન્યાયાલય સંભાળતા અને એમના નિર્ણયો જ અંતિમ નિર્ણય રહેતા પણ દીવાલની પેલી તરફ શૂન્યોમાં એવા કોઈ ન્યાયાલયો નહોતા. ત્યાં તેમની પંચાયત બેસતી અને ઘરડા શૂન્યો પંચ તરીકે બેસી ફેસલા આપતા. ગમે તે વિવાદ લગભગ વાતચીતથી ઉકેલવામાં આવતા અને ક્યારેય કોઈ મોટી સજાઓ ન અપાતી કેમકે લગભગ તેની જરૂર જ ન પડતી. કોઈ પણ મોટો ગુનો દીવાલ આ પરના નિર્ભય સિપાહીઓના કાને પહોચી જતો અને એ ગુના બદલ મૃત્યુદંડ આપવામાં આવતો. બસ એ પંચાયતો સામાન્ય વિખવાદો જ ઉકેલતી. એ પંચાયત બેસે તેના સમાચાર પણ એ સંદેશાવાહક બાળકો જ દરેક ઝૂંપડી સુધી પહોચાડતા.

પંદર મિનિટ પછી એ પાંચેય યુવકો પાછા આવ્યા. તેમના ચહેરા પર એ જ ઉદાસી અને તણાવ હતા. વિરાટ એમને જોઈ રહ્યો. એ પરીક્ષામાં શું થયું હશે?

ફરી વ્યવસ્થાપકે યાદીમાંથી જોઈ બીજા પાંચ નામ ઉચાર્યા. એ પછીના રાઉન્ડમાં વિરાટની બાજુમાં બેઠી છોકરીનું નામ બોલવામાં આવ્યું. તે ખુરશી છોડી જતાં પહેલા થોડોક સમય વિરાટ તરફ જોઈ રહી. વિરાટે ધીમા અવાજે કહ્યું, “પ્રલય પહેલાના ભગવાન તારી સાથે રહે.”

જોકે વિરાટે જે કહ્યું તે છોકરીએ સાંભળ્યુ નહોતું. ભય અને તણાવે તેની શ્રવણ શક્તિ છીનવી લીધો હોય તેમ એ ઊભી થઈ અને લાકડાના પ્લેટફોર્મ તરફ ચાલવા માંડી હતી.

મારો વારો આવશે ત્યારે શું થશે? એ વિચાર વિરાટને છેક તેનું નામ બોલવામાં આવ્યું ત્યાં સુધી સતાવતો રહ્યો.

“વિરાટ...” વ્યવસ્થાપકે તેનું નામ બોલ્યું ત્યારે જાણે તેના પગ બરફ બની ગયા હોય તેમ તેને લાગ્યું. તે મહામહેનતે ઊભો થયો. વિચારોને ફંગોળવા મથતો તે પ્લેટફોર્મ તરફ જવા લાગ્યો. કદાચ તેના હાથની વાત હોત તો એ ક્યારેય ખુરશી છોડી પ્લેટફોર્મ પર ન ગયો હોત. કોઈ શૂન્ય દૈવી પરીક્ષા આપવા ન જાય પણ એ તેમના બસ બહાર હતું. શૂન્ય લોકો માટે તેમની મરજી એ કોઈ મહત્વની નહોતી. વિરાટને લાગ્યું જાણે તેના ઘૂંટણ નબળા પડી ગયા હતા અને તેને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. કદાચ તે હમણાં પડી જશે પણ સદભાગ્યે તે સ્ટેજ સુધી સલામત પહોચી ગયો.

તેના હ્રદયના ધબકારા વધવા માંડ્યા. તેને સ્ટ્રેસમાં આંગળાના ટચાકા ફોડવાની આદત હતી પણ તેણે પોતાને એમ કરતાં રોક્યો અને બહાદુર દેખાવાનો પ્રયાસ કરવા મહામહેનતે હડપચી ઊંચી રાખી. તેની આંખો સ્ટેજ પર માંડી રાખવા પણ તેણે મથવું પડ્યું.

સ્ટેજના પગથિયાં ચડતી વખતે તેના પગ ધ્રૂજતા હોય તેમ લાગ્યું જોકે તેના આખા શરીરમાં જીણી ધ્રૂજરી થતી હતી પણ તે કોઈના ધ્યાનમાં ન આવે તેટલી સૂક્ષ્મ હતી. તેણે એક નજર પાછળ કરી. ગૃહ તેના પોતાના લોકોથી ભરેલું હતું. બધાની આંખો જાણે તેના પર જ મંડાયેલી હતી. યાદીમાં નામ કોઈ ક્રમમા નહોતા. ન તો એ નામના અક્ષરો પ્રમાણે બોલતા હતા. જે યુવકો પોતાનો વારો ક્યારે આવશે એ વિચારે બેઠા હતા એમના માટે વિરાટને ચિંતા થઈ કેમકે એ જાણતો હતો કે જોખમ કરતાં પણ જોખમની રાહ જોઈ બેસવું મુશ્કેલ હોય છે.

“મારી પાછળ...” એક વ્યવસ્થાપક વિરાટની નજીક ગયો, “મારી પાછળ રૂમમાં આવ..”

વ્યવસ્થાપકના અવાજમાં નરમાશ હતી. વિરાટને નવાઈ લાગી કે એક નિર્ભય સિપાહીના અવાજમાં નરમાશ કેમ? કદાચ તેઓ દૈવી પરીક્ષા સમયે નમ્રતાથી વર્તન કરતાં હશે. વિરાટે એક નજર સ્ટેજ પર કરી અને તેણે કારણ સમજાયું કે કેમ નિર્ભય સિપાહી નમ્ર હતો. સ્ટેજના પાછળના ભાગે ખુરશીઓ પરથી ન દેખાય તેમ વ્યવસ્થા પર નજર રાખતો એક વિચિત્ર માણસ બેઠો હતો. તેના માથા પર બિલકુલ વાળ નહોતા. તેનો ચહેરો એકદમ સુકાયેલો હતો અને આખા ચહેરા પર દીવાલ પર જેમ વેલાઓ છવાયેલા હતા તેવી જ લીલી નશો છવાયેલી હતી. સૌથી વિચિત્ર તેની આંખો હતી. તે ગોળાકાર હતી અને તેમાં કરોળિયાના જાળાં જેવી અનેક જીણી જીણી લાલ નશ દેખાતી હતી. કદાચ એ કોઈ માણસ નહોતો. કદાચ એ જ દેવતા હતો. વિરાટે લોકો પાસેથી જે સાંભળ્યુ એ મુજબ એ દેવતા જ હતો કેમકે તેણે સફેદ કપડાં પહેર્યા હતા અને એકદમ સફેદ કપડાં એ દેવતાઓનો પરિધાન હતો. વિરાટે રૂમમાં પોતાનો ચહેરો સવારે જ જોયો હતો એટલે તેના ધ્યાનમાં આવ્યું કે તેના અને દેવતાના ચહેરામાં એકદમ સામ્યતા હતી. દેવતાનો ચહેરો પણ તેની જેમ ગોળ હતો. દેવતાની આંખો પણ તેના જેમ ગોળાકાર હતી. કદાચ દેવતાના માથા પર વાળ હોય અને તેનો ચહેરો એકદમ સુકાયેલો ન હોય તો વિરાટ અને દેવતા સમાન દેખાય તેમ હતા.

પણ કેમ? કેમ હું મારા લોકો જેવો નથી દેખાતો? વિરાટે વિચાર્યું. કેમ હું દેવતાઓ જેવો છુ? કેમ હું નિર્ભય સિપાહીઓ જેવો છુ? કેમ મારા વિચારો મારા લોકોથી અલગ છે? કેમ મારો દેખાવ મારા માતપિતા જેવો નથી?

વિચારોમાં ખોવાયેલો વિરાટ વ્યવસ્થાપક પાછળ ચાલવા લાગ્યો.

*

બરાબર સ્ટેજની સામે, શૂન્યો જે ખુરશીઓમાં બેઠા હતા તેની પાછળના ભાગે એક ઓરડાનો પાછળનો દરવાજો ખૂલ્યો અને એક નિર્ભય સિપાહી ઓરડામાં દાખલ થયો. ઓરડાનો આગળનો દરવાજો બંધ હતો અને સ્ટેજ પરથી એમ જ લાગતું હતું કે એ ઓરડામાં કોઈ નથી પણ હકીકતમાં એ ઓરડો ખાલી નહોતો. ઓરડાના મધ્યમાં મહોગની ટેબલ પર આખા ટર્મિનસ ઇમારતના નકશા ફેલાયેલા હતા. ટેબલની બાજુમાં ફર્શ પર ટર્મિનસ જે શહેરમાં સ્થિત હતું તે ચિત્રાંગ્ધ શહેરનો નકશો હતો જેમાં શહેરના એક એક રસ્તાઓ અને ગળીઓ દર્શાવેલા હતા. એ નકશામાં કેટલાક રસ્તાઓ પર લાલ શાહીથી રેખાઓ દોરેલી હતી.

ઓરડામાં દાખલ થયેલો નિર્ભય સિપાહી ટેબલ સામેની લાકડાની ખુરશીમાં બેઠેલા માણસ સામે જઈ માથું નમાવી ઊભો રહ્યો.

ટેબલ પર બેઠેલા માણસનો ચહેરો ચાંદી રંગના એક વિચિત્ર મહોરામાં છુપાયેલો હતો. એ મહોરું જાણે તેની ચામડી હોય તેવુ લાગતું હતું. મહોરા પાર પણ તેના ચહેરાના ભાવ કળી શકાય તેમ હતા. બસ ચહેરો ઓળખવો મુશ્કેલ હતું. મહોરાવાળા માણસે નિર્ભય સિપાહી તરફ જોયું, “ધર્મસેનાના સિપાહીઓ ક્યારેય માથું નમાવી નથી ઊભા રહેતા.”

“જી રક્ષક...”

“બધી વ્યવસ્થા થઈ ગઈ છે.” રક્ષકે કહ્યું, “તારી સાથે બીજા સેટલા સિપાહીઓ ટર્મિનસમાં દાખલ થવામાં સફળ રહ્યા છે?”

“બીજા ત્રણ સિપાહીઓ..”

“ધર્મસેનાના ચાર સિપાહીઓ ચાળીસ નિર્ભય સિપાહીઓ માટે પણ કાફી છે.” રક્ષકે કહ્યું, “જોકે હજુ ખરો સમય નથી આવ્યો.” તેણે પોતાના ડગલાંના ખિસ્સામાથી દૂરબીન નીકાળી, “આ સ્પાયગ્લાસથી તારે એ યુવક પર નજર રાખવાની છે. જરા પણ એમ લાગે કે તેના જીવન પર જોખમ છે તો..”

રક્ષક બોલવાનું પૂરું કરે તે પહેલા જ નિર્ભય સિપાહીના વેશમાં છુપા ધર્મસેનાના બહાદુર સિપાહીએ ભાથામાથી તીર નિકાળ્યું, “વીષબાણ... હું એ માટે તૈયાર છુ.”

“પણ યાદ રહે જ્યાં સુધી હુમલો કરવાની જરૂર ન પડે ત્યાં સુધી આપણે લડાઈ ટાળવાની છે.” રક્ષકે કહ્યું, “પણ જો એ યુવક પર કોઈ જોખમ હોય તો સૌથી પહેલું વિષબાણ તેના માટે જોખમરૂપ દેવતાની છાતીમાં ઉતરી જવું જોઈએ.”

“અને નિર્ભય સિપાહીઓ..?”

“એ તેના માટે જોખમી નથી.” રક્ષક હસ્યો, “એ યુવક એમના માટે જોખમી છે બસ તેમણે ખબર નથી કે એ કોણ છે માટે એની નજીક જવાની હિમ્મત કરી રહ્યા છે.”

એ જ સમયે ધર્મસેનાના બાકીના ત્રણેય ગુપ્ત સિપાહીઓ પણ નિર્ભય સિપાહીઓના વેશમાં ઓરડામાં દાખલ થયા.

“કદાચ હુમલો કરવો પડે તો આ ટેબલ પર આખી ઇમારતનો નક્શો છે.” રક્ષકે સૂચનાઓ આપવા માંડી, “કદાચ તેઓ એ યુવકને પાટનગર લઈ જવા પ્રયાસ કરે તો ગમે તે ભોગે એમને રોકવા પડશે. એ માટે આખા ચિત્રાંગ્ધનો નકશો અહી છે અને ટૂંકામાં ટૂંકે રસ્તે તેમનાથી આગળ જઈ તેમને શહેર બહાર નીકળતા અટકાવવા માટેનો માર્ગ લાલ રેખાથી દર્શાવ્યો છે.”

“આપ નિશ્ચિંત રહો..” નવા આવેલા ત્રણમાથી એક સિપાહીએ અદબથી કહ્યું, “ધર્મસેનાના સિપાહીઓએ આખા શહેરને બહારથી ઘેરી રાખ્યું છે. પાટનગર બહાર નીકળવા માટે તેમણે ફરી બીજો જન્મ લેવો પડશે.”

“મને ધર્મસેનાથી આવી જ બહારદૂરીની આશા હતી.” રક્ષકને સંતોષ થયો હોય તેમ એ ઊભો થયો. “જય ધર્મસેના..”

“જય ધર્મસેના..” સિપાહીઓએ ધીમા અવાજે પણ એકસાથે કહ્યું, “જય વાનરરાજ...”

“જય વાનરરાજ...” કહી રક્ષક પાછળના દરવાજેથી બહાર નીકળી ગયો. બે ત્રણ ઓરડા જેટલા દૂર જઈ તેણે મહોરું નીકાળી દીધું અને ગોળાઈ ફરીને લાકડાના પ્લેટફોર્મ પર પહોચ્યો. ત્યાં બધા માટે તે એક નિર્ભય સિપાહી જ હતો. તે વિરાટની પીઠને તાકી રહ્યો. ત્યાં શું થઈ રહ્યું છે તેનાથી એકદમ બેખબર વિરાટ વ્યવસ્થાપક પાછળ મક્કમ પગલાં ભરતો રહ્યો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED