Vasudha-Vasuma - 66 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ - 66

વસુધા - વસુમાં

પ્રકરણ  - 66

 

    ગુણવંતભાઈ ઘરમાં આવીને વસુધાને બૂમ પાડવા લાગ્યાં. એમનાં ચહેરાં પર આનંદ હતો કોઈ ખુશખબરી આપવાનાં હોય એવો ખ્યાલ આવી જતો હતો. ભાનુબહેન કહે “વાડામાં છે હું બોલાવું” ત્યાં વસુધા વાડામાંથી દોડીને આવી ગઈ. એને એનાં સાસરાનાં અવાજમાં ખુશીનો એહસાસ થઇ ગયો એનું કુતુહલ વધી ગયું.

ગુણવંતભાઈ કહે “એક સાથે 3 સારી ખબર લાવ્યો છું બોલ કઈ પહેલી કહ્યું ?” વસુધા કહે “પાપા બધીજ સારીજ ખબર છે ને. આ ઘરમાં હવે સારી ખબર ઘણાં સમયે આવી છે.”

ગુણવંતભાઈ પહેલાં ગંભીર થઇ ગયાં. એમણે કહ્યું “દીકરા તારી વાત સાચી છે હું પણ ઘણાં સમયથી સારી ખબરની જ રાહ જોઈ રહ્યો હતો. જાણે કાળ સમય સારું થવા થંભીજ ગયેલો કેમેય કરી આ કાળો કાળ જતો જ નહોતો.”

વસુધાએ કહ્યું “પાપા એક સાચી વાત કહું સમય નથી પસાર થતો કદી એ તો એની જગ્યાએ છે પણ માણસ સમયમાંથી પસાર થાય છે...”

ગુણવંતભાઈએ કહ્યું “દીકરા તું જે સમજાવે એ પણ સુખ દુઃખતો આપણેજ અનુભવીએ છીએ અને બોલાય એવુંજ છે કે ખુબ કપરો સમય કાઢ્યો.”

વસુધાએ કહ્યું “પાપા હું તમને સમજાવનારી કોણ ? પણ સુખ દુઃખનાં અનેક રૂપ છે તમે એને કેવી રીતે સ્વીકારો છો એનાં પર આધાર રાખે છે જે છે એ બધું "સ્વીકારવા" પરજ અવલંબીત છે. બાકીતો સુખમાંય દુઃખ અનુભવનારા અને દુઃખમાં પણ સુખ અનુભવનારાં દુનિયામાં પડ્યાં છે.”

ગુણવંતભાઈએ કહ્યું “દીકરી બધી વાત સાચી બધુંજ ભાગ્ય પર નિર્ભર છે પણ સાવધાની રાખો તો તમને મુશ્કેલી ના આવે એટલે માણસે સતત સતર્ક અને જાગૃત રહેલું પડે.”

વસુધાએ હસતાં હસતાં કહ્યું “પાપા તમારી વાતતો સાચી છે પણ ઘણાં નસીબનાં એવાં કાણાં અને અધૂરાં હોય કે ઊંટ પર બેસે તોય કૂતરું કરડી જાય...”

વસુધાએ આવું કીધું અને ત્યાં આવેલી સરલા ભાનુબહેન ગુણવંતભાઈ બધાં બધાં ખડખડાટ હસી પડ્યાં ત્યાં બહાર ઓટલે બેઠેલાં દિવાળીફોઈ આકુને લઈને અંદર આવી ગયાં અને બોલ્યાં “ભાઈ હસવાની વાત છે તો મને કહોને મનેય આનંદ થાય... આવો આનંદનો લ્હાવો લેવાં ક્યારની તરસી ગઈ છું...”

ગુણવંતભાઈએ હસતાં હસતાં કહ્યું “આવો આવો બહેન હું હવે સારાં સમાચારજ કહી દઉં... વસુ બેટા પહેલાં તો શહેરમાંથી પેલાં સુરેશભાઈનો ફોન આવી ગયો કે તમારી લોન અને ડેરી પ્રોજેક્ટની ફાઈલ પાસ થઇ ગઈ છે તમે ગમે ત્યારે આવીને બધી ફોર્માલીટી અને કાર્યવાહી પુરી કરી જજો. દિકરી વસુધાએ જે સજેશન અને પશુ ઉછેર અને પશુઆહાર પર જે કંઈ લખીને આપ્યું હતું એ અમારાં કારોબારી સમીતીનાં સભ્યોને ખુબ પસંદ આવ્યું છે આતો એને અમારાં વધારાથી અભિનંદન.”

આ સાંભળી બધાં ખુબ આનંદમાં આવી ગયાં વસુધા તો તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી બેઠી અને બોલી “પાપા આ તમારાં અને માં નાં આશીર્વાદ થી થયું બીજું ઉપર રહીને પણ એ આપણને મદદ કરી રહ્યાં છે”. ભાનુબહેનની આંખો ભરાઈ આવી બોલ્યાં “વસુ તે તો દીકરાની ખોટ સાચેજ પુરી કરી...”

ગુણવંતભાઈએ કહ્યું “વસુ આ વધતી ઉંમરે મને પણ જાણે નવો જોશ આવી ગયો છે બધો ઉત્સાહ વધી ગયો છે.” સરલાએ કહ્યું “ બીજી બે સારી ખબર કઈ છે ? કહોને... પછી હું એક સારી ખબર આપું... “

ગુણવંતભાઈએ કહ્યું “બીજી ખબર એ છે કે પોલીસ તપાસમાં ગામનાં અને સહકારી મંડળીના માથાભારે મોતી આહીર, ભૂરો ભરવાડ, પશા પટેલ અને કૌશિક નાઈને ગુનેગાર માની જેલનાં સળીયા પાછળ ધકેલી દીધાં છે એ બધાએ મંડળીમાંથી રાજીનામાં આપી દીધાં છે. લખુભાઈ સરપંચે મને સમાચાર આપ્યાં છે.”

“દૂધસહકારી મંડળીમાં હવે આપણીજ બહુમતી થઇ જવાની મંડળીમાં નવાં સભાસદો લઈને હવે આગળ કામકાજ કરવાનું છે. પેલો રમણો અને પકલો પહેલેથીજ જેલમાંજ છે... લાંબી સજા થઇ છે બધાંને...”

ભાનુબહેન કહે “એવાં નખ્ખોદીયાઓને સજા મળી આજે મારી આંતરડી ઠરી... પણ મારો પીતાંબરતો ગયોને... કોઈનું શું બગાડેલું?”

ગુણવંતભાઈએ વાતાવરણ પાછું ગંભીર ના થવા દેવા કહ્યું “સાંભળો સાંભળો ત્રીજી ખબર... એમણે કહ્યું પીતાંબરનું અકસ્માતે મોત થયેલું એનાં વીમાનાં 10 લાખ રૂપિયાનો ચેક મળી ગયો છે.”

આ સાંભતાં બધાનો ચહેરો પડી ગયો. પાછું બધું ગમગીન વાતાવરણ થઇ ગયું ભાનુબહેન અને વસુધાની આંખમાં આક્રોશ છવાયો.

આ સાંભળી વસુધા કંઈ બોલી નહીં પાપાનું માન જાળવવાં એણે જીભ દાબી દીધી પણ ભાનુબહેનથી રહેવાયું નહીં એમણે પહેલાં વસુધા, પછી સરલા, દિવાળી બેન સામે જોઈ ગુણવંતભાઈને તીખારા સાથે કહ્યું “તમને લાજ નથી આવતી ? આ છોકરો ગુમાવ્યો એનાં પૈસા આવ્યા એ ખુશીનાં સમાચાર છે ? આતો... તમને શું કહું ?”

ગુણવંતભાઈ પહેલાં તો છોભીલા પડી ગયાં એમણે કહ્યું ”ભાનુ, વસુ... તમે લોકો ખોટો અર્થ કરો છો મારું બોલવાનું સમજ્યાં નહીં... મેં પણ મારો એકનો એક દીકરો ખોયો છે હું એને આ હાથનાં મેલ જેવાં પૈસાથી તોલું ? મને એટલો લાલચુ સમજો છો ? દીકરાનાં મોત ઉપર પૈસાનો ચંદરવો ચઢાવું ?” એમને ખુબ દુઃખ લાગી ગયું ચૂપ થઇ ગયાં એમની આંખો નમ થઇ ગઈ.

દિવાળીફોઈએ કહ્યું “ભાઈ તમે શોક ના કરો... પીતાંબરની વાત આવે આપણે બધાં ખુબ લાગણીશીલ થઇ જઈએ છીએ એની વિદાય અને એની પડેલી ખોટ ખુબ વસમી છે પણ તમે કહો શું કહેવાં માંગતાં હતાં આમાં તમને કઈ ખુશી દેખાઈ ? તમેય બાપ છો એમ પૈસાથી થોડાં લોભાઈ જાવ ?”

ગુણવંતભાઈએ આંખો લૂછતાં કહ્યું... “વસુ મારો ઈરાદો એવો હતોજ નહીં... હોય જ નહીં પણ મને એવો વિચાર આવ્યો કે મને આ સારી ખબર લાગી... “

“મેં એટલે એને સારી ખબર ગણી કે મારો દિકરો હયાત નથી પણ એની વિમાની રકમ અપાવી તમારાં કામમાં એનો સૂક્ષ્મ ભાગ અને સહકાર જાણે આપી ગયો. એજ મારાં મનની વાત અને ભાવના હતી બાકી ઈશ્વરની દયાથી આપણે પૈસાની ક્યાં..”. એવું બોલતાં બોલતાં ડૂમો ભરાયો ચૂપ થઇ ગયાં.

દિવાળી ફોઈએ કહ્યું “ભાઈ તું સાવ સાચો છે ભૂલ અમારી સમજવામાં થઇ છે...” અને થોડાં વખતમાટે ત્યાં ચુપકીદી છવાઈ ગઈ...

******

 

વાડામાં ગૌરી ભાંભરી રહી હતી અને અવંતિકાએ એનો અવાજ સાંભળ્યો એણે પુસ્તક વાંચવાનું બાજુમાં મૂક્યું અને ગૌરી પાસે દોડી ગઈ. એ વાડામાં ગઈ અને ગૌરી ગભરાઈને કેમ ભાંભરી રહી હતી એ જોયું અને એને પણ ડર લાગી ગયો એ ગૌરીને ત્યાંથી દોડીને બહાર લઇ આવી અને બૂમો પાડી “મોક્ષ...મોક્ષ...”

 

 

વધુ આવતા અંકે પ્રકરણ -67

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED