dan pun books and stories free download online pdf in Gujarati

દાન પૂણ

"જીવનમાં જે કમાઓ છો તેનો અમુક ભાગ જરૂર દાનમાં આપો. આ જન્મે જે મળે છે તે પરભવનું પુણ્ય છે. જો આ ભવે નહીં દાન કરો તો આવતા ભવે અભાવમાં જીવવું પડશે.

અરે, સંસ્કૃત શ્લોક પણ છે કે ધનની ત્રણ ગતિ હોય છે - દાન, ભોગ અથવા નાશ. જે થોડું ઘણું ભોગવી બીજા માટે દાન કરતો નથી તેનું ધન કોઈ ને કોઈ રીતે નાશ પામે છે.

બીજા જન્મો ચોક્કસ છે ને છે અને એટલે જ આવતા ભવનાં ઇન્વેસ્ટમેન્ટ માટે આ ભવે દાન જરૂર આપો."

સત્સંગમાં પ્રવચન આપતા જ્ઞાની મહારાજ બોલી રહ્યા હતા.

ચોસઠ વર્ષીય મિહિરભાઈ ( આ જમાનામાં વૃદ્ધોનાં પણ આવાં જ નામ હોય છે. સિવાય કે સ્ટાન્ડર્ડ લેખકોની વાર્તાઓમાં જ રમણલાલ, છગનલાલ વગેરે હોય) સરવા કાને સાંભળી રહ્યા હતા. પોતે સરકારી અધિકારીની નોકરી ખૂબ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરી હતી,

ક્યારેય લાંચ લીધી નહોતી, સહુને કામથી મદદ કરી હતી. એટલે જ નિવૃત્ત થયા ત્યારે પુરતી બચત જરૂર હતી પણ ધનના ઢગલા કહેવાય એવી નહીં. પોતે કરકસરથી જીવ્યા હતા એટલે ક્યારેય મોટું દાન કર્યું ન હતું. પત્નિ અસ્મિતાબહેન વાર તહેવારે મંદિરમાં દર્શને જાય ત્યારે રૂપિયો અને આગળ જતાં દસેક રૂપિયા દાનપેટીમાં નાખે એને દાન કહો તો એ જ દાન. એટલામાં પુણ્ય થોડું થાય?

મિહિરભાઈ વિચારમાં ડૂબી ગયા કે સાલું આટલી ઉંમર દાન કર્યા વગર વિતાવી, હવે બચત ઠીકઠાક છે, ખર્ચા બહુ નથી તો ચાલો, બાવાએ ( મિહિરભાઈ માટે પૂજારીઓ, સન્યાસીઓ, પ્રવચનકારો, સ્ટાર ધર્મ વક્તાઓ બધા સરખા - બાવા. ધર્મની લાઈનના માણસો.) આવતા ભવ માટે ઇન્વેસ્ટમેન્ટનું કહ્યું તો આજથી જ શરૂ. પણ દાન આપવું કોને? એ લાઇન તો તેમની કે અસ્મિતા બહેનની નહીં એટલે તેમને કોઈ એ વિશે જ્ઞાન જ નહીં.

પહેલાં તો નક્કી કર્યું કે કથા પતે એટલે આ બાવાને જ દાન કરી શરૂઆત કરવી. કેટલા? સાવ વીસ પચીસ ઠીક નહીં લાગે. એકસો એકાવન દાન આપું. ભલે બાવાજી ખુશ થાય.

ત્યાં તો કથા પતતાં મહારાજે જ ટહેલ નાખી - મંદિરનું ટ્રસ્ટ છે, આવી કથાઓ માટે રખરખાવ, લાઈટ, માઇક અને એટેચ ગૌશાળા માટે છૂટથી દાન આપો. યથા શક્તિ. બે હજાર, પાંચ હજાર કાઈં પણ ચાલશે. અત્યારે રકમ ઊભા થઈ બોલો, પછી સેવકો તમારો નંબર લઇ લેશે અને સંપર્ક કરશે.

આગળ બેઠેલા 'ભક્તો'ને શીખવી રાખેલું તેમણે દસ હજાર.., પચીસ હજાર.. એમ શરૂઆત કરી. મિહિરભાઈ ઠંડા પડી ગયા. બાજુમાંથી કોઈ ઊભું થઈ બોલ્યું, "અત્યારે તો પે ટીએમ ને યુપીઆઇ પણ થાય છે. ટેકસમાં બાદ પણ મળે, જો ચેક આપી રસીદ પર તમારા ટ્રસ્ટનો પાન નંબર હોય. તો ખાલી બોલી લગાવવા કરતાં અહીં જ ખાતામાં ટ્રાન્સફર કરી બતાવો ને!

હવે મહારાજ ઉર્ફે બાવો ઠંડા પડી ગયા.

તેમણે તો અમુક 'ભક્તો'ને શીખવી રાખેલું કે દસ હજાર, વીસ હજાર એવા લખાવે, માત્ર લખાવે. પછી ચેક કોણ લેવા જવાનું હતું? દેખાદેખીમાં કોઈ આપે એટલા ઉસરડી લઇએ.

મિહિરભાઈએ વિચાર કર્યો કે સાલું પાંચ દસ હજાર તો વધુ પડે. બસો પાંચસો થી ભૂંડું લાગે. રહેવા દો, ક્યાંક બીજે દાન કરીશ. હા, પછી અહીં આવી જે જરૂર હોય જેમ કે કથા વખતનું લાઈટ બીલ - તો એ કદાચ ભરી દઈશ. પણ વખત જતાં.

તેઓ કથામાંથી દાન કર્યા વગર જ બહાર નીકળ્યા.

અસ્મિતા બહેન પણ બહેનોમાંથી નીકળ્યાં. બહાર નીકળતાં જ કહે "એમ કરો, ગાય ઊભી હોય તો ઘાસ ખવરાવીએ."

થોડે દૂર એક માણસ બે ચાર ગાયો લઈને રોજ સવારે ઉભતો. અત્યારે તો વહેલી સાંજ હતી. થોડું ઘાસ સફાઈવાળા ઉપાડી નહોતા ગયાં એ આમતેમ પડેલું. મિહિરભાઈ ગાય કે ગાય વતી પૈસા લેનારો માણસ ગોતવા લાગ્યા.

નજીકમાં લારીવાળા ઉભેલા તેમને અસ્મિતા બહેને પૂછ્યું કે સવારે ગાયને ઘાસ ખવરાવનારો ઉભે છે તે ક્યાં?

એક લારીવાળો હસ્યો. "આંટી, (અભણ લોકો પણ હવે માસી કાકી ને બદલે આંટી કહે છે. દાદી કે બા કહે તો ખોટું લાગે.) ઘાસ ખવરાવનારા તો તમે છો. એ તો ગાય ખાલી અહીં લઈને આવનારો. પોતાની ગાયોને બીજાના ખર્ચે ઘાસ ખવરાવી, ત્યાં જ ગાયને છાણ વગેરે કરાવી દિવસ ચડે એટલે લઈ જાય. બે ત્રણ દિવસ પહેલાં ઢોર પકડવા વાળા એને પકડી ગયેલા એટલે હમણાં ખૂબ વહેલો આવી દસેક વાગ્યા સુધીમાં નીકળી જાય.

આ જગ્યા અમારી વચ્ચે અહીં ઊભી ધંધો કરવા ભાગમાં છે."

મિહિરભાઈ જોઈ રહ્યા. બે ચાર પૂળા ઘાસ ઉપાડી કારમાં લીધું અને ધીમે ધીમે આસપાસ ગાય દેખાય તો જોતાં કાર ચલાવી. એમાં કોઈ એક્ટિવાવાળા કારને એક ખૂણે ઠોકી ચાલ્યા ગયા અને કોઈએ "એ ડોહા, ક્યાં ડાફોડીયાં મારતો ચલાવે છે?" કહ્યું. કોઈને ગમે તેમ કહી ભાગી જવું એવી હજી આપણી સંસ્કૃતિ છે.

મનમાં સમસમી મિહિરભાઈએ કાર આગળ લીધી. એક ચાર રસ્તા પાસે એક બે દોડતી ગાય દેખાઈ. સાઈડમાં કાર પાર્ક કરી બેય ઘાસ ખવરાવવા પૂળા સાથે દોડાય એટલું દોડયાં. ત્યાં તો પાછળથી ' હી..ક.. ટર ટર હીક..' અવાજ કરતો એ ગાયોને આગળ દોડાવતો, ધીમી પડે એને દંડો ફટકારતો એનો રખેવાળ પાછળ બાઈક ઉપર આવતો હતો! મિહિરભાઈ પૂળો એક ગાય સામે ફેંકી ભાગ્યા કાર તરફ. ત્યાં બીજી ગાયને ખોટું લાગ્યું કે મને કેમ રાખી દીધી. એ મિહિરભાઈ સામી ધસી. માંડ તેઓ કારમાં બેઠાં અને કાર રીવર્સમાં લે ત્યાં મીરરમાં જોયું - આ તો સવારે ઉભે છે એ જ!

"ચાલો એમ તો એમ, આજે અગિયારસ છે, ગાયને ઘાસ ખવરાવી પુણ્યનું ખાતું ખોલ્યું. પણ તો હવે બીજે ક્યાંક દાન આપશું. આને તો નહીં. " અસ્મિતાબહેને કહ્યું.

મિહિરભાઈની દાન આપવાની ઈચ્છા પ્રબળ બનેલી. કંઇક અંશે પશ્ચાતાપ પણ હતો કે આખી જિંદગી કોઈ દાનપુણ વગર કાઢી. આવતા જન્મે દારુણ ગરીબીમાં રહેવું પડે તો? બિચારા આ ભિખારીની જેમ.

તેમનાં મગજમાં લાઈટ થઈ. આ ભિખારીને તો નાનું શું દાન ચાલશે. બિચારો આગલે જન્મે કોઈ દાનપુણ નહીં કર્યું હોય તો આ જન્મે ભૂખ્યો હશે. તેઓએ ભિખારી તરફ કાર લીધી અને થોડે દૂર ઊભી રાખી.

પ્રોસ્પેક્ટીવ ક્લાયન્ટ કે તેના ગ્રાહક એટલે દાતા કારમાંથી ઉતરતા જોઈ ભિખારીની આંખો ચમકી.

"શેઠ, કુછ ભોજન કરા દો. ચાય નાસ્તા કરા દો." તેણે કહ્યું. કેમ ખબર પડે સામે વાળો ગુજરાતી છે કે ગુજરાતમાં બહારથી કમાવા આવેલો? ભિખારીએ એ લોકો માટે જરૂરી હિન્દી આત્મસાત્ કરી લીધેલું.

મિહિરભાઈને દયા આવી. બિચારો ક્યારનોભૂખ્યો હશે. તેમણે કહ્યું "ચાલ, સામેની લારીએથી તને પરોઠા, શાક, છાશનું ભોજન કરાવી દઉં."

ભિખારી હસ્યો. મનમાં કહ્યું 'શેઠ આ દાનપુણની દુનિયામાં નવા લાગે છે.'

તેણે કહ્યું "અરે શેઠ, મને કેશ આપો. ચાલીસ પચાસ ચાલશે. "

મિહિરભાઈ કહે "પણ હમણાં તો તેં કહ્યું કે ભોજન કરાવો, ચા નાસ્તો.."

"અરે શેઠ, એ તો એમ જ કહેવાય ને! પોલીસ પણ અમને ચા પાણીના આપવા કહે છે એટલે કાઈં સામેના ગલ્લામાં એની દસ રૂ. ની કટીંગ ચા થોડી કહેવાય? ચાલો, પચાસ આપો."

'લે, આ તો ગુંડો છરી ધરી માંગતો હોય એમ માગે છે!' અસ્મિતા બહેને ધીમેથી કહ્યું.

કચવાતે મને મિહિરભાઈએ તેના હાથમાં વીસની નોટ મૂકી. તેણે લીધી નહીં ને મોં બગાડીને ફેરવી લીધું. તેના ચા નાસ્તો મોંઘા મુલાં હતાં!

મિહિરભાઈને ગુસ્સો તો આવ્યો.

મન શાંત કરવા બેય પતિ પત્ની કાર કોઈ શેરીમાં પાર્ક કરી ચાલવા નીકળ્યાં. આગળ એક નાનાં મંદિર એટલે રસ્તો રોકી જમીન પચાવવા કરેલી થોડી મોટી દેરીની બહાર ફૂલવાળા, ફ્રૂટ વાળા વગેરે બેઠેલા. ત્યાં એક ભિખારણ નાનું છોકરું લઈ બેઠેલી. તેણે મિહિરભાઈ સામે હાથ ધર્યો. મિહિરભાઈએ

પેલી વીસની નોટ તેની પાસેનાં કપડાંમાં મૂકી. પેલીએ આશીર્વાદની મુદ્રામાં હાથ પોતાને કપાળે અડાડી નોટ બ્લાઉઝમાં મૂકી.

"છોકરાંને દૂધ પાજે આમાંથી" અસ્મિતા બહેને વણમાગી સલાહ આપી. મિહિરભાઈને આખરે કોઈ દાન કર્યાનો સંતોષ થયો.

ત્યાં તો, પહેલાં light a lamp and god appears આવતું જેમાં એક દીવો કરીએ એટલે ખાલી તકતીમાં દેવ પ્રગટ થાય એમ કોણ જાણે ક્યાંથી, કદાચ હવામાંથી પ્રગટ્યા હોય તેમ આઠ દસ ભિખારી ભિખારણો પ્રગટ થયાં અને અલગ અલગ અવાજે 'શેઠ દાન આપો' ( હવે દેશ સમૃદ્ધ થયો છે. કોઈ પાઈ પૈસો શબ્દ વાપરતું નથી) કહી યાચવા લાગ્યાં. ઘોંઘાટ વચ્ચે મિહિર ભાઈએ પાકીટ કાઢ્યું. છુટા દેખાય તે પાંચનો સિક્કો કે દસની નોટ બે ચાર ભિખારીઓને આપી . બીજાને વધુ આપ્યું એ સાંખી ન શકાતાં ભિખારીઓ અંદરોઅંદર સમજવાને બદલે મિહિરભાઈની પાછળ પડ્યા. એક બે ને પોતાનો નાનો બટવો ખોલી અસ્મિતાબહેને છુટા પૈસા કે દસની નોટ આપી. છુટા પૈસા પૈકી કોઈએ પચાસ પૈસાના સિક્કાનો રીતસર તેમની તરફ ઘા કર્યો!

પરિસ્થિતિની ગંભીરતા સમજી બન્નેએ ચાલવાની ઝડપ વધારી. અસ્મિતાબહેનને ચંપલ પગમાં ઢીલું પડતું હતું એટલે ઝડપ આવતી ન હતી. તેઓએ કોઈ બસ આગળથી દોડી રસ્તો ક્રોસ કરી લીધો. ડ્રાઈવર એક ગાળ બોલ્યો.

મિહિરભાઈ એન્જિનની જેમ આગળ અને ડબ્બાઓની જેમ સાત આઠ, સાથે નવા જોડાતા બીજા ભિખારીઓ હાથ લંબાવતા, આપો આપો બૂમો પાડતા પાછળ એમ ટ્રેન ચાલી! આસપાસના લોકોને તો જોણું થયું! સહુ તેમની દાનપૂણ એકસપ્રેસ તરફ જોવા લાગ્યાં.

કાર નજીક આવી મિહિરભાઈએ બંધ કાચે કાર થોડી આગળ લીધી. દોડાય નહીં તો પણ દોડતાં અસ્મિતા બહેન ઝડપથી બારણું ખોલી બેસી ગયાં. બે ભિખારીઓ કારના કાચ પર ધમ ધમ મારવા લાગ્યા. એમાં પરાણે કાર સાફ કરનારા બે છોકરાઓ પણ જોડાયા. તેમને આ વૃદ્ધ દંપત્તિ ને છેડવાની હવે મઝા પડી ગઈ કે રમત થઈ ગઈ. મિહિરભાઈ કાર સ્ટાર્ટ કરે પણ બોનેટ પાસે ઉભેલા બે ભિખારી હટે તો ને!

આખરે કોઈ બીજું prospective સારું ઘરાક કે દાતા આવતું જોઈ કે દૂરથી આમ કારમાં ઘેરાયેલા વૃદ્ધને જોઈ ત્યાં ટ્રાફિક ગાઈડ કરતો જમાદાર આવતો જોઈ ભિખારીઓ જોતજોતામાં અલોપ થઈ ગયા. જાણે વરાળ થઈ ઊડી ગયા!

મિહિરભાઈનો આખો રસ્તો જરાય મૂડ ન હતો. એમાં ઘેર જઈ અસ્મિતા બહેને કડક ચા મૂકવી પડી.

બે ત્રણ દિવસ તેઓ બહાર નીકળ્યાં નહીં. એક દિવસ સાથે કોઈ વ્યવહારિક કામે પોતાનાં એક્ટિવા પર નીકળ્યાં. સામે કોઈ દુકાન આવતાં અસ્મિતાબહેને એક્ટિવા ઊભું રખાવી પોતે સામેથી કોઈ વસ્તુ લઈ આવે એમ કહ્યું.

તેઓ લઈને આવે તેટલી વાર આમ તેમ જોતા મિહિરભાઈ ઊભા. એક બાઈ કેડે છોકરો તેડી આવી પહોંચી, હમણાં કહ્યું તેમ જાણે હવામાંથી પ્રગટ થઈ.

"દાદાને પગે લાગ દીકરા" કહ્યું ને બાળક મિહિરભાઈ સામે ઝૂક્યો. આ કેમ પગે લાગ્યો તે મિહિર ભાઈ સમજ્યા નહીં. તેમણે બાળકને માથે હાથ મૂક્યો. પેલી અસ્ખલિત, ઝડપી વાણીમાં શરૂ થઈ ગઈ "બાપ, તારે ઘેર સોનાનાં નળિયાં થાય.. તારાં બાળ બચ્ચાં ધનવાન થાય.. આ મારો ભીખલો છે. અમુક માતાજીની બાધા છે બાપલા, એને પેરવા લૂગડાંનો વેત કરવો છે ને માનતા પૂરી કરવી છે. એક થોડો ટેકો કરો બાપલા.."

મિહિર ભાઈએ પાકીટ ખોલ્યું. બધે યુપીઆઈ ને પે ટીએમ અને એવું કરે એટલે છુટા ખાસ નહોતા. તેમણે એક જે હતી તે પચાસની નોટ કાઢી ને બાળકના હાથમાં મૂકી. બાઈએ નોટ લઈ પાછી આપતાં કહ્યું "દાદા, પચાસ જ? અરે હું હારા ઘરની સું. જોઈએ તો તમને ચા પાઈ શકું એમ સું. આ તો મેં માનતા માની સે. હું કરું બાપા! છોકરાં જીવતાં નો'તાં તે આ માનતા રાખી સે. હમઝીને આપો, ભગવાન સદા સુખી રાખશે."

"અરે પચાસ કાઈં ઓછા કહેવાય? તમારી માનતા છે તો મારા પચાસ લઈ બીજા પાસેથી બીજા લો એમ કરી પૂરા કરો." કહેતાં મિહિરભાઈએ ફરી પચાસની નોટ ધરી.

"એમ થતું હોત તો હું ઝોઈએ ભાઈ! આ માનતા તો એક જ પાહે થી યાચી પૂરી કરવી પડે એમ સે. " બાઈ ગાંજી જાય એમ નહોતી.

ત્યાં અસ્મિતાબહેન આવી પહોંચ્યાં. તેમણે બાજુમાં ઊભી વાત સાંભળેલી. કહે "હું યે બાઈ માણસ છું. કઈ માનતા કેવી હોય એની મનેય ખબર છે. લેવા હોય તો લે."

પેલી તો ગળે પડી. "મારા સોરાને માથે હાથ મેલ્યો સે. આ આથમતા સૂરજની સાખે કહું સું, આ દાદાની એકની પાહે થી જ યાચું છું મારી બેન, મારી માવડી.."

" તે તારે કેટલા જોઈએ? " અસ્મિતા બહેને પૂછ્યું.

" તમે ભણેલી સો બેન. ચોટીલે જઈ માતાજીને ચરણે ધરાવી સોકરાનાં વજન જેટલી સાકર જોખી ગરીબોને દાન (!) કરવું પડહે. વધુ નોય, મારી માવડી, બે હજાર આલી દે."

પેલીએ તો અસ્મિતાબહેનના કુર્તા (હવે તો ડોશીઓ પણ સાડી પ્રસંગે જ પહેરે છે.) ની ચાળ પકડી. આમાંથી નહીં છૂટાય, અહીં કોઈ વહારે નહીં ધાય એમ લાગતાં મિહિરભાઈએ એક્ટિવા ચાલુ કર્યું. સાવ ધીમેથી. એમાં પકડી રાખેલું તે પેલી બાઈ પડી.

પડી તો ધીમેથી પણ એણે મોટેથી પોક મૂકી "અરે મને ગરીબડીને ને મારા સોકરાને આ મુઓ કસરી નાખે સે. તારું નખ્ખોદ જાય રોયા.."

ફરી હવામાંથી પ્રગટ્યા હોય તેમ સાત આઠ ભિખારીઓ પ્રગટ થયા અને એકે તો મિહિરભાઈનો કોલર પકડ્યો.

મિહિર ભાઈ થોડી વાર ધ્રુજવા માંડ્યા. પછી કહે "મારો કોલર છોડો. આવો મારી સાથે પોલીસમાં."

ઓચિંતો એક દાદો, કદાચ આ ભિખારીઓ પર નજર રાખતો એમનો સુપરવાઇઝર જેવો તગડો માણસ ફૂટી નીકળ્યો.

"અમારી બાઈને એક તો એક્સિડન્ટ કર્યો ને પાછો પોલીસની મા xx છે! તારી તો.."

તેણે હાથ ઉગામ્યો.

બીજો કહે "હોસ્પિટલમાં જઈને દવા કરવાના પાંચ હજાર આલો તો જ જવા દઈએ."

અસ્મિતાબહેને બચાવો.. ની બૂમ પાડી પણ લોકોએ દૂરથી જોયા કર્યું. કોઈ તો વિડિયો લેવા માંડ્યો.

ત્યાં કોઈએ પોતાનું બાઈક ઊભું રાખ્યું. તે ઊંચો ને શરીરે હટ્ટોકટ્ટો હતો.

"અરે મિહિર સર, તમે! એય, હટો બધા. હટો તમારી મા ના.."

તે ફરી વળશે એમ લાગ્યું. દાદો હટ્યો. છોકરાવાળી બાઈ દૂર થઈ.

મિહિરભાઈએ એ વ્યક્તિને ટુંકમાં વાત કહી. પછી પોતે જ પોલીસને ફોન જોડ્યો.

"બધે પોલીસ ન પહોંચી વળે. હું છું ને, તમે એક્ટિવા આગળ લઈ નીકળો. પછી ફોન પર વાત કરશું." પેલાએ કહ્યું.

મિહિરભાઈ એક્ટિવા ચાલુ કરી નીકળ્યા. તેમનો હાથ હજી ધ્રૂજતો હતો. એક ઠેકાણે સોડા કે કાઈંક ઠંડું પીવા ઊભા એટલે અસ્મિતાબહેને એ તારણહાર કોણ હતો તે પૂછ્યું.

ઓફિસમાં તેનું કામ કેમેય થતું ન હતું, કોઈએ લાંચ તો ખુલ્લમ ખુલ્લા માગી ન હતી પણ ટલ્લે ચડતું હતું. પોતે બધે ફરી વળી તે કરી આપેલું તેમ મિહિરભાઈએ કહ્યું.

"બસ, તો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ ને હમણાં મળ્યું તે એનું ફળ. પછી બીજા દાન ની જરૂર ક્યાં છે?" અસ્મિતાબહેને પતિને સાંત્વન આપ્યું.

"નરકમાં જવું પડતું હોય તો ભલે. આવા લોકોને આવાં દાન ધરમ મારાથી નહીં થાય." તેમણે કહ્યું.

સોડાની દુકાનેથી લિમ્કા આવે ને એકમાંથી પતિ પત્ની બે અર્ધી અર્ધી પીવે ત્યાં એક વયસ્ક મોચી નજીક બેઠેલો તેણે એ દુકાનમાં અર્ધી ચા બૂમ પાડીને કહી.

મિહિરભાઈએ તેની ચાના પણ પોતે આપે છે તેમ કહ્યું. પેલાએ વિવેક કર્યો કે સાહેબના લિમ્કાના પણ પોતે આપશે, પણ મિહિરભાઈએ સ્કેન કરી પેમેન્ટ કરી જ દીધું.

મોચીની આંખમાં આભાર હતો. ચા પીતાં કહે "સાહેબ, કાઈં રિપેર કરવું હોય તો આવી જજો. એક વારનું ગમે તેટલું હોય, મફત કરી દઈશ ને મારું કામ જોવું નહીં પડે."

અસ્મિતાબહેને સ્મિત કરતાં પેલી બાઈએ ખેંચવાથી તૂટી ગયેલો પર્સનો પટ્ટો ટાંકો મારવા આપ્યો. પેલાએ જોતજોતામાં કરી આપ્યો. તેમણે પર્સમાંથી પચાસની નોટ કાઢી આપી. પહેલાં મોચીએ ન લીધી પછી "મારી બેન, સુખી રે જે " કહી નોટ માથે ચડાવી.

હવે એક્ટિવા પર જતાં પતિ-પત્નીનાં મોં પર આનંદ અને સંતોષ હતો. કદાચ પહેલું અને સાચું દાન ભગવાનના ચોપડે નોંધાયું હતું.

***




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED