Vasudha-Vasuma - 63 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ - 63

વસુધા - વસુમાં

પ્રકરણ  - 63

 

     વસુધા બધાની સુવાની તૈયારીઓ કરી રહી હતી એનાં માં પાપા -સાસુ સસરા બધાં સુવા લાગ્યાં હતાં. એની અને સરલાની પથારીઓ એનાં રૂમમાં કરી હતી દુષ્યંત એનાં મિત્રનાં ઘરે ગયેલો ભણવા એ સવારે આવવાનો હતો.

વસુધા દિવાળીફોઈ અને આકુ સૂતેલાં ત્યાં આકુને લેવાં ગઈ હતી પણ ડૂસકાંનો અવાજ સાંભળી એનાં પગ ત્યાંજ રોકાઈ ગયાં. એને સમજણ પડી ગઈ હતી કે આકુ ઘસઘસાટ ઊંઘે છે પણ દિવાળી ફોઈને કંઈક ઓછું આવ્યું છે... એમનાં ડૂસકાંનો અવાજ છે.

એ હળવે રહીને એમની પાસે ગઈ અને એમનાં ચહેરાં પરનાં આંસુ લૂછ્યાં. દિવાળી ફોઈ ચમકીને બેઠાં થઇ ગયાં...કાળજી રાખી કે આકુ ઉઠી ના જાય.

વસુધાએ કહ્યું “ફોઈ અમારાંથી શું ભૂલ થઇ ? તમને શેનું ઓછું આવ્યું ? તમે કહેશો તો ખબર પડશેને...” ફોઈએ કહ્યું “ના રે દીકરા આ રાંડી રાંડને રાંડે 50 વર્ષ ઉપર થઇ ગયાં હવે શેનું ઓછું આવે ? મને શું દુઃખ છે ? દીકરી જેવી તું છે ખુબ સાચવે છે તારું આ સંતાન મારુ મીઠું વ્યાજ છે. મને શેનું દુઃખ ? એમ આટલાં વરસે ? જે ભાગ્ય મેં વરસો પહેલાં સ્વીકારી લીધું છે.”

વસુધાએ પૂછ્યું “તો ફોઈ આ શેનાં આંસુ વહી ગયાં ?” દિવાળી ફોઈએ આંખમાં અમી લાવીને કહ્યું “દીકરી તારું જીવન જોઈ મને આટલી ઉંમરે પ્રેરણા મળે છે તું ખુબ પવિત્ર અને મજબૂત છે. તારાં જેવી પાત્રતાવાળી પવિત્ર છોકરીઓ, સ્ત્રીઓ સમાજમાં કેટલી હશે ? અત્યારે તારું અને મારુ દુઃખ સરખાઈ ગયું એમાં દીલ ઉભરાઈ ગયું તું છે મારે માટે શીતળ છાંયો છે આશરો છે.”

વસુધાએ કહ્યું “એવું શું બોલ્યાં ? તમારી શીતળ છાયામાં અમે ઉછર્યા છીએ શીખ્યા છીએ તમે જે સહન કર્યું છે એવી કેટલી સ્ત્રીઓએ કર્યું હશે ? પ્રેરણા તો તમે છો ફોઈ.”

દિવાળી ફોઈની આંખો લાગણીથી ઉભરાઈ ગઈ અને વસુધાને ભેટી પડ્યાં અને બોલ્યાં “ખુબ સુખી થા દીકરાં બધું તેં સ્વીકારી લીધું તારું છીનવાયું એની પણ હવે ફરીયાદ નથી કરતી...તને શું કહું ? તને જેમાં સુખ આનંદ મળે એમાં તું ખુબ સફળ થાય એવાં આશિષ છે મારાં આપણે એવી કમભાગી સાવિત્રી છીએ કે જેનાં સત્યવાન ખબર વગર છોડીને હતો રહ્યાં...”

વસુધાએ કહ્યું “ફોઈ હવે કોઈ વિચારો ના કરો. શાંત થઇ જાવ અને નિશ્ચિંન્ત નીંદર લો હું આકુને મારી સાથે સુવા લઇ જઉં છું તમને પણ આરામ મળે.”

દિવાળી ફોઈએ કહ્યું “એનાં મારાં ખોળામાં હોવાથી મનેય સુખ મળે છે...કૂખ તો ના ફળી પણ તારાં સંતાનથી મારો ખોળો ભર્યો ભર્યો લાગે છે. તું લઇ જા તારી સાથે રાત્રેજ તારી છાતીની હૂંફ એ પામે છે એને અને તનેય એ જરૂર છે.” એમ કહી આંખો લૂછી સુઈ ગયાં...

વસુધાએ આંખો લૂછી કહ્યું “બહેન હજી જાગો છો?” સરલાએ કહ્યું “જાગું છું અને તારી અને ફોઈની વાતો પણ સાંભળી છે. વસુ...”

વસુધાએ કહ્યું “ઓહ...પણ ફોઈ થોડાં આજે ઢીલાં લાગ્યાં. આટલાં વરસોમાં પહેલીવાર રડતાં જોયાં એનું મને કુતુહલ થયું ત્યાં એમણે મારી સ્થિતિમાં એમનાં સંજોગ ભેળવી દીધેલાં અને રડી પડેલાં...”

બોલતાં બોલતાં વસુધા ગંભીર થઇ ગઈ. સરલાએ કહ્યું “હું બધું સમજુ છું...વસુ મારે હમણાં મારી વાત કાઢીને વધારે ગમગીન નથી કરવી તને...કાલે બધું સારુંજ થશે...મને ખબર છે કાલે બધું સારું થશેમાં તારાં માટે તો બધું ખાલી ખાલી જ છે...ખાલીમાં ભરવા માટે પરીશ્રમ અને ખોખલાં સુખજ છે હું બધું સમજુ છું.” એમ કહેતાં સરલા ઢીલી થઇ ગઈ.

ગંભીર વસુધાનો ચહેરો હવે દ્રઢનિશ્ચયવાળો મજબૂત થઇ ગયો...એણે કહ્યું “સરલાબેન બધાં વિચારો મારા તો કાઢીજ નાંખો. મારાં બધાંજ સ્વીકારમાં બધાં દુઃખ અલોપ થઇ ગયાં...મારી સુખની પરિભાષાજ બદલાઈ ગઈ છે જે હવે નથી એ નથીજ...એનો વિચાર મને નહીં આવે કદી નહીં આવે હવે માત્ર આગળ વધવાનું છે એજ યાદ રહેશે. આપણાં કુટુંબ અને આકુનું ભવિષ્ય મને દેખાય છે.”

વસુધાને બોલતી સાંભળીને સરલાએ કહ્યું “વસુ તું તો કંઈ જુદીજ માટીની બનેલી છે તારો દ્રઢ નિશ્ચય તારું તપ, ત્યાગ અને કુટુંબ માટેનાં સુખની મહત્વાકાંક્ષા...તને શું કહું ? તું જાણે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છો. આમ કોઈ માણસ આટલી ઝડપથી સ્થિતપ્રજ્ઞ બની શકે ? તું એકજ એવી ઉદાહરણ છે. તારું સત્ત અને પવિત્રતા જ તારાં માર્ગમાંથી બધાં અવરોધ દૂર કરશે. તું એવી છું કે તને લોકો પૂજવા માંડશે...”

વસુધાએ સરલાને સાંભળીને કહ્યું “સરલાબેન આ શું બોલો છો ? હું સાવ સામાન્ય આ વાગડ ગામની સાધારણ છોકરી છું તમે ક્યાં મને છાપરે ચઢાવો છો મારાં નિયમો, મારી માનતાઓ, મારી ઈચ્છાઓ, અને મારી મહત્વાકાંક્ષા મારાં માટે નથી કુટુંબ માટે છે સમાજ માટે છે મને એટલીજ ખબર છે.”

“કોણ જાણે કેમ ઈશ્વરે પણ મારાં જીવન સાથે રમત માંડી મારી પાસેથી બધું છીનવી લીધું એની પાછળ પણ કદાચ આજ કારણ હશે.”

સરલા એને સાંભળી રહી...એને થયું આ છોકરી સાચેજ કોઈ અલગજ માટીની બનેલી છે. આવી સખી આવી ભાભી કદાચ કોઈની નહીં હોય.

વસુધાએ કહ્યું “ચાલો સુઈ જઈએ હવે અહીં મળી લીધું મારાં માવતર સાથે કાલે શાંતિથી બેસીસ વાતો કરીશ અને બપોરે પછી આપણે ગાડરિયા જવા નીકળી જઈશું ઘણાં કામ ત્યાં રાહ જુએ છે”.

સરલાએ કહ્યું “ભલે ચાલો સુઈ જઈએ.” એમ કહી વસુધાએ લાઈટ બંધ કરી...પણ બારીની બહાર આકાશમાં દેખાતો ચંદ્ર વસુધાને આકર્ષી રહેલો.

વસુધા આડી પડી આકુને પોતાની તરફ ખેંચી એની છાતી સરસી લગાડી દીધી. એની નજર આકાશમાં ચંદ્ર ઉપર પડી અને આંખો ભીંજાવા માંડી...

પોતે અત્યાર સુધી સરલા -દિવાળી ફોઈને જે કંઈ કહીને આવી એ મમળાવી રહી હતી અને હ્ર્દયનાં ખૂણે રહેલી સંવેદનાઓ અને સ્પંદનોએ એને હચમચાવી દીધી...બાંધી રાખેલો બાંધ છૂટી ગયો અને...

 

વધુ આવતા અંકે પ્રકરણ -64

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED