વસુધા - વસુમાં - પ્રકરણ - 62 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ - 62

વસુધા

 

 

    વસુધા બોલી રહી હતી સાથે સાથે એની આંખમાં આંસુઓની ધાર વહી રહી હતી...એણે આગળ કહ્યું “તમે અહીં મને મારાં માવતરને ત્યાં લાવ્યાં...તમારી ફરજ પુરી કરી માં... હું તમને... એણે ભાનુબહેન અને ગુણવંતભાઈ સામે નજર કરીને કહ્યું તમારાં દીલ મનમાં મારાં આગળનાં ભવિષ્ય અંગે વિચાર આવ્યા...મારી આખી જીંદગી એક પુરુષ વિના કેવી રીતે વિતશે એની ચિંતા થઇ...એટલેજ મારાં માવતરનાં ઘરે આવી તમારી મનની ઈચ્છા કહી...પણ માં તમે મારી ઈચ્છા જાણી ?”

“જેવી તમારી સરલા દીકરી છે એમ હું છું...માં પાપા તમારાં વિચાર મારાં માટેની લાગણી રખોપું મારાં શીરે છે તમે માવતર છો દીકરી મને ગણી છે એ સ્પષ્ટ સમજણ છે તમે ક્યાંય તમારો સ્વાર્થ ના જોયો મારું સુખ વિચાર્યું આવા સાસુસસરાં મળવાં એય નસીબ છે”.

“જુઓને આમ મારાં નસીબ નાની ઉંમરે રાંડવાનાં...વિધવા થવાનાં પણ તમે માવતરથી અધીક મને મળ્યાં. આખી જીંદગી...જીવીશ ત્યાં સુધી હું મારાં પતિ પીતાંબરની યાદમાં કાઢીશ...ભલે ઓછો સમય હતો પણ જેટલો એમનો પ્રેમ મળ્યો મારા માટે બહું છે આખી જીંદગી હું એમની એ મીઠી યાદોમાં કાઢી લઈશ...મને કે મારાં શરીરને હવે કોઈ ભૂખ નથી તમારી સામેજ ઉંઘાડા પણ સ્પષ્ટ શબ્દો વાપરું છું જે આ ક્ષણે મને જરૂરી લાગી રહ્યું છે... મને માફ કરજો પણ બધાનાં મનમાં મારાં માટે કોઈ વિચાર, સંદેહ શંકા હોય તો એનાં સમાધાનની ખાસ જરૂર છે.”

“હું પીતાંબરનાં પ્રેમની યાદ, મારી આકુનો સાથ એનો ઉછેર, મેં અને પીતાંબરે સાથે મળીને જોયેલાં સ્વપ્ન પુરા કરવાનો ઉદ્દેશ્ય...તમારાં જેવાં માવતરનાં આશીર્વાદ અને સગી બહેન કરતાં વિશેષ સરલાબેન મારી સખી...સંબંધોનાં આવાં સુખમય બંધનોથી હું સુખી છું ખુબ ધની છું મારે બીજા લગ્નનાં ઓરતાં ક્યાં કરવાં ?

હટ ... એવો વિચાર કદી નથી આવ્યો.”

“મહેરબાની કરીને તમે પણ બધાંજ આવાં વિચાર કાઢી નાંખો અને આગળ કામ કરવા પ્રેરણા અને આશીર્વાદ આપો. તમારાં સુખમાંજ મારું સુખ સમાયું છે મારી આકુ ખુબ સરસ તૈયાર થાય એવુંજ હું ઈચ્છું છું આપણે અહીં આવ્યાં છીએ બધાં સાથે મળીને આનંદ કરીએ પછી આપણાં ઘરે પાછા ફરીએ અને કામે લાગી જઈએ..”.બધાં વસુધાની સામેજ જોઈ રહ્યાં...

*****

સંધ્યાટાણે વાળુપાણી પરવારી બધાં સુવાની તૈયારી કરી રહ્યાં હતાં. દિવાળી ફોઈ આકુને લઈને સુઈ ગયાં. એમણે જાણે આકુની જવાબદારી સ્વીકારીજ લીધી હતી એમને પણ આકુ વિના ગમતું નહીં. આખી જીંદગી એકલતામાં કાઢી છે પરણીને આવ્યાં અને દિવસોમાંજ વિધવા બની ગયાં ના સરખું ધણીનું મોં જોયું ના કોઈ સુખ પામ્યાં. જેવાં મારાં નસીબ સમજીને બધું સ્વીકારી લીધેલું.

વસુધા રાંડી અને એમને આઘાત લાગ્યો કે આટલી નાની મારી છોકરીનાં જીવનમાં મારાં જેવું પુનરાવર્તન થયું હજીતો કેટલી નાની છે. વસુધાનાં સાસુસસરાએ એને ફરી પરણાવવાની વાત કીધી...એનું જીવન ફરીથી ખીલી ઉઠે બધાં સુખ પામે પણ...આ છોકરી તો કેટલી મજબૂત...ઘસીને ના પાડી દીધી કે મારે નથી પરણવું...વાહ કેહવું પડે...આટલાં લગ્નજીવનમાં એ એવું સુખ શું પામી ગઈ ? એવો કેવો પીતાંબરે પ્રેમ આપ્યો કે એની યાદમાં જીવન વિતાવી દેશે ?

દિવાળી ફોઈને બધાં વસુધાનાં વિચારો આવી રહેલાં અને નીંદર એમની જાણે ગાયબ થઇ ગઈ હતી એ પોતાની વેરણ થયેલી નીંદરને પામવા પથારીમાં આમ તેમ પડખાં ઘસી રહેલાં. એમને એમનું આગલું જીવન ભૂતકાળ યાદ આવી રહેલો.

કેટ કેટલી મનની ઈચ્છાઓ સાથે પરણીને સાસરે આવેલાં એમની ઊંમર માંડ 17 વર્ષની હશે...પતિનો સ્પર્શ પણ નહોતો થયો હજી...લગ્ન થયાં સાસરે આવ્યાં અને પછી રીવાજ પ્રમાણે પાછાં પીયર જવાનું હતું એ રીવાજ પ્રમાણે પિતાનાં ઘરે આવ્યાં. સારું મહુર્ત જોઈને પાછા સાસરેથી તેડવા આવવાનાં હતાં.

દિવાળીફોઈ વિચારી રહ્યાં આજે બધો ભૂતકાળ જાણે આંખ સામે તાજો થઇ રહેલો...પિયર આવ્યાં અને સારાં મહુર્તે એમનો વર એમને તેડવા આવે એની રાહ જોવાતી હતી એમનું એ અબોટ જીવન શરીર પતિને સમર્પિત કરીને આનંદ અને સુખ માણવાં આતુર હતાં.. એમનો સ્પર્શ કેવો હશે ? મને ખુબ પ્રેમ કરશે ? અમારું જીવન કેવું જશે ? અમારે ય બાળકો થશે...

એક જુવાન છોકરીનાં હૈયામાં આવતાં વિચારો મને પણ આવતાં હતાં મારી પણ ઈચ્છાઓ હોંશ હતી. પણ કાલે સવારે શું થવાનું છે કોણે જાણેલું ? મારી ઉભરતી જુવાની હૈયાની હોંશ દામ્પત્ય જીવનનાં સુખની મારી કલ્પનાઓ એકજ શબ્દમાં જાણે બળીને ભસ્મ થઇ ગઈ હતી મારુ દીલ હ્ર્દય શરીર બધુંજ એક સાથે તૂટી ગયું હતું મારાં જ બાપુનાં કાળવેણ જેવાં શબ્દોએ મારી છાતી ચીરી હતી દિવાળી વિધવા થઇ ગઈ જમાઈને યમદેવ કોળીયો બનાવી ગયાં હાય હાય હાય...

મારી માં છાતી કુટતી કુટતી મારી પાસે આવી હતી મને સંવેદના કે હૈયાધારણનાં શબ્દો કેહવાને બદલે બોલી હતી “તારાં કરમ જ ફૂટેલાં છે પરણીને શું...સીધી વિધવા જ થઇ”... મારી આંતરડી કકળી ગઈ હતી એ જમનોજ કેવો હતો ? માં બાપને દીકરીનાં દુઃખની વાત સમજાય પહેલાં મારાં ભાંગેલા ભાગ્યનો દોષ દેતાં હતાં હું અભાગણ છું એ કહેતાં અચકાયા નહોતાં. સસરાવાળાએ તો એનાથી વધુ વગોવી કે આવતાં વેંત જ અમારાં છોકરાંને ખાઈ ગઈ કાળમુખી તું તારાં બાપનાં ઘરેજ રહેજે...

આજની સ્ત્રી સ્વાવલંબી છે એ ભાગ્યને દોષ દઈને બેસી રહે એવી નથી. વસુને તો સામે ચાલીને પરણાવવા તૈયાર થયાં છે એક છોકરી જણેલી છે તોય...અને એ ના પાડે છે કહે છે હું તમારી સેવા કરીશ અને પીતાંબરની ફરજો હું પુરી કરીશ.

ધન્ય છે મારી વસુધાને...કહેવું પડે...મને તો આ આકુ ખુબ વ્હાલી છે...વસુને બધાં કામ કરવા હોય ભણવું હોય તો હું એને બધી મોકળાશ આપીશ આકુને હું ઉછેરીશ...મારાં નસીબમાં લગ્ન કે સંતાન હતાંજ નહીં બધો પ્રેમ હું આકુને આપીશ. વસુધાની ઈચ્છા હશે એમ એને ઉછેરીશ.

છેલ્લે છેલ્લે દિવાળીફોઈનાં મોઢેથી નીકળી ગયું ઈશ્વરે મારી સામે જોયું મને રાંડી રાંડને છોકરી ઉછેરવાનું નસીબ તો આપ્યું. વસુધા ખુબ સારી છોકરી છે એને મારાં પર વિશ્વાસ છે એ છોકરી બધાનાં મન અને હ્ર્દય વાંચી શકે છે મારી લાગણીને સમજે છે એની આંખોમાં હું મારાં માટેનો વિશ્વાસ જોઈ શકું છું...

આમ વિચારતાં વિચારતાં દિવાળી ફોઈની આંખમાં ગરમ ગરમ આંસુ છલકાઈ ગયાં...એ આંસુ લુછવા જાય ત્યાં એક હાથ આવ્યો અને આંસુ લૂછ્યાં...

 

 

વધુ આવતા અંકે - પ્રકરણ -63