Vasudha - Vasuma - 60 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ -60

વસુધા-વસુમાં

પ્રકરણ-60

      

વસુધા સરલાનાં પાછાં આવ્યા પછી ભાનુબહેન તરતજ કહ્યું “આ બધું ઉપાડ્યું છે તો પુરું થશેજ. પણ વસુધા આવતીકાલે તારાં ઘરે જવાનું છે ત્યાં બધીજ વ્યવહારીક વાતચીત થયાં પછી બધું કરશું એવી તારાં પાપાની ઇચ્છા છે”. ભાનુબહેન ગુણવંતભાઇનું નામ આગળ કરી વાતનો ઇશારો કરી લીધો.

       વસુધાને થોડું આશ્ચર્ય  થયું એણે કહ્યું “એટલે ? મારે જે કરવાનું એ કરવાનું છે પછી એમાં વચ્ચે કંઈ વ્યવહારીક વાતો આવી ?” એમ પૂછીને ગુણવંતભાઇ સામે જોયું....

       ગુણવંતભાઇએ કહ્યું “દીકરા તારી વાત સાચી છે જે કરવાનું છે એ કરવાનું પણ અમારેય તારું વિચારવાની ફરજ છે અને તારાં માવતર સાથે વાત કરવી જરૂરી છે એ પછી જે નિર્ણય લેવાય એ પ્રમાણે આગળ અમલ કરીશું દીકરા એમાં તારુંજ હીત જોવાનો આશય છે.”

       વસુધાએ સામે બેઠેલાં દિવાળી ફોઇ સામે જોયું એમણે ઇશારામાં ચૂપ રહેવાં કહ્યું... એમનાં ખોળામાં બેઠેલી આકુ જુએ વસુધાની સામે જોયું અને હાથ લંબાવ્યાં...

       વસુધાએ બધી વાત બંધ કરીને આકાંક્ષાને લીધી આકાંક્ષા વસુધાને વળગી ગઇ.. કેટલાં કલાકો પછી એ વસુધાની ગોદમાં આવી હતી.....

       વસુધા આકાંક્ષાને જોતાંજ વિચારમાં પડી ગઇ અને એક દીકરીની માં સાથેનાં સંબંધને મૂલવી રહી એને થયું માં પાપા જે વિચારે છે એમની ફરજ છે હું ભલે ગમે તે નક્કી કરું અને મારાં માવતર... મારી માં... મારાં વિધવા થયાં પછી... એની શું માનસિક્તા હશે ? એણે મને 9 મહીના વેઠી મને જન્મ આપી ઉછેરી સંસ્કાર સીંચ્યા પણ આ બધામાં એની લાગણી અને એનું માતૃત્વ વણાયેલું હતું. અત્યારે મારી આવી સ્થિતિ અંગે એની માનસિક્તા કેવી હશે ? અહીં માં પાપા વિચારે એ સ્વાભાવિક છે એમને દીકરી છે ને..

       સ્ત્રી ગમે તેટલી પુરુષ સમોવડી થાય આત્મનિર્ભર થાય એનાં જીવનમાં સ્વાવલંબી થાય.. સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે એ એનાં યોગ્ય સમયે દાર્શનિક થાય પણ સ્ત્રી કરુણામૂર્તિ એટલીજ પરવશ બને છે એનાં સંજોગો એને વિવશ કરે છે નબળી બનાવે છે કરુણા અને સંવેદના એનામાં ભારોભાર હોય છે ભલે એમાં અપવાદ હોઇ શકે છે પણ....

       વસુધા આકાંક્ષાની સામે જોઇ રહી હતી એની નજર આકુ સામે પણ વિચારો માં નાં કરી રહી હતી એણે આવાં વિચાર કર્યા બાદ કહ્યું માં તમારી વાત સાચી છે કાલે હું મારાં માવતરને મળું એમની દીલની વાત સાંભળ્યું મારી કહું.. ઘણાં સમયથી મેં એનો ખોળો નથી પખાળ્યો... થોડો ઓરો ખાઇ લઊં.

       “માં તમે કહ્યું પહેલાં નહોતી સમજી પણ મારી આકુને જોતાંજ બધી સમજણ આવી ગઇ.. માં પાપા તમારી ફરજ બજાવી લો પછી હું મારી બજાવીશ.”. ત્યાંજ લાલીનો ભાંભરવાનો અવાજ સાંભળ્યો એ તરતજ આકુને લઇને એની પાસે દોડી ગઇ.

       લાલી ભાંભરતી હતી. વસુધાએ આકુને ખભે તેડી બીજા હાથે લાલીને હાથ પ્રસરાવતી હતી અને ત્યાં સરલા પણ દોડી આવી. વસુધાએ કહ્યું ”હવે આને વીયાવાનો સમય નજીક લાગે છે ગમે ત્યારે જન્મ આપશે વાછરડીને.”. અને લાલી સામે એ જોઇ રહી.. પછી બોલી “લાલી આમને આમ બે ચાર દિવસ કાઢી નાંખ મારે માવતર પાસે જવું છે હું તારાં વિયાવા સમયે તારી સાથે રહેવા માંગુ છું.”

       લાલી પણ સમજી ગઇ હોય એમ માથું હલાવી ઉભી રહી એની આંખો માત્ર વસુધાને જોઇ રહી હતી વસુધાએ હસીને કહ્યું “ દીકરી આવી છે તારે પણ વાછરડી જ આવશે જોજે..” લાલીએ આંખો એવી કરી જાણે શરમાઇ ગઇ હોય.

       સરલાએ એની પાસે પાણી અને તગારામાં ખોળ મૂક્યો અને બોલી “બરાબર ખાજે પીજે અમારે તંદુરસ્ત વાછરડી જોઇએ” એમ કહીને હસી..

       વસુધાએ કહ્યું “ચલ આકુ તને ફરવા લઇ જવાની છે આવતી કાલે આપણે તારી નાની -નાના પાસે જઇશું સાથે તારી સરલાફોઇ પણ આવશે.”

       ત્યાં સરલાએ કહ્યું “વસુ આપણી કાર પણ આવી ગઇ છે તો આપણી કારમાં જ જઇએ આપણે કરસનભાઇ કે બકુલભાઇને સાથે લઇ જઇએ તો સારું પડશે.”

       ત્યાં રમણભાઇએ વાત સાંભળીને કહ્યું “કરસન તો વડોદરા જવાનો હતો બકુલનેજ હું પૂછી લઊં છું”.

************************

       સવારે વહેલાં ગુણવંતભાઇનાં કહેવાંથી બકુલ હાજર થઇ ગયો. ગુણવંતભાઇએ વસુધાને કહ્યું “બકુલ આવી ગયો છે. એને એની મજૂરી આપી દઇશું”. વસુધાએ હસતાં હસતાં કહ્યું “પાપા મજૂરી નહીં એમનું મહેનતાણું...”

       ગુણવંતભાઇ હસીને કહ્યું “હા ભાઇ મહેનતાણું નામ જુદા બાકી દર્શન તો પૈસાનાંજ ને. ફરી જ્યારે બોલાવીએ એ આવીજ જાય...” સરલાએ કહ્યું “પાપા વસુધાને ગાડી શીખવી દઇએ પછી માથાફૂટજ નહીં”. વસુધાએ કહ્યું “હું એકલી નહીં. આપણે બંન્ને શીખી જઇશું. આગળ જતાં પણ કામ લાગશે”.

       ત્યાં ભાનુબહેન તૈયાર થઇને આવી ગયાં. એમણે કહ્યું “દિવાળીબેન પણ આવે છે સાંકડે માંકડે બધાં સમાઇ જઇશું.” ગુણવંતભાઇએ કહ્યું “ હું આગળ બકુલ સાથે બેસુ છું મારી બાજુમાં સરલા આવી જશે આમેય એ પાતળી છે.”

       “પાછળ તું વસુધા અને દિવાળીબેન બેસી જજો આકુ વસુધાનાં ખોળામાં બધાનો સમાવેશ થઇ જશે.” અને બધાં કહ્યાં પ્રમાણે ઘરમાં ભાગીયાને મૂકી બધુ બંધ કરીને ગાડીમાં ગોઠવાઇ ગયાં..

**************

            પુરષોત્તમભાઇનાં આંગણે ગાડી આવીને ઉભી રહી પાર્વતીબેન ઘરમાંથી બહાર દોડી આવ્યાં અને વસુધાને જોઇને હરખપદુડા થઇ ગયાં. સાથે સાથે આંખમાંથી આંસુ નીકળી આવ્યાં. ભાનુબહેન સમજી ગયાં...

       પાર્વતીબેને વસુધાને આવકારતાં કહ્યું ”આવી ગઇ મારી દીકરી... એમ કહેતાં પહેલાંજ આકુને એમની પાસે લઇ લીધી પછી ભાનુબહેન-સરલા-ગુણવંતભાઇએ કહ્યું “આવો આવો..” એમ કહી બધાને ઘરમાં લીધાં. ગુણવંતભાઇએ કહ્યું “પુરષોત્તમભાઇ મારાં મિત્ર ક્યાં ? અને નાનકો દુષ્યંત ?”

       પાર્વતીબહેન કહ્યું “એ આવેજ છે મંડળીએ હશે હું ફોન કરુ છું અને દુષ્યંત ટ્યુશનમાં ગયો છે એ પણ થોડીવારમાં આવી જશે.”

       બધાં ઘરમાં આવીને બેઠાં... વસુધાએ આકુને ફોઇના ખોળામાં આપી અને પોતે રસોડામાં જઇને બધાં માટે પાણી લઇ આવી. પાર્વતીબહેન કંઇક વિચારોમાં કે થોડાં વિચલીત જણાંતાં હતાં.

       વસુધાએ પૂછ્યું “ કેમ માં શું થયું છે ?” એની માં પાર્વતીબેને કહ્યું “કંઇ નહી દીકરાં..” એમ કહેતાં કહેતાં ડુસ્કુ નંખાઇ ગયું એમનો રડવાનો અવાજ સાંભળી સરલા અને ભાનુબહેને અંદર દોડી આવ્યાં.. ત્યાં પુરષોત્તમભાઇનો અવાજ સંભળાયો ગુણવંતભાઇએ કહ્યું તમારીજ રાહ જોવાતી હતી.

       પુરષોત્તમભાઇએ કહ્યું “મંડળીથી આવતો જ હતો મને થયું તમે આવી ગયાં હશો.”. બંન્ને એ એકબીજાની ખબર પૂછી અને એમને રસોડામાંથી રડવાનો અવાજ આવ્યો.

       ગુણવંતભાઇ અને પુરષોત્તમભાઇ પણ સંકોચ છોડી ત્યાં આવી ગયાં. પુરષોત્તમભાઇએ પૂછ્યુ “કેમ પાર્વતી શું થયું ?” ત્યાં પાર્વતીબેન ભાનુબેન સામે જોઇને કહ્યું “માફ કરજો મારાંથી રડી પડાયું... જે છોકરીને હાથ પીળા કરી મ્હેંદી કરાવી વિદાય કરી હતી કેવાં સોળ શણગાર સજાવીને મોકલી હતી એજ મારી વ્હાલી દિકરી આજે કપાળમાં ચાંદલો પણ કરીને નથી આવી... નથી એનાં હાથમાં બંગડી કે કોઇ શણગાર.. ગાડીમાંથી કાયમ પીતાંબરને ઉતારતાં જોયાં છે…  હજી તો એની ઉંમર શું છે ? ભગવાને કાળો કેર વર્તાવ્યો છે. આતો કોઇ ઊંમર છે વિધવા થવાની કે.. એમની સ્વર્ગે સિધાવાની?.” એમ કહીને ફરીથી રડી પડ્યાં ભાનુબહેનની આંખો વરસી પડી.

       સરલા વસુધાની સામે જોઇ રહી હતી વસુધા કાબૂ કરીને સાંભળી રહી હતી અને એનો કાબૂ છૂટ્યો એ એની માં ને વળગીને ખૂબ રડી... બોલી “માં હજી તો મારે ઘડાવાનું બાકી છે ત્યાં બધું ઘડવાનું આવ્યું છે જેવાં મારાં નસીબ... તું આમ ઓછુ ના લાવીશ... તો હું કોની પાસેથી શીખીશ ?”

       પાર્વતીબેન કહ્યું.. “નસીબનું નામ લઇને આપણે મહાદેવને બચાવીએ છીએ... મહાદેવે ધ્યાન ના રાખ્યું. હું મારાં મહાદેવને પૂછવા માંગુ છું કે જ્યારે સતિએ હવનકુંડમાં અગ્નિ સ્નાન કર્યું અને એમનું મૃત શરીર લઇને કલ્પાંત કરતાં આખું બ્રહ્માંડ માથે લીધું હતું. એટલો શોક અને ક્રોધ હતો કેટલું કલ્પાંત કરેલું કે એમાં એક એક અશ્રુ પૃથ્વી પર પડતાં કેવો સર્વનાશ થયેલો... મારી દિકરીનો વિચાર ના આવ્યો એમને ? એ કેવી રીતે જીવશે ? કોના આશરે જીવશે ?” એમને સાંભળી બધાંની આંખમાં આંસુ આવી ગયાં....

 

આગળ આવતા અંકે - પ્રકરણ-61

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED