Vasudha - Vasuma - 59 books and stories free download online pdf in Gujarati

વસુધા - વસુમાં - પ્રકરણ -59

વસુધા-વસુમાં

પ્રકરણ-59

 

       ભાનુબહેને ફોન કરતાં ગુણવંતભાઇને કહ્યું “આ બધી વાત તમારાં મનમાં આવી સારું કર્યું જેને દીકરી હોય બધાંને વિચાર આવે પણ આપણે વસુધાનાં પીયર જઇશું. એવી તો ચર્ચા થઇ હતી એ બહાને વસુધા એનાં માવતર સાથે થોડાં દિવસ રહી શકે. એ અને દીકરી આકું થોડાં...” અને કહેતાં કહેતાં આંસુ રોકીને ચૂપ થઇ ગયાં.

       ગુણવંતભાઇએ કહ્યું “હાં હાં મેં વેવાઇને કહ્યું અમે તમારાં ઘરે આવીએ છીએ મળવાં.. એ લોકો તો અહીં ખરખરો કરીને ગયાંજ છે. વસુધાને પણ ત્યાં જવાનું મન હશે પણ અહીંની જવાબદારીઓ માથે રાખી ત્યાં જવાનું નામ નથી લેતી... એ જે કહી નથી શકતી એ આપણે સમજવાનું છે.” દિવાળી ફોઇએ હકારમાં હા ભેળવી...

*************

         આણંદ પહોંચી સુરેશ પટેલની ઓફીસ કમ વિશાળ શોરૂમ ડેપો પાસે જીપ રોકી બકુલે કહ્યું “બહેન આપણે આવી ગયાં. તમે તમારું કામ પતાવો ત્યાં સુધી હું જીપ કારીગર પાસે બતાવી આવું વારે વારે ગરમ થઇ જાય છે.”

       વસુધાએ કહ્યું “ભલે તમે અહીંજ આવી જજો “. અને સરલા-ભાવના અને રશ્મી બધાં ઉતર્યા. વસુધાએ કહ્યું “સરલાબેન મેં નલીનભાઇને ફોન કરી દીધો છે એ પણ આવતાં હશે.” એમ કહીને અંદર ઓફીસમાં પ્રવેશ્યાં.

       સુરેશ પટેલની વિશાળ ઓફીસમાં વસુધા અને બધાં પ્રવેશ્યા અને સામેજ નલીન અને નલીની મળ્યાં. નલીનીએ કહ્યું તમારો ફોન આવ્યો અમે તરતજ ઘરેથી નીકળીને આવી ગયાં હતાં.

       વસુધાએ આભારવશ આંખોએ નલીનને કહ્યું “નલીનભાઇ પીતાંબરનાં ગયાં પછી તમે જે બધી માહિતી લીધી હતી એ ફાઇલનો મેં અભ્યાસ કરી લીધો છે હવે આજે અમે બધાં નિર્ણાયક મૂડમાં આવ્યાં છીએ પીતાંબર સાથે જે તે સમયે મારે ચર્ચા થઇ હતી એ પ્રમાણે એમાં જે લીફલેટ છે એ બધાં જ સાધનો અમે લેવા માંગીએ છીએ. અને નિર્ણય ક્યાં છે કે ગામમાં ડેરી ચાલુ કરવી... જો મંડળીની સભામાં અમારી રજૂઆત મંજુર થઇ જાય તો મંડળી વતી આ ખરીદી કરીશું. નહીંતર અમે બધી બહેનો ભેગી થઇને નવી મંડળી બનાવીને ડેરી ચાલુ કરીશું.”

       સરલાએ એમાં ઉમેરો કરતાં કહ્યું “અમે ઇચ્છીએ કે મંડળી અમને સહકાર આપે બાકી મહિલા મંડળી ચાલુ કરતાં અચકાઇશું નહીં ગામની ઘણી બધી બહેનોનો સાથે છે.”

       નલીને કહ્યું “ભાભી તમારી વાતો સાંભળીને થાય છે તમે ચોક્કસજ ડેરી ચાલુ કરીને રહેવાનાં અને એ સાચી વાત છે એમાં મારો અને નલીનીનો સંપૂર્ણ સાથ રહેશે અમે તમારાં ગામમાં રહેતાં નથી પરંતુ નલીની બધાં પેપરવર્ક અને હું સહકારી બેંકમાંથી ધીરાણ લાવી આપવાં બધી મદદ કરીશ. જે કંઇ ઓળખાણો છે ક્યારે કામ આવશે ?”

       વસુધાએ કહ્યું “નલીનભાઇ તમારો ખૂબ ખૂબ આભાર અને નલીની અમારી સાથે જોડાશે મને ખૂબ ગમશે ગામ ભલે જુદા હોય પણ વિચાર એક છે એ ઘણું છે.” એમ કહી હસી.

       નલીને કહ્યું “તમે લોકો આવો સુરેશભાઇ સાથે હું મુલાકાત કરાવું તેઓ મશીનરી વિભાગમાંજ છે અને ત્યાં નિર્દેશનજ આપી રહ્યાં છે તો તમને પણ જોવા સમજવા મળી જશે. “

       વસુધાએ કહ્યું “ચાલો તો વહેલાં ત્યાં જઇએ વાતો તો પછી પણ કરાશે.” એમ કહી બધાં નલિનનાં દોરવ્યાં પ્રમાણે ઓફીસનાં પાછળનાં ભાગમાં આવેલાં વિશાળ ડેપો હતો એક શેડ જેમાં ડેરીનાં જાત જાતનાં સાધનો મશીનો, યંત્રો વગેર હતાં ત્યાં 8-10 માણસોને સુરેશભાઇ બધુ સમજાવી રહેલાં.

       નલીન વસુધા, સરલા વગેરેને લઇને ત્યાં પહોચ્યો. સુરેશભાઇએ નલીન સાથે આવેલી વસુધા-સરલા બધાને જોયાં અને તે બોલતાં અટક્યાં અને વસુધા પાસે આવ્યાં. નલીને સુરેશભાઇને વસુધાની ઓળખાણ કરાવીને કહ્યું “પીતાંબરની પત્ની છે જે પોતે હવે આ ડેરી ઉભી કરીને સંચાલન કરવા માંગે છે. સાથે તેમનાં નણંદ અને ગામનાં મિત્રો છે.”

       વસુધાએ એમને નમસ્કાર કરીને કહ્યું “એમનાં સ્વપ્ન અમે પુરાં કરવાનાં છીએ.” સુરેશભાઇએ સામે નમસ્કાર કરતાં કહ્યું... “પીતાંબરમાં કેટલો તરવરાટ અને થનગનાટ હતો ડેરી અંગે.. એમનાં સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયેલું ઇશ્વર એમનાં આત્માને શાંતિ આપે.” થોડીવાર વાતાવરણમાં ગમગીન ચૂપકીદી છવાઇ ગઇ.

            વસુધાએ કહ્યું “એ અમારી સાથેજ છે હરપળ.. એમનાં અને મારા સાથે જોયેલાં સ્વપ્ન અમે સાથે રહીનેજ પુરાં કરીશું. સ્થૂળ શરીરની હાજરી ક્યાં જરૂરી છે એ તો સદાય મારાં સાથમાં છે પળ પળ મને એહસાસ છે એટલેજ હું આ કરી રહી છું વળી સરલાબેન અને ગામની બધી સહેલીઓનો સાથ છે. વડીલોનાં આશીર્વાદ છે આશા રાખુ તમારો સહકાર મળી રહેશે”.

       વસુધાએ આગળ બોલતાં કહ્યું “સુરેશભાઇ અમને બધાંજ મશીન, સાધનો બતાવો સમજાવો અને બધું સમજી, શીખીને કરીશું. સફળ થઇશું આંસુ પાડી બેસી રહેવું મારાં સ્વભાવમાં નથી અને એમને યાદ કરી હું કાર્યરત રહું મારી ગામની સખીઓ સાથે રહીને એક ચળવળ ઉભી કરવાનું મન છે. હારવું એ સ્વભાવમાં નથી અને જીતીને પુરુવાર કરવું એ દ્રઢનિશ્ચય છે”.

       સુરેશભાઇએ કહ્યું “વાહ બહેન તારાં મોઢે આવી વાત સાંભળી ખૂબ આનંદ થયો. તમને કોઇ અવરોધ નહીં આવે આવશે તો ટકશે નહીં અમારાં તરફથી બધાંજ સહકાર સદાય મળશે. આજે બધુંજ અહીં સમજી લો. બધાનાં પેપર્સ, વિગતો -માહિતી તમને સંપૂર્ણ ઝીણવટથી મળશે તમને અભ્યાસ કરી શકશો કેટલી કેપેસીટીમાં ચાલુ કરવું છે એ જણાવજો પહેલાં બધું જોઇ લો અભ્યાસ કરી નિર્ણય લેજો 1 લાખ લીટર કે 10 લાખ લીટર દૂધની ક્ષમતા નક્કી કરવી છે એ જણાવજો. સાથે એનો આશરે કેટલો ખર્ચ - અંદાજ પણ હું આપી દઇશ.”

       વસુધાએ કહ્યું “આજે બધીજ વિગતો એનાં ખર્ચનાં આંકડા સાથે કહી દેજો આમતો તમારી બધી ફાઇલનો અભ્યાસ કર્યો છે અંદર નામ લખેલાં છે એને નજરે જોઇશું એનાં માટે કેટલી જગ્યા, કેટલો મોટો રોડ, ઓફીસ વેચાણ કેન્દ્ર, વગેરે બધુ વિચારીને નક્કી કરીશું”.

       નલીને કહ્યું “હાં ભાભી આજે બધું જોઇલો અભ્યાસ કરીલો પછી તમે ઘરે જઇને ચર્ચા કરી લો-નિર્ણય લો મને જણાવો હું સહકારી બેંકમાં લોન અંગે વાત કરી લઊં. વસુધાએ કહ્યું નિર્ણય ડેરી કરવાનોજ છે કેવી રીતે એટલુંજ કહેવાનું છે” અને સરલાની સામે જોયું...........

*****************

            બધી જાણકારી મેળવી વસુધા-સરલા અને ભાવના, રશ્મી સાથે ઓફીસની બહાર નીકળ્યાં નલીન અને નલીનોનો આભાર માની કહ્યું “બે ત્રણ દિવસ પછી ફોન કરીને હું જણાવું છું પછી નક્કી કરીએ. ત્યાં સુધી હું પાપા સાથે વાત કરી લઊં મંડળીમાં શું નક્કી થાય છે એં મીટીંગ બોલાવી નક્કી કરી લઇએ પણ હવે જ્યારે મળીશું અમારો નિર્ણય લેવાઇ ચૂક્યો હશે.”

       નલીનીએ કહ્યું “વસુધા અમે લોકો એમ પણ 3-4 દિવસ પછી મહિસાગર જવાનું વિચારીએ છીએ ત્યારે ત્યાં જઇને પાછા વળતાં તમારાં ઘરે આવીશું. પણ ફોન પર પહેલાં સંપર્ક કરી નક્કી કરીને આવીશું.”

       વસુધાએ કહ્યું "ચોક્કસ આવો”. ત્યાં જીપ બતાવીને બકુલ પણ આવી ગયો. વસુધાએ કહ્યું “થેંક્યુ અમે હવે નીકળીએ...” એમ કહી બધાં જીપમાં બેઠાં...

***************

            જીપ આંગણે આવી એમાથી વસુધા અને સરલા ઉતરી ગયાં. વસુધાએ ભાવના- રશ્મીનો આભાર માન્યો અને જીપ ત્યાંથી નીકળી ગઇ.

       વસુધા અને સરલા ઘરમાં પ્રવેશ્યા અને ઘરમાં દિવાળીફોઇ, ગુણવંતભાઇ અને ભાનુબહેન હજી ચર્ચામાં હતાં. વસુધા સરલાને આવેલા જોઇ ભાનુબહેન બોલ્યાં “આવી ગયાં તમે લોકો ? સરલા કેવું રહ્યું “? અને વસુધાની સામે જોયું.

       સરલાએ કહ્યું ‘માં અમે લોકોએ બધી માહિતી લઇ લીધી છે બધું વસુધા પછી સમજાવશે.” ત્યાં ગુણવંતભાઇએ કહ્યું “મંડળીમાં પ્રસ્તાવ મૂકી જોઇએ પહેલાં જો બધાં સાથમાં રહે તો મંડળી દ્વારા ડેરી કરીશું. નહીંતર આપણે જુદી મંડળી કરીને ચાલુ કરીશું.”

       વસુધાએ કહ્યું “પાપા બધી વાત સમજીને આવ્યાં છીએ એ બધી ફાઇલ છે... બીજુ નલીનભાઇ પણ સહાકરી બેંકમાં લોન અંગે વાત કરાવશે.”

       ત્યાં ભાનુબહેને કહ્યું “હવે ઉપાડ્યું છે તો બધું થશે પરંતુ હવે એ વાતો બાજુમાં મૂકી .. વસુધા કાલે તારાં ગામ જવાનું છે. આપણે તારાં માંબાપ સાથે વાત કરીએ વ્યવહારીક વિચારમંથન કરીને પછી બધાં નિર્ણય લઇશું.” વસુધા એમની સામેજ જોઇ રહી.

આગળ આવતા અંકે - પ્રકરણ-60

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED