Doctor G books and stories free download online pdf in Gujarati

ડૉકટર જી

ડૉકટર જી

-રાકેશ ઠક્કર

આયુષ્માન ખુરાનાની ફિલ્મ આવે ત્યારે એનો વિષય દર્શકને અસહજ મહેસૂસ કરાવે એવો જરૂર હોય જ છે. આ વખતે પુરુષ ગાયનેકોલોજીસ્ટની ફિલ્મ 'ડૉકટર જી' લઇને આવ્યો છે. ફિલ્મ જોયા પછી કેટલાકને ટાઇટલ ખોટું લાગી શકે છે. જે ખરેખર 'ડૉકટર ઇ' હોવું જોઇતું હતું. કેમકે એમાં કોમેડી તો છે પણ ઇમોશન વધારે છે.

ફિલ્મમાં કંઇક નવું આપવાનો પ્રયાસ થયો છે. એક પુરુષ જ્યારે સ્ત્રીરોગ નિષ્ણાત બનવા જાય છે ત્યારે એના મનમાં શું ચાલતું હોય છે એ બતાવવામાં આવ્યું છે. સારી વાત એ છે કે મેડિકલની ભાષા અને કેટલાક એવા દ્રશ્યો હોવાથી પુખ્ત વયનાની ફિલ્મ ગણાઇ છે પરંતુ દ્વિઅર્થી સંવાદનો સહારો લેવામાં આવ્યો નથી. વિષયને ગંભીર રીતે લેવામાં આવ્યો નથી. હળવી રીતે સમજાવવામાં આવ્યો છે. તેથી એને બરાબર ન્યાય મળી શક્યો નથી.

આયુષ્માનની ફિલ્મ તરીકે જે જોરદાર કોમેડી, બુધ્ધિપૂર્વકની વાતો અને મજબૂત સંદેશની અપેક્ષા હોય છે એ અનુભૂતિ કશ્યપના નિર્દેશનમાં 'ડૉકટર જી' પૂરી કરી શકતી નથી. એમાં મેડિકલ અને વિજ્ઞાનની વાત વધારે હોવી જોઇતી હતી એના બદલે બોલિવૂડના મસાલા વધારે નાખ્યા છે. વાર્તા સાથે જેને લેવાદેવા નથી એવો એક રોમેન્ટિક ટ્રેક જબરજસ્તી ઊભો કરવામાં આવ્યો છે. 'ડૉકટર જી' માં હીરો-હીરોઇન સાથે પરિવારની જ વાતો કરવામાં આવી છે. ફિલ્મનું નામ, વિષય અને એના પ્રચારમાં મેડિકલની વાત છે. અસલમાં ટીપીકલ બોલિવૂડની ફિલ્મ છે. ઇન્ટરવલ પછી આ બાબતનો વધારે ખ્યાલ આવશે.

ફિલ્મના અંતની કલ્પના કરવાનું મુશ્કેલ બનતું નથી. એમ કહેવામાં આવ્યું છે કે 'ડૉકટર જી' ની કોઇ શરૂઆત જ નથી અને અંત ખરાબ છે. આયુષ્માન અલગ વિષયની ફિલ્મો કરવા માટે જાણીતો થયો છે ત્યારે એના માટે સમસ્યા એ છે કે એક જ કેટેગરીની ફિલ્મો પર ધ્યાન આપી રહ્યો છે. તે માત્ર મધ્યમવર્ગના યુવાન તરીકે જ દેખાઇ રહ્યો છે. તેની ભૂમિકાઓનું જાણે અલગ-અલગ રૂપમાં પુનરાવર્તન થઇ રહ્યું છે. તેણે પોતાની ફોર્મૂલામાંથી બહાર આવવાની જરૂર છે. તેની કોઇપણ ફિલ્મ વચ્ચેથી જોવા બેસીએ તો નામ ખ્યાલ આવી ના શકે. કેમકે તેના હાવભાવ દરેક ફિલ્મમાં સરખા આવી રહ્યા છે. તેની છેલ્લી ત્રણ ફિલ્મો શુભ મંગલ સાવધાન, ચંદીગઢ કરે આશિકી અને 'અનેક' ફ્લોપ થઇ ચૂકી છે. અલગ પ્રકારની સ્ક્રીપ્ટ પસંદ કર્યા પછી પણ સાવધાન રહેવાની જરૂર છે.

નિર્દેશક અનુભૂતિના કહેવા પ્રમાણે પહેલાં બે લેખકોએ વાર્તા લખી હતી. પછી અનુભૂતિ અને બીજા એક લેખકે એમાં ફેરફાર કર્યા હતા. જન્મ પહેલાં જ પિતા ગુમાવનાર ઉદય ગુપ્તા (આયુષ્માન) માતા લક્ષ્મીદેવી (શીબા) સાથે રહેતો હોય છે. તે ભોપાલમાં મેડિકલનો અભ્યાસ કરતો હોય છે. આમ તો એણે ઑર્થોપેડિક બનવું હોય છે પરંતુ રેન્ક ઓછો આવતો ગાયનેકોલોજીમાં જવું પડ્યું હોય છે. સિનીયર નંદિની (શેફાલી) એને ગાયનેકૉલોજીમાં મહેનત કરીને ભવિષ્ય બનાવવાની સલાહ આપે છે. જ્યાં તેની મુલાકાત ફાતિમા (રકુલપ્રીત) સાથે થાય છે. ફાતિમાના લગ્ન આરિફ સાથે નક્કી થઇ ગયા હોવા છતાં તે ઉદયને પ્રેમ કરે છે. પ્રેમિકા અને કારકિર્દીના પડકારો વચ્ચે તે પોતાની માથી પણ પરેશાન રહે છે. એ દરમ્યાનમાં એના જીવનમાં એક તોફાન આવે છે અને એને બદલી નાખે છે. નિર્દેશકે કોમેડી મેડિકલ- ડ્રામા આપવાની કોશિષ કરી છે એમાં કોમેડી ઓછી છે અને મેડિકલ તથા ડ્રામા વધારે છે. બીજા ભાગમાં વાર્તા બદલાઇ જાય છે. અને ફિલ્મ ભારેખમ પણ બની જાય છે. પારિવારિક ફિલ્મ આપતા આયુષ્માનની આ પહેલી '' સર્ટીફિકેટવાળી ફિલ્મ હોવાથી પણ કદાચ ઓછા દર્શકો મળ્યા છે. તે ફિલ્મમાં એક એવા યુવાનની ભૂમિકા ભજવે છે જે શરૂઆતમાં સમાજ સામે દુશ્મનાવટ લઇ લે છે અને પછી કોઇ બાબતે જ્ઞાન આપી જાય છે.

'ડૉકટર જી' માં આયુષ્માન પોતાની ભૂમિકાને સમર્પિત થઇને કામ કરી જાય છે. છતાં કોઇ ચોક્કસ છાપ છોડી જતો નથી. એણે હવે અલગ લુક સાથે અલગ પ્રકારની વાર્તાવાળી ફિલ્મ કરવાની જરૂર છે. શેફાલી શાહ પોતાના તરફથી કોઇ કમી રાખતી નથી. અભિનયથી પોતાનામાં પાત્રની ગરિમાને તે લાવી શકી છે. તે જ્યારે પણ આયુષ્માનને શિખવતાં કંઇક કહે છે કે,'તુમ્હેં અચ્છા ગાયનેકોલોજિસ્ટ બનના હૈ તો અપના મેલ ટચ છોડના હોગા' ત્યારે એવા સંવાદ અસરકારક બની રહે છે. અને એની સામે આયુષ્માન પાત્રમાં જ નહીં એક અભિનેતા તરીકે પણ લાચાર લાગે છે. જોકે, શેફાલીના પાત્રને બહુ મહત્વ મળ્યું નથી.

રકુલપ્રીત સિંહ પણ એક જ પ્રકારની ભૂમિકામાં દેખાઇ રહી છે. તેની કોશિષ છતાં તેને કોઇપણ ફિલ્મ જોઇએ તો સરખી જ લાગે છે. સૌથી કમાલનું કામ આયુષ્માનની માતાની ભૂમિકા કરતી શીબા ચઢ્ઢાનું છે. શીબા મોટાભાગે હસાવવાનું કામ કરે છે.

ફિલ્મનું સંગીત કોઇ રીતે મદદરૂપ બનતું નથી. અમિત ત્રિવેદી એકપણ ગીત એવું આપી શક્યા નથી જે એમની છાપ છોડી શકે. સમીક્ષકોએ ફિલ્મને પાંચમાંથી બે કે ત્રણ સ્ટારને લાયક ગણી છે. અને અભિપ્રાય આપ્યો છે કે બે કલાકની ફિલ્મને બદલે ચાર ભાગમાં એક વેબસિરીઝ તરીકે રજૂ કરી હોત તો કદાચ વધુ યોગ્ય લાગી હોત.

આ વખતે કોમેડીના તડકા સાથે ખાસ સામાજિક સંદેશ આપવામાં આયુષ્માન એટલો સફળ થતો દેખાતો નથી. ટાઇમપાસ માટે 'ડૉકટર જી' એક વખત જોઇ શકાય એવી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED