Vaar - tahevarna baalgito books and stories free download online pdf in Gujarati

વાર- તહેવારના બાળગીતો

વાર - તહેવારના બાળગીતો

આજે માતૃભારતી એપના માધ્યમથી મારો પ્રથમ બાળગીત સંગ્રહ પ્રગટ થઇ રહ્યો છે ત્યારે હું એવી હર્ષની લાગણી અનુભવી રહ્યો છું જેમને ત્યાં વર્ષોના વ્હાણા વાયા પછી બાળકની પ્રાપ્તિ થતી હોય છે. માતૃભારતીનો હું ખૂબ આભારી છું કે મારા બાળગીતોને વિરાટ વિશ્વ સમક્ષ મૂકવાની તક આપી છે. લગભગ ૧૯૯૨ થી હું બાળગીતો લખી રહ્યો છું. 'ફૂલવાડી' સાપ્તાહિક, જન્મભૂમિ-પ્રવાસીનો બાળવિભાગ, મુંબઇ સમાચારનો બાળવિભાગ, નવગુજરાત ટાઇમ્સનો બાળવિભાગ વગેરેમાં મારા બાળગીતો નિયમિત પ્રસિધ્ધ થતા રહ્યા હતા એટલે તેમનો ઋણી રહીશ. હાલમાં કેનેડાથી પ્રગટ થતા 'ગુજરાત ન્યૂઝલાઇન'માં પણ અવારનવાર બાળગીતો પ્રસિધ્ધ થાય છે. એ માટે શ્રી લલિત સોની અને શ્રી વિજય ઠક્કરનો આભારી છું. આ બાળગીત સંગ્રહમાં મેં વાર-તહેવારની રચનાઓનો સમાવેશ કર્યો છે. હોળી, ધૂળેટી, દિવાળી, ગણેશ ઉત્સવ વગેરે પર્વોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને જંગલનાં પ્રાણીઓને સાંકળી ગીતોને મનોરંજક બનાવ્યા છે. સાથે ચોમાસુ, ઉનાળો ઋતુઓ માટે લખેલા ગીતો મૂક્યા છે. મને આશા છે કે બાળકો સાથે મોટેરાં પણ તેને પસંદ કરશે. એટલું જ નહીં પોતાના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને હેત અને ઉલ્લાસથી વાંચી પણ સંભળાવશે. અને એનો સહિયારો આનંદ માણશે.

 • રાકેશ ઠક્કર
 • આવી હોળી

  આવી બાળ ખેલૈયાની ટોળી;

  રમવાને રંગોની મસ્ત હોળી!

  લાલ, લીલો, પીળો ને નારંગી;

  રંગ નાખે રે કેવા વિવિધરંગી!

  ગનુને રંગ નાંખ્યો કાળો કેવો;

  લાગે એ તો વનમાનુષ જેવો!

  કેસુડાના રંગે મીતુના જુઓ હાલ;

  ગુસ્સામાં ના દેખાય ગાલ લાલ!

  ચાલો કરીએ વેર-ઝેરની હોળી

  ચાલો કરીએ આજે વેર-ઝેરની હોળી,

  પ્રગટાવીએ હ્રદયમાં પ્રેમ-દયાની જ્યોતિ.

  ચાલો ભાઇને કરીએ ટીંગાટોળી,

  સાથે મળીને રમીએ આંબલી-પીપળી.

  ભાઇ-ભાઇની બનાવીએ અતૂટ સાંકળી,

  કામ કરવામાં રાખીએ ઉંચી આંગળી.

  ફેંકી દઇએ ઉંચ-નીચની કાંટા-બાવળી,

  બનીએ દેશની રક્ષા કાજે સરહદના માળી.

  ચાલો કરીએ આજે ઇર્ષા-દ્વેષની હોળી,

  પ્રગટાવીએ હ્રદયમાં જીવ-દયાની જ્યોતિ.

  ધૂળેટીનું ગીત

  ઉડ્યા વાદળ જુઓ રંગબેરંગી;

  થઇ ગયું આ લોક કેવું પચરંગી!

  રંગ-રંગની ભરી લો સૌ પિચકારી;

  ભેદ-ભાવ તન-મનના સૌ વિસારી!

  ઉડે રંગ લાલ-પીળો ને નારંગી;

  રણકી ઉઠ્યા ઢોલ-ત્રાસા-સારંગી;

  રંગોની સંગ કેવા ઝૂમે બાળગોપાલ;

  રંગોને પણ હવા આપે કેવી તાલ!

  છાંટો એવા રંગ કે થાય સૌ ભીના;

  બાકી ના રહી જાય કોઇ છાના!


  જંગલમાં નવરાત્રી

  વનના પ્રાણી- પક્ષી સાથે મળી,

  જુઓ ઉજવે નવરાત્રી ઉમંગે રે!

  આગિયા અજવાળું ફેલાવે જી,

  ચાંદામામા ઉજાસ પાથરે રે!

  પહેલીવાર રાતના રાજા ઘુવડ,

  સૌને એકસાથે ભેગા જુએ જી!

  કોયલબેન ગવરાવે રાસ-ગરબા,

  ગોધા હોંચીમાં અંતરા ઝીલે જી!

  કાચબો ઘૂમે ગરબે ધીમે ધીમે,

  સૌ સાથે કદમ મિલાવી ના શકે જી!

  ચિત્તો પોરસ ચઢાવે એય હાલો...

  ગરબા લઇએ આજે પવનવેગે જી!

  રમતાં-ઘૂમતાં સૌને ગરમી લાગે રે,

  વાયુદેવતા સૌની વ્હારે ધાય જી!

  વનના પ્રાણી- પક્ષી સાથે મળી,

  જુઓ ઉજવે નવરાત્રી ઉમંગે રે!


  દિવાળી જંગલનાં પ્રાણીઓની

  જંગલનાં પ્રાણીઓએ દિવાળી અંગે મિટિંગ ભરી;

  સિંહ, સસલું, હાથી સૌએ પોતપોતાની વાત કરી.

  રાજાસિંહ બોલ્યા: ઉજવીશું માનવો જેવી દિવાળી;

  ફટાકડા, બૉમ્બ ફોડીને ઉજવીશું સૌ રંગીન દિવાળી.

  હાથીએ પોતાની સૂંઢ હલાવી વાતમાં હામી ભરી;

  શિયાળ-વરુએ ફટાકડા માટે, શહેર જવા તૈયારી કરી;

  ત્યાં એક ચતુર સસલું બોલ્યું આગળ આવી;

  શાંત રહેવા જણાવ્યું સૌને, હાથ બે બતાવી.

  માનવીઓની દિવાળીમાં હોય ભાઇ ઝાકમઝોળ;

  માનવીઓ કરે ફટાકડામાં, પૈસાનું ભારે આંધણ.

  આપણે શાને કરવી એવી મોંઘીદાટ દિવાળી;

  શાંતિ અને પ્રેમ-આનંદની હોય ભાઇ દિવાળી.

  સસલાની વાત સાંભળી, પડ્યા સૌ વિચારમાં;

  સૌ ભેગા ઉજવીએ, અનોખી દિવાળી જંગલમાં.

  એકમેકના ઘેર જઇને, મીઠા ફળ ને ફૂલ આપશું;

  સાથે મળી એક ગગન તળે, ગીત મજાનાં ગાશું.

  બાપા મોરિયા

  ગણપતિ બાપા મોરિયા;

  લાડુ કરી જાય ઓહિયા!

  બોલે જોરશોરથી પોરિયા;

  ગણપતિ બાપા મોરિયા!

  દાદાને ભાવે મીઠા મોદક;

  ઝટપટ મોંમાં ઓરિયા!

  ગણેશજીના વાહન ઉંદરે:

  ઢગલો દર છે ખોદીયા!

  ગણપતિદાદા કશું ના કહે;

  ઉંદરમામાએ લાડુ ચોરીયા!

  હસવું ખડખડાટ એટલે દિવાળી!

  દીવડાનો ઝગમગાટ એટલે દિવાળી,

  ઉત્સાહનો સળવળાટ એટલે દિવાળી!

  ઘટમાં ઘોડા થનગનતા હોય એવો,

  તનમાં તરવરાટ એટલે દિવાળી!

  દુ:ખ અને સમસ્યાઓ જઇએ ભૂલી,

  હસવું ખડખડાટ એટલે દિવાળી!

  આનંદ અને ઉલ્લાસનો માહોલ,

  તાળીઓનો ગડગડાટ એટલે દિવાળી!

  પ્રગતિ પથ પર અટક્યા વગર,

  દોડવું સડસડાટ એટલે દિવાળી!

  વેર, ઇર્ષા, મનભેદ ભૂલી જઇને,

  લાગણીનો ધમધમાટ એટલે દિવાળી!

  મેઘ, તું આવો તો ન હતો!

  સમય ને જમાના સાથે બદલાઇ ગયો તું મેઘ !

  તને બોલાવવો ન પડતો, તું આવો તો ન હતો.

  ઝરમર- ધોધમાર વરસવું એ તારો સ્વભાવ !

  હવે તો ટીપાંમાં ટપકતો, તું આવો તો ન હતો.

  પહેલાં ચોમાસે તારી રોજની આવન- જાવન !

  હવે ક્યારેક જ ડોકાતો, તું આવો તો ન હતો.

  વૃક્ષો તને ગમે ત્યાંથી ખેંચીને લઇ આવતા !

  હવે આવવા અકળાતો, તું આવો તો ન હતો.

  વૃક્ષો કાપે, જલ-થલને પ્રદૂષિત કરે છે તું,

  મેઘ માનવીને કહેતો, તું આવો તો ન હતો!

  આવી ગયો મેઘ

  ગરમી તું હવે જા- જા;

  આવ્યા પ્યારા મેઘરાજા!

  તાપને હવે મળશે સજા,

  ન્હાવાની ભાઇ કેવી મજા!

  છલકાવે નદી-નહેર, છજા,

  બજાવે ગડગડાટના વાજા!

  નભમાં વીજળી ચમકે એવી,

  જાણે મંદિર પર ફરકે ધજા!

  ફૂલ-ઝાડ થયા તાજા માજા,

  આવ્યા પ્યારા મેઘરાજા!

  જંગલના પ્રાણીઓને લૂ વાઇ!

  જંગલમાં તો ભારે થઇ ભાઇ, ભારે થઇ;

  ધોમધખતા તાપમાં પ્રાણીઓને લૂ ભારે વાઇ!

  હરણ દોડે, શિયાળ દોડે, દોડે સિંહરાજા;

  વાઘ અને હાથીના ગરમીએ વગાડ્યા વાજા!

  શિયાળ બોલ્યું, લાવીએ શહેરથી એરકન્ડીશનર;

  મેળવીએ સૂરજના તાપમાં સૌ શીતળ ઠંડક!

  હરણ બોલ્યું, લાવીએ માનવીનો પંખો;

  માણીએ આપણે પણ પવન એકસરખો!

  ચતુર સસલું બોલ્યું ત્યાં વાત એક મજાની;

  સાંભળી લ્યો સૌ ભાઇઓ, વાત છે મુદ્દાની!

  લાવશો ક્યાંથી યંત્ર ચલાવવા વનમાં વીજળી;

  હરણ, શિયાળની વાતની થઇ ગઇ ત્યાં રેવડી!

  બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED