Kina koyalne lokpriy thavani dhun chadhi books and stories free download online pdf in Gujarati

કીના કોયલને લોકપ્રિય થવાની ધૂન ચઢી

કીના કોયલને લોકપ્રિય થવાની ધૂન ચઢી

રાકેશ ઠક્કર

સંગીતવન નામનું એક જંગલ હતું. આ જંગલમાં અનેક પશુ-પક્ષીઓ સુખ- શાંતિથી રહેતા હતા. આ વનમાં પક્ષીઓની સંગીત મંડળી હોવાથી તેનું નામ સંગીતવન પડી ગયું હતું. આ સંગીત મંડળીમાં કીના કોયલ સ્ટાર કલાકાર હતી. તે બહુ સૂરીલું ગાતી હતી. તેનો મીઠો મધુર અવાજ લોકોને બહુ ગમતો હતો. એટલે કોઈપણ કાર્યક્રમમાં આ સંગીત મંડળીને જ બોલાવવામાં આવતી હતી. આમ તો સંગીત મંડળીમાં બીજા ઘણા ગાયક- સંગીતકાર હતા. પીલુ પોપટ કેશિયો વગાડતો હતો. સીડ સસલુ સરસ વાંસળી વાગડતું હતું. તો ચંપા ચકલી પિયાનો વગાડતી હતી. આ સંગીત મંડળી વનમાં કયાંય પણ પાર્ટી, સમારંભ કે તહેવારનો કાર્યક્રમ હોય ત્યાં પોતાના ગીત-સંગીતથી બધાને ખુશ કરી દેતી હતી.

દિવસે- દિવસે આ સંગીત મંડળીની લોકપ્રિયતા વધવા લાગી. તેમાં કીના કોયલને તેના મધુર અવાજને કારણે વધુ માન-સન્માન મળવા લાગ્યું. તે પોતાને ગાયિકા અલકા યાજ્ઞિક જેવી સમજવા લાગી હતી. તેથી તેનામાં અભિમાન આવવા લાગ્યું. તેને પોતાના મધુર અવાજથી લાગ્યું કે તેના જેવી કોઈ ગાયિકા નથી. તેને હવે શહેરમાં જઈને પોતાની કલા બતાવી વધુ લોકપ્રિય થવાની ધૂન ચઢી.

દરમ્યાનમાં એક દિવસ નજીકના શહેરમાંથી ધનવાન વેપારી કાદુ કાગડો વનમાં આવ્યો. તેણે આ સંગીત મંડળીનો કાર્યક્રમ જોયો. તેને કીનાનો અવાજ બહુ ગમ્યો.

કાર્યક્રમ પછી તે કીનાને મળ્યો અને કહ્યું, ''કીના, તું બહુ સરસ ગાય છે. તારે તો શહેરમાં આવવું જોઈએ. મારો એક ડીસ્કોથેક પણ છે. ત્યાં તને લોકો બહુ પસંદ કરશે અને પૈસા પણ સારા મળશે. ત્યાં તારી કારકિર્દી બની જશે. બોલ શું કહે છે?''

કીના તો આવી તકની રાહ જ જોતી હતી. તે ખુશ થઈને બોલીઃ ''અરે વાહ! હું મારી પ્રતિભા શહેરમાં બતાવવા માટે વિચારી જ રહી હતી. તમે મારી પ્રશંસા કરી અને તક આપી એ માટે તમારો આભાર.''

ત્યાં વચ્ચે જ સીડ સસલુ બોલી ઉઠયોઃ ''કીના, તારે શહેરમાં જવાની શું જરૂર છે? અહીં સારું કામ મળે છે. બધા તને પસંદ કરે છે. અને આપણે સાથે કેવા પ્રેમથી રહી શકીએ છીએ.''

કીનાને સીડની વાત ના ગમી. તે ગુસ્સાથી બોલીઃ ''સીડ, તું મારી પ્રગતિથી બળી રહ્યો છે. હું ખૂબ રૂપિયા કમાવા માગું છું. અને મારો અવાજ દૂર દૂર સુધી પહોંચે એવી તમન્ના છે.''

પીલુ પોપટે પણ તેના વિચારને યોગ્ય ના ગણાવ્યો. અને કહ્યું, ''કીના, સીડની વાત સાચી છે. શહેરમાં તો ઘણા નામી ગાયકો હોય છે. તેમની સાથે હરીફાઈ કરવાનું સરળ નહિ હોય. અહીં તો તારું કોઈ હરીફ જ નથી.''
કીનાને પોતાના અવાજનું ભારે અભિમાન આવી ગયું હતું. તે બોલીઃ ''મારા જેટલો સૂરીલો સ્વર કોઈનો નહિ હોય. હું શહેરમાં આરામથી રાજ કરીશ.''

કીનાની જીદ સામે પછી કોઈ બોલ્યું નહિ. કીનાએ બીજા દિવસે શહેરમાં જવાનું નક્કી કરી લીધું. અને કાદુ કાગડાને કહ્યું,''સાહેબ, હું કાલે તમારી પાસે આવીશ. મારે શહેરમાં કામ કરીને કારકિર્દી બનાવવી છે.''

કીના કોયલ આંખમાં સપનાં આંજીને બીજા દિવસે શહેરમાં કાદુની ઓફિસે પહોંચી ગઈ. કાદુ કાગડાએ તેને આવકાર આપ્યો. પણ તે બહુ વ્યસ્ત હતો. તેણે કહ્યું,''કીના, હું આ અઠવાડિયું બહુ વ્યસ્ત છું. મારે ધંધાના કામે બહારગામ જવાનું થયું છે. આ કેટલાક સંગીતકારોના વિઝિટીંગ કાર્ડ છે. તેમનો સંપર્ક કરજે. તેમને મારું નામ આપજે અને તારા સ્વરનો પરિચય આપજે. તને જરૂર કામ મળશે.''

કીના નિરાશ થઈને બોલીઃ''કાદુ સર, તમે મારી સાથે નહિ આવી શકો?''
કાદુ કહેઃ ''હું તને અહીં લાવ્યો છું. પણ તારે થોડો સંઘર્ષ તો કરવો પડશે. તને બને એટલી મદદ હું કરીશ.''

કીનાએ હિંમત રાખી. તે નવા કપડાં પહેરીને કામની શોધમાં નીકળી પડી.

કીના જયાં ગઈ ત્યાં બહુ ભીડ હતી. અનેક કલાકારો પોતાને સારા સાબિત કરી કામ મેળવવા મોટી સંખ્યામાં ઉમટતા હતા. કીનાનો તો કયાંય ગજ વાગતો ન હતો. કેમકે તેને કહેવામાં આવ્યું કે તારો અવાજ સારો છે. પણ આ ગામ નહિ શહેર છે. અહીં આધુનિક પોપ અને ડીસ્કો ગીતની માંગ છે. એના માટે તારો અવાજ બંધબેસતો નથી.

અઠવાડિયાની દોડધામ પછી તે થાકી ગઈ. તેણે બહારગામથી પાછા ફરેલા કાદુને વાત કરી. કાદુએ તેને પોતાના ડીસ્કોથેકમાં કામ અપાવી દીધું.
કીના ડીસ્કોથેકમાં જવા લાગી. ત્યાં તેને કોઈ પસંદ કરતું ન હતું. તે મધુર સ્વરમાં ગીત લલકારતી હતી. પણ લોકો તેને ઉંચા અવાજે ગાઈને નાચવા માટે કહેતા હતા.

મજબૂરીમાં કીના મોટા અવાજે ગાઈને નાચવા લાગી. પણ પરિણામ એ આવ્યું કે થોડા દિવસોમાં તેનો અવાજ બેસી ગયો. તે માંદી પડી ગઈ.

ર્ડાકટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. તે વિચારવા લાગી. શહેરમાં બહુ ભીડ અને દોડધામ છે. કોઈને કોઈની પડી નથી. શહેરમાં સારા ગાયનની કદર નથી. તોફાની સંગીત અને ઢંગધડા વગરના ગીતો પર લોકો નાચકૂદ કરવાનું પસંદ કરી રહ્યા છે. મધુર ગીતોનો મતલબ કોઈ સમજતું જ નથી.

કીના વિચારતી હતી ત્યાં દરવાજા પર ઠક્ ઠક્ નો અવાજ આવ્યો. તેણે દરવાજો ખોલ્યો તો તેની સંગીતવનની સંગીત મંડળીને જોઈ આશ્ચર્ય અને ખુશીથી બોલી ઉઠીઃ ''અરે! તમે બધા આજે અચાનક અહીં કયાંથી? તમને જોઈને મને બહુ આનંદ થયો. આવો આવો..''

પીલુ પોપટ કહેઃ ''તને એક મહિનો થયો એટલે થયું કે મળી આવીએ. તારો કોઈ સંદેશ ન હતો એટલે થયું કે તું કોઈ તકલીફમાં તો નથી ને?''

ચંપા ચકલી કહેઃ 'અમે તને બહુ યાદ કરતા હતા. અમને તારી ચિંતા થતી હતી.''

કીના કહેઃ ''તમારી સંગીત મંડળી કેવી ચાલી રહી છે?''

સીડ કહેઃ ''બીનુ બુલબુલ બહુ જલદી ગાયન શીખી રહી છે. તારી શું સ્થિતિ છે? તને અહીં કેવી લોકપ્રિયતા અને પૈસા મળ્યા?''

કીના રડમસ અવાજે બોલીઃ ''મને ખબર પડી ગઈ છે કે મેં અહીં આવીને મોટી ભૂલ કરી છે. હું રૂપિયા અને નામ કમાવવા શહેરમાં તો આવી પણ સારું ગાયન અને તમારા પ્રેમને ગુમાવી દીધા.''

પીલુ કહેઃ ''હજુ પણ મોડું થયું નથી. આપણે બધા ફરી એકસાથે થઈ શકીએ છીએ. તું અમારી સાથે આવી શકે છે. આપણી સંગીત મંડળીમાં તારું સ્થાન પહેલાં જેવું જ રહેશે.''

કીનાએ નવાઈથી પૂછયું,''ખરેખર? તમે મને માફ કરી દીધી? મેં તમને કેટલું ખરાબ કહ્યું હતું.''

ચંપા કહેઃ 'તને તારી ભૂલનો અહેસાસ થયો એ મોટી વાત છે. અમે તો તારા હિતમાં જ હતા.''

કીનાએ હર્ષના આંસુ લૂછી નાખ્યા. અને સંગીતવનમાં પાછા ફરવાનું નક્કી કરી લીધું.

બધા મિત્રો સાથે તે સંગીતવન પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત થયું. કીના ફરીથી પોતાના મધુર અવાજમાં ગાવા લાગી. તેને બહુ પ્રશંસા મળવા લાગી. તેને વર્ષની શ્રેષ્ઠ ગાયિકા તરીકે અને સંગીતમાં તેના યોગદાન માટે સંગીતવન તરફથી પુરસ્કાર આપવામાં આવ્યો. તે હવે બહુ ખુશ હતી.

તે મનમાં જ ખુશ થતાં બોલી,''મેં વનમાં પાછા આવવાનો નિર્ણય કરી યોગ્ય જ કર્યું છે. અહીં ગાયનની જે કદર અને ખુશી છે તે ઘોંઘાટીયા અને સ્વાર્થી શહેરમાં નથી.''

દાદીમાના લાડુથી ઉમુ ઉંદર બીમાર થયો પણ દાદીમાના નુસ્ખાથી સાજો થયો

- રાકેશ ઠક્કર

એક જંગલમાં નદી કિનારે એક ઝાડ ઉપર નનુ કબૂતર, ખચુ ખિસકોલી અને ચનુ ચકલી રહેતા હતા. ઝાડની નીચે જ દર બનાવીને ઉમુ ઉંદર પણ રહેતો હતો. ચારેય વચ્ચે સારી મિત્રતા હતી. રોજ સાંજે ચારેય મિત્રો એકસાથે જમતા હતા. બધા વચ્ચે એવી મિત્રતા હતી કે કોઈ ભૂખે સૂતું ન હતું. કોઈને ભોજન ના મળે તો બીજાને મળે તે બધા વહેંચીને ખાતા હતા.
દરરોજની જેમ આજે પણ સાંજ પડી એટલે ઝાડની નીચે નનુ કબૂતર, ચનુ ચકલી અને ખચુ ખિસકોલી આવી ગયા. છતાં દરમાંથી ઉમુ ઉંદર બહાર આવ્યો નહિ. નનુએ બૂમ પાડી પણ કોઈ જવાબ મળ્યો નહિ. એટલે ચનુ તેને બોલાવવા દર પાસે ગઈ. ઉમુએ અંદરથી જ જવાબ આપી દીધો કે,''મને આજે ખાવાની ઈચ્છા નથી. તમે જમી લો.''
ઉમુ ના આવ્યો એટલે ત્રણેય મિત્રોએ સુખદુઃખની વાતો કરી ભોજન કરી લીધું.
બીજા દિવસે પણ ઉમુ દેખાયો નહિ. નનુ તેને બોલાવવા ગયો ત્યારે તેણે કહ્યું કે,''આજે મને ઠીક લાગતું નથી. મારી રાહ જોયા વગર તમે જમી લો''
જમતી વખતે નનુએ કહ્યું પણ ખરું કે દિવસે તો તે સારો દેખાતો હતો. અને હરતો ફરતો હતો. કદાચ થાકી ગયો હશે.

ત્રીજા દિવસે પણ સાંજે ઉમુ દેખાયો નહિ. ત્રણેય મિત્રોને વારંવાર બોલાવવાનું સારું ના લાગ્યું. એટલે જમીને પોતાના સ્થાને જતા રહ્યા. પણ નનુ પોતાના માળામાં જતો હતો ત્યારે દરમાંથી ઉમુના કરાંજવાનો અવાજ આવ્યો. નનુએ બખોલ પાસે જઈને સાંભળ્યું તો ઉમુ દરદથી કરાંજતો હતો.
નનુએ તેને પૂછયું:''ઉમુ... શું થયું? કેમ રડવા જેવો થઈ ગયો છે? કોઈ તકલીફ છે?''

ઉમુએ દરદ સાથે બોલતાં કહ્યું:''પેટમાં બહુ જોરથી દુખાઃવો થઈ રહ્યો છે.''
નનુ કહે:''ગભરાઈશ નહિ, મારી પાસે દાદીમાએ આપેલી એક દવા છે. તેનાથી તને આરામ થઈ જશે.'' અને નનુ કબૂતર માળામાં જઈ હિંગનું ચૂરણ લઈ આવ્યો અને તેને આપ્યું. પછી આરામ કરવાનું કહી પોતાના માળામાં જતો રહ્યો.

બીજા દિવસે સવારે ચનુ ચકલી અને ખચુ ખિસકોલીને પણ ઉમુની તકલીફ વિશેના ખબર મળ્યા. ખચુ તેની ખબર જોવા ગઈ ત્યારે ઉમુએ કહ્યું કે નનુની દવાથી થોડો આરામ થયો. પણ હજુ સંપૂર્ણ આરામ મળ્યો નથી.
એ જાણી ખચુએ કહ્યું:'તું ચિંતા ના કર. મારા દાદીમાનો નુસ્ખો જરૂર તને અસર કરશે.''

ખચુ પોતાની બખોલમાં જઈને અજમો અને નમક લઈ આવી. અને ઉમુને પાણી સાથે ખવડાવી દીધું.

સાંજે ભોજન લેવાના સમય પર ઉમુ ઉંદર પણ આવી પહોંચ્યો.
ઘણા દિવસ પછી ફરી ચારેય મિત્રો ભેગા થયા હતા.

ઉમુ ઉંદરને સ્વસ્થ અને આનંદિત જોઈ ત્રણેય મિત્રોને આનંદ થઈ ગયો.
ઉમુએ ખચુનો આભાર માનતા કહ્યું:''ખચુ, તારી દવાથી ખરેખર બહુ જલદી ફરક પડી ગયો. પેટનું દરદ ગાયબ થઈ ગયું. રાત્રે ઊંઘ પણ સરસ આવી ગઈ. એ બદલ તારો આભાર.''

ખચુ કહેઃ''ઉમુ, એમાં આભાર માનવાનો ના હોય. મિત્ર તરીકે એ મારી ફરજ હતી. પણ એ કેવી અજબ જેવી વાત કહેવાય કે તું તારા દાદીમાએ મોકલાવેલા બેસનના લાડુ ખાઈને બીમાર થયો અને મારા દાદીમાએ બનાવી આપેલી દવાથી સારો થઈ ગયો!''

ખચુની વાતથી ઉમુ ચોંકી ગયો અને નવાઈથી બાલ્યોઃ''દાદીમાના લાડુ? તું શું કહેવા માગે છે?''

ત્યારે ખચુ કહેઃ''હવે નાટક કરવાનું રહેવા દે. મને બધી ખબર પડી ગઈ છે. જયારે તારા દાદીમાના ઘરેથી બેસનના લાડુ લઈને કોઈ ઉંદર આવ્યો ત્યારે મેં જ એને તારું ઘર બતાવ્યું હતું. અને જયારે હું તને જમવા બોલાવવા આવ્યો ત્યારે બેસનના લાડુની સુગંધ પણ તારા દરમાંથી આવી રહી હતી.''

નનુ કહેઃ''તેં એકલા લાડુ ખાધા એના બદલે બધાની સાથે મળીને ખાધા હોત તો તારી તબિયત ખરાબ થઈ ન હોત.''

ચનુ કહેઃ''તેં વધારે ખાવાની લાલચમાં પોતાનું જ પેટ ખરાબ કરી દીધું.''
ઉમુને પોતાના વર્તન પર શરમ આવી અને પસ્તાવો પણ થયો. તે બોલ્યો :''તમારી વાત સાચી છે. પણ શું કરું? લાડુ મને બહુ ભાવે છે. અને તે એટલા સ્વાદિષ્ટ હતા કે એકલો જ બધા ખાઈ ગયો. તેથી પેટ ખરાબ થઈ ગયું. તમે બધા કેટલા સારા છો. બધું જ જાણતા હોવા છતાં મારી મદદ કરીને સાજો કર્યો. હું કેટલો સ્વાર્થી છું કે તમને લાડુ ચખાડયા પણ નહિ...''
ઉમુની ખરા દિલના પસ્તાવાની વાત સાંભળી ત્રણેય મિત્રોએ તેને પહેલી ભૂલ છે એને ભૂલી જવાની હોય એમ કહીને માફ કરી દીધો. અને રોજની જેમ સાથે જમવા બેસી ગયા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED