પુસ્તકિયા જ્ઞાન સાથે વ્યાવહારિક જ્ઞાન પણ જરૂરી Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુસ્તકિયા જ્ઞાન સાથે વ્યાવહારિક જ્ઞાન પણ જરૂરી

બાળવાર્તાઓ

રાકેશ ઠક્કર

ભાગ-૩

પુસ્તકિયા જ્ઞાન સાથે વ્યાવહારિક જ્ઞાન પણ જરૂરી

રોનકપુરમાં રાજારામ નામના પંડિત રહેતા હતા. તેઓ વધુ વિદ્યાભ્યાસ કરીને પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં નદી આવતી હતી. ચોમાસુ હમણાં જ પૂરું થયું હોવાથી નદીમાં પાણી વધારે હતું. તરીને જાય તો પુસ્તકો ભીંજાય જાય એમ હતું. તે કોઈની મદદ માટે રાહ જોવા લાગ્યા.

થોડીવાર પછી એક કાફલો આવ્યો. તેમાં ઘણી ભેંસ હતી. પંડિતજીએ પોતાની પરિસ્થિતિ સમજાવીને પુસ્તકો મૂકીને નદી પાર કરવા એક ભેંસ ખરીદી લીધી. અને ઝટપટ નદીમાં ચાલવા લાગ્યા. બહુ જલદી સામા કિનારે પહોંચી ગયા.

સામે કિનારે એક ઠગ બેઠો હતો. પંડિતજીને ભેંસ સાથે જોઈ તેણે તેમને શિકાર બનાવવાનું નક્કી કરી લીધું. પંડિતજીને સાષ્ટાંગ પ્રણામ કરીને ઠગે પૂછયું,''પંડિતજી, કયાંથી પધારી રહ્યા છો?''

પંડિતે ગર્વથી કહ્યું,''ભાઈ, હું કાશીથી ત્રણ માસનો વિદ્યાભ્યાસ કરીને ઘરે પાછો ફરી રહ્યો છું.''

ઠગ કહે,''પંડિતજી, તમારા જેવા જ્ઞાનીના દર્શન કરીને હું તો ધન્ય થઈ ગયો. જો તમે તૈયાર હોય તો આપણે થોડો શાસ્ત્રાર્થ કરીએ.''

પંડિતજી તો પોતાના વખાણ સાંભળીને ખુશ થઈ ગયા. અને બોલ્યા,''અરે ભાઈ, એમાં કંઈ પૂછવાનું હોય? ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. જોતો નથી હું કાશીથી ભણીને આવી રહ્યો છું.''

ઠગ કહે,''તમારી વાત સાચી છે. પણ આપણે શાસ્ત્રાર્થ કારણ વગર નહીં કરીએ. કોઈ શરત રાખીએ. કેમકે આ વાત જ્ઞાનની છે. કોણ જ્ઞાનમાં જીતે છે તે મહત્ત્વનું છે. જુઓ, હું તમારી સાથે બે બાબત પર શાસ્ત્રાર્થ કરીશ. જો તમે જીતી ગયા તો મારી ભેંસ તમને આપી દેવાની. અને હું જીતી ગયો તો તમારે મને ભેંસ આપી દેવાની.''

પંડિતજીને પોતાના જ્ઞાન પર અભિમાન હતું. તેમણે કંઈ વિચાર્યા વગર હા પાડી દીધી. અને શરત મંજુર રાખી.

ઠગે પહેલી બાબત પર શાસ્ત્રાર્થ શરૂ કર્યો. અને પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું.
પંડતજી, એ બતાવો કે લવ-કુશના પિતા કોણ હતા?''

''રામ.''

''રામના પિતાનું નામ શું હતું?''

''દશરથ.''

''દશરથના પિતાનું નામ શું હતું?''

''રઘુ.''

''રઘુના પિતાનું નામ શું હતું?''

હવે પંડિતજીનું પુસ્તકિયું જ્ઞાન પૂરું થઈ ચૂક્યું હતું. તેમણે અસમર્થતા બતાવી.
એટલે ઠગ કહે,''પંડિતજી, તમે એક બાબતના શાસ્ત્રાર્થમાં હારી ગયા છો. હવે બીજી બાબત પર શાસ્ત્રાર્થ કરીએ.' પંડિતજીએ સંમતિ આપી. ઠગે ફરી પ્રશ્નાવલિ શરૂ કરી.

''પંડિતજી, એ બતાવો કે પૃથ્વી શેના પર ટકેલી છે?''

''શેષનાગ પર.''

''અને શેષનાગ શેના પર ટકેલા છે?''

પંડિતજી ફરીથી અનુત્તર થઈ ગયા. મોકાનો ફાયદો ઉઠાવીને ઠગે પંડિતજીને હારેલા સાબિત કરી ભેંસ મેળવી લીધી. અને આગળ ચાલવા લાગ્યો. પંડિતજી હતપ્રભ ઉભા હતા. ત્યાં નદી પાર કરીને કાફલો આવી પહોંચ્યો. કાફલાના સરદારે પંડિતજીને એકલા ઉદાસ જોઈને કારણ પૂછયું.

પંડિતજીએ ઠગ સાથેની રામકહાણી સંભળાવી.

સરદારે કહ્યું,''પંડિતજી, ચિંતા ના કરો. તમારી પાસેની કપડાંની બીજી જોડ મને આપો. હું એ ઠગને હરાવીને આવું છું.''

કાફલાને રોકી સરદાર પંડિતજીના કપડાં પહેરી ઝટપટ પેલા ઠગની પાસે પહોંચી ગયો.

સરદારે થોડી વાતચીત કરી ઠગને શાસ્ત્રાર્થ માટે તૈયાર કરી પંડિતજી સાથે મૂકેલી એ જ શરત રાખી.

ઠગે પંડિતજીને કહેલા એ જ સવાલો દોહરાવ્યા.

''બોલો, લવ-કુશના પિતા કોણ હતા?''

''રામ.''
રામના પિતાનું નામ શું હતું?''

''દશરથ.''

''દશરથના પિતાનું નામ શું હતું?''

''અગિયાર રથ.''

સરદારનો આ જવાબ સાંભળી ઠગ ચોંકી ગયો. કેમકે તેને પણ જવાબ આવડતો ન હતો. એટલે માનવા સિવાય કોઈ ઉપાય ન હતો.

''અગિયાર રથના પિતાનું નામ શું હતું?''

તેણે સરદારને ગૂંચવવા આગળ પૂછયું.

''બાર રથ.''

સરદાર પણ પોતાને મહાઠગ સાબિત કરતો હોય એમ જવાબ આપવા લાગ્યો.

સરદાર જવાબમાં આંકડો વધારતો જ રહ્યો. એટલે ઠગ સમજી ગયો કે આ કોઈ મોટો જ્ઞાની છે. એટલે પહેલી વાતમાં હાર માની લીધી. પણ બીજી બાબત પર તેને જીતવાનો વિશ્વાસ હતો.

''એ બતાવો કે પૃથ્વી શેના પર ટકેલી છે?''

''શેષનાગ પર.''

''અને શેષનાગ શેના પર ટકેલા છે?''

''ભેંસ પર.''

આ જવાબ સાંભળીને ઠગે ગુસ્સે થઈ કહ્યું,''તમે જૂઠું બોલો છો.''

સરદારે પોતાની ભેંસ પર રાખેલી ટોકરી ખોલી અને તેમાં બેઠેલો નાગ બતાવ્યો.

વાત સાચી હતી. તેની પાસે તો બીજો કોઇ પુરાવો ન હતો.

ઠગ હારી ગયો હતો. તેણે હાર સ્વીકારીને ભેંસ આપી દીધી.

સરદાર એ ભેંસ લઈને પંડિતજી પાસે ગયા અને ઠગને કેવી રીતે બેવકૂફ બનાવ્યો તેની વાત કરી. પછી કહ્યું,''પંડિતજી, જીવનમાં પુસ્તકિયા જ્ઞાન સાથે વ્યાવહારિક જ્ઞાન પણ જરૂરી છે.''

પંડિતજી એક અભણ સરદારની ચતુરાઈ સામે નતમસ્તક થઈ ગયા.

***

કુરૂપતા જ સુંદરતા


આરબ દેશના રાજા અબ્બાસી ખલીફા હારૂન રશીદને ત્યાં એક દાસી હતી. જે કાળી અને કુરૂપ હતી. રાજાએ આવી કાળી દાસી કેમ રાખી હતી તે કોઈને સમજાતું ન હતું.

એક દિવસની વાત છે. રાજાએ ખુશ થઈને પોતાની દાસીઓ સામે દિનારો (અરબી સિક્કા) ફેંકી.

બધી દાસીઓ દિનાર લેવા પડાપડી કરવા લાગી. કોઈને વધારે તો કોઈને ઓછી દિનાર મળી.

નવાઈની વાત એ હતી કે કાળી દાસી ચૂપચાપ ઉભી રહીને બીજી દાસીઓને દિનાર લૂંટતા જોતી રહી. અને રાજા તરફ નજર કરીને મુસ્કુરાતી રહી.
રાજાએ તેને નજીક બોલાવીને પૂછયું,''દાસી, તું દિનાર કેમ લઈ રહી નથી? તારે કોઈ જરૂર નથી? દાસીઓને આવી તક કયારેક જ મળે છે.''

કાળી અને કુરુપ દાસીએ હસીને જવાબ આપ્યો,''આ બધાંને દિનાર જોઈએ છે મને દિનારોના સ્વામી!''

રાજાએ તેના જવાબની પ્રશંસા કરી અને આશીર્વચન આપ્યા.

કાળી દાસીનો કહેવાનો મતલબ એ હતો કે તેને રાજાના ક્ષેમકુશળ જોઈએ છે. તેને ધનમાં રસ નથી.

પણ આ કિસ્સા પછી દેશમાં અને આસપાસના દેશોમાં એવી અફવા ફેલાઈ ગઈ કે આરબ દેશના રાજા તેમની એક કાળી અને કુરૂપ દાસીના પ્રેમમાં પડી ગયા છે.

જયારે આ વાતની ખબર રાજા અબ્બાસીને થઈ ત્યારે તેમણે પડોશના દેશના શાસકો પાસે પોતાના દૂત મોકલ્યા અને દરેક દેશના રાજાને પોતાના દરબારમાં આમંત્રિત કર્યા.

ચોક્કસ દિવસે રાજાનો ખાસ દરબાર ભરાયો.

દૂર દૂરના દેશોમાંથી રાજાઓ આવ્યા હતા. કોઈને ખબર ન હતી કે તેમને કયા કારણથી બોલાવવામાં આવ્યા છે.

રાજા અબ્બાસીએ હીરાજડીત પ્યાલા બનાવડાવ્યા હતા. તે મંગાવ્યા.

બધા કૂતુહલથી રાજાને જોઈ રહ્યા હતા.

રાજા અબ્બાસીએ દરેક દાસીને હીરાજડીત પ્યાલો આપવાનો આદેશ કર્યો. એ મુજબ દરેક દાસીને હીરે મઢયો પ્યાલો આપવામાં આવ્યો.

દાસીઓ ખુશ થઈ ગઈ કે તેમને રાજાએ આટલું કિમતી ઈનામ આપ્યું.
બધી જ દાસીઓ પાસે કિમતી પ્યાલો પહોંચી ગયો એટલે રાજાએ આદેશ આપ્યો કે એ પ્યાલાને તોડી નાખો.

દાસીઓ વિચારમાં પડી ગઈ. તેમને એમ કે ભેટ મળી છે. પણ આ રીતે કિમતી વસ્તુને તોડતા તેમનો જીવ ના ચાલ્યો.

બીજી દાસીઓ રાજાના આદેશનું પાલન કરી શકી નહિ. પણ કુરૂપ અને કાળી દાસીએ જરા પણ વિચાર કર્યા વગર રાજાના આદેશને અનુસરીને હીરાનો કિમતી પ્યાલો નીચે ફેંકીને તોડી નાખ્યો.

બધાની નજર કાળી દાસી તરફ ગઈ.
રાજાએ તાળી પાડીને તેને શાબાશી આપી. અને રાજાએ બધા દેશના શાસકો તરફ જોઈને કહ્યું,''આ દાસીનો ચહેરો સુંદર નથી. પણ તેનું દિલ સુંદર છે.''

પછી એ દાસીને પૂછયું,''બીજી બધી દાસીઓની જેમ તેં પ્યાલો કેમ રહેવા દીધો નહિ અને તોડી નાખ્યો.''

કાળી દાસીએ બહુ શાંતિથી કહ્યું,''મહારાજ, મને પ્યાલો તોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હું આદેશની અવલેહના કરી શકું નહિ. મેં વિચાર્યું કે આ પ્યાલો તૂટવાથી રાજાના ખજાનામાં થોડું નુકસાન થશે. પણ જો હું પ્યાલો નહિ તોડું તો રાજાના આદેશની અવગણના થશે. તેથી મેં રાજાના આદેશનું પાલન કરવાનું યોગ્ય સમજયું. પ્યાલો તોડવાથી મને કદાચ ગાંડી ગણવામાં આવશે. પણ આદેશનું પાલન ન કરવાથી મને રાજાના આદેશની અવગણના કરનારી તરીકે ઓળખવામાં આવશે. આદેશની અવગણના કરનારી કરતાં મને ગાંડી કહેવામાં આવશે એ વધુ પસંદ કરું છું.''

કાળી દાસીની વાત સાંભળીને બધા દેશના શાસકોને ખ્યાલ આવી ગયો કે તેમને કહેવામાં આવેલી વાત ખોટી હતી. બધાએ રાજા અબ્બાસીને દોષમુકત કરી દીધા અને કુરૂપ દાસીની વફાદારી અને દિલની સુંદરતાના વખાણ કર્યા.


*****