દશાવતાર - પ્રકરણ 10 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 10

          બધા મિત્રો એક પછી એક વિરાટને ભેટ્યા. ગાલવ જેવા પોચા તો આંખો પણ ભીની કરી ગયા. સૌથી છેલ્લે દક્ષા વિરાટને ભેટી અને તેનો હાથ પકડી કહ્યું, “મા તારી રાહ જુએ છે.” એ બોલી, “એને તારી સાથે કોઈ મહત્વની વાત કરવી છે.”

          “હું આવું છુ.” વિરાટે કહ્યું, “આમ હાથ નહીં પકડે તો પણ હું ભાગી નથી જવાનો.”

          “તારું નક્કી ન કહેવાય.” એ હસી પણ તેનો હાથ ન છોડયો.

          બંને એકબીજાનો હાથ પકડી દક્ષાના ઘર તરફ જવા લાગ્યા. એ બાળપણના મિત્રો હતા છતાં વિરાટને એકબીજાનો હાથ પકડી ચાલતા જરા ખચકાટ થતો હતો. જોકે તેમના મનમાં મિત્રતા સિવાય કોઈ ભાવ નહોતા.

          “તને શું લાગે છે?” દક્ષાએ મિત્રોથી જરા દૂર જતાં પુછ્યું, “ડર સિવાય બીજું કઈ?”

          “ખબર નહીં શું પણ કઈક વિચિત્ર લાગણી થાય છે.” વિરાટે કહ્યું. એ હજુ ટેકરાળ વિસ્તારમાં જ હતા. બધા મિત્રો પણ હાથ હલાવતા પોત પોતાના ઘર તરફ ચાલવા માંડ્યા હતા. કોઈ બીજું સાંભળતું નથી એની ખાતરી કરી વિરાટે ઉમેર્યું, “મને એમ લાગે છે કે હું આપણાં લોકો માટે કંઈક કરી શકું એમ છું.”

          દક્ષાએ પ્રશ્નાર્થ નજરે વિરાટ સામે જોયું. તેનો હાથ છોડી એક ઊંડો નિસાસો નાખ્યો, “કોઈ કશું કરી શકે એમ નથી.” તેના અવાજમાં દુખ હતું, “આજ સુધી કોઈ સ્ટેશનથી ભાગી નથી શકયું. કેટલાય શૂન્ય છોકરા છોકરીઓએ એવા ગાંડા પ્રયત્નમાં જીવ ખોયા છે.”

          દક્ષા સાચી હતી. નીરદે વિરાટને કહ્યું હતું કે સ્ટેશનની ચારે તરફ લોખંડના તારની વાડ છે અને એમાં વિધુત પ્રવાહ વહેતો રહે છે. ભાગવાનો પ્રયત્ન કરનાર શૂન્ય કાં નિર્ભય સિપાહીઓની તલવારને ભેટે છે કાં તો એ લોઢાંના તારમાં ભડથું બની લટકી રહે છે. દરેક વખતે આગગાડી આવે ત્યારે એવું થતું જ. કેટલાક છોકરાઓ ડરથી કે બહાદુરીથી ખબર નહીં કેમ પણ સ્ટેશનથી છટકવાનો પ્રયત્ન કરતાં અને માર્યા જતાં. વિરાટે કેટલીયેવાર એવા બદનશીબ છોકરાઓના મૃતદેહો સ્ટેશનથી તેમના ઘરે લઈ જવાતા જોયા હતા.

          “હું સ્ટેશનથી ભગવાની વાત નથી કરતો.” વિરાટે કહ્યું. એ ટેકરીઓ બહાર આવવાની તૈયારીમાં જ હતા.       

દક્ષા અટકી ગઈ અને તેની તરફ નવાઈથી જોયું, “તો તું શું વિચારે છે?”

          “નિર્ભય સિપાહીઓનો સામનો કરવાનું.” વિરાટે તેની આંખોમાં જોઈને કહ્યું.

          “તું પાગલ થઈ ગયો છે, વિરાટ?” દક્ષા ગુસ્સાથી ધુવાપૂવા થઈ ગઈ, “આપણે નિર્ભય સિપાહીઓ સામે ન લડી શકીએ.” તેનો અવાજ ઉતવાળો હતો, “શૂન્ય શું કોઈ પણ માણસ તેમની સામે ન લડી શકે અને તું એ વાત સારી રીતે જાણે છે. તેં એમની નિર્દયતા જોઈ છે.”

          “હા, મેં એમની નિર્દયતા અને તાકાત જોઈ છે.” વિરાટે કબૂલ્યું, “પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. પ્રલય હજુ ગયો નથી. એ સમુદ્રના પેટાળમાં છે અને જો આપણે દીવાલની પેલી તરફ નહીં ગયા તો એ આપણને ભરખી જશે. પ્રલય આજે નહીં તો કાલે પાછો આવવાનો જ છે અને એ સમયે આપણી પાસે જવા માટે કોઈ જ્ગ્યા નહીં હોય. એ સમયે બચવા માટે આપણી પાસે કોઈ રસ્તો નહીં હોય. ગમે તે થાય હું હાર નહીં માનું.”

          “તું શું ઇચ્છે છે, વિરાટ?” એ હજુ ગુસ્સે હતી, “એમની સામે જંગ છેડવા ઇચ્છે છે?”

          “ના, હું મારા લોકો માટે દીવાલની પેલી તરફ સલામત રહેઠાણ ઇચ્છું છુ. મારા લોકોને બે ટંક સારું ખાવાનું મળી રહે અને એમને પ્રલયના ઓછાયા હેઠળ જીવવું ન પડે એમ ઇચ્છું છુ.”

          “પણ કઈ એવું ન કરી બેસતો કે જેથી તું જીવ ખોઈ બેસે.” હવે દક્ષા ચિંતિત હતી.

          “મને મૃત્યુનો ભય નથી દક્ષા પણ મારા લોકો માટે કંઈક કરી છૂટયા પહેલા મરવાનો ભય છે.” વિરાટે તેને પોતાના મનમાં શું ભય હતો એ કહ્યું, “આપણી દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વમાં સમુદ્ર છે બસ એક ઉત્તર દિશા જ આપણાં માટે વિકલ્પ છે અને ત્યાં જતાં આપણને કોઈ અટકાવી રહ્યું છે તો એ છે કારુએ ચણાવેલી ગગનચુંબી દીવાલ. હું ઇચ્છું છુ કે આ દીવાલ ન હોય અને આપણે ઉત્તરમાં સલામત સ્થળે જઈ શકીએ.”

          “આ તો ઇચ્છામૃત્યુ જેવી માગણી થઈ.” દક્ષાએ કહ્યું, “કારુની દીવાલને પાર કરવી મતલબ એની સામે બગાવત કરવી.”

          “હું તૈયાર છું. પછી એ માંગણી ભલે ઇચ્છામૃત્યુ બરાબર કેમ ન હોય.”

          “અને દીવાલની પેલી તરફ શું છે એ તને ખબર છે?” દક્ષાએ પુછ્યું.

          “ના.”

          “કદાચ દીવાલની પેલી તરફ અહીં કરતાં પણ વધુ જોખમી હશે તો? કદાચ ત્યાં હજુ પ્રલય હશે તો?” તેની પાસે દલીલોનો પાર નહોતો, “કદાચ દીવાલ આપણને એ બધા જોખમોથી બચાવવા માટે હશે તો?”

          “એ શકય નથી.” વિરાટે કહ્યું, “કારુ આપણને કેમ બચાવે?”

          “કેમકે એને આપણી જરૂર છે.”

          “પણ લોક પ્રજા ત્યાં રહે છે.” એણે સામે દલીલ કરી, “લોક પ્રજા ત્યાના શહેરોમાં રહે છે તો આપણે કેમ ન રહી શકીએ?”

          “હવે આમ પણ તું ત્યાં જવાનો જ છે. તારી આંખો ખુલ્લી રાખજે અને ગુરુ જગમાલ જે કહે છે એ બધી બાબતોની જાણકારી મેળવજે.” તેણે એકાએક વિચિત્ર  સવાલ કર્યો, “શું દીવાલની પેલી તરફ દેવતાઓ આપણી જેમ રસ્તા પર ફરતા હશે?”

          “મને નથી લાગતું કે દેવતાઓ આપણી જેમ રસ્તા ઉપર ફરતા હોય પણ કેટલાક લોકો એમ કહે છે કે દેવતાઓ સમારકામ થયેલા શહેરોને આશીર્વાદ આપવા ક્યારેક ક્યારેક ત્યાં આવે છે.” વિરાટે કહ્યું. તેને લાગ્યું કે દક્ષા વાત બદલવા માંગે છે જોકે વિરાટ પણ એ બધી તણાવ આપનારી બાબતો પર ચર્ચા કરવા માંગતો નહોતો. આમ પણ હવે એ ટેકરીઓ બહાર માનવ વસ્તીમાં હતા અને એ બધી બાબતોની ચર્ચા લોકો વચ્ચે કરવી સલામત નહોતું.

          “બીજા લોકો જે કહે એ તું ક્યારથી માનવા લાગ્યો?” દક્ષાએ ભ્રમરો ચડાવી.

          “હું કોઈ કહે એ નથી માનતો.”

          “તો શું મને છે.”

          “જે મારું હૃદય કહે એ જ માનું છું.” તેણે કહ્યું ત્યારે એ માધુની ઝૂંપડી નજીક પહોંચવા આવ્યા હતા. માધુની ઝૂંપડી મોટી હતી. લગભગ એ વિસ્તારમાં સૌથી મોટી ઝૂંપડી એની હતી. તેનું કારણ એ મહેનતુ હતો અને બીજું કે તેના પરિવારમાં ઘણા સભ્યો હતા એટલે તેને મોટી ઝૂંપડી બનાવવી જરૂરી હતી. તેને ત્રણ છોકરીઓ અને એક છોકરો હતો પણ સદનસીબે એ ખેતીના જાણકાર હતા એટલે બીજા લોકો જેટલી જમીનમાંથી દસ કોથળા અનાજ પકવતા એટલી જમીનમાંથી એ પંદરેક કોથળા પકવી જાણતા. એમને સંભાળવા અને કામ કરવા વેપારીઓએ મોટું ખેતર આપ્યું હતું એટલે એમના પરિવારનું ભરણપોષણ એમના માટે કોઈ સમસ્યા નહોતી. બાકી કેટલાક મોટી સંખ્યાવાળા પરિવારોના ચહેરા પર ભૂખમરાની અસર સ્પષ્ટ દેખાતી હતી.

          “તારું હૃદય દેવતાઓ બાબતે શું કહે છે?” દક્ષાએ પુછ્યું.

          “મને લાગે છે કે એ પણ આપણી જેમ માણસો જ હશે.” તેણે કહ્યું.

          “હું પણ એ જ વિચારું છુ.” દક્ષાએ તેની સાથે સહમતી દર્શાવી, “હા, કદાચ એ દેખાવમાં આપણાં કરતાં અલગ હોઈ શકે. પણ આપણે એમને દેવતા માનવાનો ડોળ તો કરતાં જ રહેવું પડે.” દક્ષાએ તેની ઝૂંપડીનો ઝાંપો ઉઘાડયો.

          “મને ખબર છે.” વિરાટ તેની પાછળ દાખલ થયો અને ઝાંપો બંધ કર્યો, “તેમની સાથે નિર્ભય સિપાહીઓ છે અને આપણી પાસે એમને દેવતા માનવા સિવાય બીજો કોઈ છૂટકો નથી.”

          “હું પણ એ જ કહું છુ. એકવાર ખબર પડી જાય કે નિર્ભય સિપાહીઓ કેમ દેવતાઓની વાત માને છે તો કંઈક થઈ શકે.” દક્ષાએ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો.

          “કોણ?” તેની માએ અંદરથી પુછ્યું.

          “હું બીજું કોણ હોય?” દક્ષાએ કહ્યું એટલે દરવાજો ખૂલ્યો.

          “અરે, વિરાટ, બેટા તું.” દક્ષાની મા સુજાતાએ વિરાટનું સ્વાગત કર્યું. એ બરાબર વિરાટના ખભે આવતી. તેનું શરીર પ્રમાણમા જાડું હતું પણ ચહેરો દક્ષા જેમ જ સુંદર હતો. જાડું હોવા છતાં એનું શરીર સુડોળ હતું.

          “મને હજુ વિશ્વાસ નથી થતો કે તું આવડો મોટો થઈ ગયો.” વિરાટ અંદર દાખલ થયો એ સાથે જ સુજાતાએ કહ્યું, “હજુ ગઈ કાલ સુધી તો તું મારી દક્ષા સાથે આંગણામાં રમતો હતો.”

          “વિશ્વાસ તો મને પણ નથી થતો.” વિરાટ હસ્યો.

          દક્ષાએ દરવાજો અંદરથી બંધ કર્યો જેથી હવામાં ઊડતી રેત અંદર દાખલ ન થાય.

          “કૃપા કેમ દેખાતી નથી?” એણે પુછ્યું.

          “એ માછીમારો સાથે ગઈ છે.” દક્ષાએ કહ્યું, “એ લોકો ચેનલ ખૂલે ત્યાં માછલીઓ પકડવા ગયા છે.”

          વિરાટે કશું બોલ્યા વિના માથું હલાવી એ સમજી ગયો છે એમ કહ્યું. દક્ષાના પિતા હયાત નહોતા. એ અને તેની મા સુજાતાએ આજીવિકા માટે સંઘર્ષ કરવો પડતો. કૃપા હજુ નાની હતી. એ લગભગ પંદર વર્ષની હતી પણ તેનામાં વિરાટ જેમ કંઈક અલગ હતું. તેની ઉમરના બીજા બાળકો રમવામાં ધ્યાન આપતા એ ઉમરે એ માછીમારો સાથે માછલા પકડાતાં શીખતી એટલે એ પરિવારને મદદ કરી શકે. પરિવારને ચાહવાવાળા લોકો વિરાટને ગમતા.

          ભગવાનનો આભાર. વિરાટે મનોમન કહ્યું. તેનો મતલબ પ્રલય પહેલા જે ભગવાન આકાશના સિતારા સાથે રહેતા એ ભગવાનનો આભાર કે દક્ષાના પિતા શિકારી હતા અને તેમણે દક્ષાને ચેનલના છેવાડાવાળા જંગલમાં શિકાર કરતાં શીખવ્યું હતું. દક્ષા એના પિતા પાસેથી જંગલી વનસ્પતિઓને ઓળખતા અને એકઠી કરતાં પણ શીખી હતી. એ જંગલમાંથી કેટલીયે પેદાશો એકઠી કરી લાવતી અને દીવાલની આ તરફ રહેતા વચેટિયાઓ અને કલેકટરો જેવા અમીર લોકોને વેચી એના પરિવાર માટે જરૂરી સિક્કા કમાઈ લેતી એટલે તેની માને ખાણોમાં કામ કરવા ન જવું પડતું.

          દક્ષાના પિતા જટાધ, એક શિકારી હતા. જંગલમાં છાનેછાને ભટકાવાને લીધે તેને કેટલાય કંદમૂળ અને ઔષધીઓનું જ્ઞાન હતું. દક્ષાને એ બધુ શીખવા મળ્યું હતું. એકવાર વિરાટ તેની ઝૂંપડી પર મોજલી પાથરતા પડી ગયો અને પછાડ લાગ્યો ત્યારે દક્ષાએ તેને કોઈ અજીબ મૂળિયાં વાટી એનો રસ પાયો હતો. જે પીધા પછી તેને બે દિવસ સુધી પેટમાથી અજીબ વાસ આવ્યા કરી હતી પણ શરીરની બધી કળતર મટી ગઈ હતી.

          દક્ષામાં એ સિવાય પણ ઘણા ગુણ હતા. તેને જંગલની કઈ વનસ્પતિ ખાવા લાયક છે અને કઈ વનસ્પતિ ઝેરી છે તેની જાણકારી હતી.

          “બેસને દીકરા.” સુજાતાએ કહ્યું. દક્ષાની મા વિરાટને દીકરા કહેતી અને વિરાટ તેને મા કહેતો કેમકે એ બાળપણમાં પોતાની ઝૂંપડી કરતાં પણ વધુ સમય એમના આંગણમાં વિતાવતો. વિરાટ તેનો આભાર માની વાંસના ખાટલા પર બેઠો.

          “તો આજે દીવાલની પેલી તરફ જવાનો છે તું?” સુજાતાના અવાજમાં પણ અનુજાના અવાજ જેવી જ ઉદાસી હતી.

          “હા પણ મને એ જ નથી સમજાતું કે આપણે ત્યાં જવા નથી માંગતા તો પછી આપણે ત્યાં કેમ જવું પડે છે?”

          “ખબર નહીં દીકરા, પણ આપણે જવું જ પડે છે.” સુજાતાએ તેની નજીક જઈ વહાલથી તેનું કપાળ ચૂમ્યું અને તેની પાસે ખાટલા પર બેઠી.

          “કમ-સે-કમ શૂન્ય યુવતીઓને તો દીવાલની પેલી તરફ જોખમી કામ કરવા ન જવું જોઈએ.” વિરાટે કહ્યું.

          “એ આપણું નસીબ છે.” સુજાતાની આંખોમાં પાણી આવી ગયું, “નસીબ સામે કોઈ લડી શકતું નથી.”

          “તમે નસીબમાં માનો છો, મા?” વિરાટે પુછ્યું.

          “કેમ ન માનું?” એ બોલી, “દરેક માણસનું નસીબ હોય છે અને એમાં લખ્યા પ્રમાણે થાય છે.”

          “પણ નસીબ માણસોને હોય છે શૂન્યો ને નહીં.” વિરાટે જરા ઉશ્કેરાઈને કહ્યું, “શૂન્યોને કોઈ માણસ ગણે જ ક્યાં છે?”

          સુજાતા તેના ગુસ્સાથી જરાય ચલિત ન થઈ હોય એમ ઠંડે અવાજે બોલી, “છતાં વિધાતા આપણાં નસીબ લખે છે.”

          “કેમ?” વિરાટને ભગવાન અને વિધાતા એ બધામાં વિશ્વાસ નહોતો, “આપણે શૂન્યો તો અછૂત છીએ. વેપારીઓ કે દેવતાઓ આપણને સ્પર્શે તો અભડાઈ જાય છે તો વિધાતા આપણને કેમ સ્પર્શે? અને આપણને સ્પર્શ્યા વિના એ આપણું નસીબ શી રીતે લખતો હશે?”

          “મને ખબર નથી.” સુજાતાએ દક્ષા સામે જોયું, “વિરાટને ઠંડા પાણીનો કળશ આપ. એનું મગજ બહાર તાપી ગયું છે એટલે કામ નથી કરતું.”

          દક્ષા ઊભી થઈને પાણીના માટલાં પાસે ગઈ. પાણીનો કળશ ભરી એ અડધું પાણી ત્યાં જ પી ગઈ અને બાકીનું પોતાના ચહેરા પર છાંટ્યું. એ એના ગુસ્સાની ચોક્કસ નિશાની હતી. એ ગુસ્સે થાય ત્યારે એમ જ કરતી.

          “હવે તને શું થયું?” સુજાતા બબડી, “પાણીની જરૂર એને છે.”

          “મારે પણ છે. જ્યારે પણ વિરાટ જાણે શૂન્ય નહીં પણ કોઈ બીજું જ હોય એમ વાત કરે ત્યારે મને ગુસ્સો આવે છે.” દક્ષાએ ફરી કળશ ભર્યો અને ખાટલા પાસે આવી.

          “લે...” વિરાટને હાથમાં કળશ આપી તે બરાડી, “તને ખબર છે કે આપણે શૂન્યો છીએ અને આપણને પ્રશ્નો કરવાનો હક્ક નથી તો શું કામ આખો દિવસ આ અને તે વિચાર્યા કરે છે?”

          “હું નથી જાણતો કેમ પણ મારા ન ઇચ્છવા છતાં ઉત્સુકતાવશ હું પ્રશ્નો કરવા લાગુ છુ.” વિરાટે પાણીના બે ઘૂંટડા ભરી કળશ નીચે મૂક્યો, “કોણ જાણે કેમ મારા મનને બધુ જાણવાની તાલાવેલી રહે છે.”

          “પણ આપણામાં કશું જાણવાની ઉત્સુકતા ન હોવી જોઈએ.” દક્ષા ખાટલાના પાયા પાસે જમીન પર બેઠી, “ઉત્સુકતા, બહાદુરી, ખમીર આ બધા ગુણો આપણાં નથી.”

          “પણ કેમ?” તેણે ઊંચા અવાજે પૂછ્યું, “કેમ આપણે એમ વિચારીએ છીએ કે આપણે બહાદુરી ન બતાવી શકીએ? કેમ બહાદુરી બતાવવાનો હક માત્ર નિર્ભય સિપાહીઓને જ છે?” વિરાટને ફરી ગુસ્સો આવ્યો પણ તેણે અવાજ શાંત કર્યો, “મને ઇચ્છા કે ઉત્સુકતા થાય એમાં ખોટું શું છે?”

          “ખોટું કશું નથી, બેટા.” સુજાતાએ જવાબ આપ્યો, “પણ ઘણીવાર ઉત્સુકતાના તાબે થઈ આપણે આપણાં ભયની સીમાઓને ઓળંગી નાખીએ છીએ અને તબાહી વહોરી લઈએ છીએ. પ્રલય પહેલા પણ કંઈક એવું જ થયું હતું. બધુ જાણી લેવાની ઘેલછામાં માનવ પ્રલયને આમંત્રણ આપી બેઠો હતો.” સુજાતાએ વિરાટનો હાથ હાથમાં લઈ કહ્યું, “બસ મેં તને એટલા માટે જ બોલાવ્યો હતો. મને ભય છે કે...”

          “શેનો ભય?” તેણે પુછ્યું.

          “તને ખબર છે દીવાલની પેલી તરફ રૂપેશ સાથે શું થયું હતું?”

          “હા, તેણે દેવતાઓ સામે સવાલ કરવાની હિંમત કરી અને નિર્ભય સિપાહીઓની તલવારોએ એના ટુકડા કરી નાખ્યા હતા.”

          “એની માને જ્યારે એનો મૃતદેહ મળ્યો ત્યારે એ બેભાન થઈ ગઈ હતી કેમકે એની સામે એના દીકરાનું શરીર દસ ટુકડામાં હતું.” સુજાતાએ આંસુ લૂછયા. રૂપેશ સુજાતાના સગા ભાઈ રગ્નેશનો દીકરો હતો. “મને ભય છે કે તારી આતુરતાને તાબે થઈ તું પણ કોઈ ભૂલ ન કરી બેસે.”

          “હું એમને સવાલો કરું એટલો નાદાન નથી, મા.” તેણે કહ્યું. “હું મારી ઉત્સુકતાને મારા વશમાં રાખી શકું છું.”

          “હું પણ એ જ ઇચ્છું છુ કે તું તારા મન પર કાબૂ રાખી શકે.” સુજાતાએ કહ્યું, “દીવાલની પેલી તરફ જીવતા રહેવા માટે શરીરની શક્તિ કરતાં મનની શક્તિ વધુ જરૂરી છે. શારીરિક શક્તિઓ નિર્ભય સિપાહીઓથી બચાવી શકતી હોત તો આજે દક્ષા બાપ વગરની ન હોત.” સુજાતાએ એક ઊંડો નિસાસો નાખ્યો.

          “હું એવી કોઈ ભૂલ નહીં કરું, મા.” વિરાટે સુજાતાને હૈયાધારણ આપી, “હું એમની કમજોરી જાણવા પેલી તરફ જઈ રહ્યો છું. એમને મારી કમજોરીઓ બતાવવા નહીં.”

          સુજાતા વધુ કઈ ન બોલી. તેણે વિરાટના કપાળ પર ફરી ચુબન કર્યું અને તેને ગળે લગાવી રડવા લાગી. એ શાંત થઈ એટલે વિરાટે તેને પગે લાગી કહ્યું, “મા, હવે મારે જવું પડશે.”

          “હા, હજુ તારે ઘણા લોકોને મળવાનું હશે.” સુજાતાએ આસું લૂછયા, “હું પણ...”

          દક્ષા વિરાટને વળાવવા માટે દરવાજા સુધી ગઈ. પ્રાગણ બહાર નીકળતા જ એ બોલી, “કેટલા દિવસ પછી આવીશ?”

          “ત્રણેક મહિના..”

          “ત્યાં બધી વસ્તુઓ સમજી લેવાની જીજ્ઞાસા મત રાખજે.” તડકામાં એક આંસુ એની આંખમાં મોતી જેમ ચમક્યું, “અને કોઈને શક ન પડવા દેતો કે તું જ્ઞાની છે.”

          “હું કોઈને શક નહીં પડવા દઉં.” વિરાટે કહ્યું, “હું કે મારા પિતા હાજર ન હોઈએ ત્યારે તું મારી માનું ધ્યાન રાખજે.” વિરાટને ખબર જ હતી કે એ માનું ધ્યાન રાખશે છતાં એ કહ્યા વિના ન રહી શક્યો.

          “તને શું લાગે છે તું નહીં કહે તો હું ધ્યાન નહીં રાખું?” વિરાટને જરા ધક્કો આપી એ હસી, “એ મારી પણ મા છે.”

          “તું રાખીશ.” તેણે કહ્યું. એ પછી દક્ષા તેને છેલ્લીવાર ભેટી અને તેની આંખોમાં રોકી રાખેલા આસુઓને છૂટથી બહાર આવવા દીધા.

          આંસુ વહાવી હૃદય હળવું કરી એ રૂંધાતા અવાજે બોલી, “ગમે તે થાય બસ જીવતો પાછો આવજે.”

          “હું પ્રયત્ન કરીશ.” વિરાટે એને હસાવવા પ્રયત્ન કર્યો પણ એ ન હસી.

          વિરાટ ઝાંપા બહાર નીકળ્યો અને તેની ઝૂંપડી તરફ ચાલવા લાગ્યો. શેરીના વળાંકમાં વળતાં પહેલા તેણે છેલ્લીવાર પાછળ જોયું. દક્ષા હજુ ત્યાં જ ઊભી હતી. તેના ચહેરા પર વિષાદના વાદળો ઘેરાયેલા હતા.

ક્રમશ: