સંગીતનું સંગ્રહસ્થાન, બેંગલોર SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગીતનું સંગ્રહસ્થાન, બેંગલોર

આજે વાત કરું છું બેંગલોરનાં ઇન્ડિયન મ્યૂઝિક એક્સપીરિયન્સ મ્યુઝીયમની. ઓછી જાણીતી પણ ખૂબ સુંદર જગ્યા.
એ જે.પી. નગર ફેઝ 7 ખાતે આવેલું છે. ટિકિટ ઓનલાઇન બુક પણ થાય છે અને ત્યાં પણ મળે છે. ટિકિટ બતાવો એટલે હાથમાં પીળો પટ્ટો મ્યુઝીયમનાં નામ વાળો પહેરવા આપે પછી એન્ટ્રી એ સ્કેન કરીને.
ત્રણ માળનું મ્યુઝીયમ છે.
ભારતનું આ પ્રકારનું પહેલું અને એક માત્ર મ્યુઝીયમ છે જે ઇન્ટરેક્ટિવ એટલે તમે પોતે કોઈ ક્રિયા કરો અને પ્રતિભાવ પણ આપે તેવું છે. સહકુટુંબ આનંદ માણવાની જગ્યા પણ ગણી શકાય.
અહી કલાસિકલ, પ્રાદેશિક, બોલીવુડ, ભક્તિ સંગીત, ફ્યુઝન બધું જોવા સાથે માણી પણ શકાશે.
દરેક વિભાગ અલગ અલગ થીમ ગેલેરી માં વહેંચાયેલો છે.
અંદર ઘણી ખરી જગ્યાએ પીળી ડીમ લાઈટ છે જેથી શાંતિમાં સંગીતનો અનુભવ થાય.
પ્રવેશતાં જ પહેલાં ત્રીજે માળ જવાનું. મ્યુઝીયમ ની શરૂઆત ત્યાંથી થાય છે. ત્યાં ઓપન થીએટરની જેમ અર્ધગોળાકારમાં મુંઢા જેવી ચેર સામે લગભગ 270 અંશનો પડદો છે જેમાં એક નાની બાળા તેની મા ને સંગીત શું છે તે પૂછે છે અને તેની મા સમજાવે છે કે દરેક અવાજ અમુક લયમાં હોય તો સંગીત પેદા કરી શકે છે. વાતો પવન, બળદના ઘૂઘરા, ખાંડણીમાં ખાંડવું, પક્ષીઓ અને પ્રાણીઓના અવાજો વગેરે. નાદ અને સ્વર શું છે તે સમજાવે છે. સરસ ફિલ્મ ગોળ ફરતી પટ્ટી પર ચારે બાજુ જોવાની.
પછી આગળ નવ રસ કયા છે અને તે મનુષ્યની મૂળભૂત નવ લાગણીઓ, emotions છે તે સમજાવ્યું. આગળ મોગલ, બંગાળી, બનારસી વગેરે ઘરાના નાં સંગીતનાં વાદ્યોનાં ચિત્રો હતાં.
પછી એક મોટી પરસાળમાં લાઈનબંધ આડી ટર્મિનલો જોઈ જેમાં ટચ સ્ક્રીનને અડી તમારું ગમતું ગીત કે સંગીત અને એના ત્રણેક પ્રકાર (કદાચ ફાસ્ટ, ધીમો વગેરે) સિલેક્ટ કરી બે ઇયરફોન લટકાવેલાં હોય તે તમારા કાન પર લગાવી સાંભળો. આમ બે વ્યક્તિઓ એક સાથે સાંભળી શકે.
અમુક તો, મને સંગીતનું જ્ઞાન ન હોવા છતાં
માત્ર આંખ બંધ કરી એ સ્ટીરીયો ઇફેક્ટ વાળું સંગીત સાંભળી મન પ્રસન્ન અને ખૂબ રિલેક્સ થઈ ગયું. સંગીતની આ જ તો અસર છે.
એક પેસેજમાં સાચી રિક્ષા મૂકી તમારે તેમાં બેસી સામેના સ્ક્રીન પર ચાલતું સંગીત જોવાનું. ફિલ્મી કે લોકગીત ચાલતું હોય. લોકો ફોટા પડાવવા જ એમાં બેસતા. હું પણ બેઠો.
આગળ વળી એક માઈકમાં તમારે કાઈંક ગાવાનું અને સામે અવાજની પટ્ટીઓ આવે. એ કયા રાગને મળતી આવી એ સ્ક્રીન પર લખેલું આવે અને create your own tune નો પણ ઓપ્શન હતો. મેં શત સૃષ્ટિ તાંડવ રચયિતા.. બે કડી ગાઈ. કદાચ ભૈરવ લખેલું આવ્યું.
એક મોટાં મ્યુરલ દ્વારા દિવસના કયા ભાગમાં ક્યો રાગ ગવાય છે તે સમજાવેલું.
ત્યાર બાદ તોડી શું છે, ભૈરવી શું છે, ખયાલ શું છે જેવી સમજ સચિત્ર અને ઇયરફોન દ્વારા પીસ સાંભળીને એવું હતું.
કોઈ જગ્યાએ લોકવાદ્યો સાથે કલાકારો નાં શેરીમાં ફરતાં મોડેલો, એની શોર્ટ ફિલ્મ ક્લિપ વગેરે હતું. એકજ જગ્યાએ future star એવું લખી સામે અરીસો. તમે પોતે.
ભક્તિ સંગીત ના વિભાગમાં ક્યાંક ઝૂલા ઝૂલે પ્યારી રાધા જેવું રાજસ્થાની ગીત તો ક્યાંક એક સાથે મૃદંગ કે ઢોલ જેવાં વાદ્ય વગાડતા દક્ષિણી પુરુષો તો ક્યાંક ઝાડ નીચે બેસી બંગાળીમાં ગાતો લોક કલાકાર જોયા.
એક જગ્યાએ સામે સ્ક્રીન હોય એના સાઈડમાં ટચ સ્ક્રીન થી તમારે ઝાકીર હુસેન, એલ. સુબ્રમણ્યમ, બિસ્મિલ્લાખાન વગેરેમાંથી કોને સાંભળવા છે તે સિલેક્ટ કરો, તેની એક ધુન પસંદ કરો અને સાંભળો.
પછી ઉતરીને જાઓ બીજે માળ. અહીં રેકોર્ડિંગ અને ફિલ્મોની ક્લિપ્સ છે. રેકોર્ડિંગ માટે HMVની રેકોર્ડ્સના અવાજો જે તે વખતના ગાયકોના સાંભળો. પછી રેડીયો, ટીવીની ક્લિપ્સ જોવા મળે. જૂની આકાશવાણી અને દૂરદર્શનની સિગ્નેચર ટયુન પણ સાંભળી. પછી નવાં રેકોર્ડિંગ માધ્યમો, હવે લુપ્ત થવા આવેલી સીડી અને લેટેસ્ટ ડિજિટલ રેકોર્ડિંગ સાથે ક્લિપ્સ જોઈ અને સાંભળી.
પછી રીતસરના બાયોસ્કોપ્સનાં ભૂંગળાં માં જોઈ ફિલ્મની ક્લિપ્સ જોવાની. જૂની થી માંડી નવી. તેમાં સંગીતનાં અલગ અલગ વાદ્યો અને તેની ઇફેક્ટ વિશે સમજ.
પછી અલગ અલગ સંગીત પ્રથાઓ જેમ કે રવીન્દ્ર સંગીત, કર્ણાટકી સંગીત વગેરે. ગુજરાતમાં લોકસંગીત માં અવિનાશ વ્યાસનું પ્રદાન અને મૂળ બંગાળી ગાયિકા ગીતા દત્તે ગાયેલી મહત્તમ તરજોની ક્લિપ્સ વિડિયો સાથે જોઈ. ત્યાર બાદ બેકગ્રાઉન્ડ અવાજનું મહત્વ દર્શાવવા શોલે નું 'ઇસ પિસ્તોલ મેં તીન ગોલિયાં ..' થી શરૂ કરી અમઝદખાનનાં સ્ટેપ્સનો અવાજ વગેરે અને બરફી ફિલ્મમાં રણબીર કપૂરનું અગાશીઓ કૂદી ભાગવું એમાં કોમિક, ડરાવણું, રહસ્ય, ચેઇઝ નું થ્રીલર મ્યૂઝિક વગેરે ની સમજ વિડિયો સાથે જોઈ.
એ પછી દરેક 45 સેકંડની નાની વિડિયો ક્લિપ સિલેક્ટ કરો એટલે ફિલ્મોમાં દરેક પ્રકારના રાગ, તાલ, વાજિંત્રો વગેરેના ઉપયોગ ની ક્લિપ્સ જોવા મળે.
એક મીની થિએટરમાં છત ઉપરના સ્ક્રીનમાં રંગોળીની જેમ અવાજ સાથેની ભાત જોવાની. એક જાતની 3ડી ફિલ્મ ક્લિપ જેવું.
પછી છેલ્લે ઉતરો પહેલે માળ. આવતાં જ એક મોટું, ચમકતો પોલિશ કરેલું પિયાનો તમારું સ્વાગત કરે.
અલગ અલગ વાદ્યો સાથે ક્યાંક તે વગાડતા કલાકારોના ફોટા કે વિડિયો. ડિજિટલ હાર્મોનિયમ અને આપણા પેટી હાર્મોનિયમ સાથે ફૂટ હાર્મોનિયમ જોયું. કોઈ જગ્યાએ તમારે પોતે નગારા પર દાંડી મારવાની જે ખરેખર ડિજિટલ સાઉન્ડ હતો. ફન ખાતર મેં પણ તે વગાડી ફોટો પડાવ્યો. એવા જ આપણા પ્રસંગોમાં વપરાતાં વાદ્યો જેમ કે વરઘોડામાં બેન્ડ વગેરે. જોઈએ તો તેની સાથે ફોટો ખેંચો.
ડિજિટલ જલતરંગ વગેરેના અવાજો ટચ સ્ક્રીનથી સાંભળ્યા.
એક વિશાળ ગેલેરીમાં ઊભી ઉપરથી દરેક પ્રકારનાં વાદ્યો જુઓ. મોં એથી ફૂંક મારી જેવાં કે શરણાઈ, ભૂંગળ, હાથેથી જેમ કે તબલાં, જાત જાતના ઢોલ, મૃદંગ, ઘટમ, વીંટી પહેરી વગાડવાની પિત્તળની ગાગર વગેરે.
બહાર નીકળો એટલે મ્યૂઝિક ગાર્ડન આવે. ત્યાં પણ એક નાના હોજમાંથી પાણીવાળો હાથ કરી એક પત્થર પર ફેરવો એટલે સંગીત પેદા થાય, લાઇનબંધ પટ્ટીઓ પર દાંડી ઠોકી હાર્મોનિયમની જેમ અવાજો કરો વગેરે ફન એક્ટીવિટી હતી.
આ બધું જોવામાં બે કલાક ઉપર સમય ક્યાં નીકળી ગયો તે ખબર ન પડી.
વર્ષોની મહેનત બાદ અસ્તિત્વમાં આવેલી આ જ્ઞાન સાથે પૂરતી ગમ્મત પીરસતી જગ્યાની એક વાર જરૂર મુલાકાત લેવા જેવી.