An innocent love - Part 40 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An innocent love - Part 40

પાછળના ભાગમાં આપણે જોયું કે...
 
 
"પણ કેમ? એને આપણી સાથે રાખી લેવી જોઈએ ને? મે અને સુમીએ નક્કી કર્યું હતું કે કઈ પણ થાય અમે બંને સાથે રહીશું, તો એ મને મૂકી ને જાય જ નહિ. અને મને મળ્યા વગર પણ ન જ જાય. મારી સુમી એવું કરે જ નહિ. તમે બધા ખોટું બોલો છો. જરૂર એ રમત કરતી ક્યાંક સંતાઈ ગઈ છે." રાઘવ દલીલ કરતો બોલ્યો.
 
"પણ એતો સૂતી હતી ત્યારે જ મા એને કાનજી કાકા પાસે મૂકી આવી હતી અને રાતના જ એ લોકો ખટારો લઈને નીકળી ગયા. જેથી તમે બંને સૂતા હોવ એટલે કોઈ રડારોળ કરો નહિ. હવે તો તે શહેર પહોંચી પણ ગઈ હશે અને એયને લેર કરતી હશે ત્યાં. હેને મા?" મીરા રાઘવ પાસે આવીને સડસડાટ બોલી ગઈ.
 
 
હવે આગળ.......
 
મમતા બહેનને હવે શું કહેવું કઈ ન સમજાયું. તેમને મીરા ઉપર અતિશય ગુસ્સો આવી રહ્યો હતો.
 
"તને કોણે ચાંપલાશ વેડા કરવાનું કહ્યું? ચૂપ મર ને." મમતા બહેનને આટલા વર્ષોમાં પહેલીવાર મીરા ઉપર ગુસ્સો આવી રહ્યો હતો.
 
"મે શું ખોટું કહ્યું મા તો તું મને લડે છે? મે તને રાતના સુમનને ઉંચકીને લઈ જતી જોઈ હતી. તે જ એને કાનજી કાકાના ખોળામાં સુવાડી હતી જ્યારે પેલો ખટારો ઉપડ્યો હતો. મે બધું જોયું હતું ", મીરા માનાં ગુસ્સા સામે પોતાનો બચાવ કરતા બોલી.
 
"તને કહ્યું ને ચૂપ." મીરાને એક સટાક કરતો લાફો મારતા મમતા બહેન બોલ્યા.
 
પહેલીવાર મમતા બહેને પોતાના બાળકોમાંથી કોઈ ઉપર હાથ ઉઠાવ્યો હતો. તેમણે મીરાને લાફો તો મારી દિધો પણ એમનું હૃદય કોચવાઈ રહ્યું હતું. પણ આ મીરાને કેમ કોઈ સમજ નહોતી પડી રહી,તે બસ બોલ્યે જતી હતી. તેના આવું બોલવાથી રાઘવ ઉપર શું અસર થશે તેવું કેમ મીરાને સમજાઈ રહ્યું નહોતું? એમ વિચારીને એમને મનોમન ગુસ્સો આવી રહ્યો હતો.
 
છોકરાઓ ઉપર હાથ ઉઠાવવો તેવું મમતા બહેન ક્યારેય માનતા નહિ, તે હંમેશા સમજાવટથી કામ લેવામાં માનતા, અને એટલે જ બધા બાળકો મમતા બહેન સાથે લાગણીના તાંતણે જોડાઈને પ્રેમ પૂર્વક રહેતા. હા, મીરા ક્યારેક માનતી કે સુમનને પોતાના કરતાં વધારે માનપાન મળે છે. પોતે આં ઘરની સગ્ગી દીકરી હોવા છતાં પોતાના કરતાં વધારે પ્રેમ સુમનને મળે છે. એટલે સુમનના જવાથી તે થોડી ખુશ હતી. પણ આજે માએ પોતાને ખોટું માર્યું એમ વિચારતા મીરાને લાગી આવતા તે રડતી રડતી ઘરમાં દોડી ગઈ, અને તેની પાછળ કિશોર પણ ગયો.
 
મીરા સાથેની માથાકૂટમાં મમતા બહેન રાઘવની હાજરી ભૂલી જ ગયા.અચાનક તેમને રાઘવ યાદ આવ્યો અને ધડકતા હૃદયે તેના તરફ ફર્યા.
 
રાઘવ ત્યાં સ્થિર આંખોએ મમતા બહેનને તાકતો ઉભો હતો. એની આંખોમાં મમતા બહેનને એક સૂનકાર દેખાયો. તે આંખોના આંસુ સુકાઈ ગયા હતા. તે ઉભો ઊભો પૂરો ધ્રુજી રહ્યો હતો. તેના હોઠ કંઈ કહેવા માંગતા હોય એમ ફફડી રહ્યા હતા પણ એનો અવાજ જાણે રૂંધાઇ રહ્યો હતો.
 
"રાઘવ દીકરા, હું કહું તને બધું." મમતા બહેન રાઘવની નજીક જતાં બોલ્યા.
 
"મમ્મી તે એવું કેમ કર્યું મારી સાથે?" રાઘવ એકદમ શાંત આવજે બોલ્યો પણ એની આંખોમાં મમતા બહેનને પોતાના પ્રત્યે ભરોભાર ગુસ્સો દેખાઈ આવતો હતો.
 
"દીકરા આવ મારી પાસે હું તને બધી વાત કરવાની જ હતી", મમતા બહેન થોડા વધારે આગળ જઈ રાઘવનો હાથ પકડી એને પોતાની તરફ ખેંચતા બોલ્યા.
 
"તું બધું જાણતી હતી ને મમ્મી! તે મને અને સુમીને ખોટું કહ્યું, અને અમને બહાનાથી સુવાડીને મારી સુમીને મોકલી દીધી. આ બધું તે જ કર્યું છે મમ્મી. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. હું તારી સાથે હવેથી કોઈ વાત નથી કરવા માંગતો. તું ચાલી જાં અહીંથી", એટલું બોલી પોતાનો હાથ મમતા બહેનના હથોમાંથી એક ઝાટકે છોડાવી રાઘવ રડતો ત્યાંથી નીકળી ગયો.
 
રાઘવની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા અને તેના પગ દોડી રહ્યા હતા. તેને લાગી રહ્યું હતું જાણે સુમી હજુ પણ આસપાસ છે. એ મૃગજળ સમી યાદો જે હવે ફક્ત પડછાયો બની રહી હતી, તેના પાછળ ભાગતો રાઘવ એજ પીપળાના ઝાડ આગળ આવી અટક્યો.
 
"ક્યાં હતો તું? હું ક્યારની તારી વાટ જોતી હતી. ચાલ હવે જલ્દી કર મને ઝૂલા ઝૂલાવી દે."
 
રાઘવે જોયું તો સામે પીપળાની ડાળીએ બનાવેલ ઝૂલા ઉપર બેઠેલી સુમી થોડા ગુસ્સામાં તો થોડા લાડમાં પોતાને પોતાની તરફ બે હાથ ફેલાવી બોલાવી રહી હતી.
 
"અરે શું કરે છે. આમ બંને હાથ છોડી દીધા. પડી જઈશ." રાઘવ સુમન તરફ દોડતો બોલ્યો.
 
પણ ત્યાં સુધી તો સુમનનાં બંને હાથ છુટ્ટા હોવાના કારણે એનું બેલેન્સ બગડ્યું અને તે ઝૂલા પરથી નીચે પડી.
 
રાઘવ દોડીને તેને પકડીલે તે પહેલાં તો સુમન જમીન પર પડતા જ ધુમાડો બની હવામાં ઓગળી ગઈ. અને સુમીના નામની હૃદયભેદી ગુંજથી પીપળા ઉપર રહેલા પક્ષીઓ પણ જાણે ગભરાઈને અહી તહી ઉડવા લાગ્યા.
 
"ધડામ..", એક મોટો અવાજ આવ્યો અને કાનજી ભાઈ અને તેમના ભાઈ ભાભી રુમ તરફ દોડ્યા.
 
અંદર બેડ ઉપર સૂતી સુમન જમીન ઉપર પડી હતી. ગભરાહટથી ભરેલી તેની નજરો ચારે તરફ ફરી રહી હતી અને જાણે કઈ શોધી રહી હતી.
 
"બાપુ રાઘવ મને પીપળે ઝૂલા ઝૂલાવવા જઈ રહ્યો હતો અને ત્યાજ મારું બેલેન્સ બગડતા હું પડી ગઈ. પણ હું આં અહી ક્યાં આવીનેં પડી?" હકીકતથી અજાણ સુમન પોતાના સપનાને હકીકત સમજી બેઠી હતી.
 
"તું તો સૂતી હતી દીકરી. જરૂર તને સપનું આવ્યું હશે. તને વાગ્યું તો નથી ને મારી દીકરી. લાવ બતાવ જોઈએ.", કોઈ અજાણી સ્ત્રીને પોતાની તરફ આવતી જોઈ સુમન કાનજી ભાઈની સોડમાં લપાઈ ગઈ.
 
"બાપુ આં બધું શું છે મને કઈ નથી સમજાઈ રહ્યું. આપણે આ કઈ જગ્યા આવી ગયા, અને આ માસી કોણ છે?"
સુમનને હજુ પણ સમજાઈ નહોતું રહ્યું કે એતો રાઘવની સાથે મમતા બહેનની સોડમાં સૂઈ ગઈ હતી. અને ઊઠી ત્યારે પોતે કોઈ અલગ જગ્યાએ આવી પહોંચી હતી.
 
"દીકરી એ માસી નહિ તારી મા સમાન કાકી છે. એમને આજથી તારી મા જ સમજી લે. આપણે અહી શહેરમાં તારા કાકા સાથે એમના ઘરે આવ્યા છીએ. અને હવે એમના ઘરે જ રહેવાના છીએ", કાનજી ભાઈ સુમનના માથે હાથ ફેરવતા બોલ્યા.
 
આ સાંભળતાં જ માથા પર ફરી રહેલ કાનજી ભાઈના હાથ જાણે અચાનક ભારે થઈ રહ્યા હોય એમ સુમનને લાગ્યું. તે હાથના વજન નીચે એનું માથું પીસાવા લાગ્યું હોય અને હજારો સણકા ઉપડ્યા હોય એમ તે ફાટ ફાટ થઈ રહ્યું હતું. સુમન પોતાનું પૂરેપૂરું બળ લગાવતી કાનજી ભાઈનો હાથ હડસેલી ઊભી થઈ ગઈ. અને તેણે માથું પકડતાં રૂમ બહાર ડોટ મૂકી.
 
 
🌺વિચાર્યું નહોતું આવો સમય પણ આવશે,
વિખૂટા પડવાનો આવો દિવસ પણ આવશે...
 
બાળપણના સાથી એવા ક્યાં હવે મળશે,
દિલના હમદર્દ એવા ક્યાં હવે મળશે...🌺
 
 
***
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)