ગજાનન શ્રીગણેશ ..એટલે તો પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનન. શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે.શ્રીગણેશે ગજમુખ ધારણ કર્યાની કથા તો આપ સૌને ખ્યાલ હશે. ગણેશજી સતયુગ અને ત્રેતા યુગમાં વિનાયક તેમજ દ્વાપર અને કળિયુગમાં ગજાનન કહેવાયા.
ગણેશજીના આમ તો અસંખ્ય અવતાર છે પરંતુ તેમના આઠ અવતારો ખૂબ જ પ્રસિધ્ધ છે.
વક્રતુંડ, એકદંત, મનોહર, ગજાનન, લંબોધર, વિકેટ, વિધ્નરાજ અને ધૂમ્રવર્ણ.
ગણપતિ બાપ્પા તો એકદંતા તરીકે પણ ઓળખાય છે, ત્યારે આજે તો અમારે આપને જણાવવી છે ગજાનનના તૂટેલા દાંતની કથા. કેટલીક લોક મુખે ચર્ચાતી, તો કેટલીક કથાઓનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. આવો જાણીએ ગણેશજીના એકદંતા બનવાની મુખ્ય ચાર રોચક કથા.
મહાકાવ્ય મહાભારતને લખતી વખતે સ્વયં તોડ્યો દાંત ! એક કથા એવી છે કે મહર્ષિ વેદ વ્યાસ જ્યારે મહાકાવ્ય મહાભારતની રચના કરી રહ્યા હતા ત્યારે તેમને એક એવા લખનારની જરૂર હતી કે જે અવિરત લખ્યા કરે અને મહર્ષિને તેમની વાણીને રોકવી ન પડે. ત્યારે રિદ્ધિ-સિદ્ધિના દાતા સ્વયં શ્રીગણેશે મહાભારત લખવાની શરૂઆત કરી. કથા અનુસાર અવિરત લખાવી રહેલા મહર્ષિના શબ્દોને પહોંચી વળવા માટે ગણેશજીને એક મજબૂત લેખનીની જરૂર હતી. એટલે જ, જરૂર પડે ગણેશજીએ પોતાનો એક દાંત તોડી તેની જ લેખની બનાવી દીધી હોવાની માન્યતા છે.
ગજમુખાસુરના વધ માટે શ્રીગણેશ બન્યા એકદંત ! ગણેશજીના એકદંત નામ પાછળ ગજમુખાસુર નામના અસુરની કથા પણ જોડાયેલી છે. ગજમુખાસુરને વરદાન હતું કે તેનું કોઈ શસ્ત્રથી મૃત્યુ નહીં થાય. ઋષિઓ અને દેવતાઓને જ્યારે ગજમુખાસુર ખુબ પરેશાન કરવા લાગ્યો ત્યારે સૌની રક્ષા માટે ગજાનન શ્રીગણેશે સ્વયંનો દાંત તોડ્યો અને અને તેનાથી ગજમુખાસુરનો વધ કરી સૌને ભયમુક્ત કર્યા.
ભાઈ કાર્તિકેયે જ તોડ્યો ગણેશજીનો દાંત આમ તો ગજાનનનું એક નામ વિઘ્નેશ્વર પણ છે. પણ એક કથા અનુસાર જ્યારે કાર્તિકેય એક શ્રેષ્ઠ ગ્રંથનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે ગણેશજી તેમાં વિઘ્ન ઉત્પન્ન કરી રહ્યા હતા. તેથી ક્રોધિત કાર્તિકેયજીએ ગણેશજીનો એક દાંત પકડીને તોડી દીધો. એવું કહેવાય છે કે કાર્તિકેય અને ગણેશજીના પિતા મહાદેવને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે દાંત પાછો અપાવ્યો. જોકે કથા એવી પણ છે કે કાર્તિકેયજીએ ગણેશજીને કહ્યું કે તુટેલો દાંત તેમણે હંમેશા પોતાના હાથમાં રાખવો પડશે, તેમણે શ્રાપ આપ્યો કે જો ગણપતિ આ દાંતને પોતાનાથી અલગ કરશે તો તે દાંત તેને ભસ્મિભૂત કરી દેશે. એ જ કારણ છે કે કેટલાંક સ્થાન પર ગણેશ પ્રતિમા દાંતમાં હાથ સાથે જોવા મળે છે.
પરશુરામના પરશુના પ્રહારથી તૂટ્યો ગણેશજીનો દાંત એક કથા અનુસાર એકવાર દેવી પાર્વતી અને ભગવાન શિવ જ્યારે શયન કરી રહ્યા હતા ત્યારે ગણેશજી ત્યાં પહેરો આપી રહ્યા હતા. તે જ સમયે પરશુરામજી કૈલાસ પહોંચ્યા અને મહાદેવને મળવાની તિવ્ર ઉત્કંઠા પ્રગટ કરી. પણ શિવજી અને માતા પાર્વતી આરામ કરી રહ્યા હોઈ ગણેશજીએ તેમને મળવા જતાં અટકાવ્યા. બસ આ જ કારણે પરશુરામજી ક્રોધિત થઈ ગયા અને ગણેશજી સાથે યુદ્ધ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે યુદ્ધમાં પરાજિત થયેલા પરશુરામ વધુ ક્રોધિત થઈ ગયા અને સ્વયં મહાદેવે આપેલા પરશુ એટલે કે ફરસીથી ગણેશજી પર પ્રહાર કરતાં ગણેશજીનો દાંત તૂટી ગયો અને ગણેશજી એકદંત કહેવાયા. ગણેશ પુરાણના ચોથા ખંડના સાતમા અધ્યાયમાં ગણેશજીની એકદંત હોવાની આ કથા વર્ણિત છે.