શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “
અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.
ગુરૂની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યુ છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે.
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય !
ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
ગુરુઓની પરંપરાનો ઉલ્લેખ કરતા શાસ્ત્રકારો બતાવે છે કે આદિ ગુરુ નારાયણ ત્યારબાદ બ્રહ્મા, વશિષ્ઠ, શકિત, પરાશર, વ્યાસ, શુકદેવજી, ગૌડપાદ, ગોવિન્દમુનિ, શંકરાચાર્ય, પદ્મપાદ, હસ્તામલક, તોટકાચાર્ય અને સુરેશ્વરાચાર્ય આ તમામ ગુરુઓની પરંપરામાં આવે છે, ગુરુ પૂર્ણિમાના દિવસે શંકરાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, મધવાચાર્ય અને વલ્લભાચાર્ય આ તમામ ગુરુઓના શિષ્યો, અનુયાયીઓ તેઓની પૂજા, પાદુકા અર્ચન કરી ચાતુર્માસનો આરંભ કરે છે, ગુરુ પૂર્ણિમા એ ગુરુ દક્ષિણાનું વિશેષ મહત્વ છે, ગુરુ પ્રત્યે શિષ્યનું સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ શરણાગતિ એજ ગુરુ દક્ષિણા.
શિષ્યોના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. ગુરુ દીપકની જેમ જાતે જલીને શિષ્યોના જીવનમાં પ્રકાશ પાથરે છે. જીવનના ખરાબ માર્ગેથી બહાર લાવીને સાચો માર્ગ બતાવે એ ગુરુ. બીજા શબ્દોમાં કહીએ તો ગુરુ એટલે સાચા પથદર્શક , સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક.
“ગુરુ ગોવિંદ દોનો , ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “
આજના સમયમાં શિક્ષણ વ્યવસ્થા બદલાઈ છે. ગુરુનું સ્થાન શિક્ષકોએ લીધું છે અને પ્રાચીન આશ્રમોનું સ્થાન આજની શાળા કોલેજોએ લીધું છે. બાળક પાંચ વર્ષનો થાય ત્યારથી શિક્ષક પાસે અભ્યાસ માટે જાય છે. શિક્ષકો દ્વારા બાળકોને અક્ષરજ્ઞાનની સાથે સાથે વિવિધ કળાઓ જેવી કે સંગીત , નાટ્યકલા , નૃત્ય , ચિત્રકામ જેવી જીવનજરૂરી કલાઓનું જ્ઞાન આપવામાં આવે છે.
અભ્યાસના એકમોની સાથે સાથે મૂલ્યશિક્ષણના પાઠો અને જીવનના આદર્શનું સિંચન કરવામાં આવે છે.
બાળકોને પ્રકૃતિ પ્રેમ અને પ્રાણીઓ પ્રત્યે કરુણાના પાઠ શીખવવામાં આવે છે. વૈશ્વિક એકતા , વિશ્વ શાંતિ અને સ્ત્રી પુરુષ એકતાના પાઠો શીખવવામાં આવે છે. બાળકને પાયાના જ્ઞાનથી લઈને વિવિધ ટેકનિકલ અને અલગ અલગ શાખાઓનું જ્ઞાન આપવામાં આવે છે. એક ડોક્ટર બીજો ડોક્ટર તૈયાર નથી કરી શકતો , એક વકીલ બીજો વકીલ તૈયાર નથી કરી શકતો , એક એન્જિનિયર એક એન્જિનિયર નથી બનાવી શકતો પણ એક શિક્ષક જ છે જે આ બધાને તૈયાર કરી શકે છે. એટલે જ હંમેશા ગુરુ કે શિક્ષકનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે અને હંમેશા રહેશે.
ખરેખર આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ગુરુનું સ્થાન સૌથી શ્રેઠ માનવામાં આવે છે. આપણે હંમેશા ગુરુનો આદર કરવો જોઈએ. સાચી ગુરૂ દક્ષિણા એ જ છે કે તમે તમારાં ગુરૂ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો. અને તેનો સાચો ઉપયોગ કરી, સમાજ ઉપયોગી કાર્યો કરો , પ્રકૃતિ અને દેશની રક્ષા કરો. માનવ માનવ પ્રત્યે તેમજ પ્રકૃતિ પ્રત્યે કરુણાની ભાવના રાખો. ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ બતાવે છે....