કરજ Sagar Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરજ

"કરજ"

"મહેશ, કેમ છો બેટા? ઘણાં દિવસોથી તારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. પણ શું કરું? તે જે મોબાઇલ આપ્યો એમાંથી મને ફોન લગાવતા નથી આવડતો. જ્યારે બાજુવાળો મનસુખ મળે ત્યારે એને કહું કે મને ફોન લગાવી આપ. તું... તું તારી વાત કર. કેમ છે તારી અને વહુની તબિયત?" મહેશ સાથે વાત કરતા થરથરતા હાથે ફોન પકડતા રમલો બોલ્યો.

"હું બરાબર છું. ઈનફેક્ટ અમે બન્ને બરાબર છીએ. તમે ચિંતા કરશો નહી. ચાલો ફોન મુકું છું, મારે ઓફિસમાં ઘણું કામ છે." ટુંકમાં પતાવીને મહેશે ફોન કટ કર્યો અને પોતાની ઓફિસમાં કામ કરતી જુહી સાથે રોમેન્ટીક ચેટીંગ કરવા લાગ્યો.

"સાલું ગજબ કહેવાય...નહીં? જે મહેશને મેં અને રમલીએ પેટે પાટા બાંધીને સારા ભવિષ્ય માટે શહેર ભણવા મોકલ્યો તે... તે મહેશ પાસે મારી સાથે વાત કરવાનો પણ સમય નથી. અરે રમલીનાં પરલોક ગયા પછી, પોતાના બાપની તબિયત સુધ્ધા પણ ન પુછી! હશે, શહેરનાં લોકો પાસે ઘણા કામકાજ હોય ને, હું તો રહ્યો ગામડામાં...મારે તો નવરાશ જ નવરાશ" વિચારીને ગજવામાંથી મેલોઘેલો કાપડનો ટુકડો કાઢી આંસુ લુંછતા રમલાથી જાણે એક નિસાસો સરી પડ્યો.

---***---

"કાકા...ઓ કાકા...બોલો, ક્યાંની ટીકીટ આપુ?"
"અ...અમદાવાદ..." પોતાની અમથી થેલીમાં ત્રણેક કપડાની સાથે રાખેલ પાકીટમાં રમલાએ ટીકીટ ગોઠવી અને તેમાં મહેશનાં સરનામાવાળો નાનો કાગળ જોઈને વિચાર્યું કે " મહેશને મળતો જ આવું, હમણાં તબિયત પણ સારી નથી રહેતી, ગભરામણ જેવું લાગ્યા કરે છે અને એક અલગ જ ચિંતા મારા મનને કોરી ખાય છે. આ આયખું ક્યારે પુરુ થઈ જાય એ નક્કી નહીં. આ વખતે મળતો જ આવું" વિચારીને રમલાએ અમદાવાદની ટીકીટ અને સરનામાવાળો કાગળ ફરીથી જગ્યાએ ગોઠવી દીધો.

---***---

આશરે પાંચસો માઈલની બસની મુસાફરી ખેડીને અમદાવાદ પહોંચી, ત્રણેક કલાક મહેશનાં સરનામાવાળો કાગળ કેટલાય લોકોને બતાવીને ખાધા પીધા વગરનો, રમલો મહેશનાં ઘર પાસે આવીને ઊભો રહ્યો.

"હમણાં...હમણાં મહેશ...મારો દિકરો આવીને મને ગળે લાગશે, મને પગે લાગશે, વહુ રશ્મિ પણ મીઠો આવકાર આપશે. કેમ ન આપે? હું પહેલીવાર એમનાં ઘરે આવ્યો છું ને...કદાચ મને રોકી લેશે અને પાછો ગામડે જવા નહીં દે... અહીંયા મારી તબિયતનું બહાનું ધરીને મારી સેવા કરતા નહીં થાકે...પણ હું તો એમનાં ઉપર ભાર નહીં રહું...ચાર પાંચ દિવસમાં હું ગામડે જવા નીકળી જઈશ..."વિચારતા રમલાએ મહેશનાં ઘરની ડોરબેલ વગાડી.

"ઓફ ઓ રશ્મિ...વોટ ઈસ ધીસ?"

"નો ડાર્લિંગ, યું કેરી ઓન. પડોશના છોકરાઓ મજાકમાં બેલ વગાડતા હશે. કેરી ઓન...માય લવ" કહીને રશ્મિ ફરી ઉત્તેજનાવશ થઇને સાથ આપવા લાગી.

"રશ્મિ, જો ફરી બેલ વાગી. મેં મહેશને કહ્યું હતું કે આજે મારો મૂડ છે, હું આવવાનો છું એટલે તું ઓફિસેથી મોડો આવજે. પણ આ મહેશ...તને ખબર છે કે મને આ બાબતમાં જરા પણ અડચણ નથી ગમતી"

"આઈ કેન અન્ડરસ્ટેન્ડ હની. સોરી ફોર ધેટ. હું જરા જોઈ આવું" કહેતા કહેતા રશ્મિ પોતાના અંત:વસ્ત્રો અને આછા બાહ્યવસ્ત્રો ભેગી કરવા લાગી.

"મહેશ...વહુ બેટા... દરવાજો ખોલો. હું આવ્યો છું હું" ઊધરસ ખાતા રમલો બોલ્યો.

"ઓહ નો...બાપુજી!" કહેતા કહેતા રશ્મિ તરત જ કબાટનાં ખાનામાંથી વ્યવસ્થિત કપડા શોધવા લાગી અને ઈશારામાં જ મહેશનાં બોસ રવિ કુમારને પણ કપડા પહેરી લેવા માટે કહેવા લાગી.

"બાપુજી તમે? આ...વો...આવો...પણ તમે અત્યારે કેમ? એટલે કે તમે આવવાની જાણ પણ ન કરી? અમે તમને લેવા માટે આવી શક્યા હોત" પોતાના વિખરાઈ ગયેલાં વાળ અને ચેહરા પર લીપસ્ટીકનાં ડાઘને દુર કરતી રશ્મિ બોલી.

"વાંધો નહીં બેટા... વાંધો નહીં. હું પહોંચી ગયો. હું તમારો સમય બગાડવા ન્હોતો માંગતો. બેટા કેમ મહેશ નથી દેખાતો!"

"મહેશ...બસ હમણાં આવતો જ હશે" રશ્મિ આટલું બોલી એટલી વારમાં તો રવિ કુમાર રશ્મિનાં બેડરૂમમાંથી પેન્ટની ચેન બંધ કરતા હોલમાં આવ્યા અને રશ્મિ ભોંઠી પડી ગઈ.

"બેટા... શું છે આ બધું?" ગળામાં ડૂમો ભરાઈ આવ્યો, બે ઘડી આંખોમાંથી આંસુને બદલે અગ્નિ વરસવા લાગી, કપાળમાં ગુસ્સાની રેખાઓ ખેંચાવા લાગી અને રમલો રવિ કુમારની સામે જવા લાગ્યો.

"બાપુજી તમે? તમે અત્યારે અહીંયા કેવી રીતે? તમે આવવાની જાણ પણ ન કરી" આ બધો જ નજારો જોઈ હાંફળૉ ફાંફળૉ થયેલ મહેશ શબ્દોને ગોઠવતો બોલ્યો.

"મહેશ બેટા... જો...જો...કોણ છે આ માણસ?" પુત્રવધુની પાછળ ઉભેલ વ્યક્તિ તરફ ઈશારો કરતો રમલો બોલ્યો.

"બાપુજી, આ મારો બોસ છે. કેમ? શું થયું?"

"શું થયું? તું આ બધુંય જોઈને મને પુછી રહ્યો છે કે શું થયું?" રમલાએ હાથની મુઠ્ઠી વાળીને ગુસ્સામાં પુછ્યું.

"મહેશ...વોટ ઈસ ધીસ નોઁન્સેનસ ફેમિલી ડ્રામા. મારી આવી બેઈજ્જતી. તે મારો મૂડ બગાડી નાખ્યો. આવતી વખતે મને આવું નાટક નહીં જોઈએ. જો તું મને રાજી નહીં કરાવે તો બીજે ક્યાંક નોકરી શોધી લેજે" રવિ કુમાર હાથમાં કારની ચાવી ફેરવતા મહેશની આંખોમાં આંખો પરોવીને ઘરની બહાર ચાલ્યા ગયા.

"બાપુજી, તમે નહીં સમજો. તમે રહ્યાં ગામડામાં અને આ શહેર છે શહેર. તમે મારુ કામ બગાડી નાખ્યું. રશ્મિ, જો હવે આપણે ફરીથી ગોઠવણી કરવી પડશે" કહીને હતાશ થયેલો મહેશ સોફા પર પગ લંબાવીને ગળામાંથી ટાઈ ઉતારતા બોલ્યો.

"શું? મને ખબર ન પડે? મને?" કહીને ભારે મન સાથે રમલો ઘરમાંથી બહાર નીકળ્યો. ન તો મહેશે તેને રોકાઈ જવા કહ્યું અને ન તો રશ્મિએ મીઠો આવકાર આપ્યો. આજે પોતાના હાથમાં પકડેલી ખાલી થેલી પણ રમલાને જાણે એક મણનો બોજો હોય એવો અનુભવ કરાવી રહી હતી.
---***---

રાત્રીનાં નવ વાગ્યા હતા, સવારથી ભૂખ્યો અને તરસ્યો રમલો અત્યારે જાણે નિસ્તેજ બની આથમી રહ્યો હતો. જીવનની કેટલીય ઠોકરોને હડસેલીને દુર કરનારો રમલો...આજે અમદાવાદની ગલીઓમાં ભટકી રહ્યો હતો. "આજથી પચ્ચીસ વર્ષ પહેલાં ઉપરા ઉપરી ચાર દુકાળ વેઠયા, છેવટે મજબૂરીવશ જમીનદાર પાસેથી ઉછીના નાણાં લઈને ખેતી કરવાની શરૂઆત કરી. પણ હજુ આગળના ત્રણેક વર્ષ નબળા જવાને કારણે જમીનદારનું કરજ ઉતારી ન શકાયું. જમીનદારનાં માણસો દર અઠવાડિયે ઘરે આવીને ધમકાવી જાય. છેવટે જમીનદારની નજર મારા ખેતર...ખેતર પર અને મારી રમલી પર પડી. ઘણાં પ્રયત્નો કરવા છતાંય હું જમીનદારનું કરજ ઉતારી ન જ શક્યો અને છેવટે...છેવટે જમીનદાર મારી રમલીને જાણે સાધન તરીકે ભોગવા માંડ્યો. તે વખતે હું અસહાય હતો. પણ અત્યારે મહેશ?...મહેશ કાંઈ અસહાય નથી. હું તો ત્યારે મજબૂરીમાં અને કરજનાં બોજા તળે વિવશ થઇને રમલીને જમીનદાર પાસે મોકલતો. જો હું રમલીને જમીનદાર પાસે ન મોકલું તો જમીનદાર મારુ ખેતર...બાપ-દાદાની જમીન હડપ કરી જાય. જમીન તો માં છે માં... એનો કાંઈ સોદો કરાય?એવું પાછી રમલી જ કહેતી. આવા કપરા સમયમાં પણ રમલીએ મારો સાથ ન્હોતો છોડ્યો...અને આજે મહેશ કહે છે બાપુજી તમને ખબર ન પડે! વાહ રે કુદરત વાહ. હું જે વમળમાં, મજબૂરીમાં ફસાયો હતો, આજે મારો દિકરો મજબૂરી વગર જ ત્યાં ફસાયો." મનોમન વિચારીને લથડીયા ખાતો, ક્યારેક રસ્તામાં ઘડીક ઉભો રહી આકાશમાં ઈશ્વરને દાદ આપતો રમલો ખૂબ જ દુઃખી ભાસી રહ્યો હતો.

"એ ડોસલાં, મરવા માટે મારી જ ગાડી મળી કે?" મોટર ગાડીવાળો ગુસ્સાથી કહેવા લાગ્યો.

"અહીંયા આવો કાકા. તમારી તબિયત ખરાબ લાગે છે. એ ગાડીવાળો ક્યારનો તમને હોર્ન વગાડી રહ્યો હતો કેમ કે તમે રસ્તા વચ્ચે વિચારોમાં ખોવાઇ ગયા. શું હું તમારી મદદ કરી શકું?" એ સજ્જન વ્યક્તિએ પુછ્યું.

"ના ભાઈ ના" કહીને બે હાથ જોડીને રમલો પાછો લથડીયા ખાતો આગળ ચાલતો થયો. અને ફરી પોતાનાં ભૂતકાળનાં વિચારોમાં ખોવાયો. "આ રમલીએ જ મને સમજાવ્યો હતો કે મહેશને આપણે આ ગામડામાં ઉછેરવાને બદલે શાળાના માસ્તરને ભલામણ કરીને શહેરમાં ભણાવીએ તો? હું ના ન પાડી શક્યો. આખરે સાત વર્ષનાં મહેશને મેં અને રમલીએ ભારે હૈયે શહેર ભણવા અને રહેવા મોકલ્યો. પછીના વર્ષો થોડા સારા હતા. સારા પણ જયા સુધી રમલી સાથે હતી ત્યાં સુધી જ. રમલીનાં અવસાન બાદ હું તો જાણે એકલો જ થઈ પડ્યો. દિકરો મહેશ પણ ક્યારે લગ્ન કરીને શહેરમાં જ રહેવા લાગ્યો એવું કાંઈ પણ યાદ ન આવ્યું.

હા, એક દિવસ મહેશ પોતાની પત્ની રશ્મિને લઈને ગામડે આવ્યો ત્યારે રશ્મિને મારી ઓળખ આપી. પણ આજકાલના લોકો ભારે હોશિયાર હોં, મને ગામડે મળવા આવી ત્યારે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે રશ્મિને જોઈ અને આજે...આજે અહીંયા પરપુરુષ સાથે! અને મહેશ મને કહે કે બાપુજી તમને ખબર ન પડે!" વિચારોના વમળમાં ઢસળાતો રમલો બસ સ્ટેન્ડ પાસેની ખુલ્લી ગટરમાં જઇ પડ્યો. વળી, બે-ચાર સારા માણસોએ રમલાને બહાર કાઢ્યો, ઠામ ઠેકાણું પુછ્યું અને બસમાં બેસાડ્યો.

---***---

"ચાલો...ચાલો...રામપર આવી ગયું. કાકા...ઓ કાકા...તમારે અહીંયા જ ઉતરવાનું હતું ને?" કહીને કંડકટર રમલાને જગાડવા ગયો પણ ત્યાં ખાલી હાડ-માંસનું ચીથરા પહેરેલું શરીર જ હતું, આત્મા તો જાણે રસ્તામાં ક્યારે પોતાની મંઝીલ તરફ નીકળી ગયો, કોઈને ખબર પણ પડી ન્હોતી.

એ કરજ...એ ભૂતકાળ અને વર્તમાનનાં કરજનો અનુભવ... આજે રમલો જાણે સહન ન કરી શક્યો અને જીવનનાં બંધનમાંથી કરજમુકત થયો.

-સાગર ઓઝા
આપ આપના પ્રતિભાવો મને વોટ્સએપ કે ઈમેઈલ પણ કરી શકો છો.
વોટ્સએપ: 9429562982
ઈમેઈલ: ozasagar@gmail.com