પાછળના ભાગમાં આપણે જોયું કે...
"હા તો લાગે જ ને. મારી સુમી છે જે એટલી સુંદર", બધા સુમનના વખાણ કરી રહ્યા હતાં ત્યાંજ રાઘવ ઠાઠમાઠ સાથે સુમનની પાછળથી આવીને બોલી ઉઠ્યો.
"રાઘવ તું કેમ આટલો તૈયાર થયો છે?" પાછળથી એક છોકરી રાઘવના કપડા જોઈ બોલી.
"અરે મારો નાનકડો ભાઈ એની સુમી સાથે વ્રત કરવાનો છે એટલે, અને તમે બધી ઊભી ઊભી પંચાત શું માંડી છે, ચાલો ઝટ નહીતો મોડું થઈ જાશે", વાતને પતાવવાના મૂડમાં મીરા બોલી.
રાઘવ પણ વ્રત કરવાનો છે તે વાત સાંભળી બધી છોકરીઓ હસી પડી.
આખરે બધા ભેગા થઇને વાવેલા જ્વારા અને નાગલાના પૂજાપા સાથે ગામમાં આવેલ મંદિર જવા નીકળ્યા, મંદિર જઈને મહાદેવ સમક્ષ જ્વારા ને નાગલા ચડાવી અક્ષત કંકુ ચડાવી સુંદર રીતે પૂજા અર્ચના કરી.
સુમન માટે આ બધું ખુબ નવું અને અચરજ પમાડે તેવું હતું પણ તેને બધાની સાથે રહી આં બઘું કરવું ખૂબ સારું લાગી રહ્યું હતું.
હવે આગળ.......
સ્કૂલમાં પણ ગૌરીવ્રત નિમિત્તે છોકરીઓને વધારે છૂટછાટ આપવામાં આવતી અને સ્કૂલનો સમય પણ ઓછો કરી દેવામાં આવતો, એટલે બધી છોકરીઓ આં દિવસોમાં સજી ધજીને સ્કૂલમાં જતી અને સાંજે ગામના પાદરે આવેલ વનરાજીઓમાં નવી નવી રમતો રમતી અને ખૂબ આનંદિત રહેતી. સુમન પણ મીરા અને બીજી મોટી છોકરીઓ સાથે આં વ્રત દરમિયાન રહેવા લાગી હતી અને તેમની સાથે ભળી રહી હતી.
હસતા ખેલતા વ્રતના ચાર દિવસો ખૂબ સુંદર રીતે નીકળી ગયા.
સુમનને તો ખૂબ મજા આવી રહી હતી સાથે રાઘવ પણ પડછાયાની જેમ એની આસપાસ રહેતો અને ધ્યાન રાખતો.
ચાર દિવસ ખતમ થાત પાંચમા દિવસે બધાએ જ્વારાનું પાણીમાં વિસર્જન કર્યું અને હવે શરૂ થવાનો હતો આખા વ્રતની ખુબજ રોમાંચક આખરી પડાવ અને તે હતું આખી રાતનું જાગરણ.
તે એટલે ખાસ હતું કેમકે જાગરણનો તે દિવસ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ખૂબ સરસ રીતે પસાર થતો. છોકરીઓની સાથે છોકરાઓ પણ તે દિવસની રાહ જોતા. કેમકે છોકરીઓની સાથે એમને પણ મજા પડતી.
સાંજે બધા નદી કિનારે આવેલ મેદાનમાં ભરાયેલ મેળો જોવા ગયા. મેળામાં ફરીને બધાએ ખૂબ મજા કરી. અલગ અલગ ચગડોળ, મોતનો કૂવો, જાદુઈ શો એવા ઘણા બધા ખેલનો આનંદ માણીને બાળકો ખૂબ ખુશ થઈ ગયા.
મેળામાંથી પાછા આવીને બધા બાળકોએ જોયું તો ખૂબ આશ્ચર્ય પામ્યા. કેમકે મનોહર ભાઈએ શેરીની વચ્ચેવચ મોટો સફેદ પડદો લગાવડાવ્યો હતો જેના ઉપર હિન્દી ફિલ્મ દેખાડવાનું નક્કી થયું હતું. બધા બાળકો તો ખૂબ ઉત્સાહમાં આવી ગયા અને લાઈનસર પડદા સામે ગોઠવાઈ ગયા.
"મિસ્ટર ઈન્ડિયા" મૂવી જોતા જોતાં જાગરણ ખતમ પણ થઈ ગયું અને બાળકોને મૂવી જોવાની પણ ખૂબ મજા પડી.
છઠ્ઠા દિવસે પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી અને આવી રીતે સુમનનું સૌપ્રથમ ગૌરીવ્રત રાઘવ સાથે સમાપ્ત થયું.
🌸🌺 ગોરમા રે ગોરમા રે સસરો દેજો સવાદિયા,
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે સાસુદેજો ભુખાવળા,
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે કંથ દેજો કહ્યાગરો
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે નણંદ દેજો સાહેલડી
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે દેરાણી જેઠાણી ના જોડલાં
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે દેર ને જેઠ બે ઘોડલે
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે ભગરી ભેંસના દૂઝણાં
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે કાઠા તે ઘઉંની રોટલી
તમે મારી ગોરમા છો!
ગોરમા રે ગોરમા રે મહીં રે માવળીયો ગોળ
તમે મારી ગોરમા છો! 🌺🌸
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)