પાછળના ભાગમાં આપણે જોયું કે...
"બધા આમ મને શું જુઓ છો, આં બધી વાતો તો પછી પણ થશે, અત્યારે ચાલો સ્કૂલ જવા માટે મોડું થઈ રહ્યું છે. જો સમયસર સ્કૂલ નહિ પહોંચીએ તો બધાએ સજામાં મેદાનના ચક્કર લગાવવા પડશે, માટે આં બધું છોડી અત્યારે જલ્દી સ્કૂલ જવા નીકળીએ" આટલું કહી કિશોરે હાલ પૂરતું તો પોતાને આવા અઘરા સવાલના જવાબ આપવામાંથી બચાવી લીધો, પણ એનો જવાબ તે પણ જાણતો નહોતો.
કિશોરની વાત સાથે સહમત થતા બધા બાળકો સ્કૂલ જવા ઉતાવળા ડગલાં ભરી રહ્યા.
હવે આગળ.......
બધા સ્કૂલ પહોંચ્યા ત્યારે પ્રાર્થના શરૂ થવાની તૈયારી હતી એટલે બધા બાળકો પ્રાર્થના માટે ગોઠવાઈ ગયા. મીરા ફટાફટ સ્ટેજ ઉપર પહોંચી ગઈ અને રોજ મુજબ મધુર અવાજે પ્રાર્થના ગાવા લાગી. આજેતો સુમનને પણ પ્રાર્થના ગાવામાં મજા પડી રહી હતી. પ્રાર્થના પૂરી થતાંજ બધા પોતાના ક્લાસ તરફ ચાલવા લાગ્યાં.
સુમન પણ રાઘવનો હાથ પકડી એને પોતાના ક્લાસ તરફ લઈ જવા લાગી. રાઘવ એક દિવસ તો સુમન સાથે એના ક્લાસમાં બેઠો પણ હવે આજે ફરીથી એની સાથે બેસવું કે નહિ તે બાબતે મૂંઝાઈ રહ્યો હતો, પણ સુમનનાં ચહેરા પર રહેલ હાવભાવને જોઈ તે આખરે તેની સાથે એના ક્લાસમાં જવા માટે ચાલવા લાગ્યો.
બંને જઈને ક્લાસમાં પહેલી બેન્ચ ઉપર બેસી ગયા. ધીરે ધીરે બઘા બાળકો પણ આવી ને પોતપોતાની જગ્યા ઉપર બેસી ગયા.
ગઈ કાલે જે બાળકો ગભરાયેલ હતા કે પછી શાંત બેસી રહ્યા હતા આજે તે બધા પણ આનંદમા લાગી રહ્યા હતા. માનસી પણ સુમનને ક્લાસમાં આવતા જોઈ એની સાથે વાતો કરવા આવી ગઈ.
થોડીવારમાં વંદના બહેન આવતાં એમની નજર પહેલી બેન્ચ ઉપર બેસેલ રાઘવ ઉપર પડી. પણ ગઈકાલ વાળી ઘટના યાદ આવતા જ પાછું આજે એમણે કઈ કહેવાનું માંડી વાળ્યું.
"તો કેમ છો મારા વહાલા બાળકો? શુભ પ્રભાત.."
"શુભ પ્રભાત મેડમ...", બઘા બાળકો લહેકા સાથે એકીસાથે વંદના મેડમ નાં શુભ પ્રભાતનો પડઘો પાડી રહ્યા.
"મને કહો જોઈ આજે સ્કૂલ આવતા કોણ કોણ રડ્યું છે?" વંદના બહેન દરેક બાળક ઉપર નજર નાંખતા બોલ્યા.
પણ કોઈ હલચલ ન જોવા મળતા ખુશ થતાં તે બોલ્યા,
"અરે વાહ, મારા બધા બાળકો તો ખૂબ ડાહ્યા છે ને. સારું ચાલો તો હવે મને કહો આજે કોણ કોણ રડ્યા વગર ખુશ ખુશ થઈને સ્કૂલ માં આવ્યું?"
એટલું બોલતાં તો આખો ક્લાસ,"હું મેડમ..હું મેડમ" થી ગુંજી ઉઠ્યો.
"ખરેખર જ્યારે ભણવાની શરૂઆત થઈ હતી ત્યારે ભણવાનો ખૂબ ડર લાગતો હતો. કાળા અક્ષર ભેંસ બરોબર જાણે. પેલું તારે જમીન ફિલ્મમાં બતાવે છે ને બધા અક્ષરો જાણે આસપાસ ઉલ્ટા સુલ્ટા ઉડવા લાગતા હોય એમ. નંબર, બારાખડી, એ બી સી ડી, સ્વર, વ્યંજન બઘું જાણે વંટોળની જેમ એકબીજામાં સમાઈ જતું હતું. અને હોમવર્ક કરતા તો જાણે નાકે દમ આવી જતો, મારી નહિ મારી મમ્મી નો, મને હોમવર્ક કરાવતા. અને એક્ઝામ આવે ત્યારે તો અઠવાડિયા પહેલાં એના નામથી જ તાવ આવી જતો.
પણ જેમ જેમ સ્કૂલમાં નવા નવા દોસ્તો બનવા લાગ્યા એમ સ્કૂલ જવાની મજા આવતી ગઈ. આસપાસમાં રહેતા બાળકોની સાથે મળી ચાલતા ચાલતા સ્કૂલ જવું, જે બાળકો રિક્ષામાં સ્કૂલ જતા હતા એમની રિક્ષાની પાછળ દોડવું, સ્કૂલમાં રિશેસનાં સમયે રોજ નવી નવી રમત રમવી, આંબલી, કોઠું, કાતરા જેવા તિખ્ખા મીઠા નાસ્તા કરવા, ઘણી બધી મજા આવતી. સ્કૂલના તે દિવસો ખરેખર ખુબજ સુંદર હતા."
"હા હવે તમે બધા સાચેજ મારા ક્લાસના બાળકો છો, આમજ રોજ હસતા હસતા આવજો મારા ક્લાસમાં તમે બધા. સારું તો આજે બોલોતો બધાએ શું કરવું છે ક્લાસમાં? ભણવું છે કે રમવું છે?", વંદના બહેન ધીરે ધીરે બાળકોની સાથે ભળવાની કોશિશ કરી રહ્યા હતા જેથી બાળકો ક્લાસમાં ખીલી શકે.
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)