પાછળના ભાગમાં આપણે જોયું કે...
પણ જેમ જેમ સ્કૂલમાં નવા નવા દોસ્તો બનવા લાગ્યા એમ સ્કૂલ જવાની મજા આવતી ગઈ. આસપાસમાં રહેતા બાળકોની સાથે મળી ચાલતા ચાલતા સ્કૂલ જવું, જે બાળકો રિક્ષામાં સ્કૂલ જતા હતા એમની રિક્ષાની પાછળ દોડવું, સ્કૂલમાં રિશેસનાં સમયે રોજ નવી નવી રમત રમવી, આંબલી, કોઠું, કાતરા જેવા તિખ્ખા મીઠા નાસ્તા કરવા, ઘણી બધી મજા આવતી. સ્કૂલના તે દિવસો ખરેખર ખુબજ સુંદર હતા."
"હા હવે તમે બધા સાચેજ મારા ક્લાસના બાળકો છો, આમજ રોજ હસતા હસતા આવજો મારા ક્લાસમાં તમે બધા. સારું તો આજે બોલોતો બધાએ શું કરવું છે ક્લાસમાં? ભણવું છે કે રમવું છે?", વંદના બહેન ધીરે ધીરે બાળકોની સાથે ભળવાની કોશિશ કરી રહ્યા હતા જેથી બાળકો ક્લાસમાં ખીલી શકે.
હવે આગળ....
હવે તો બધા બાળકો ખુબજ ખુશ થઈ ઉઠ્યા. બધાના મનમાં રહેલ ભણવાનો ડર ધીરે ધીરે નીકળી રહ્યો હતો અને ટીખળી અને હસમુખ સ્વભાવના સુંદર એવા વંદના બહેન હવે બધાને ખુબજ ગમી ગયા હતા.
"કોઈ બોલ્યું મારે રમવું છે, તો કોઈ કહે મારે નાસ્તો કરવો છે, વળી કોઈ બોલ્યું મેમ મમ્મીએ આજે વેલા ઉઠાડ્યો તો મારે સૂવું છે તો કોઈ બોલ્યું મેડમ સરસ સ્ટોરી સંભળાવો ને, વળી એક છોકરો તો બોલી ઉઠ્યો અંતાક્ષરી રમાડો ને મેડમ...".
માસૂમ એવા બાળકોના આવા જાત જાતના જવાબ સાંભળી વંદના બહેન હસી પડ્યા.
"અરે બાપરે, મારા બાળકોને તો કેટલું બધું કરવું છે. સુવા ખાવાનું અને બીજું બધું પછી કરીશું, ચાલો આજે તમને બધાને નવી રમત રમાડું.તો બધા તૈયાર છો ને?"
વંદના બહેનના મોઢે રમવાની વાત સાંભળતા જ બધા બાળકો ખુશીથી ઉછળી પડ્યા.
"સારું ચાલો પહેલા આપણે ફર્સ્ટ બેન્ચથી શરૂઆત કરીએ. સુમન અને રાઘવ ઊભા થાઓ અને મારી પાસે આવીને ઉભા રહો."
સુમન તો આજે સ્કૂલમાં નવી રમત રમવા મળશે તેનાથી ખૂબ ખુશ હતી અને રાઘવને પણ આજે આવી રીતે સ્કૂલમાં ચાલુ ક્લાસમાં રમવાની વાત નવી લાગતા તે પણ ખુશ થઈ ગયો.
"હવે સુમન તું ડાબી બાજુની હરોળમાં આવેલી બેન્ચ પર બેસેલા બધાજ બાળકોના બધા પુસ્તક ભેગા કરતી જા અને અહી મને લાવી ને આપ. જ્યારે રાઘવ તું મને જમણી તરફની હરોળમાં આવેલી બધી બેન્ચ ઉપરથી પુસ્તક લાવી આપ."
"અરે મેડમ આતો ખૂબ સરળ રમત છે, હું તો હમણાં જ તમને બધી પુસ્તકો લાવી આપીશ", રાઘવ ઉત્સાહિત થતો બોલ્યો.
"તો હું પણ તારાથી કમ નથી હો, જો હું પણ કેવી ઝડપથી એક પછી એક પુસ્તક લાવી મૂકુ છું મેમ ના ટેબલ ઉપર", સુમન પણ હવે જોશ માં આવી ગઈ હતી અને રાઘવને કહેવા લાગી.
"પણ હું તારા કરતા મોટો છું ને સુમી, જોજે હું જ જીતવાનો.", રાઘવ સુમનને ચિડવતો બોલ્યો.
"અરે અરે તમે બંને તો સામસામે આવી ગયા, ઊભા તો રહો. મારી વાત હજુ પૂરી નથી થઈ. જુઓ દરેક રમત મુજબ એના નિયમ પણ તો હોય છે ને, તો હજુ આં રમતના નિયમો તો મે તમને જણાવ્યા નથી." વંદના બહેન પણ આ બંનેનો મીઠો ઝગડો જોઈ વચ્ચે પડ્યા.
હવે આ કયા નિયમો હશે, તે વાત જાણવા રાઘવ અને સુમન સહિત આખો ક્લાસ થોડીજ પળોમાં શાંત થઈ ગયો અને ધ્યાનપૂર્વક વંદના બહેન શું કહે છે તે સાંભળવા માટે સજ્જ થઈ ગયા.
🎉નાનપણની તે રમતો રમતા હતા જે ગામની ગલીઓમાં,
કહો જોઈએ કોને કોને યાદ છે...
સંતાકુકડી, પકડા પકડી, વળી ક્યારેક ગીલ્લી દંડા,
કહો જોઈએ કોને કોને યાદ છે...
આંધળી ખિસકોલી, અદુકડો દળુકડો તો ક્યારેક લંગડી,
કહો જોઈએ કોને કોને યાદ છે...
મોટા થયાને ગામની સાથે સાથે પાછળ છૂટી ગઈ તે રમતો,
કહો જોઈએ કોને કોને યાદ છે...🎉
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)