વસુધા - વસુમાં - પ્રકરણ -45 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ -45

વસુધા વસુમાં
પ્રકરણ -45


વસુધાથી બોલતાં તો બોલાઈ ગયું કે સુઈ જવું છે કે વાતો કરવી છે ? પછી પીતાંબરની વિવશતાનો ખ્યાલ આવ્યો એને ખુબજ અફસોસ થયો એણે જોયું પીતાંબરનો ચહેરો ઉદાસ થઇ ગયો. વસુધાની આંખો નમ થઇ ગઈ.... એણે ઢીલાં રૂંધાયેલાં રોતલ અવાજે કહ્યું માફ કરજો પીતાંબર.... પણ હિંમત ના હારશો હું બોલી છું તો હવે તમે બોલતાં થઈજ જશો મારાં મહાદેવ એમજ મારી જીભે એવાં શબ્દો ના લાવે ..... આપણે ખુબ વાતો કરશું તમે તમારાં મિત્ર સાથે ખેતરે કે જ્યાં જવું હોય ત્યાં જજો તમે પુરુષ માણસ છો ડેરીએ જજો એમજ ફરવા જજો જેથી તમારું મન હળવું થશે. તમારી.... વિવશતાઓ ખંખેરી નાંખજો પીતાંબર.... એમ કહી વહેતાં આંસુ સાથે પીતાંબરનો હાથ પકડી લીધો ....

પીતાંબર વસુધાની સામે જોઈ રહેલો.... એણે પણ ભીની આંખે વસુધાને ઈશારામાં કહી દીધું .... તારો વાંક ક્યાં છે ?તું તો આખો વખત મારી આસપાસ જ ફરે છે એણે મોબાઈલ તરફ ઈશારો કરી વસુધાને મેસેજ વાંચવા કહ્યું અને પછી મૌનમાં પણ હાસ્ય સમજાવ્યું ....

વસુધાએ મોબાઈલ એનો લીધો અને એમાં એણે પીતાંબરનો મેસેજ વાંચ્યો. "મારી વસુ ..... તું બોલી ગઈ એમ વાતો કરવાનું ખુબ મન છે.... તને પ્રેમ કરવાનું પણ ખુબ મન છે ભલે વાચા નથી પણ હું આંખોથી એટલોજ વાચાળ છું મને તું છે એટલે કોઈ ખોટ નથી.... ખુબ પ્રેમ કરું છું.

વસુધા વાંચીને શરમાઈ ગઈ એણે પણ સામે મેસેજ લખ્યો.... મારાં સ્વામી તમારી બધી વાચા મને સમજાય છે હું પણ ખુબ પ્રેમ કરું છું તમે બોલતાં થાઓ ત્યાં સુધી હું તમારી વાચા.... તમારાં શબ્દો બની જઈશ.... કોઈ ખોટ નહીં વર્તાવા દઉં પ્રેમ કહેવા માટે નથી.... પ્રેમ માટે હું તમનેજ સમર્પિત છું અને સાચાં અર્થમાં તમારી અર્ધાંગીની બનીને રહીશ... હું ખુબ પ્રેમ કરું છું.... એમ કહી પીતાંબરને ઈશારો કરી મેસેજ વાંચવા કહ્યું....

પીતાંબરે આંખનાં ઈશારે જાણે ચુંબન કર્યું હોય એવાં ભાવ બતાવ્યાં અને વસુધાએ લખેલો મેસેજ વાંચ્યો વાંચતા વાંચતા એની આંખો ઉભરાઈ આવી પ્રેમની આ મૌન પરાકાષ્ઠા હતી જેમાં બંન્ને જણાં ભીંજાઈ રહ્યાં હતાં વસુધાની આંખો ઉભરાઈ બંન્ને જણાં એકબીજાનાં હાથ પકડી બેસી રહ્યાં.....

******

વહેલી સવારે કરસન પીતાંબરનાં ઘરે આવી ગયો. ભાનુબહેને કરસનને જોઈને કહ્યું આવ ભાઈ આવ. પીતાંબર નાહી ધોઈને તૈયાર છે તારીજ રાહ જોવાતી હતી પણ એનાં બાપા ડેરીએથી પાછા આવે પછી ખેતરે જવા નીકળજો. મોટરસાઇકલ પર જવાનાં તમે સાચવીને જજો એનાં બાપા કહીને ગયાં છે હું ઘરે પાછો આવું પછીજ પીતાંબર ખેતરે જાય.... ઉતાવળ ના કરે .... પાક તૈયાર થવા આવ્યો છે હું પણ આંટો મારીશ.

કરસને કહ્યું ભલે કાકી, કાકા આવી જાય પછીજ નીકળીશું હું મારી બાઈક લઈનેજ આવ્યો છું અમે સાચવીને જઈશું સાચવીને આવીશું તમે લગીરે ચિંતા ના કરશો હું સાથે છું ને.

ભાનુબહેને કહ્યું હાં ભાઈ તું સાથે ને સાથેજ રહ્યોં છે અત્યારસુધી અને તું છે એટલેજ હિંમત કરી છે એને બહાર મોકલવાની ખેતર સુધી જાય તો એનું મન હળવું થાય. ઘણાં સમયથી ખાટલામાં ને ખાટલામાં છે... મુવો રમણો એનું નખ્ખોદ જાય જોને મારાં છોકરાની કેવી દશા કરી છે.

કરસને કહ્યું કાકી એ રમણો તો જેલનાં સળીયા ગણે છે એને 3 વરસની સખ્ત સજા થઇ છે ઉપરથી જીપ માટેનો બધો ખર્ચ એણે ચૂકવવાનો છે પણ હજી રમણાં પાછળ કોનો દોરી સંચાર છે હજી ખબર નથી પડી.... તપાસ ચાલુ છે. રમણો મોઢું ખોલતો નથી.... એનું મોઢું પોલીસ પટેલ ચોક્કસ ખોલાવશે પછી બધું બહાર આવશે.

ત્યાં વસુધા અંદરથી ચા લઈને આવી અને બોલી કરસનભાઈ લો ચા પીવો.... કેમ છો ? તમારાં ભાઈને સાચવીને લઇ જજો લાવજો ..... ઘા રુઝાયા છે પણ ફરી એનાં પર કોઈ ઘા ના થાય સાચવવાનું છે....મહાદેવની કૃપા છે એમનો અવાજ હજી.... બાકી બધે રૂઝ આવી ગઈ છે.

કરસને કહ્યું ભાભી નિશ્ચિંન્ત રહો. પીતાંબર તૈયાર છે ને ? ત્યાં પીતાંબર રૂમમાંથી બહાર આવ્યો એણે તાળી પાડી પોતાની હાજરી નોંધાવી.... એણે ઇશારાથી પૂછ્યું બાપુ ડેરીથી આવી ગયાં ? વસુધા સમજી ગઈ એણે કહ્યું હવે આવતાં જ હશે તમે બેસો. એમ કહી બેસવા માટે ખુરશી આગળ કરી.

વસુધાએ કહ્યું તમે મોબાઈલ લીધો ? પીતાંબરે શર્ટનાં ઉપલા ખીસામાં મુકેલો બતાવ્યો પછી પાછો ઉદાસ થઇ ગયો. વસુધાએ કહ્યું જે સ્ફુરે એ શબ્દો મોબાઈલમાં લખીને મોકલજો. લખીનેય