વસુધા - વસુમાં - પ્રકરણ -46 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ -46

વસુધા -વસુમાં

પ્રકરણ – 46

 

કરસન પીતાંબરને લઈને પીતાંબરનાં ખેતરે પહોંચ્યો. હજી એ લોકો ખેતરમાં પ્રવેશ્યા અને ભાગીયો દોડતો દોડતો આવ્યો અને પૂછ્યું “હવે સારું છે ને ભાઈ ? કેટલાય સમય પછી તમારાં પગલાં થયાં આ ધરતીએ જાણે તમને મળવા તરસતી હતી...” પીતાંબરને કંઈક બોલવું હતું પણ બોલી નહોતો શકતો.

 

ત્યાં ત્રણે જણાં ખેતરમાં અંદર આવ્યા અને એનાં ભાગીયાની ઓરડી પાસે પહોંચ્યાને ભાગીયાએ ઉભો કરેલો ખાટલો લાવીને ઢાળ્યો. કરસન અને પીતાંબર ખાટલે જઈને બેઠાં. થોડીવાર બેઠાં પછી પિતાંબરે કરસનને કંઈક ઈશારો કર્યો.

   કરસન સમજી ગયો હોય એમ સામે ઈશારો કર્યો. ભાગીયાએ કહ્યું “નાના શેઠ ચા મુકવાવું ને ? હમણાંજ દૂધ કાઢ્યું છે મારી લાલીને પણ સારું લાગશે.” પીતાંબરને આશ્ચર્ય થયું "લાલી " ? પેલો સમજી ગયો હોય એમ બોલ્યો “નાના શેઠ તમારે ઘેર છે ને લાલી એનું નામ સાંભળી મેંય આનું નામ લાલી રાખેલું તમને ઘરેય લાલી અને અહીં પણ લાલી મળે.” પીતાંબર સાંભળી રહ્યો આમેય એનાંથી કઈ બોલાય એમ નહોતું.

     કરસને ભાગીયાને પૂછ્યું “અલ્યા બુધા અહીં ખેતરે કોઈ આવતું જતું હતું ? બધું બરાબર છે ને ? પાક તો ખુબ સારો જુણાય છે.” બુધો થોડો ઓછ્પાયો... પછી બોલ્યો “કેમ સરસનભાઈ એવું પૂછો છો? અહીં કોણ આવવાનું નાના શેઠને જ્યારથી એક્સીડન્ટ થયો છે ત્યારથી અહીં કોઈ નથી આવ્યું એ આવતાં ત્યારે તમારાં જેવા એમનાં ભાઈબંધ આવતા હવે તો કોઈ નથી આવતું. અને નાના શેઠની ઓછી મહેનત છે ? એ રોપાવીને ગયેલાં અત્યારે પાક કેવો મસ્ત છે હવે કાપણીજ શરૂ કરવાની છે. ગુણવંતકાકા આંટો મારી જાય છે એમનું ખેતર છે એતો આવેજ ને...”

     કરસને પીતાંબર સામે જોયું ત્યાં ભાગીયાની વહુ ચા બનાવીને લાવી અને ત્રણે જણાને આપી. બુધાએ કહ્યું “આખા દૂધની બનાવી છે ને ? નાના શેઠ ઘણાં સમયે આવ્યાં છે ?” પેલીએ કંઈ જવાબ ના આપ્યો અંદર જતી રહી. પીતાંબર અને કરસને રકાબી રકાબી ચા પી લીધી અને પીતાંબર ખાટલેથી ઉભો થયો.

     પીતાંબર ઉભો થઇ બુધાની ઓરડી પાછળનાં ગમાણ તરફ ગયો ત્યાં એનો ઘોડો બાંધેલો... એણે જોઈને ઘોડાને પંપાળ્યો બુચકારા બોલાવ્યાં. ઘોડો પણ પીતાંબરને જોઈને ખુશ થઇ ગયો. પીતાંબરે ઘોડાનાં શરીરે હાથ ફેરવવા માંડ્યો. ઘોડો જાણે થનગની રહેલો કે પીતાંબર એની સવારી કરે. પ્રાણીને હાથનાં સ્પર્શનાં બધી સમજ પડી જાય છે. પીતાંબરનાં ઉદાસ ચહેરાં પર આનંદ છવાયો એણે ઘોડાની પણછ પકડી અને સવાર થઇ ગયો. કરસન અને બુધો પીતાંબરને જોઈ રહેલાં. પીતાંબરે ઈશારામાં કરસનને કહ્યું તું બેસ હું ખેતરનું રાઉન્ડ લઈને આવું છું અને એ ઘોડા પર ખેતરનો રાઉન્ડ મારવા નીકળ્યો. એ ખતરની વચ્ચેનાં પાળાઓ અને નાનાં નાનાં કેડી જેવા રસ્તાઓ પર ઘોડાને દોડાવતો ચારે બાજુ જોઈ રહ્યો હતો અને મનમાં હરખાતો હતો.

    આ બાજુ કરસન બુધાનો ઇન્ટરવ્યૂ આગળ લઇ રહ્યો હતો એણે બુધાને અચાનકજ પૂછ્યું “બુધા અહીં પેલો રબારી રમણો આવેલો ?” બુધાએ જેવું સાંભળ્યું એનાં હાવભાવ બદલાઈ ગયાં એણે કહ્યું “એ રબારી નથી આહીર છે અને એ બહુ સમય પહેલાં દેખાયો હતો પછી ઘણાં સમયથી જોયોજ નથી.... પણ હાં યાદ આવ્યું આ ગુણવંત શેઠનાં ભાઈબંધ મોતીકાકા આવેલા મંડળીવાળા...”

   કરસને કહ્યું “મોતીકાકા ? કેમ આવેલા ? ક્યારે આવેલા ?” બુધાએ કહ્યું “એ લગભગ 8-10 દિવસ પહેલાં આવેલાં અને પાક બહુ સારો છે હાં નંબર એક છે સાચવજે અને ગુણવંત શેઠનું પૂછીને જતાં રહેલાં... એ કોઈ જીપમાં આવેલાં પણ મેં બહુ સરખા જવાબ ના આપ્યા એટલે જતાં રહ્યાં.”  કરસને કહ્યું “અમે ક્યારનાં પૂછીએ છીએ કે કોઈ આવેલું તો કેમ જવાબ ના આપે ?”

   બુધાએ કહ્યું “અરે કરસનભાઈ મનમાંથી નીકળી ગયેલું પણ મને શું ખબર કે તમને કંઈ ખાસ કામ ભલું હું દહાડીયો હતો પહેલાં અહીં મજૂરી કામે આવતો ગુણવંત શેઠ કાયમ મને અને મારી ઘરવાળીને કામ પર બોલવાતાં મારુ કામ અને મારાં પર ભરોસો પડતાં મને ભાગીયો આ જ સીઝનમાં બનાવ્યો. નાના શેઠને એક્સીડેન્ટ થયો મને કહેવું હમણાં કામમાં નહીં પહોંચી વળાય તું મજૂરીથી ભાગમાં રહીજા બધી તારી જવાબદારી - ખાણ, ખાતર, જાણી, દવા બધું અમે પૂરું કરશું મારાં પર ભરોસો હશે તો મને આવું વિશ્વાસનું કામ સોંપ્યું ને ?”

    કરસને કહ્યું “હાં હાં ખબર છે પણ ભરોસામાં જ રહેજે... આ પીતાંબર હમણાં બીમાર છે પણ તું એને ઓળખે છે ને ?પેલો ભાઈબંધ થઇને રમણો રાવણ બન્યો પણ પીતાંબર એને છોડશે નહીં જેવો જેલમાંથી બહાર નીકળશે એનો ઘડો લાડવો કરી નાંખશે એ નક્કી. ગુણવંત કાકા પણ આ પીતાંબરનાં કારણે ઢીલા પડ્યાં છે પણ હવે બધું પાકુંજ છે રમણાને રાવણ બનાવનાર જે ચંડાળો છે એ હવે પકડમાં આવી જવાનાં અને જેલનાં સળીયા ગણવાનાં છે તું અહીં અંદર કોઈને પેસવા જ ના દેતો...” ત્યાંજ પીતાંબરને ઘોડા પર દૂરથી આવતો જોયો. પીતાંબરે ઈશારો કર્યો કે એ ઘોડા પરજ ઘરે આવે છે.

    કરસન સમજી ગયો એને હસું આવી ગયું એ બોલ્યો વાહ પીતાંબર રાજા જેવો લાગે છે ભલે તું ઘોડા પર ઘરે આવ હું બાઈક પર ઘરે પહોંચું છું... પીતાંબરે બુધા સામે જોયું અને ઈશારો કર્યો.

     બુધાએ હાથ જોડીને કહ્યું “સમજી ગયો સમજી ગયો નાના શેઠ... તમે નિશ્ચિંન્ત રહો બધું બરાબર સાચવીશ.” કરસનની સામે જોઈ પીતાંબરે ઈશારામાં કંઈક કહેવા પ્રયત્ન કર્યા અને પાક તરફ હાથ કર્યો.

કરસને બુધાને કહ્યું “ પીતાંબર કહે છે પરમ દિવસથી જે કાપણી ચાલુ કરવાની છે ત્યારે પીતાંબર આવશે.” એમ કહી પીતાંબર સામે જોયું પીતાંબરે હકારમાં માથું હલાવ્યું અને ઘોડા પરજ ઘરે જવા નીકળ્યો. કરસને બુધાને કહ્યું “અમે આવતા જતા રહીશું. એમ કહી બાઈક સ્ટાર્ટ કરી અને ઘર તરફ લીધી.”

     બુધો બંન્નેને જતાં જોઈ રહ્યો. એની ઘરવાળી બહાર આવી અને આ લોકોનાં ખેતરથી બહાર નીકળ્યાં પછી બોલી...” તું હવે સીધો રહેજે પેલાં મોતીકાકાને બધાને અહીં તેડા ના આપીશ એ લોકો સારાં માણસો નથી આપણાં શેઠની કેવી દશા કરી છે પેલાં રમણાંએ ? આતો શેઠનો દોસ્તાર હતો અને જો મૂવાએ કેવું ટ્રેકટર ભટકાવ્યું છે બચારા બોલી નથી શકતાં. ફરી એ લોકો ખેતર આવ્યા તો હું જ શેઠને બધું કહી દઈશ... એમ એલોકો દારૂની લાલચ આપી કંઈક ખોટુંજ કરાવવાં માંગતા હશે વધારે ભરાતો નહીં એ લોકોમાં..." એમ બબડતી ખેતર તરફ ગઈ.

     બુધો એની વહુ પાછળ દોડ્યો “એય રમલી કંઈ બોલી ના કાઢતી હવે નહીં આવવા દઉં... મને શી ખબર કે એ લોકો એવાં હશે? મોતીકાકા તો મોટાં શેઠનાં ભાઈબંધ છે” રમલીએ કહ્યું “તો તને ખાનગીમાં દારૂ કેમ પીવડાવે છે ? તું એમનો કોઈ સગલો છે ? એમને તારી પાસે એમનું કોઈ કામ કઢાવવાનું હશે એટલે આવીને દારૂ આપી જાય છે.”

     “બુધા આ મોટાં માણસો આપણને ફસાવી દેશે આપણું એમને પહોંચી વળવાનું ગજું નથી આપણે જે રોટલાં ખાઈએ છીએ એ આ શેઠનાં છે આપણા ગામમાં કોઈએ મજૂરીએ નહોતાં રાખ્યાં આ શેઠે વિશ્વાસ રાખીને આપણને રાખ્યાં છે એ મોતીકાકાની નજર પણ નથી સારી તું તો દારૂ પી ને પડ્યો રહે છે એ મારી સાથે શા માટે માથાકૂટ કરે છે ? તને તો કશી સમજ જ નથી પડતી હવે એ આવશેને તો હું બધુજ શેઠને કહી દઈશ. “

    બુધો રમલીનું બધું સાંભળી રહ્યો હતો ત્યાં જીપ આવવાનો અવાજ આવ્યો રમલી દોડીને એની ઓરડીમાં જતી રહી બોલી યાદ કર્યો અને પેલો રાક્ષસ આવ્યો જા કહી દે અહીં કોઈ નથી.

    બુધો કંઈ સમજે પહેલાંજ મોતી ચૌધરી જીપ સાથે અંદર આવ્યો જીપમાં એની સાથે ગામનો ઉતાર ભૂરો ભરવાડ પણ હતો એ હોઠ નીચે દાંત દબાવી બુધાને જોઈ રહેલો. મોતી ચૌધરીએ પૂછ્યું “અલ્યા બુધા હમણાં પીતાંબર આવેલો ? એને ઘોડા પર ગામ તરફ જતાં જોયો. કેમ આવેલો ? કેવું છે એને ? “

 

બુધો થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો “મોતીકાકા તમારેજ એમને મળીને પૂછી લેવું હતું ને ? મને શા માટે પૂછો છો ? હું તો ગરીબ માણસ છું મારે તો મારી મજૂરીથી મતલબ... “ ત્યાં ભૂરા ભરવાડે હાથમાં પ્લાસ્ટિકની થેલી પકડી હતી એણે કહ્યું “ લે આ તારાં માટે છે લહેર કર... આ કાપણી ક્યારે કરવાની છે ? “

    બુધાએ કહ્યું “એ તમારી પાસે રાખો મારે જરૂર નથી અને સમય થશે ત્યારે કાપણી કરીશું તમારે શું કામ છે ?” મોતી ચૌધરી એ ભૂરા ભરવાડ સામે જોયું અને બોલ્યો “આ માંકડને આંખો ક્યારે આવી ?” અને ગુસ્સામાં જીપ રીવર્સ કરી બહાર નીકળી ગયાં.

 

વધુ આવતા અંકે - પ્રકરણ 47