સાસુમા Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાસુમા

સાસુમા

- મિતલ ઠક્કર

રીટા જ્યારે માના ઘરે પહોંચી ત્યારે એમની તબિયત ખરેખર ગંભીર હતી. સીતાબેનની સારવાર ઘરે જ ચાલતી હતી. રીટાને એ યોગ્ય ના લાગ્યું. માને હોસ્પિટલમાં જ સારી સારવાર મળી શકે એમ હતી. રીટાએ પૈસા કે સમયની ચિંતા કર્યા વગર માને હોસ્પિટલમાં દાખલ કરી દીધી. સીતાબેન ઘરે જ સારવાર કરાવવા ઇચ્છતા હતા. એ રીટાને તકલીફ આપવા માગતા ન હતા.

હોસ્પિટલમાં દાખલ કર્યા પછી જ્યારે એમના બધા મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા ત્યારે ઘણી તકલીફો સામે આવી.

રીટા માની બેદરકારી પર ખીજવાઇ ગઇ:'મા, ડૉકટરે ચોખ્ખું કહ્યું કે આટલી બધી તકલીફો હોય ત્યારે સામાન્ય ડૉકટરની દવાના ભરોસા પર બેસી રહેવું ના જોઇએ...'

સીતાબેન પર એના ગુસ્સાની કોઇ અસર ના થઇ:'બેટા, તને એવું લાગે છે. મને કોઇ મોટી તકલીફ નથી...'

'મા, તું સાચી અને આ ડૉકટરો ખોટા છે? મને ખબર છે કે તું શું વિચારે છે. એક તો તારી પાસે બહુ પૈસા નથી. એની તું ચિંતા ના કરીશ. વ્યવસ્થા થઇ જશે. પિતાજી થોડું ઘણું તો તારા માટે મૂકીને ગયા છે. તું એકલી રહે છે એ કારણે તારો જીવનમાંથી રસ ઊઠી ગયો છે એવું સાબિત કરવા માગે છે. પણ હું તને સારી કરીને જ રહીશ. બીજી વાત મારી સાસુમાની છે એની મને ખબર છે. તું એમનો કડક સ્વભાવ જાણે છે. મારા માટે વધારે દિવસો તારી પાસે રહેવું મુશ્કેલ છે. પણ હું અત્યારે એમની ચિંતા કરતી નથી. મને ખબર છે કે મારા વગર ઘરમાં એમના પુત્ર અને અમારા પુત્રને સાચવવાનું મુશ્કેલ બનતું હશે. અમારી એવી સ્થિતિ નથી કે કપડાં, વાસણ કે રસોઇ માટે બાઇ રાખી શકીએ. સાસુમા બહુ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હશે. અત્યારે તારી તબિયત સારી કરવાનું કામ મારી પ્રાથમિકતામાં છે...' રીટાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

'બેટા, મને તારા સાસુની ચિંતા થાય છે. ડર પણ લાગે છે. બે દિવસ પછી હોસ્પિટલમાંથી રજા લઇ લઇશું...' સીતાબેનના સ્વરમાં એ ડર ડોકાતો હતો.

'મા, મેં પહેલાં જ તને કહી દીધું છે કે હું ત્યાં જ્યારે જઇશ ત્યારે સાસુમા ફાંસીની સજા આપશે તો પણ વાંધો નથી. હું તને આ હાલતમાં છોડીને જવાની નથી...' રીટાએ પોતાનો ફેંસલો સંભળાવી દીધો એટલે સીતાબેન ચૂપ થઇ ગયા.

રીટા દરરોજ સાસુ અંજનાબેનને ફોન કરતી હતી. એ સીતાબેનના ખબર અંતર પૂછવા સાથે કેટલા દિવસમાં સાજા થશે એની પૃચ્છા કરતા રહેતા હતા. એમાં 'તું કેટલા દિવસ રોકાશે?' એવો અર્થ અભિપ્રેત રહેતો હતો. પતિ હિતેશ સમજુ હતા. તે એક વખત આવી ગયા હતા. બે બે જગ્યાએ કામ કરીને ઘરના છેડા ભેગા કરતા હતા. સાંજે નોકરીથી છૂટીને કોઇના માટે પ્લાસ્ટિકની વસ્તુઓ વેચવાનો ધંધો કરતા હતા. એમને ઘરના કોઇ કામ માટે સમય મળે એમ ન હતો. દસ વર્ષનો પુત્ર સુનેતુ તોફાની ન હતો પરંતુ તેને સ્કૂલ મોકલવાની અને એની બીજી જરૂરિયાતો સાસુમાએ પૂરી કરવી પડતી હતી. એની ચિંતા સતાવતી રહેતી હતી. સારું છે કે એની સાસુમાએ કોઇ ફરિયાદ હજુ કરી નથી. પિતાજીની ગેરહાજરીમાં સીતાબેનની સેવા કરવાનું પોતાનું કર્તવ્ય હતું. રીટાએ એક તબક્કે વિચારી લીધું હતું કે સાસુમા રોજ ખીજવાય છે તો હવે વધારે સાંભળવું પડશે. થોડું વધારે સહન કરીને માને સાજી તો કરવી જ પડશે. હું એકની એક દીકરી છું. એમના માટે દીકરો બનવાનું વચન આપ્યું હતું. માએ બાળપણમાં મારી કેટલી કાળજી લીધી હતી. આ ઉંમર એમનું બાળપણ હોય એવી છે.

રીટાએ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સીતાબેનની સેવા કરી. એમની હાલતમાં સુધારો થયો હતો પરંતુ સાજા થયા ન હતા. એ જીદ કરીને ઘરે આવી ગયા.

ઘરે આવ્યા પછી એક રાત્રે અચાનક તબિયત બગડી. રીટાને ઝોકું આવી ગયું હતું. કદાચ સીતાબેન એને કંઇ કહી શક્યા નહીં અને આ ફાની દુનિયા છોડી ગયા.

રીટા આઘાતમાં સરી પડી. એને થયું કે પોતાને ડૉકટરે સૂચના આપી હતી કે બહુ થોડા દિવસના મહેમાન છે. એમને છેલ્લા દિવસો ઘરે પસાર કરવા હોય તો લઇ જાઓ. એટલે એમને આ વાતની જાણ કર્યા વગર ઘરે લાવી હતી. તેને દુ:ખ એ વાતનું થયું કે છેલ્લી ક્ષણે તે મા સાથે કોઇ વાત કરી શકી નહીં.

સીતાબેનના અંતિમ સંસ્કાર પછી સાસુમા, પતિ અને સુનેતુ એને આશ્વાસન આપીને જતા હતા ત્યારે અચાનક એની નજર પડી. અંજનાબેનનું શરીર પહેલાં જેવું ન હતું. એમનું વજન ઉતરી ગયું હતું. અંજનાબેન એમના વધારે વજનવાળા શરીર માટે અત્યાર સુધી ગૌરવ લેતા હતા. પચીસ દિવસની દોડધામમાં એમનું વજન ઘટી ગયું હતું. ઘરમાં પાણીનો ગ્લાસ પણ જાતે ના લેતા અંજનાબેનને ભાગે પાણી ભરવાનું જ નહીં અગણિત કામ આવ્યા હતા. રીટા ઘરમાં ક્યારેય એમને કોઇ કામ ચીંધતી ન હતી. એ પણ રસ લેતા ન હતા. સંજોગો એવા ઉભા થયા કે એમણે ઇચ્છા ના હોય એવા કામ કરવા પડ્યા. એમણે ઘણા સમાધાન કર્યા હશે. હવે એ મને ઘણું સંભળાવશે. જતાં જતાં પૂછતા હતા કે,'હવે કેટલા દિવસની વિધિ છે?' રીટાને થયું કે એ વડિલ છે અને એમને વધારે ખબર છે. છતાં એના આવવાની તારીખ એ પૂછી રહ્યા હતા. રીટાએ જ્યારે પંદર દિવસ કહ્યા ત્યારે એમને ચક્કર આવી ગયા હોય એમ બે ક્ષણ આંખ મીંચી ગયા હતા. પણ કંઇ બોલ્યા ન હતા.

દિવસો વીતી રહ્યા હતા. ક્યારેક અંજનાબેનનો ફોન આવતો હતો. માના શોકમાં ડૂબેલી રીટા નવરી હતી પણ એમની પાસે વાત કરવાનો સમય ન હતો. રીટા દિલગીરી વ્યક્ત કરતી ત્યારે એ કંઇ બોલતા ન હતા. રીટાને ખ્યાલ આવી જતો હતો કે એ બહુ નારાજ હતા. એમના પર સવા મહિના સુધી બધી જવાબદારી આવી ગઇ હતી. એ પોતે મજબૂર હતી. બધી સમસ્યાનો અંત સમય જ લાવવાનો હતો અથવા સમસ્યાઓ વધવાની હતી. જેમજેમ વિધિ પૂરી થતી હતી અને સાસરે પાછા જવાનો દિવસ નજીક આવતો જતો હતો એમ મનમાં ઉચાટ વધતો જતો હતો.

રીટા માની બધી વિધિ પૂર્ણ કરી પોતાના ઘરને તાળું મારી સાસરીના ઘરે પહોંચી ત્યારે થાકનો અહેસાસ થયો. પણ હવે થાક ઉતારવાનો સમય મળવાનો ન હતો. કેટલાય દિવસનું ઘર સરખું કરવાનું હતું. કામોનો પહાડ રાહ જોતો હતો.

રીટા ઘરે પહોંચી ત્યારે અંજનાબેન ચોખા વીણતા બેઠા હતા. તેને આવેલી જોઇ ચશ્માની ઉપરથી એના પર નજર નાખી. રીટાના દિલની ધડકન વધી ગઇ.

તે ધ્રૂજતા અવાજે બોલી:'સાસુમા, લાવો હું ચોખા વીણી દઉં....'

'આજથી મને સાસુમા કહેવાની જરૂર નથી...તને ખબર છે? મારું વજન દસ કિલો ઘટી ગયું છે...' એ સપાટ અવાજમાં બોલ્યા અને રીટા પર વીજળી પડી હોય એમ નજીકની ખુરશીમાં ફસડાઇ પડી. એ સાસુ તરીકેના સંબંધનો અંત લાવી રહ્યા છે. એને શંકા હતી કે અંજનાબેન કદાચ એને ઘરમાં પણ પ્રવેશવા નહીં દે. પોતે વચ્ચે બે-ચાર દિવસ આંટો મારી જવાની જરૂર હતી. હવે એમ પણ કહી દેશે કે આ ઘરમાં તારી જરૂર નથી.

'સાસુમા, હું માફી માંગુ છું... મારે આવતા રહેવાની જરૂર હતી. પણ માની તબિયત જ....' રીટા કરગરતી હોય એમ બોલી. તેની આંખમાંથી આંસુ ટપકવાના બાકી હતા.

'બેટા, મને તારા પર ગર્વ છે. એક છોકરી થઇને તેં છોકરાની ફરજ બજાવી છે. આજથી તારે મને 'સાસુમા' નહીં પણ માત્ર 'મા' જ કહેવાનું છે!' અંજનાબેન ચોખાની થાળી નીચે મૂકીને ઊભા થતાં બોલ્યા.

અંજનાબેન ભાવુક થઇને રીટાને વળગી પડ્યા:'બેટા, આજથી હું તારી મા છું.'

રીટા તો આભી બનીને સાંભળી જ રહી. અંજનાબેનના શબ્દો પર એને વિશ્વાસ આવતો ન હતો. તેની આંખમાંથી ખુશીના આંસુ ટપકવા લાગ્યા.

'મા, તમને બહુ તકલીફ પડી હશે...હવે તમે પહેલાંની જેમ જ આરામ કરજો. હું ફરી બધાં કામ સંભાળી લઇશ...' રીટા લાગણીથી બોલી.

તેનાથી અળગા થઇ અંજનાબેન ગળગળા સાદે બોલ્યા:'બેટા, મારે મારું વજન હવે પાછું વધારવું નથી. સાચું કહું તો તું માની સારવાર માટે ગઇ અને વધારે દિવસ રોકાઇ ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો. પહેલાં કામો કરવાનું આકરું લાગતું હતું. પણ ધીમે ધીમે ઘરના કામ કરવામાં મને આનંદ આવવા લાગ્યો હતો. મારું વજન ઘટ્યું એથી વધારે આનંદ આવ્યો. અને સુનેતુ સાથે લાગણીથી રહેવાની બહુ મજા આવી. પહેલાં ઘરના કામથી હું દૂર રહેતી હતી અને વહુ હોય ત્યારે કામ કરવાનું એક સાસુ તરીકે સન્માન આપનારું ન હોવાનું માનતી હતી. પણ મેં જ્યારે મા બનીને ઘરના કામ કર્યા ત્યારે એક નવું જ જોશ અનુભવ્યું. તું દરરોજ કેટલું કામ કરતી હતી એનો અંદાજ આવ્યો. તું વહુ તરીકે બધી ફરજ બજાવતી હતી પણ હું તો મા તરીકે પણ કોઇ ફરજ બજાવતી ન હતી. તારી મમ્મીને આપણે ગુમાવ્યા પણ એમનો જન્મ મારામાં થયો છે. તું મને માફ કરી દે બેટા!'

'મા. આ શું કહો છો?' કહી રીટા ફરી અંજનાબેનને ભેટી પડી.

બંને થોડીવાર સુધી સીતાબેનની વાતો કરતાં બેસી રહ્યા.

અંજનાબેન ઊભા થતાં બોલ્યા:'હું રસોઇની તૈયારી કરું છું. તું આરામ કર...'

'મા, હવે હું બધું સંભાળી લઇશ. તમે આરામ કરો...'

'ના, મારે આ ઘટેલું વજન ફરી વધવા દેવું નથી. પણ તારું વજન વધે એવું જરૂર કરવું છે. જોને, સવા મહિનામાં તું વધારે સુકાઇ ગઇ છે...'

'મા, હવે મારું વજન વધી જશે. મને મારી મા પાછી મળી ગઇ છે!' કહી રીટા એમની સાથે રસોડામાં જવા લાગી.