An innocent love - Part 7 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An innocent love - Part 7

પાછળના ભાગમાં આપણે જોયું કે...

"મા.... મા, મારી ઢીંગલી મારી રાધા મને મળી નથી રહી, મે બધે શોધી લીધું પણ તે ક્યાંય નથી મળી રહી", શાંત થતાં મીરા આખરે બોલી.

"અરેરે...હે ભોળાનાથ, તું એના માટે ક્યારની દુઃખી થતી હતી અને આટલા કિંમતી આંસુ વેડફી રહી હતી? અરે મારી ઢીંગલી, તારી એ રાધા ક્યાંય નથી ખોવાણી એતો એકદમ સહીસલામત છે", બોલતા બોલતા મમતા બહેન હસી પડ્યા.

હવે આગળ.............

"પણ મા, તો એ મને મળતી કેમ નથી, ક્યાં છે એ, તારી પાસે છે? લાવ મને જલ્દી જલ્દી આપ, મારે મારી બહેનપણીઓ સાથે રમવા જાવું છે." એકી શ્વાસે બોલતા મીરા મમતા બહેન ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી રહી.

"ભારે ઉતાવળી છે મારી દીકરી, મારી વાતતો પૂરી થવા દે. જો રાઘવને એના દોસ્તો સાથે આજે કોઈ નવું નાટક ભજવવું હતું એના માટે એક ઢીંગલી જોઈતી હતી, માટે મે જ એને તારી ઢીંગલી આપી છે. તે તને હમણાં કલાક સુધીમાં આપી જશે. તું ત્યાં સુધી તારી બહેનપણીઓ સાથે બીજુ કઈક રમી આવ".

મમતા બહેનની આટલી વાત સાંભળતાજ મીરા ગુસ્સે ભરાતા બોલી,
"મને ખબર છે પેલી સુમીના જ આં બધા કારસ્તાન છે, ક્યારેય નહી ને આજેજ કેમ એ લોકોને નવા નાટકની જરૂર પડી, એમાંય મારીજ ઢીંગલી? સુમીને મારી ઢીંગલી ખૂબ ગમી હતી એટલેજ રાઘવને કહીને મારી રાધા લઈ લીધી છે, હું એને આમ મારી રાધા નહિ છીનવવા દઉં."

"અરે પણ સાંભળતો...." , મમતા બહેન બૂમો પાડતા રહ્યા પણ મીરા ત્યાં સુધી કઈ પણ સાંભળ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ.

મનોહરભાઈના ઘરથી થોડે દૂર શેરીમાં બાળકોનો મેળાવડો લાગ્યો હતો. બધા બાળકો બે ટુકડીમાં વહેંચાઈ ગયા હતા. એક ટુકડીમાં રાઘવ અને બીજી ટુકડીમાં સુમન મોખરે હતા. રાઘવના હાથમાં નાનકડો ઢીંગલો જેને એક વરરાજાની જેમ તૈયાર કરવાંમાં આવ્યો હતો, જ્યારે સુમનના હાથમાં એક ખુબજ સુંદર મજાની ઢીંગલી હતી જેને એક નવી નવેલી દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી.

બધા બાળકોએ આજે નવી રમત આદરી હતી. આજે એમણે રાઘવના ઢીંગલા અને સુમનની ઢીંગલીના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. એના માટે બે ટુકડી પાડી દેવામાં આવી હતી. રાઘવનો પક્ષ જાનૈયા અને સુમનનો કન્યાપક્ષ. સાચેજ કોઈ લગ્નમાં મહાલતા હોય એમ બધા ખુબજ સુંદર કપડા પહેરી અને સજીધજી ને આવ્યા હતા.

એક મોટી રમકડાંની ગાડીમાં ઢીંગલાને બેસાડી દેવામાં આવ્યો અને ગાડીને દોરીથી બાંધી રાઘવ એને દોરવા લાગ્યો અને બધાજ જાનૈયાઓએ વરઘોડો નીકાળ્યો. કોઈ વળી રેડિયો લઈને આવ્યું હતું, એના પર ગીત વગાડતો વરઘોડો નાચતો કૂદતો આખી શેરીમાં ફરી રહ્યો.

બીજી તરફ સુમનની ઢીંગલીને નકશીદાર બાજોઠ ઉપર બેસાડી, બધા એની ગોળ ફરતે ઘૂમી રહ્યા હતા. અમુક જાણે મોટા ગવૈયા હોય એમ લગ્ન પ્રસંગે મોટેરાઓ ના મુખે સાંભળેલ ફટાણાં આવડે એવા સૂરતાલ માં ગાઈ રહ્યા હતા તો કોઈ નાચી રહ્યું હતું.

બનેં બાજુ જાણે સાચેજ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હોય એવું વાતાવરણ જામ્યું હતું. શેરીની વચ્ચે વચ્ચ રંગબેરંગી ઓઢણીઓ અને જાત ભાતના સુંદર ફૂલો વડે નાનકડો મંડપ પણ ઉભો કર્યો હતો.

આખો વરઘોડો ફરીને મંડપ આગળ આવી પહોંચ્યો. રાઘવના ઢીંગલાને મંડપમાં બેસાડવામાં આવ્યો. સુમનની ઢીંગલીને નાનકડી ડોલીમાં બેસાડીને લઈ આવવામાં આવી. એકબાજુ રાઘવ પોતાના ઢીંગલાને ખોળામાં લઈને બેઠો તો એની બીજી તરફ સુમન એની ઢીંગલીને લઈને બેઠી. ખુબજ ઉત્સાહપૂર્વક બાળકોની આં રમત આગળ વધી રહી હતી.

ત્યાજ દૂરથી ધૂઆપુવા થતી મીરાને આવતા જોઈ રાઘવ બે ઘડી મૂંઝવણમાં મુકાઈ ગયો. એને મોટી બહેનના મોં ઉપર દેખાતી ગુસ્સાની લકિરોનું કારણ સમજાઈ ગયુ. તે કઈ પણ પ્રતિક્રિયા આપે તે પહેલાંજ મીરા સીધી સુમન પાસે આવીને ઊભી રહી ગઈ.

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)