હું લેખિકા - ? Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું લેખિકા - ?

હું લેખક બની ! વાણિયાની દીકરી ” લેખિકા’, મુખ પર સ્મિત ફરકી ગયું ને ? છુપાવવાનો પ્રયાસ ન કરતા. આ હકીકત છે. લેખક, બનવા માટે સમયનો મોટો ફાળો રહ્યો છે. છતાં હું સત્ય છુપાવી નહી શકું. બાળપણમાં ગુજરાતી ભાષા ગમતી ખરી અને પ્રભુત્વ પણ સારું હતું. પછી તો કોલેજ કાળ પૂરો કરી, રૂમઝુમ કરતી સાસરે આવી, ‘સાહિત્ય’ એક ખૂણામાં છુપાઈ ગયું.

“જગને દીધો હાથ છોડ્યો અધવચ્ચે સંગાથ”, બસ સાહિત્યને શરણે આવી. હ્રદયમાં છુપાયેલા દર્દને વહાવવા માટે નો ‘રામબાણ ઈલાજ” ! શરૂ શરૂમાં માત્ર ઈશ્વર, નહી શ્રીનાથજીના ભજન જ નિકળતાં . જેને કારણે ત્રીજે વર્ષે “સમર્પણ” નામની ભજનોની કેસેટ બહાર પાડી. ખૂબ ચાહના મળી. સહુથી વધુ આનંદ મારી મમ્મીને થયો. ૨૦૦૪ માં પ્રથમ કાવ્ય સંગ્રહ “અંતરનો અવાજ” પ્રકાશિત કર્યો. મને તો માનવામાં જ આવતું ન હતું. પણ સાચું કહું છું, અંતરમાંથી નિકળતાં શબ્દોની ઝડી બસ વહ્યા જ કરતી. દર્દ તો ઓછું થતું ન હતું માત્ર તેને નિકળવાનો રાહ મળ્યો હતો. જે રચનાત્મક હતો. હજી કમ્પ્યુટર પર લખવાનું શરૂ કર્યું ન હતું.

આજે પણ તમે જોશો તો ઓછામાં ઓછી ૧૫ ડાયરી ભરેલી પડી છે. હસવું તો ત્યારે આવે છે, મારા સિવાય કોઈને ઘરમાં ‘ગુજરાતી’ વાંચતા અને લખતા આવડતું નથી. તેનો અફસોસ પણ નથી. મશ્કરીમાં કહું છું,” જઈશ ત્યારે, બાળવા માટે લાકડા ને બદલે આ ડાયરી, પુસ્તક, ચોપાનિયા અને કાગળિયા નો ઢગલો પૂરતો છે.” આમ લેખન પ્રવૃત્તિ ચાલુ થઈ. ભાંખોડિયા ભરતી હતી. લખવાનો કોઈ મહાવરો ન હતો. ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અને મનમાં ઉદભવતા વિચારોનું વંટોળ બસ પ્રેરણાનો ધોધ બની વહી રહ્યા. શરૂ, શરૂમાં અરે આજે ૨૨ વર્ષના અનુભવ પછી પણ “લેખિકા” શબ્દ ખૂબ મોટો લાગે છે.

દર્દની દવા, એકલતાનો એકદંડી મહેલ, મનનું મનન, પરિસ્થિતિની પાવનતા અને સંજોગની શરણાગતિ લેખનકળાને ખૂબ વેગ આપ્યો. મિત્રોનો સહકાર જેમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે ‘પ્રમુખ આઈ.એમ. ઈ. પેડ” અમારા મિત્ર એ બનાવ્યું ત્યાર પછી કમ્પ્યુટર પર લખવાની સુગમતા સાંપડી. શરૂ શરૂમાં, “સહિયારી નવલકથા”  લખવાનો આવિષ્કાર કરી લગભ ૫૦ નવલકથા લખવામાંમાં ભાગ લીધો. શરૂઆતથી અંત સુધી બધી નવલકથાઓમાં બે થી ત્રણ પ્રકરણ લખ્યા. જેને કારણે અમારા લેખકોને “લિમ્કા એવૉર્ડ” મળ્યો વિજય શાહ મુખ્ય વ્યક્તિ હતા એટલે એના નામ પર પ્રાપ્ત થયો.

બસ ત્યાર પછી તો આ મુસાફરીમાં લખવાનું ચાલુ થયું તે આજ સુધી ચાલુ છે ! સહુથી પહેલી નવલકથા, ‘એક ડગ ધરા પર” ૨૦૦૯ માં લખી. જેનો વિષય છે ‘મારી માનસ પુત્રી’ .આજની તારીખમાં પણ મારી સહુથી પ્રિય નવલકથા છે. ત્યાર પછી વારો આવ્યો ‘જાગીને જોઉં તો” ! મારા પ્રિય ભાણિયાનો ૨૧ વર્ષનો દીકરો એન્જીનયરિંગની પરિક્ષા આપી અમેરિકા ભણવા આવવાની તૈયારી કરી ચૂક્યો હતો. મિત્રો સાથે ગોવા ગયો અને અકસ્માતમાં ઘાયલ થઈ ઘરે આવ્યો. આજની ઘડી ને કાલનો દિવસ, હજુ સુધી પથારીમાં છે. જાગીને જોઉં તો તેનું જગત છિન્ન ભિન્ન થઈ ગયું હતું. જે પરિસ્થિતિમાં આજે છે, છતાં હસતો રમતો પરિવાર છે એ ખૂબ ગર્વની વાત છે. મારા બાળકોના વ્હાલ સોયા પિતાને કેમ વીસરી શકું ?

“ફુલ વાડી સિંચિત થઈ ફળ ફુલથી ઉભરાઈ

માળી વિણ બગિયાની હું મહેક માણું છું “.

ખૂબ લખ્યું અને લખતા રહેશે. આ બે પંક્તિઓ અમર છે. ( મારા માટે). કહીશ તો તમે નહી માનો. આજે પરિવાર ખૂબ ફૂલ્યોફાલ્યો છે. ઈશ્વરની કૃપાથી સમૃદ્ધિમાં આળોટે છે. તે જોઈને નવલકથા લખી, “જીગરના પપ્પા”.જેમાં બાપ દીકરાનો પ્રેમ છલકાય છે. જેમ મારા બે બાળકો પિતા સાથે જીવન માણતા હતા તેમ ! ત્યાં વળી મારા કાકાના દીકરા, જેમનું જીવન સંઘર્ષથી ભર્યું હતું. આપવિતી મને કહી સંભળાવી, “બસ તું મારી જીંદગી પર નવલકથા લખ” . કેવો પ્રેમ ભર્યો આગ્રહ. હું ઇન્કાર ન કરી શકી. ” સંઘર્ષની સોડમાં” જન્મ થયો અને લોકોએ આવકાર્યો. જાણીતી વ્યક્તિ એ ખૂબ ઉમંગભેર તેને વધાવી.

“ઉમંગનું લોલક” નામ પરથી જ સમજી શકશો નારીની વ્યથા. લોલક જેવી પરિસ્થિતિ. “હું ક્યાં જાઉં, આમ જાઉં કે તેમ જાઉં. લોકો શું કહેશે ? બાળકો શું વિચારશે. શું મારા માટે આ કદમ ઉઠાવું યોગ્ય ઠરશે “? અંતે સહુના સાથ અને સહકારથી “ચાવી ભરેલી ઘડિયાળના લોલક ને બદલે બેટરી ઓપરેટર, સ્થિતિ બની યોગ્ય દિશામાં કદમ ઉઠાવી શેષ જીવન પ્રેમથી ગુજાર્યું“. જ્યારે કોઈ નાની વયની દીકરી, માથે સંસારનો ભાર આવી પડે, પોતાના ના ભાઈ અને બહેનને પ્રેમ પૂર્વક જિંદગીની રાહ પર ચલાવે ત્યારે પોતાની લગ્ન કરવાની છુક છુક ગાડી તો સ્ટેશન પરથી ઉપડી ગઈ હોય! ભવિષ્યમાં સાથી પામે તો વિચાર કરે ? “ઝાકળ બન્યું મોતી’ !

આમ નવલકથા લખવાની મજા માણી. સાથે સાથે જીંદગીને આવરી લેતા ઘણા બધા પ્રસંગો, હકિકતો, હાસ્ય, કરુણ અને વિવાદાસ્પદ વિષયો પર લખાણ લખ્યું. હજી પણ તે દિશામાં હળવે હળવે ડગ માંડી રહી છું. લેખન પ્રવૃત્તિ જાણે જીવનનો “પ્રાણવાયુ” ન હોય ? તેનો અર્થ એ નથી કે બસ લેખન એ જ ‘જીંદગી’ છે. જીંદગીના અનેક પહેલું છે. યોગ, સિરામિક્સ, ભરત, ગુંથણ અને રાંધણ કળા એ દરેક ક્ષેત્રમાં નિત નવીન અખતરાના ખતરા પણ મોલવાની મજા માણું છું. અંતમાં ‘જીવન’ પાસેથી માત્ર લીધું જ છે. સમાજનું ઋણ અદા કરવામાં હમેશ પ્રયત્નશીલ રહું છું. છતાં હજુ ઉત્તર પામી શકતા નથી ! ”

આવો મારા મનગમતા કાવ્યનું રસ દર્શન કરાવું.

એક

****

હું એકની એક મારા અગણિત નામ છે

નાના મોટા અબાલ વૃદ્ધ સહુમાં સમાન છે

રૂપ રંગમાં નહી ફરક પણ ભિન્ન તેનો મિજાજ છે

દીકરી બહેન પત્ની માતા ઝૂઝવા તેના રૂપ છે

દેરાણી જેઠાણી મામી માસી નામે તે પંકાય છે

રૂપ રંગમાં નહી ફરક પણ ભિન્ન તેનો રૂઆબ છે

ઘડીમાં કાકી ઘડીમાં ફોઈ મા સાસુ ઉપનામ છે

દાદી નાની થઈને તેમાં સુગંધ ઉમેરાય છે

રૂપ રંગમાં નહી ફરક પણ ભિન્ન તેનો મિજાજ છે

મિત્ર બનીને યશની કલગી સિર પર સોહાય છે

પ્રભુના ચરણે શીશ નમાવી કર્યો તેનો સ્વીકાર છે

રૂપ રંગમાં નહી ફરક પણ ભિન્ન તેનો રૂઆબ છે

સરળ ભાષામાં લખાયેલું આ કાવ્ય નારી વિષે સંપૂર્ણ ચિતાર રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિ એ માત્ર સામાન્ય ‘નારી’ છે. સમાજમાં તેની ભિન્ન અદાકારીથી એ પોતાનું આગવું સ્થાન ગ્રહણ કરે છે. આપણા સમાજમાં તેના આગમન ઘણીવાર વિપરીત સંજોગોમાં થાય છે. કોઈ ઠેકાણે તે લક્ષ્મીની જેમ પૂજાય છે. તો કોઈ ઠેકાણે તેનું આગમન ખૂબ ખુંચે છે. એમાં દોષ આપણી સંકુચિતતાના અને સમાજનો છે. ભૂલી જઈએ છીએ કે તેની અવહેલના કરનાર પણ આ પૃથ્વી પર ‘નારી’ની કૃપાથી જ આવ્યા છે. આ વિચારને ધરમૂળથી બદલવાનો સમય પાકી ગયો છે.

બાકી ‘નારી તું નારાયણી છે”. તારા અવનવા રૂપ છે. દરેક પાત્રમાં તું ઉત્તમ પુરવાર થઈ છે. તને જે પણ પાત્ર મળ્યું તેમાં છે સંસ્કારનું ધાવણ ઉમેરી દિપાવ્યું છે. બાહ્ય રૂપમાં કોઈ ફરક નથી, પણ જ્યારે જે સમયે,જે પાત્ર ભજવવું હોય એમાં ક્યારેય ઉણી ઉતરી નથી. ભલે સમાજ તારા પર ક્રૂર આચરણ કરે તે સહન કર્યું છે. હવે સમય પાકી ગયો છે. પુરુષ સમોવડી નથી પણ તેના કરતા બે આંગળ ઉંચુ તારું સ્થાન છે, પ્રાપ્ત કર્યું છે. તારું ગૌરવવંતુ સ્થાન, તેના ગઢની કાંકરી ખેરવવાનું પણ પુરુષનું સામર્થ્ય નથી !

નારી તું એક પણ તારા અવનવા રૂપ. એ રૂપ ને અનુરૂપ તારું પાત્રાલેખન,બસ વધુ શું કહેવું ?

આ છે મારી લેખિકાની સફર. “મને” મળવાનો સાદો અને સીધો રસ્તો સ્વિકાર, સ્વમાન અને સ્વાભાવિક !