વસુધા - વસુમાં - પ્રકરણ-37 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-37

વસુધા : ૩૭

પીતાંબરે કહ્યું તમે વાતો કરો હું શહેરમાં જઈને બધાં સાધનો અને ઉપકરણોનું લિસ્ટ પ્રમાણે તપાસ કરીને આવું. વસુધા પીતાંબર જેવો ઘરની બહાર નીકળ્યો એની પાછળ પાછળ એને વિદાય આપવા બહાર આવી. પીતાંબર ગાડી સ્ટાર્ટ કરીને નીકળ્યો અને એક કાળી બિલાડી આડી ઉતરીને ત્યાંથી દોડી ગઈ.

પીતાંબર ધ્યાન આપ્યા વિના આગળ નીકળી ગયો પણ વસુધાની લગોલગ પાછળ ઉભેલી સરલાનું ધ્યાન ગયું અને બોલી પડી...આ મૂઈ બિલાડી અત્યારે ક્યાંથી આડી ઉતરી ?

વસુધાએ કહ્યું સરલાબેન મેં જોયું છે પણ એમાં કોઈ જાતનો વ્હેમ રાખવાની જરૂર નથી આ બધી ખોટી માન્યતાઓ છે ચલો એવું વિચારો કે આનાંથી કંઇક સારું જ થશે...સરલાએ કહ્યું વાહ વસુધા તારાં વિચારો કાયમ હકારાત્મકજ હોય છે આજ તારી શક્તિ છે..તારાં વિચારો જાણવા એટલેજ કાયમ મને ગમે છે.

******

પીતાંબર કાર લઈને ઘરેથી એક નવા જોશ અને જોમથી નીકળ્યો. ગામનું પાદર આવતાં જોયું કે ત્યાં વડનાં ઓટલે ઘણાં બધાં બેઠાં છે એમાં ખાસ કરીને મોતી ચૌધરી - કૌશિક એનાં મિત્ર રમણો-પકલો, કરસન બધાં વાતો કરતાં એની સામે જોઈ રહ્યાં. બધાનાં ચહેરા પરથી લાગ્યું બધાં કદાચ એનીજ વાતો કરી રહેલાં.

પીતાંબરે કાર ધીમી કરી અને બોલ્યો શુભસવાર જયમહાદેવ મોતીકાકા પછી  રમણા -પકલા સામે જોઈ બોલ્યો અલ્યા સવાર સવારમાં અહીં શું કરો છો ? ત્યાં મોતીકાકાએ કહ્યું ભાઈ સવારમાં તું ગાડી હાંકી ક્યાં નીકળ્યો ? પીતાંબરે કહ્યું થોડું કામ છે અને મારાં ફોઈને તેડવા જઉં છું અને પકલાની સામે તીરછી નજર કરી એ ગાડી હંકારી આગળ નીકળી ગયો.

મોતીકાકાએ કૌશિક અને પકલા સામે નજર કરીને કહ્યું આ પીતાંબર અને એનો બાપ ગુણવંત પેલી આજની આવેલી એની વહુ...શું નામ એનું ..વસુધાનાં વિચારો અપનાવી હવામાં ઉડવા લાગ્યાં છે...સીધે સીધું દૂધમાં કમાણી કર્યા વિના મોટાં સપનાં જોવા લાગ્યાં છે.

કૌશિકે પકલા અને રમણાની સામે જોઈને કહ્યું જરૂર પડે એની પાંખો કાપવી પડશે નહીંતર એ આપણાં બધાની આગળ વધી આકાશમાં ઉડવા માંડશે.

પકલાએ રમણાની સામે જોઈને કહ્યું રમણા તારો તો એ ખાસ ભાઈબંધ છે અને આ મોતીકાકા અને કૌશિકભાઈ તો એની પાંખો કાપવાની વાત કરે છે. ત્યાં બેઠેલો ત્રીજો પીતાંબરનો ભાઈબંધ કરસન બધું સાંભળી રહેલો.

મોતીકાકાએ કહ્યું હું એમનેમ વળતર વિના પાંખો કાપવાની વાત નથી કરી રહ્યો. પણ હજી તેલ જુઓ તેલની ધાર જુઓ પછી વાત છે. અને તમે એનાં ખાસ મિત્ર હોવ તો તમે જાણો ગામમાં કામ કરનારાં ઘણાં મળી આવશે. એમ કહી પકલાની સામે જોઈ રહ્યાં.

પકલો રામણાની સામે જોઈ રહ્યો અને બંન્નેની નજર મળી અને કંઇક નજરથી વાત થઇ ગઈ ત્યાં કૌશિકે ધીમેથી રમણાનાં કાનમાં કહ્યું મારી પાસે વાસદથી એકદમ નવી આઈટમ પેક જોરદાર માલ આવ્યો છે તમારી દેશી પોટલીની વિસાત નથી અસલ અંગ્રેજી માલ છે જોઈએ તો સાંજે ખળીએથી લઇ જજો.

પકલો અને રમણા બંન્નેની દાઢ સળકી અને બંન્નેએ એકબીજા સામે જોઈને કહ્યું અમે સાંજે આવીશું ખળીએ ... અને બધાં એક સાથે હસી પડ્યાં.

******

પીતાંબરે એનાં ખાસ મિત્ર નયનને બોલાવી લીધેલો એલોકો આણંદ ડેરી રોડ પર આવેલા ડેરી અંગેનાં સાધનો અને ઉપકરણોનાં એક મોટાં વિક્રેતાની દુકાને ભેગાં થયાં. પીતાંબર ગાડી પાર્ક કરીને ઉભો રહ્યો  અને સામે નયન મળી ગયો.

બંન્ને મિત્રો એકબીજાને ભેટયા અને ચેહરા પર આનંદ છવાયો. નયને કહ્યું ઘણાં સમયે મળાયું અને અમારાં લગ્ન પણ એવા સંજોગોમાં થયાં કે કોઈને બોલાવી નાં શક્યો પણ આજે આ કામ પતાવી મારાં ઘરે જમીને પછી તારે ગામ પાછા જવાનું છે.

પીતાંબરે કહ્યું પણ તારી લગ્નની પાર્ટી બાકીજ રહી મારાં અને વસુધા તરફથી ખુબ ખુબ વધાઈ અને ખુબ અભિનંદન..મને એ ખબર હતી કે તને ડેરી અંગેની બધી માહીતી છે તેં ડેરીમાં કામ પણ કરેલું છે અમારે ગામમાં સહકારી ડેરી શરૂ કરવી છે સહકારી જો શક્ય ના થાય તો આગવી કરવી છે પણ કરવી જરૂરી છે મારી અને વસુધાની ખુબ ઈચ્છા છે.

નયને કહ્યું આ ખુબ સારો વિચાર છે અને ખુબ નફો મળે છે દૂધની સાથે સાથે દૂધની બનાવટોનો બજારમાં ઉપાડ પણ ખુબ છે એમાંય તહેવાર તિથીમાં ખુબ વેચાણ થાય છે.

પીતાંબરે કહ્યું ચાલ આ વિક્રેતાને ત્યાં બધા સાધનો ઉપકરણોની તપાસ કરીએ...કેવી રીતે કામ કરે છે કેટલી કિંમત છે? હપ્તેથી મળે છે કે કેમ ? કોઈ ઓળખાણ આપવાથી કિંમતમાં કોઈ ફેર પડી શકે ? કોઈ વળતર કિંમતમાં કાપી આપે ?

નયને હસતાં હસતાં કહ્યું તું નિશ્ચિંન્ત થઇ મારી સાથે આવ બધાંજ લાભ અપાવીશ જે શક્ય હશે બધાંજ. મારાં પાપાને અહીં ખાસ ઓળખાણ છે પહેલાં હું તારું લિસ્ટ જોઈ લઉં એમ વાત કરતાં કરતાં મોટી દુકાનમાં પ્રવેશ્યાં. ત્યાં દુકાનનાં મલિક સુરેશ પટેલે પૂછ્યું નયન શું વાત છે ? શેનું લિસ્ટ લઈને આવ્યો છે ?

નયને કહ્યું કાકા આ મારો ખાસ મિત્ર છે એને હમણાં નાના પાયે ડેરી ચાલુ કરવી છે અને આ ડેરીમાં દૂધની બનાવટો બનાવવી છે જેવી કે માખણ, ઘી, મીઠાઈ,ચીઝ પનીર અને અન્ય બનાવટો.

સુરેશ પટેલે કહ્યું હા હું સમજી ગયો. તમે ભલે લિસ્ટ લઈને આવ્યાં પરંતુ મારી પાસે ડેરી ખોલવા શરૂ કરવા માટે બધાંજ સાધનો -ઉપકરણોનું તૈયાર લીસ્ટ છે એમાં કોઈ સાધન બાકી નહીં રહે તમને સરળતા રહેશે વળી એને ચલાવવા, કામ કરવા સાર સંભાળ રાખવા માટે અને તાલીમ પણ આપીશું કેવી રીતે બને એનો સંગ્રહ કેવી રીતે કરવો બધીજ સમજણ આપીશું એનાં માટે ડીપફ્રીઝ સાથે બધાં ઉપકરણ પણ આપીશું. તમારે કોઈ ચિંતાજ નહીં રહે. વાત રહી એની કિંમતની તો એમાં શરૂઆતમાં થોડું રોકાણ જરૂર થશે પરંતુ આવક પણ એવી બમણાં ઉપર થશે.

પીતાંબર બધું સાંભળી રહેલો એણે કહ્યું આખી ડેરી ઉભી કરવા માટે તમારી પાસે સાધનોનું-ઉપકરણોનું લીસ્ટ તૈયારજ છે તમે કહો છો આખું પેકેજ છે તો એની ઓછામાં ઓછી કિંમત અને કુલ કેટલું રોકાણ કરવું પડે એનો આંકડો આપશો ? તો એ પ્રમાણે બધું સમજીને હું ઘરે પાપા અને કુટુંબીજનો સાથે ચર્ચા કરી શકું.

સુરેશભાઈએ કહ્યું ભાઈ પીતાંબર તું જે વ્યક્તિને સાથે લઈને આવ્યો છું વળી તમે ગાડરીયા ગામનાં છો જ્યાં મારી સાસરી છે હું ત્યાં અવારનવાર આવું છું તમારાં પાપા ગુણવંતભાઈને પણ જાણું છું તમે આ ડેરીનો પ્રોજેક્ટ કરો તો તમારે ઓછાંમાં ઓછાં ૮ થી ૧૦ લાખનું રોકાણ થશે પણ ..એમાં તમને હપ્તેથી આપવાની પણ વ્યવસ્થા કરી આપીશું. આમતો એમાં ઓછાંમાં ઓછાં ૧૫ લાખ રોકાણ થાય પરંતુ તમે હમણાં શરૂઆત કરો પછી જેમ જેમ જરૂર પડે બીજા મોટાં ઉપકરણ વસાવવાનાં વળી સહકારી ધોરણે કરો તો એમાં રાજ્ય સહકારી બેન્ક  દ્વારા લોન લેવાની એમાં તમને ૨૦% સબસીડી પણ મળી શકે એટલે તમે વિચારીને આવજો હું તમને બધીજ વ્યવસ્થા કરી આપીશ. ડેરી શરૂ કરવા તાલીમ અને બીજી જે કઈ મદદની જરૂર પડશે હું બધીજ કરીશ. અત્યારે આમ યુવાનો આગળ આવી સાહસ કરે અને રોજગારી વધારે એમાં હું ચોક્કસ ફાળો આપીશ.

પીતાંબરે આભારવશ આંખે કહ્યું સુરેશકાકા  તમારો ખુબ ખુબ આભાર તમે મને આ અંગેનું કોઈ સાહિત્ય હોય તો આપો હું મારાં પાપા અને કુટુંબીઓ સાથે ચર્ચા કરીને પાછો આવીશ પછી નિર્ણય લઈશ.

સુરેશભાઈએ કહ્યું હું આખી આ ફાઈલ આપું છું એમાં રજે રજ માહીતી છે નાનાં મોટાં સાધનો અને ઉપકરણો બધાની કિંમત સાથે માહિતી છે આખું ડેરીનું તંત્ર કેવી રીતે ગોઠવાય કેવી રીતે કામ કરે કેટલી જગ્યા જોવે બધીજ માહિતી છે તમે શાંતિથી અભ્યાસ કરીને આવજો. પીતાંબર અને નયન એમનો આભાર માની દુકાનેથી નીકળ્યાં. નયનનાં આગ્રહથી પીતાંબર નયનને કારમાં બેસાડી નયનનાં ઘરે જવાં નીકળી ગયો.

******

સાંજ પડે ખળી ઉપર બધાં પુરુષો બેઠાં બેઠાં ગપ્પા મારતાં હતાં. મોતીકાકા હાથમાં તમાકુ મસળીને દાઢમાં દબાવી રહેલાં કૌશિક મોઢામાં માવો દબાવીને પકલા રમણાંની રાહ જોઈ રહેલો બાકી બધાં પથ્થરથી સોગઠી રમી રહેલાં ત્યાં રમણો અને પકલો બાઈક પર આવ્યાં, કૌશીકનાં ચેહરા પર પીશાચી હાસ્ય આવ્યું એણે રમણાંને હાથમાં બોટલ આપી કાનમાં કંઇક કહ્યું....

વધુ આવતા અંકે પ્રકરણ :- ૩૮