જીગર, સીમા અને તેમનો નાનકડો દિકરો મેહુલ શહેરમાં રહેતાં પોતાના એક મિત્રને ત્યાંથી પાછા પોતાના નાનકડા ગામ તરફ આવી રહ્યા હતા અને તેમને રસ્તામાં એક ગોઝારો અકસ્માત થયો.
નાનકડો મેહુલ બચી ગયો પરંતુ તેના મમ્મી-પપ્પાનું ત્યાં ને ત્યાં જ સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું.
મેહુલને ઘરે તેના દાદીમા પાસે લાવવામાં આવ્યો. બે ત્રણ દિવસ પછી ખબર પડી કે મેહુલને પણ બંને પગમાં ખૂબ વાગ્યું છે. જેનું ઓપરેશન કરાવવું પડે તેમ છે.
તેને તેના દાદીમા ડૉક્ટર પાસે પણ લઈ ગયા પરંતુ આ તકલીફ તેમનાથી દૂર થાય તેમ ન હતી આ તો કોઈ મોટા ડૉક્ટરને બતાવવું પડે તેમ જ હતું અને તેને માટે તેને શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવો પડે તેમ હતો અને મોટા શહેરમાંથી એક મોટા ડૉક્ટર સર્જન આવે તે જ તેનું ઓપરેશન કરી શકે તેમ હતું.
દાદીમાને આ વાત જણાવવામાં આવી પરંતુ દાદીમા પાસે એટલા પૈસા ન હતા કે તે પોતાના દિકરા મેહુલને શહેરની હોસ્પિટલમાં દાખલ કરી શકે. અને તેમનું કોઈ એવું અંગત સગુ પણ ન હતું કે જે તેમને આર્થિક મદદ કરે.
તેમની આજુબાજુ વાળા લોકો દાદીમાને અવાર નવાર આ દિકરાને શહેરની હોસ્પિટલમાં લઈ જવા માટે કહી રહ્યા હતા પરંતુ દાદીમા એકજ જવાબ આપતાં કે, "તે જાતે આવશે"
દાદીમાને પોતાના ભગવાન ઉપર ખૂબજ ભરોસો હતો.
એક દિવસ અચાનક ખૂબજ આંધી આવી. પ્લેનની મુસાફરી પણ અટકાવી દેવી પડી કારણ કે, પાયલોટને પણ કશું જ દેખાતું ન હતું. તેથી એક સલામત જગ્યાએ ખુલ્લા મેદાનમાં આ ફ્લાઈટને ઉતારી દેવામાં આવ્યું.
તેમાં બેઠેલા એક સજ્જન માણસને ત્યાંથી આગળના ગામમાં જ એક મીટીગમાં પહોંચવાનું હતું જ્યાં તેમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા. તેથી સમયસર પહોંચવું તેમને માટે ખૂબ જરૂરી હતું.
તે ફટાફટ ફ્લાઇટમાંથી નીચે ઉતર્યા અને તેમણે પોતાની નજીકમાંથી એક ટેક્સી શોધી કાઢી અને તેમાં બેસીને તે પોતાની મીટીંગમાં પહોંચવાની ઉતાવળ કરવા લાગ્યા.
પરંતુ એટલામાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો અને ટેક્સી ડ્રાઈવરને આગળનો રસ્તો દેખાતો પણ બંધ થઈ ગયો તેથી ડ્રાઈવરે આ સજ્જન માણસને નીચે ઉતરીને કોઈ સલામત જગ્યાએ ખસી જવા માટે સલાહ આપી. થોડીવારમાં તો રોડ ઉપર પાણી ભરાવા લાગ્યા.
આ સજ્જન માણસ પોતાનો જીવ બચાવવા માટે નજીકમાં દેખાતી એક ઝુંપડીમાં ઘૂસી ગયા. જ્યાં પેલા દાદીમા અને તેમનો પૌત્ર મેહુલ રહેતા હતા.
દાદીમાએ આ સજ્જન માણસને આશરો આપ્યો અને તે આખાજ પલળી ગયા હતા અને ધ્રુજતા હતા તો પોતાના મૃત દિકરાના કપડા પહેરવા માટે આપ્યા.
આ સજ્જન માણસ એ બીજું કોઈ જ નહીં પણ શહેરનો એક ખ્યાતનામ ડૉક્ટર જેની પાસે મેહુલના પગનું ઓપરેશન કરાવવા માટે જવાનું હતું.
ડો. નિતેશ ભારદ્વાજ, તેમણે મેહુલને પથારીમાં પડેલો જોઈને સ્વાભાવિકપણે જ તેના વિશે પૂછ્યું.
દાદીમાએ તેમને પોતાના દિકરાના એક્સિડન્ટની વાત જણાવી ત્યારે ડૉક્ટર સાહેબે પોતાની ઓળખાણ આપી અને તેને ત્યાં જ તપાસી લીધો.
ત્યારબાદ ડૉક્ટર સાહેબે પોતાનું નામ અને સરનામું દાદીમાને આપ્યું અને મેહુલને લઈને હોસ્પિટલમાં આવવા જણાવ્યું જ્યાં તે મેહુલના બંને પગનું ઓપરેશન ફ્રીમાં કરશે અને બીજો પણ તેની દવાનો તમામ ખર્ચ તે પોતે ભોગવશે તેમ જણાવ્યું.
આમ, દાદીમાની સાચી ભક્તિ અને ભગવાન ઉપરનો પૂરેપૂરો વિશ્વાસ કે, "તે જાતે આવશે" તો ભગવાનને પણ પોતાના ભક્તોની મદદે આવવું પડે છે અને તે ચોક્કસ આવે પણ છે.
શ્રી રામને પણ શબરીના એંઠા બોર ખાવા માટે સ્વયં આવવું પડ્યું હતું.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/1/22