" વિદાય "
ઘણાં વર્ષો પછી દેવેને આ ગામમાં પગ મૂક્યો હતો. લગભગ ચાલીસેક વર્ષ પછી પણ એનું એજ સ્ટેશન એજ ટ્રેઇન એજ વાતાવરણ કંઇજ બદલાયુ ન હતુ. બસ, બદલાયો તો ફક્ત સમય હતો જ્યારે તેણે ગામ છોડ્યું ત્યારે તે એકવીસ વર્ષનો હતો અત્યારે તે એકસઠનો થઇ ગયો હતો.
ગાંધીનગર જિલ્લાનું છેક છેવાડાનું આ ગામ, ગામનું નામ કનીજ હતુ. બસ આખા દિવસમાં સવારે સાત વાગે એક જ ટ્રેઇન અહીં આવતી, જેણે જવું હોય કે આવવું હોય તેણે આ જ ટ્રેઇનનો ઉપયોગ કરવો પડે. ગામની વસતી પણ ખૂબ ઓછી. પૈસેટકે પણ બહુ સુખી ગામ નહિ. દેવેન અહીંનો રહેવાસી હતો. આજે તેનો દૂરનો કાકાનો દિકરો અરવિંદ ઞુજરી ગયો હતો,તેનું બેસણું હતું. જે તેનો મિત્ર પણ થાય તેથી તેને આવવું પડ્યું હતુ.
ઘણાં બધા કારણો આવીને ગયા પણ તે આ ગામમાં આવવાનું ટાળતો જ રહેતો હતો. આજે નાછૂટકે તેને આવવું પડ્યું હતુ માટે તે આવ્યો હતો.ઘણી બધી જૂની યાદો સંકળાયેલી હતી આ ગામ સાથે, જે યાદ કરતાં જ તે દુઃખમાં ડૂબી જતો.એક બેગમાં બે જોડી કપડા લઇને આવ્યો હતો કદાચ, એકાદ બે દિવસ રોકાવું પડે તો !
ગામડામાં તો કોઇ માણસ ગુજરી જાય તેનો ખૂબ શોક રાખવો પડે. પણ, અરવિંદ ભાઈ તો ઉંમર લાયક હતા અને તેમની પાછળ લીલી વાડી મૂકીને ગયા હતા એટલે આખાય ગામને લાડવા જમાડવા પડે.સવારે બેસણું હતું અને પછી દાળ-ભાત,લાડુ- શાક નો જમણવાર હતો.
અરવિંદભાઈનું ઘર નાનું અમથું હતું, તેમાં પણ બે દિકરાઓ, બે વહુઓ અને બે-ત્રણ બાળકો એટલે આખું ઘર ભરેલું લાગે. બધા એકજ ઘરમાં રહેતા તેથી દેવેનને થયું કે મારે સૂઇ જવાની તકલીફ પડશે.
ઘરની બહાર બધાને જમવા બેસાડ્યા હતા.પહેલા જેન્ટસને જમવા બેસાડ્યા હતા. દેવેન પણ જમવા બેઠો હતો. એક પછી એક બધા પીરસવા આવતા હતા.મનિષાનો વારો આવ્યો, તે દેવેનને પીરસી રહી હતી. એક લાડુ ખાધા પછી તેણે બીજો લેવાની ના પાડી એટલે તરત જ અવાજ આવ્યો કે તમને તો લાડુ બહુ ભાવે છે. તો લોને (આવું બોલનાર બીજું કોઈ નહિ પણ મનિષા હતી, જે દેવેનને રગેરગ ઓળખતી હતી.) મનિષાનો અવાજ સાંભળી દેવેન ચોંકી ગયો. આટલા વર્ષો પછી પણ તે મનિષાનો અવાજ ઓળખી ગયો.એટલો જ મીઠો અને પ્રેમાળ અવાજ હતો એ. તેણે માથું ઉંચુ કરીને જોયું તો મનિષા સામે ઉભી હતી.બધાની હાજરીમાં તે મનિષા સાથે કંઇ વાત કરી શક્યો નહિ.
મનિષા એટલે જીવણભાઇ અને ઇન્દિરાબેનની દીકરી, તેમને બે દીકરીઓ હતી એક જીગ્નાશા જેને ઘરમાં બધા જીગુ કહેતા અને બીજી મનિષા,જેને ઘરમાં બધા મની કહેતા. જીવણભાઇની આર્થિક પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. ગામની કરિયાણાની દુકાનમાં નોકરી કરતા એટલે ખાવા જેટલું સીધું-સામાન અને થોડાઘણાં પૈસા મળી રહે. બંને દીકરીઓ દેખાવમાં ખૂબ રૂપાળી હતી. જીગુ ભણવામાં સારી હતી પણ સાત ધોરણ સુધી ભણાવીને તેને સ્કૂલમાંથી ઉઠાવી લીધી હતી અને નજીકના ગામમાંથી સારું માંગું આવ્યું એટલે સોળ વર્ષની નાની ઉંમરે તેને પરણાવી દીધી હતી.
બીજી દીકરી મનિષા ભણવામાં ખૂબજ હોંશિયાર હતી. રૂપાળી તો એટલી હતી કે આખા ગામમાં તેનો પહેલો નંબર આવે. બોલવામાં પણ એકદમ ચાલાક, હિરણી જેવી તેનામાં ચંચળતા, નાની એટલે ઘરમાં બધાને ખૂબ વ્હાલી, પપ્પાની તો જાણે પરી.
મનિષા અને દેવેન એક જ ક્લાસમાં ભણતા હતા. બંને નાના હતા ત્યારથી મિત્ર હતા. દેવેનને ભણવાનું બિલકુલ ગમતું નહિ તેથી તેનું સ્કૂલનું લેસન પણ મનિષા જ કરી દેતી. જેથી તેને ભીખાભાઈ સાહેબની સોટી હાથમાં ખાવી ન પડે. મનિષાનો આખા ક્લાસમાં પહેલો નંબર આવે. પોતે તો ભણે પણ આજુબાજુના બધા છોકરાઓને ભેગા કરી પોતાના ઘરે ભણાવે.
ઇન્દિરાકાકી ખૂબજ ગુસ્સે થાય અને બોલે, " ઘરમાં નિશાળ બંધ કર મની " પણ મનિષાને ભણાવવાનો ખૂબ શોખ એટલે તે કોઇનું કંઇ સાંભળે નહિ.
દેવેન અને મનિષાની મિત્રતા, મોટા થતાં પ્રેમમાં પરિણમી.હવે બંને દશમાં ધોરણમાં આવી ગયા હતા. એક વખત મનિષા ખૂબ બીમાર પડી ગઈ તેથી ચાર-પાંચ દિવસ સ્કૂલમાં આવી શકી નહિ. દેવેન રોજ તેની રાહ જોતો સ્કૂલની બહાર બેસી રહેતો. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થયા પણ મનિષા સ્કૂલમાં આવી શકી નહિ. પછી તેણે મનિષાની ફ્રેન્ડ પાયલને પૂછ્યું કે મનિષા કેમ સ્કૂલમાં નથી આવતી તો ખબર પડી કે તે ખૂબ બીમાર પડી ગઈ છે. દેવેન સ્કૂલમાં જવાને બદલે મંદિર જતો અને કલાકો સુધી ત્યાં બેસી રહી ભગવાનને પ્રાર્થના કર્યા કરતો કે મનિષા જલ્દીથી સાજી થઈ જાય અને સ્કૂલમાં આવે.
પાંચ દિવસ પછી જ્યારે મનિષા સ્કૂલમાં આવી ત્યારે દેવેનને શાંતિ થઇ,જાણે તેના જીવમાં જીવ આવ્યો. તે દિવસે તેને એવો અહેસાસ થયો કે હું મનિષાને ચાહવા લાગ્યો છું અને મારે તેને આ વાત કરવી જોઈએ.
એક દિવસ સ્કૂલેથી છૂટીને બંને જણ ચાલતા ચાલતા ઘરે જઇ રહ્યા હતા, ત્યારે દેવેને મનિષાને કહ્યું કે, "મનિષા, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને તારા વગર રહી શકતો નથી. તું આટલા દિવસ સ્કૂલે ન હતી આવી તો હું સ્કૂલમાં પણ ગયો ન હતો. "
મનિષા એકદમ જોરથી હસવા લાગી, દેવેનને થયું આ મારી વાત કેમ ઉડાડી દે છે ! શું તેના મનમાં આવી કોઈ લાગણી નહિ હોય ? અને મનિષા બોલી, " હું તો તને ક્યારનીય પ્રેમ કરું છું. એટલે તો તારું બધું લેસન કરી લઉં છું. જેથી તને સ્કૂલમાં માર ન પડે અને કોઈ બોલે નહિ અને એટલે જ તો ઘરેથી લાવેલો નાસ્તો પણ તને ખાવા આપી દઉં છું. "
દેવેન આ વાત સાંભળીને ખૂબજ ખુશ થઇ ગયો. પછી તો બંને એકબીજાની વાતોમાં મશગુલ રહેતા અને સ્કુલે જવાનો સમય થાય તેની રાહ જોતા. બંને એકબીજાને પોતાની બધી જ વાતો કર્યા કરતા બંને વચ્ચેનો પ્રેમ ખૂબજ ગાઢ બનતો જતો હતો.
ગામમાં દશ ધોરણ સુધીની જ સ્કૂલ હતી.જીવણકાકા મનિષાને હવે આગળ ભણાવવા નહતા માંગતા પણ જીગુએ અને તેની મમ્મીએ જીદ કરીને મનિષાને આગળ ભણવાની છુટ અપાવી હતી.તેથી દેવેને અને મનિષાએ આગળ ભણવા માટે શહેરની એક સ્કૂલમાં સાથે જ એડમિશન લીધું હતું. બંને હોસ્ટેલમાં રહેતા હતા. અને વેકેશન પડે એટલે ગામમાં પાછા આવી જતા હતા. બંનેને એકબીજા વગર બિલકુલ ચાલતુ નહિ.
ધોરણ બારનું રિઝલ્ટ આવી ગયું, મનિષા અને દેવેન બંને ખૂબ સરસ માર્ક્સથી પાસ થઇ ગયા પછી દેવેનને તો આગળ ભણવાનું હતું પણ મનિષાને આગળ ભણાવવાની ન હતી.
હવે તેના લગ્ન કરવાના હતા. એટલામાં બાજુના ગામમાં સમીર નામનો એક છોકરો રહેતો હતો તેના ઘરેથી મનિષાનું માંગું આવ્યું હતું. તેણે મનિષાને એક સંબંધીના ત્યાં લગ્નમાં જોઇ હતી. ત્યારથી જ નક્કી કર્યું હતું કે લગ્ન કરીશ તો આ છોકરી સાથે જ.તે મનિષા કરતાં ઉંમરમાં દશ વર્ષ મોટો હતો પણ પૈસેટકે ખૂબ સુખી ઘરનો હતો.
સુખી ઘરેથી મનિષાનું માંગું આવ્યું એટલે જીવણભાઇ તો ખુશ ખુશ થઇ ગયા. તેમણે તરત જ "હા" પાડી દીધી. ઇન્દિરાબેન અને જીગુએ જીવણભાઇને ઘણું કહ્યું કે મનિષાને પૂછી તો જૂઓ પણ જીવણભાઇ એમ કહેતા કે," આપણી મની ત્યાં રાજ કરશે રાજ,એટલો બધો રૂપિયો છે તેના સાસરે." જીવણભાઇનું આખું જીવન પૈસાની તકલીફમાં જ ગયું હતું તેથી પૈસાનું મહત્વ તે જાણતાં હતાં.
હવે દેવેન શહેરમાં જ રહેવા જતો રહ્યો હતો. ત્યાં તે તેના પિતા કરસનભાઈના મિત્ર રમણકાકાની કપડાની ફેક્ટરીમાં નોકરી પણ કરતો હતો. તેથી પોતાનો કોલેજનો ખર્ચ,રહેવા ખાવા-પીવાનો બધો ખર્ચ તે પોતાની જાતે જ કાઢી લેતો હતો. દેવેન કરસનભાઈનો એકનો એક દિકરો હતો.
હવે મનિષાને ભણવાનું બંધ થઈ ગયું હતું એટલે તે બિલકુલ બહાર નીકળી શકતી ન હતી.મોટી બહેન જીગુના પણ લગ્ન થઇ ગયા હતા તેથી તે પણ સાસરે હતી, પોતે સાવ એકલી પડી ગઈ હતી. તેને અને દેવેનને મળવાનું બિલકુલ બંધ થઈ ગયું હતું.તે ખૂબજ ઉદાસ રહેવા લાગી હતી, જાણે તેનું શરીર જ જીવતું હતું મન નહિ. ચહેરા ઉપરનું નૂર ઉડી ગયું હતું. મરવાના વાંકે તે જીવી રહી હતી. એક એક દિવસ એક એક જનમ જેવો લાગતો હતો. દેવેનને તે છોડવા માંગતી ન હતી. પણ પપ્પાને કહી શકે તેમ ન હતી.
થોડા સમય પછી દેવેન ગામમાં આવ્યો તો તેને ખબર પડી કે મનિષાનું સગપણ થઇ ગયું છે.ને બે મહિના પછી મનિષાના લગ્ન છે
આ સમાચાર સાંભળીને દેવેનના હોશકોશ ઉડી ગયા. તેણે મનિષાને ટેકરી ઉપરના મંદિરે મળવા બોલાવી હતી. આ મંદિર ગામથી થોડું અતડુ હતુ, ત્યાં કોઈ આવતું જતુ નહિ એટલે દેવેન અને મનિષા ત્યાં જ મળતાં.
મનિષા આવી ત્યારે દેવેન તેની રાહ જોતો ગુમસુમ મંદિરના ઓટલે બેઠો હતો. જીવવાની જાણે તેને કોઈ આશા દેખાતી ન હતી.
મનિષા આવીને દેવેનને ભેટી પડી અને ખૂબ રડી, ખૂબ રડી. દેવેન પણ તેને ભેટીને ખૂબ રડ્યો. દેવેને મનિષાને કહ્યું કે તું જીવણકાકાને "ના" પાડી દે કે મારે આ સગપણ નથી કરવું. મનીષાએ કહ્યું કે, મેં અને જીગુએ તેમને ખૂબ સમજાવ્યા પણ તે માનતા જ નથી અને એમ કહે છે કે, આનાથી સરસ ઘર અને સરસ છોકરો આપની મનીને દિવો લઇને ગોતવા જશો ને તોય મળશે નહિ. હવે પપ્પાની આગળ કોઈનું ચાલે તેમ નથી, તે કોઇનું સાંભળવા તૈયાર નથી. હવે આપણે બન્નેને જો સાથે જિંદગી કાઢવી હશે તો આ ગામ છોડીને ભાગી જવું પડશે.
તેણે દેવેનનો હાથ પોતાના માથા ઉપર મૂક્યો અને કસમ ખવડાવી કે લગ્નના આગલા દિવસની રાત્રે તે મનિષાના ઘર પાસે આવશે અને મનિષાને લઇને ગામ છોડીને ચાલ્યો જશે.પછી બંને લગ્ન કરીને સાથે જિંદગી વિતાવશે.
તેણે મનિષાને માથે પ્રેમથી હાથ ફેરવ્યો, તેને કપાળમાં બંને આંખ ઉપર, બંને ગાલ ઉપર અને હોઠ ઉપર ચુંબન કર્યા અને ભેટી પડ્યો, ખૂબ રડી પડ્યો, મનિષા પણ ખૂબ રડી પછી " સમય બહુ થઇ ગયો છે મનિષા, હવે તું ઘરે જા નહિ તો તારી મમ્મી ચિંતા કરશે." કહી તેણે મનિષાને ઘરે જવા વિદાય કરી. પોતે ક્યાંય સુધી એજ ટેકરી ઉપર બેસી રહ્યો અને વિધાતાને સવાલ પૂછતો રહ્યો કે," પ્રેમ કરવો તે શું ગુનો છે ? પ્રેમ કરવા વાળા લગ્ન શા માટે નહિ કરી શકતા હોય ? મને મારી મનિષા, જે મને જીવથી પણ વધારે વ્હાલી છે તે મળશે કે નહિ ? આવા ઘણાં બધા પ્રશ્નો તે પોતાની જાતને અને ઇશ્વરને પૂછતો રહ્યો. રાત્રે મોડા ઘરે આવીને સૂઇ ગયો. સવારે તેને પોતાની કોલેજમાં જવાનું હતું.
મનિષાની ખરી વિદાય આ હતી. જે તે જિંદગીમાં ક્યારેય ભૂલી શકી નહિ.
લગ્નની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. જીગુ તેના નાના દિકરાને લઇને જીવણકાકાના ઘરે આવી ગઇ હતી. મનિષાના હાથમાં લગ્નની મહેંદી મુકાઈ ગઈ હતી,પીઠી ચોળાઇ ગઇ હતી. બસ,હવે જાન આવવાની વાર હતી.
લગ્નના આગલા દિવસે રાત્રે મનિષા આખી રાત જાગતી બારી પાસે દેવેનની રાહ જોતી બેસી રહી. બીજે દિવસે સવારે જાન આવવાની હતી, તેને સમીર સાથે લગ્ન કરવા જ ન હતા.
પણ આખી રાત વીતી ગઇ, સવાર પડી, સૂર્યનું પહેલું કિરણ બારીમાંથી અંદર આવ્યું પણ દેવેન ન આવ્યો તે ન જ આવ્યો. મનિષાના લગ્ન સમીર સાથે થઇ ગયા.ગાડી-વાડી બધું જ મનિષા પાસે હતું બસ,ફક્ત દેવેન તેને ન મળ્યો તેનો વસવસો તેને આખી જિંદગી રહી ગયો. સમીરને મનિષા ખૂબજ ગમતી હતી, તેની મનિષા સાથે લગ્ન કરવાની ઇચ્છા પૂર્ણ થઈ હતી તેથી તે ખૂબજ ખુશ હતો.તે મનિષાને ખૂબજ પ્રેમ કરતો હતો.
તેનાથી મનિષાને બે દિકરા હતા. મનિષાએ દેવેનની યાદમાં મોટા દિકરાનું નામ "દેવ" પાડ્યું હતું અને નાના દિકરાનું નામ ચિરાગ પાડ્યું હતું.બંને ભણવામાં ખૂબજ, મનિષા જેવા હોંશિયાર હતા. બંને મોટા થઇ ગયા હતા અને બંનેને પરણાવી દીધા હતા. પણ આખાય ઘરમાં રાજ મનિષાનું જ ચાલે એટલો તેનો બંને વહુઓ ઉપર દાબ, સમીરનું હાર્ટએટેક આવવથી મૃત્યુ થઇ ગયું હતું.
ગામડે પણ મમ્મી-પપ્પાની ઉંમર થવાથી વારાફરથી બંનેનું મૃત્યુ થઇ ગયું હતું.એટલે ઘર હવે ખાલી હતુ. મનિષા ક્યારેક ક્યારેક આવતી અને સાફ-સફાઇ કરતી, નીચે એક રૂમ-રસોડું અને મેડા ઉપર એક રૂમ અને તેની ઉપર પતરા, જીવણકાકાનું નાનું પણ સુંદર ઘર હતું.
મનિષાના દિકરાઓ બંને પોતપોતાનું ઘર અને કારોબાર સાથે શહેરમાં જ રહેતા હતા. એટલે મનિષા અહીં આવીને થોડા દિવસ શાંતિથી રહેતી અને મન ભરાઈ જાય એટલે પાછી દિકરાઓને ત્યાં ચાલી જતી.
આજે અરવિંદભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને,બાજુનું જ ઘર થાય એટલે બેસવા આવવું પડે વિચારીને થોડા દિવસ રહેવાનું કરીને આવી હતી.
આટલા બધા વર્ષોના વાણાં વીતી ગયા પછી આમ અચાનક દેવેન તેને મળશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહતું.
અરવિંદના ઘરમાં સૂઇ જવાની સગવડ નહતી એટલે દેવેન પોતાની બેગ લઇને મનિષાના ઘરે આવ્યો.બારણું ખુલ્લું હતું, તેણે બારણે ટકોરા માર્યા, એટલે અંદરથી અવાજ આવ્યો, જે હોય તે અંદર આવી જાવ,હું અહીં ટેબલ ઉપર ચઢીને સફાઇ કરું છું. એજ બોલવાની સ્ટાઇલ એજ રૂઆબ કશું જ બદલાયુ ન હતુ તેમ દેવેન વિચારી રહ્યો હતો.
"મનિષા, હું દેવેન છું." દેવેને શાંતિથી કહ્યું, દેવેનનો અવાજ સાંભળતાં જ મનિષાને ખૂબ ગુસ્સો આવ્યો, આટલા વર્ષોથી દબાવી રાખેલો ગુસ્સો જાણે આજે એકસાથે બહાર આવી ગયો.તે ટેબલ ઉપરથી નીચે ઉતરી,તેના હાથમાં સાવરણી હતી, સાડીનો છેડો ઉંચે ખોસી દીધેલો હતો.અને રસોડામાંથી બહારના રૂમમાં આવી, ગુસ્સા સાથે બોલી, " "કોણ દેવેન, હું કોઈ દેવેન બેવેનને ઓળખતી નથી અને અહીં શું કામ આવ્યા છો કોને મળવા આવ્યા છો ?જીવણકાકાને મળવા આવ્યા હોય તો જાવ ઉપર જીવણકાકા ઉપર પહોંચી ગયા છે." એક જ શ્વાસે બધું બોલીને ચૂપ થઈ ગઇ.
તેનું મોં જાણે ગુસ્સાથી ફુલી ગયું હતું. તે જાણે દેવેન સાથે વાત કરવા પણ માંગતી ન હતી. પણ દેવેન આજે તેને મનાવ્યા વગર જવાનો ન હતો.
તેણે મનિષાને આજીજી કરતો હોય તેમ પૂછ્યું, " આજની રાત હું અહીં રહી શકું છું ? અને પછી બહારના રૂમમાં ખાટલો ઢાળેલો હતો, ઉપર ગાદલુ પણ પાથરેલુ હતું. દેવેને મનિષાને ખાટલા સામે હાથ બતાવીને પૂછ્યું, " હું બેસુ અહીં ? " " બેસો" શબ્દ બોલી મનિષા અટકી ગઈ. દેવેને વાતની શરૂઆત કરી, " કેમ છે તું ? મજામાં તો છેને ? અને તારા ઘરવાળા સમીર, એ શું કરે છે ?
મનિષા: મારે તમારી સાથે કોઈ વાત કરવી નથી. તમે શું કામ અહીં આવ્યા. હું બેકાર માણસો સાથે વાત કરતી નથી.
દેવેન: મનિષા, તારો ગુસ્સો હું સમજી શકું છું. તારો ગુસ્સો વ્યાજબી છે. પણ મારી પરિસ્થિતિ શું હતી તે તું નહિ સાંભળે ?
મનિષા: તારે મારી સાથે લગ્ન જ નહતા કરવા, તો મને પ્રેમ શું કામ કર્યો હતો. વચન શું કામ આપ્યુ હતુ. મને મારી બધી જ બહેનપણીઓ કહેતી હતી કે આ તારી સાથે લગ્ન નહિ કરે. બાયલો છે બાયલો. તો પણ મેં તને પ્રેમ કર્યો, તેનું આ પરિણામ આપ્યું તે મને ?
તને ખબર છે ને, મને સમીર સ્હેજ પણ ગમતો ન હતો. તે મારાથી દશ વર્ષ મોટો હતો. મારા પપ્પાએ પૈસા જોઇને મારું સગપણ તેની સાથે કરી દીધું હતું. મેં તારી ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો હતો. મેં તને આ બધી વાત પણ જણાવી હતી અને છતાં તે દિવસે રાત્રે તું ન આવ્યો તે ન જ આવ્યો.
આખી રાત હું તારી વાટ જોતી બેસી રહી. મારા જીવનની કોઈ રાત મેં આટલી ખરાબ વિતાવી નથી. સવારે મારી જાન આવવાની હતી. માટે જ મેં તને કહ્યું હતું કે આપણે રાત્રે જ આ ગામ છોડી ક્યાંક ચાલ્યા જઇશું અને લગ્ન કરી લઇશું.
( મનિષાની બધી વાત સાંભળીને દેવેને પોતાની વાત કરતાં કહ્યું કે,)
દેવેન: આપણાં ગામમાં પ્રેમ લગ્ન કરે તેના શું હાલ થાય છે, તે તને ખબર છે ને ? પેલા મયૂરે અને સ્મિતાએ કર્યા હતા તો તેમને ગામવાળા શોધીને ગામમાં પકડી લાવ્યા અને ગામ વચ્ચોવચ્ચ બંનેને બંદૂકની ગોળીએ ઉડાડી દીધા. શું આપણું પણ એવું થાય તેવું તું ઇચ્છતી હતી!
અને મારા અને તારા પપ્પાની ઇજ્જત જાય તે બીજુ.
મારા અને તારા બંનેના પપ્પા જીવતેજીવત મરી જાત,
એ તને ખબર પડે છે ? આપણાં સ્વાર્થ ખાતર આપણે માવતરને હેરાન ન કરાય.
મનિષા: ( એકદમ શાંત પડી ગઇ, તેને દેવેનની એકે એક વાત સાચી લાગી. )
જીવણકાકા પહેલેથી જ ગરીબ પરિસ્થિતિમાં રહ્યા હતા અને દીકરી મનિષાને આટલો રૂપિયાવાળો છોકરો લઇ જવા તૈયાર હતો તેથી તેમણે દશ વર્ષ મોટા સમીર સાથે તેને પરણાવી દીધી હતી.
દેવેન: જે દિવસે તારા લગ્ન હતા તેના આગલે દિવસે જ હું આ ગામ છોડી ને જતો રહ્યો હતો, પછી આ ગામમાં કોઈ દિવસ મેં પગ જ મૂક્યો ન હતો. તું જતી રહી સાસરે પછી આ ગામમાં મારે માટે કશું રહ્યું જ ન હતું, એટલે કોઈ દિવસ આવવાનું મન જ ન થયું, મમ્મી-પપ્પાને પણ મેં શહેરમાં બોલાવી લીધા હતા. ઘણુંબધું સારું કમાઉ છું હું અત્યારે, પછી મારા આશા નામની એક છોકરી સાથે લગ્ન થયા.
તારી અને તારા પ્રેમની સતત યાદ આવતી રહી, તારા વગર જીવવું શક્ય જ ન હતું. તને મળવાનો ઘણી વાર વિચાર આવ્યો પરંતુ મારી હિંમત ન ચાલી.
મમ્મી-પપ્પાની જવાબદારી પણ હતી. મારે બે બાળકો છે એક દીકરી અને એક દિકરો છે. બંને ને પરણાવી દીધા છે. છ મહિના પહેલા જ આશાને ચેસ્ટ કેન્સર થયું હતું તેથી તેનું મૃત્યુ થયું. દિકરાની જોડે શાંતિથી રહું છું. બસ,આજે અરવિંદના મૃત્યુના સમાચાર સાંભળ્યા તેથી થયું કે જવું પડશે એટલે આટલા વર્ષો પછી આ ગામમાં પગ મૂક્યો છે.
દેવેનની આંખમાં આંસુ આવી ગયાં, વર્ષોથી ભરાઇ રહેલો ડૂમો આજે બહાર આવી ગયો, ચશ્મા ભીના થઇ ગયા, ચશ્મા કાઢી આંખો લૂછતાં બે હાથ જોડી બોલ્યો, " મની, હું તારો ગુનેગાર છું, મને માફ કરી દે. પણ તારું અને મારું સારું કરવા માટે આ સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો. તું જે કંઈ પણ બોલે તે સાંભળવા હું તૈયાર છું. મને માફ કરી દે મની, મને માફ કરી દે. "
અને મનિષા પણ ખાટલા પાસે નીચે બેસી ગઇ અને મોં ઉપર બે હાથ રાખી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. અને બોલી, " ના, દેવેન તે જે કર્યું તે બરાબર જ કર્યુ છે, હું તો નાદાન હતી પણ તું સમજદાર નિકળ્યો તેથી આપણાં બંનેની ઇજ્જત બચી ગઇ. અને આપણો પ્રેમ ક્યાં જતો રહ્યો છે, એ તો તારી અને મારી બંનેની અંદર હજી જીવે છે. આ ભવનો અધૂરો પ્રેમ છે તો આવતા ભવે આપણે ચોક્કસ મળીશું. "
એ રાત્રે દેવેન મનિષાના ત્યાં જ સૂઇ ગયો. સવાર પડતા જ નાહી-ધોઇને તૈયાર થઇ ગયો. મનિષાએ તેની બેગ તૈયાર કરી દીધી દેવેને મનિષાને સ્ટેશન સુધી મૂકવા આવવા કહ્યું.અને બંને જણા ભારે હ્રદયે સ્ટેશન તરફ જઇ રહ્યા હતા.
ગાડી આવી ત્યાં સુધી બંને એકબીજાની સામે જોઇ રહ્યા જાણે એકબીજાની આંખમાં કાયમને માટે વસી જવા માંગતા હોય તેમ, અને ટ્રેઇનની વ્હીસલ વાગી, ટ્રેઇન આવી એટલે મનિષાએ ભારે હ્રદયે દેવેનની બેગ તેના હાથમાં આપી, દેવેન બેગ લઇને આવ્યો ત્યારે જાણે બેગ ખાલી હતી અને જઇ રહ્યો છે ત્યારે બેગ ભારોભાર ભરેલી હોય તેમ જાણે વજનદાર થઇ ગઈ હતી. અને તેનું હ્રદય પણ.....
છેવટે ટ્રેઇન વિદાય થઇ અને સાથે દેવેનની પણ વિદાય થઇ મનિષાની અવાચક આંખો ટ્રેઇન દેખાઇ ત્યાં સુધી તેને તાકતી રહી.....
-જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ