લાડલી Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાડલી

" લાડલી "
દીકરી એ બોલવાનો વિષય નથી, આંખોમાંથી ટપકવાનો વિષય છે. દીકરી માટે જેટલું લખીએ તેટલું ઓછું પડે તેમ છે.

એ પેલા પથ્થરને અડે અને પાંચિકા થઇ જાય છે. દીકરી ઘરમાં હોય એટલે ઘર ભરેલું ભરેલું લાગે ને ઘર છોડીને જાય ત્યારે ઘર જાણે ખાલી ખાલી ભાસે. દીકરી એટલે વ્હાલનો દરિયો.

They are very lucky, because they have a beautiful daughter.

અહીં મેં દીકરીનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે, આ વાર્તાના હાર્દમાં એક દીકરી છે. દીકરીને માતા-પિતા માટે જે પ્રેમ હોય છે તે વર્ણવી ન શકાય તેવો હોય છે.

આજે પૂજા ફરીથી પોતાના બાપુ અજયભાઈથી નારાજ હતી. જોકે આ હવે તેને માટે રોજનું થઇ ગયું હતું. કારણ કે રોજ અજયભાઈ ચિક્કાર દારૂ પીને આવતા અને પછી પગ પણ જમીન ઉપર ટકતા નહિ. જમવાનું દીકરી પૂજાએ બહુ પ્રેમથી બનાવીને રાખ્યું હોય પણ ખાતા નહિ અને " તું ખાઇ લેજે બેટા, મારે નથ ખાવું " એટલું બોલીને ઢગલો થઇને ખાટલામાં પડતા તો સવાર પડજો વહેલી.

આજુબાજુવાળા અને ભાઇબંધો બધા અજયભાઈને કહેતા, " એલા, અજીઆ આ તારી તો જિંદગી વઇ ગઇ પણ આ જુવાન જોધ છોકરીનો તો વચાર કર, હવે પીવાનું બંધ કર ને આના માટે કોઈ હારો મુરતિયો ગોતીને એને પરણાવી દે."

અજય બધાની વાતો સાંભળતો, મગજમાંય ઉતરતી પણ રાત પડે એટલે પાછો એને દારૂ અને દારૂની બાટલી દેખાય ને આખા દિ ની કમાણી તેમાં નાંખી આવે. કદાચ, થોડા પૈસા વધ્યા હોય તો દીકરી પૂજાના હાથમાં આપે અને તેનાથી દીકરી પૂજા બિચારી લોટ, શાક લાવી માંડ માંડ ઘર ચલાવે.

પૂજા બાપુને રોજ સવારે શિખામણ આપે, " બાપુ, તમે પીવાનું છોડી દો. તમે પીવો છો એ મને બિલકુલ ગમતું નથી અને આખો દિવસ રીક્ષા ચલાવી ચલાવીને જે પૈસા કમાઓ છો તે રાત્રે દારૂ પાછળ ખર્ચી કાઢો છો. મારે ઘર કેવી રીતે ચલાવવું બાપુ, હવે તો આને છોડો બાપુ આણે આપણા ઘરમાંથી બે માણસના જીવ લઇ લીધા હવે હું એક જ તમારી જોડે રહી છું. મારોય જીવ આની પાછળ આપી દેશો તમે ? "

અને વચ્ચે જ અજય તેને અટકાવી દેતો અને બોલતો, " ના બેટા ના, એવું ન બોલ, તું તો મારા જીગરનો ટૂકડો છે. હવે તું જ મારા જીવનનો આશરો છે. તને જોઇને તો હું જીવું છું. એવું ન બોલ બેટા. આજથી નહિ પીવું બસ, ખુશ ને ? " એમ કહી રીક્ષા લઈ, દીકરી પૂજા શાક-રોટલી બનાવી ટિફિન ભરી આપતી તે લઇ નીકળી જતો ને રાત્રે ઘરે આવે ત્યારે પાછું હતું એનું એ જ....

એમાં ને એમાં ફૂલ જેવો નાનો દિકરો મિલન હોમાઈ ગયો. પૂજાના જન્મ પછી સાત વર્ષ પછી મિલનનો જન્મ થયો હતો. ઘરમાં બધા ખૂબ ખુશ હતા. મિલન દેખાવમાં પણ રાજકુંવર જેવો હતો અને હોંશિયાર પણ, અને ડાહ્યો પણ પૂજા જેવો જ અને લાગે પણ પૂજા જેવો પણ તે પાંચ વર્ષનો થયો અને તેને કમળો થઇ ગયો.

અજયભાઈને શરાબ પીવાની બહુ જ ખરાબ આદત એટલે રોજ ઘરે આવે ત્યારે પીને જ આવે. માંડ થોડાઘણાં પૈસા રીક્ષાની કમાણીના વધે તે પત્ની ભાનુમતિના હાથમાં આપે. ભાનુમતિ એટલા પૈસામાં ચાર જણનું ગુજરાન ચલાવે તેમાં વળી દિકરો મિલન બીમાર પડ્યો. દવા તો કરી પણ દવાથી કંઇ ફરક પડતો નહિ. આજુબાજુ વાળા બધા કહેતા કે કોઈ સારા મોટા ડૉક્ટર પાસે મિલનને લઇ જાવ નહિ તો છોકરો હાથમાંથી ખોઇ બેસશો પણ પૈસાના અભાવે ભાનુબેન તેને સારા ડૉક્ટર પાસે લઇ જઇ શક્યા નહિ અને મિલનને કમળામાંથી કમળી થઇ ગઇ અને તે ગુજરી ગયો.

ભાનુબેનને દિકરાનો ખૂબ આઘાત લાગ્યો તે મનમાં ને મનમાં ખૂબ દુઃખી રહ્યા કરતા અને પોતાની જાતને કોશ્યા કરતા કે, પોતે દવા ન કરી શક્યા એટલે ફૂલ જેવા દિકરાને ખોઇ બેઠા.

આમ કરતાં કરતાં તેમનું શરીર ખૂબ નબળું પડવા લાગ્યું. એક વખત તેમને ઓચિંતો જ તાવ આવી ગયો. પૂજા ખૂબ ગભરાઈ ગઈ આખી રાત ' મા ' ને પોતા મૂક મૂક કર્યા અને સવાર પડતાં સરકારી દવાખાનામાં લઇ ગઇ પણ તાવ ઉતરવાને બદલે તેમને તો દિવસે દિવસે વધતો જતો હતો, કારણ કે ઝેરી મેલેરિયા થઇ ગયો હતો. પૂજાએ મમ્મીની ખૂબ સેવા કરી, દવા પણ ખૂબ કરી પણ તે ' મા ' ને બચાવી શકી નહિ.

એક પછી એક નજર સમક્ષ બે મૃત્યુ ઉપરા-છાપરી જોઈને પૂજા જાણે હેબતાઈ ગઇ હતી. બાપુને ઘણું સમજાવતી કે દારૂ પીવાનું બંધ કરો પણ અજયભાઈ બિલકુલ માનતા જ નહિ.

એક દિવસ ઘરમાં રસોઈ બનાવવા માટે કશું જ હતું નહિ. બાપુને પણ આજે ટિફિન વગર મોકલ્યા હતા. એ દિવસે તેને એવો વિચાર આવ્યો કે ગમે તે થાય બાપુને આ દારૂની લત તો છોડાવવી જ રહી.વિચારવા લાગી કે શું કરું તો આ બાપુ દારૂની લત છોડી દે.

બે દિવસ પછી તેનો જન્મદિવસ આવતો હતો. જન્મદિવસના દિવસે પૂજા ખૂબ ખુશ હતી. સવારમાં બાપુ નાહિ-ધોઇને રીક્ષા લઇને ફેરી કરવા જવા તૈયાર થયા એટલે તે બાપુને પગે લાગી. આમ, અચાનક આજે પૂજા પગે લાગી એટલે અજયભાઈ વિચારમાં પડી ગયા. તેમણે પૂજાને પૂછ્યું, " કેમ બેટા, આજે તું મને પગે લાગે છે, આજે કંઇ છે." પૂજાએ ખુશ થઇને જવાબ આપ્યો, " બાપુ, આજે મારો જન્મદિવસ છે." અજયભાઈએ આશીર્વાદ આપ્યા, "સદાને માટે ખુશ રહેજે મારી દીકરી. "

અને પૂજા તરત જ બોલી, " બાપુ, આટલા આશીર્વાદ આપે નહિ ચાલે, આજે હું જે માંગું તે તમારે મને આપવું જ પડશે. "

અજયભાઈને મનમાં ખબર હતી કે પૂજા શું માંગવાની છે પણ તેમનાથી આજે દીકરીને ' ના ' પડાય તેમ ન હતી. એટલે તે બોલ્યા, " હા બોલ, મારી દીકરી તું તો મારી " લાડલી " દીકરી છે. તું જે માંગે તે મારે આજે તને દેવાનું બસ."

અને પૂજા ખૂબજ ખુશ થઇ ગઇ, તેણે બાપુનો હાથ પોતાના માથા ઉપર મૂક્યો અને બોલી, " કસમ ખાઓ મારી બાપુ, કે આજથી તમે દારૂ પીને આવો તો બીજે દિવસે સવારે જ્યારે તમે ઉઠો, નાહિ-ધોઇને તૈયાર થઈને રીક્ષાની ફેરી કરવા જાવ ત્યારે મને ગાલ ઉપર જોરથી એક તમાચો મારીને જ જવાનું...!! "

અજયભાઈએ પૂજાની આ વાત સાંભળતાં જ માથા ઉપરથી હાથ લઈ લીધો અને ચોંકી ગયા, આ શું બોલે છે બેટા તું, મારી લાડલી, મારાથી તારી ઉપર કેવી રીતે હાથ ઉપાડાય ? તે જ તો મને જીવતો રાખ્યો છે. નહિ તો હું તો ક્યારનોય મરી ગયો હોત, તને મારાથી નો મરાય બેટા...!! "

અને અજયભાઈ જમીન ઉપર ફસડાઈ પડ્યા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા અને બોલ્યા કે, " મારી ફૂલ જેવી દીકરીને લાફો મારવો પડે તેના કરતાં મરી જવું વધારે સારું...!! એવો ધંધો હું નહિ કરું બસ, આજથી આ દારૂ બંધ બેટા બસ. જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ આ દારૂને હાથ નહિ લગાડુ, મને માફ કરી દે બેટા, આને હિસાબે તારો ભાઈ મેં છીનવી લીધો તારી પાસેથી, તારી મા છીનવી લીધી. હવે એક આ બાપ જ રહ્યો છે...!! એને હું નહીં છીનવવા દઉં બસ મારી લાડલી, મને માફ કરી દે બેટા. " અને એ દિવસે અજયભાઈને ખરું ભાન થયું. દીકરી પૂજાએ દારૂ છોડાવ્યો અને બાપ જીવતો રહ્યો...!!

અને આપણી આવી દીકરીઓને હિસાબે જ કેટલાય ઘર ટકી રહ્યા છે.....

- જસ્મીના શાહ ' જસ્મીન ' દહેગામ.