Lovestory books and stories free download online pdf in Gujarati

લવસ્ટોરી

" લવસ્ટોરી "

હીર થોડી ઘંઉવર્ણી પણ ઘાટીલી, લાંબા વાળ સુડોળ નાક, તીક્ષ્ણ આંખો, સુંદર હોઠ અને હંમેશા હસતો ચહેરો, બોલવામાં મીઠી કોઈને પણ ગમી જાય તેવી હતી. કોલેજમાં બહુ બધા છોકરાઓ તેની પાછળ પડેલા પણ કોઈને પણ દાદ આપતી નહિ. ભણવામાં ખૂબજ હોંશિયાર. એમ.બી.એ.ના છેલ્લા વર્ષમાં હતી. બસ, તેને એમ.બી.એ.થઈને કોઈ સારી કંપનીમાં જોબ કરવી હતી અને મમ્મી-પપ્પાનું સ્વપ્ન સાકાર કરવું હતું.

પપ્પા એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતા એટલે એટલો બધો પગાર પણ નહિ. પણ, પોતાની એકની એક લાડકી દીકરીને ખૂબજ આગળ ભણાવી મેનેજરની પોષ્ટ ઉપર બેઠેલી જોવાની ઘેલછા હતી એટલે હીર પણ પોતાના પપ્પાનું સ્વપ્ન સાકાર કરવા રાત-દિવસ મહેનત કરતી હતી.

હીરને તેનાથી નાનો એક ભાઈ પણ હતો. તેને પણ હીર જાતે જ ભણાવતી હતી અને તનતોડ મહેનત કરાવતી હતી.

હીરની એક બેસ્ટ ફ્રેન્ડ હતી શિવાની, પૈસેટકે થોડી સુખી હતી. બાળપણથી બંને એક જ સ્કૂલમાં ભણતાં, સાથે જ રમ્યા અને સાથે જ મોટા થયા. શિવાનીને ઘરે દર વખતે વેકેશનમાં તેના મામાનો દિકરો આકાશ રહેવા આવે. તેને હીર ખૂબજ ગમતી હતી. પણ હીરને આવી કોઇપણ વાતમાં કોઈજ રસ ન હતો તેથી શિવાની આકાશને કહેતી કે, " હીર ખૂબજ ડાહી અને હોંશિયાર છોકરી છે તે આ બધી વાતોમાં ક્યારેય પડે તેમ નથી માટે તું તેને ભૂલી જ જા. " પણ આકાશને તે ખૂબજ ગમતી હતી તેથી તેણે નક્કી કર્યું હતું કે લગ્ન કરીશ તો હીર સાથે જ, નહિ તો નહીં કરું.

જોતજોતામાં હીરનું રિઝલ્ટ આવી ગયું. તે એમ.બી.એ. માં ફર્સ્ટ કલાસ વીથ ડિસ્ટીન્કસન માર્ક્સ લાવી. બે-ચાર સારી સારી કંપનીઓમાં તેણે એપ્લાય કર્યું હતું તેમાંથી તેને એક સારી કંપનીમાં જોબ મળી ગઈ અને આગળ જતાં એજ કંપનીમાં તેનું કામ જોઈને તેને મેનેજરની પોષ્ટ પણ મળી ગઈ. હવે હીરના મમ્મી-પપ્પાનું સ્વપ્ન સાકાર થયું હતું. અને તેના પપ્પાની ખુશીનો તો કોઈ પાર જ ન હતો.

હવે હીર પણ ખૂબ ખુશ હતી. એક દિવસ અચાનક આકાશનો તેની પર ફોન આવ્યો અને તેને મળવા માટે કહ્યું પણ હીરે ચોખ્ખી "ના" પાડી દીધી. આકાશ દેખાવમાં ખૂબજ રૂપાળો તેમજ હેન્ડસમ છોકરો હતો, સ્વભાવે સરળ તેમજ એન્જીનીયર થયેલો હતો. તેને તો હીર સાથે જ લગ્ન કરવા હતા તેથી તે હાર માને તેમ ન હતો.

તે દરરોજ હીરને ફોન કર્યા કરતો હતો. એકદિવસ હીરે કંટાળીને અકાશને મળવાની " હા " પાડી. બંનેએ એક રેસ્ટોરન્ટમાં મળવાનું નક્કી કર્યું.

આજે આકાશ ખૂબજ ખુશ હતો, તેને પોતાના સાચા પ્રેમ ઉપર ખૂબ વિશ્વાસ હતો કે આજે તો હું હીરને મનાવીને જ રહીશ.

રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આકાશ હીરની રાહ જોતો બેઠો હતો. તેણે અગાઉથી જ કોર્નરનું ટેબલ બુક કરાવી દીધું હતું. ચાતક જેમ વરસાદની રાહ જૂએ તેમ આકાશ હીરની રાહ જોઇ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે હીર આવશે તો ખરીને...?? એણે મને ખાલી ખાલી મારાથી કંટાળીને તો આવવાની " હા " નહીં પાડી દીધી હોય ને....??

અને એકદમ તેની સામે લાઈટ પીંક કલરના ડ્રેસમાં સુસજ્જ હીર આવીને ઉભી રહી ગઈ. હકીકતથી વધારે આકાશને આ સ્વપ્ન લાગી રહ્યું હતું. આકાશની સામેની ચેરમાં હીર બેઠી. લાઈટ પીંક કલરના ડ્રેસમાં હીર ખૂબજ સુંદર લાગી રહી હતી. બંને એકબીજાની સામે જોઈને સ્વાભાવિકપણે જ હસી પડ્યા.

આકાશે હીર સામે પોતાના સાચા પ્રેમની કબૂલાત કરી અને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો તેમજ ખાત્રી આપી કે પોતે જીવનમાં ક્યારેય તેને દુઃખી નહિ કરે.
હીરે તેના મમ્મી-પપ્પાને પૂછ્યા વગર જવાબ આપવાની " ના " પાડી એટલે બીજે દિવસે આકાશ હીરના મમ્મી-પપ્પાને મળવા માટે હીરના ઘરે ગયો.

હીરના મમ્મી-પપ્પાએ હીરની ઈચ્છા જાણી લીધી અને લગ્ન માટે સંમતિ આપી. ધામધૂમથી બંનેના એંગેજમેન્ટ થઈ ગયા. હીર-આકાશ અને તેમનો પરિવાર ખૂબજ ખુશ હતા પણ આ ખુશીને કોઈની નજર લાગી ગઈ હોય તેમ એક દુઃખદ ઘટના બની ગઈ.

દિવાળીનો તહેવાર હતો. હીર અને આકાશ બંનેની એકસાથે આ પહેલી દિવાળી હતી. આકાશ ઘણુંબધું દારૂખાનું લઈ આવ્યો હતો. તેણે હીરને માટલા કોઠી ફોડવા માટે આપી. હીરે માટલાકોઠીની દિવેટ જેવી સળગાવી તેવી જ માટલાકોઠી બોંબની માફક જોરથી ફૂટી અને હીરના જમણાં હાથ ઉપર અને મોં ઉપર અને આંખ ઉપર અગન જ્વાળાઓ લાગી ગઈ. હીરે ચીસાચીસ કરી મૂકી. તેને શું થયું અને શું કરવું કંઇજ ખબર ન પડી પણ આકાશે સમય સૂચકતા વાપરીને હીરને ઉંચકી લીધી અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયો.

હીરની બંને આંખો સહીસલામત હતી પણ તેના ફેસ ઉપર તે ઘણુંબધું દાજી ગઈ હતી. તેથી તે ખૂબજ ડરી ગઈ હતી. તેને ડર હતો કે તે પહેલાના જેવી સુંદર દેખાશે કે નહિ દેખાય...??

પોતાની આ પરિસ્થિતિને કારણે તેણે આકાશને પોતાની સાથે લગ્ન નહિ કરવા અને બીજી કોઈ સારી છોકરી શોધી લગ્ન કરી લેવા માટે ખૂબ સમજાવ્યો પણ આકાશ એકનો બે ન થયો તે ન જ થયો.

તે હીરને સમજાવ્યા કરતો હતો કે, " તને ચોક્કસ સારું થઈ જશે મને વિશ્વાસ છે. અને તારો ફેસ પણ સરસ પહેલાના જેવોજ થઈ જશે. તું પહેલા જેટલી જ સુંદર દેખાઈશ. તું ચિંતા ન કર્યા કરીશ. મને મારા પ્રેમ ઉપર અને પરમાત્મા ઉપર ખૂબજ વિશ્વાસ છે. " અને આવી વિકટ પરિસ્થિતિમાં તે સતત હીરની સાથે રહ્યો અને તેણે હીરની છ મહિના સુધી સતત કેર લીધી.

પરમાત્માની કૃપાથી અને આકાશની પ્રેમભરી પરવરીશ ને કારણે હીરને નવી જિંદગી મળી. અને તે પહેલા જેવી જ સુંદર દેખાવા લાગી. હીરના મમ્મી-પપ્પા આકાશને પગે લાગ્યા અને આવી વિકટ પરિસ્થિતિમાં હીરને નહિ છોડી દેવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને તેના સાચા પ્રેમને બિરદાવ્યો.

આકાશના સાચા પ્રેમની જીત થઈ અને હીર સાથે તેના ધામધૂમથી લગ્ન થયા.

- જસ્મીન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED