" ખરતો તારો "
સુમન અને સપના બંને બેસ્ટ ફ્રેન્ડ, બંને એકજ ક્લાસમાં સાથે જ ભણે અને અહીં હોસ્ટેલમાં પણ એકજ રૂમમાં સાથે જ રહે.
આજે દિવાળીનું વેકેશન પૂરું થયું એટલે બંને પોત પોતાના ઘરેથી પાછી એ જ જગ્યાએ એ જ રૂમમાં આવી ગઈ હતી અને સાથે ઘરની ઘણીબધી વાતો લઈને આવી હતી. સુમન ઉદાસ થઈને બારીની બહાર જોઈ રહી હતી એટલે સપના તેને પૂછતી હતી કે, " કેમ તને વેકેશનમાં ઘરે મજા ન આવી..?? "
સુમન: ના યાર, મમ્મી-પપ્પા સાથે ન હોય તો શું મજા આવે...??
સપના: ( તેની બાજુમાં બેસીને ) કેમ ફરી બંને વચ્ચે ઝઘડો થયો કે શું..??
સુમન: હા, હું બંનેને ભેગા કરવાની કોશિશ કરું છું અને બંને ઝઘડીને છૂટા પડી જાય છે..શું કરવું કંઈજ ખબર નથી પડતી..??
એટલામાં સુમનની નજર ખરતા તારા ઉપર પડી અને તે ચૂપ થઈ ગઈ...બે હાથ જોડી મનમાં ને મનમાં તેણે ઈશ્વર પાસે વિશ માંગી કે, " બસ, મારા મમ્મી-પપ્પા સાથે રહેવા લાગે તેવી તને પ્રાર્થના છે, પ્રભુ "
સપના સુમનને પૂછવા લાગી કે એકદમ શું થયું તે કેમ હાથ જોડીને બેસી ગઈ. સુમન ખૂબજ રડી પડી અને કહેવા લાગી કે, " હું નાની હતી ત્યારે મારા નાનીમાએ મને એક વાર્તા કહી હતી કે આપણે કંઈપણ જોઈતું હોય અને આપણને જો ખરતો તારો જોવા મળે તો આપણે તે માંગી લેવાનું, આપણી બધી ઈચ્છા પૂરી થાય. બસ, મેં પણ આજે ખરતા તારા પાસે માંગી લીધું છે કે મારે બીજું કંઈ જ નથી જોઈતું બસ, મારા મમ્મી-પપ્પા બંને સાથે રહે અને હું તેમની બંનેની સાથે રહી શકું તે જ જોઈએ છે. "
ઈશ્વરે સુમનની સાચા દિલથી ખરતા તારા પાસે માંગેલી વિશ પૂરી કરી અને સુમનના મમ્મી-પપ્પા બંને સાથે હોસ્ટેલમાં આવ્યા અને સુમનને પોતાની સાથે ઘરે લઈ ગયા.
આજે સુમન આકાશ સામે જોઈ રહી હતી અને ખરતા તારાને અને ઈશ્વરને થેંન્કયૂ કહી રહી હતી.
- જસ્મીન