“અ... અ... હું, લાઈટ્સ ઓન કરી દઉં?”
“ના, ઇટ્સ ઓ.કે. ચાલશે, યુ કન્ટિન્યુ”,
અને પ્રત્યક્ષ રાજદ્વારી સંબંધો રાખવા અસમર્થ રાષ્ટ્રો, કઈ રીતે પરસ્પર આર્થિક ઉપરાંત રાજનૈતિક સંબંધો જાળવે અને નભાવે છે એ વિશે એણે આગળ ચલાવ્યું.
“ઘણી વખત ઘણાં બધાં પરિબળો, એક સંગીન સંબંધ નભાવવામાં અડચણરૂપ બનતા હોય છે”,
અનાયાસે જ કેટલીક જુની ઘટનાઓ એના હ્રદયને ઘમરોળવા લાગી. એ પણ એક સંગીન સંબંધ હતો, જે એના અંત સુધી પહોંચી ના શક્યો. બદનસીબે, એ સંબંધ તૂટી પણ નહોતો શક્યો. નફા અને નુકશાન ની આજુબાજુ લટકતા રહેતા સસ્પેન્સ એકાઉન્ટ્સ ની જેમ આ સંબંધ નો સસ્પેન્શન બ્રિજ લટકી રહ્યો હતો. એણે ક્યારેય કહ્યું નહોતું કે હવે ફોન ન કરીશ, પણ ફોન રીસિવ કરવો તો એણે બંધ કરી જ દીધો હતો. એવું નહોતું કે એણે બ્લોક કરી દીધો હતો, એક વાર ભૂલથી એણે ફોને ઉપાડી પણ લીધો હતો; અને કટ કરી નાખ્યો હતો. એક વાર અનાયાસે જ એ ટ્રેનમાં ભેગી થઈ ગયેલી. એના ચહેરા ઉપર આવકાર નહોતો, તિરસ્કાર પણ નહોતો. એક હળવું સ્મિત કરી, એના શરીરને તસોતસ ઘસાઈ ને અપરિચિત ની જેમ એ દૂર જતી રહેલી.
“દસ વર્ષ થઈ ગયા, હજી પણ આ બન્ને રાષ્ટ્ર વચ્ચે બહુ ઘનિષ્ઠ કહી શકાય એવા સંબંધો નથી, પણ અતિ-મહત્વ ના કેટલાક સંગીન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર આ બંને દેશ એકબીજાની પડખે હોય છે.”
અનામિકા આ ફર્મમાં જુનિયર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તરીકે બે વર્ષથી જોડાઈ હતી. મનગમતું ક્ષેત્ર હતું, અને પગાર પણ મન ને મનાવી લે એવો. એ અડધી રિસેસ સુધી કામ કરતી રહેતી, અને આખા દિવસનું કામ પણ એને રિસેસ જેટલો જ આનંદ આપતું. એ ઘરે જતી, તો પણ વર્ક-લાઈફ બેલેન્સ જાળવવા માટે; સવારે ઘર છોડતી વખતે જેટલો અણગમો થતો, એટલો જ એને સાંજે ઓફિસ છોડતી વખતે થતો.
અને એટલે જ તો સેલરી માં થયેલો આટલો મોટો છબરડો એના ધ્યાન પર નહોતો આવ્યો.
“અ... અ... હું, લાઈટ્સ ઓન કરી દઉં?”
એણે ફરીથી લાઈટ્સ ચાલુ કરવાની નમ્રતાપૂર્વક ના પાડી દીધી. એ નહોતી ઇચ્છતી કે લાઈટ્સ ઓન થાય, અને આ બોદ્ધિક અને ચિંતનાત્મક ચર્ચા ની જગ્યાએ એના રૂપનું અવલોકન શરૂ થઈ જાય.
રિસેસ પડે ત્યારે એક પ્રણાલિકા તરીકે આખા બિલ્ડિંગ ની ઘણીખરી લાઈટ્સ સ્વીચ-ઓફ કરી દેવામાં આવતી. એ રીતે આ રૂમની પણ બધી લાઈટ્સ ઓફ કરી દેવામાં આવી હતી. સોમવાર થી લઈને ચાર દિવસ સુધી એ એચ.આર. ને મળવાનું વિચારતી, પણ પછી એના વર્કોહોલીઝમ ના વ્યસનમાં ભૂલી જતી. આજે પણ એ એચ.આર.ની કેબિન માં પ્રવેશી ત્યારે રિસેસ પડી ચૂકી હતી, લાઈટ્સ ઓફ હતી. એક જુનિયર એચ.આર. સિવાય કોઈ નહોતું. એ પણ એની લન્ચ કૂપન લઈ કેન્ટીન તરફ જવાની તૈયારીમાં હતો. એ પાછી વળી રહી હતી ત્યાં જ એના કાન પર એક ઠંડો પણ હુંફસભર અવાજ પડ્યો.
“યસ મેમ, મે આઈ હેલ્પ યુ?”
“ના, ઇટ્સ ફાઈન; આઈ’લ કમ લેઈટર, હું પછી નિરાંતે આવીશ.”
“નિરાંત? એ તો દીવો રામ થાય ત્યારે જ થશે, મેમ!”
“હેં? શું?”
“ના, નથીંગ, આપના સ્વર ઉપર થી લાગે છે આપ કોઈ ખુબ જ જરૂરી કામ માટે આવ્યા છો.”
એ મનોમન એના કામની પ્રાયોરીટી નું પ્રૂત્થકરણ કરવા પ્રયાસ કરી રહી હતી, ત્યાંજ એના કર્ણેન્દ્રિય પર ફરી એ જ અવાજ ભટકાયો.
“વેલ, લેટ્સ ડૂ વન થીંગ, આપનો ઇશ્યુ કહો, એટલે આપણે નક્કી કરી લઈએ કે એ જરૂરી છે કે નહીં.”
એના સેલરી એકાઉન્ટ માં કેટલીક એન્ટ્રીઝ એવી હતી જે એને શંકાસ્પદ લાગી રહી હતી. એકાદ વર્ષ પહેલા સળંગ પાંચ-છ મહિના સુધી એના એકાઉન્ટ માં સેલરી ના નામ પર એવી કેટલીક એન્ટ્રીઝ થઈ હતી, કે જે એની પોતાની નહોતી. ફર્મ તરફથી સેલરી તરીકે જમા થયેલી આ રકમ પાછી ઉધારીને અન્ય કોઇ ખાતા માં જમા કરવામાં આવી હતી.
“જે કંઈ અત્યારે દેખાય છે એ મુજબ આ સિસ્ટમ અથવા ઓપરેટરનો બ્લંડર લાગે છે”.
“પણ મારા એકાઉન્ટ માં આમ જમા થી જાય, અને પૈસા ઉપડી પણ જાય, અને મારી જાણ વગર! આ મની-લોન્ડરીંગ જ લાગે છે.”
ઠંડો સ્વર હવે થથરવા લાગ્યો હતો, ”નો મે’મ. એવું નથી. આપણી ફર્મ ઘણા ઊંચા ધોરણ જાળવે છે. નાણાકિય ગુનાખોરીની શક્યતા નહીંવત છે, ઉપરાંત આવું માત્ર એક જ એકાઉન્ટમાં થયું હોવાનું જણાય છે. આઇ ડૂ એગ્રી કે કેટલીક ફર્મ્સ અને કંપનીઝમાં આ રીતે મોટા પાયે નાણાકીય દુર્વ્યવહાર થતો હોય છે, ઈન ફેક્ટ આ ક્ષેત્ર નો મેં સર્ટીફીકેટ કોર્સ કરેલો છે.”
બહાર લોબીમાંથી આવતો પ્રકાશ અનામીકાના દેહલાલિત્ય સાથે ટકરાઈને વમળ ઉત્પન્ન કરી રહ્યો હતો. એક વેગીલી નદી જેમ કોઈ ખડક ને ટકરાઈને જરા ફંટાય એ રીતે એ પ્રકાશપૂંજ અનામિકાની છાતી સાથે ટકરાઈ, એની કમર તરફ ફંટાઈને જમણા હાથમાં પકડેલી પેનને ઉજાળી રહ્યો હતો.એચ.આર. ને અચાનક યાદ આવ્યું કે એણે જાતિય દૂર્વ્યવહાર વિશે પણ સર્ટીફીકેટ કોર્સ કર્યો છે. એ અનાયાસ જ કરગરી ઉઠ્યો, “અ... અ... અ... પ્લીઝ, હું લાઈટ્સ ઓન કરી દઉં?”