"રોશન આજે દરબારીઓ બધાં ક્યાં ગાયબ થઈ ગયા છે કેમ કોઈ દેખાઈ નથી રહ્યું ?" રાજાએ પોતાના ખાસ મંત્રી રોશનને પૂછ્યું.
રોશન: નામદાર, આપણાં નગરમાં કોઈ ચમત્કારીક સાધુ મહાત્મા પધાર્યા છે તો તમામ દરબારીઓ તેમના દર્શન કરવા માટે તેમની ઓરડીની બહાર લાઈન લગાવીને ઉભા છે.
રાજા: એવા કેવા સાધુ મહાત્મા પધાર્યા છે ?
રોશન: જી નામદાર, હું કોઈ દિવસ તેમને મળવા માટે ગયો નથી પરંતુ બધા એવું કહે છે કે તે ચમત્કારિક છે અને પોતાની વિદ્યાથી દરેકનું દુઃખ દૂર કરી દે છે.
રાજા: કોણ છે એવા ચમત્કારિક સાધુ મહાત્મા તેની તપાસ કરો.
રોશન: જી, મહારાજ
રોશન પણ સાધુ મહાત્માના દર્શન કરવા માટે તેમની ઓરડીની બહાર લાઈનમાં ઊભો રહી ગયો.
એક પછી એક બધાનો વારો આવ્યો, સાધુ મહાત્મા કોઈની પાસે તેનું દુઃખ દૂર કરવા માટે સોનાની મુદ્રા માંગતા તો કોઈની પાસે ધનનો ઢગલો કરાવતાં અને પછી હવામાં હાથ લંબાવીને જાદુથી તેમનાં હાથમાં કોઈવાર કોઈ ફળ આવી જતું, કોઈ વાર કોઈ ફૂલ આવી જતું અને કોઈ વાર કોઈ પવિત્ર હવનની રાખ આવી જતી.
આમ, તે દરબારીને ફળ આપીને આશિર્વાદ આપતાં કે આ ફળ ખાવાથી તમારું તમામ દુઃખ દૂર થઈ જશે.
જેને ફૂલ આપતાં તેને કહેતાં કે, આ ફૂલ સુંઘવાથી તમારું બધું જ દુઃખ દૂર થઈ જશે.
અને જેને પવિત્ર હવનની રાખ આપતાં તેને કહેતાં કે, આ ભભૂતિ તમારા મસ્તક ઉપર દરરોજ ભભરાવવાથી તમારી બધીજ ચિંતા ધીરે ધીરે દૂર થઈ જશે.
અને નગરના ભોળા માણસો પોતાનું દુઃખ દૂર કરવા માટે સાધુ મહાત્માની આગળ ધનના ઢગલા કરી દેતા તેમજ તેમના માંગ્યા મુજબ તેમને સોનામહોર પણ આપી દેતાં.
રાજાના ખાસ અને હોંશિયાર મંત્રી રોશને આ બધું જોયું એટલે તેની સમજમાં પાંખડી સાધુની તમામ વાત આવી ગઈ. તુરંત તે રાજા પાસે પહોંચી ગયો અને રાજાની સમક્ષ પોતે જોયેલી તમામ વાતની રજૂઆત કરી અને સાથે એમ પણ જણાવ્યું કે, "મહારાજા જો આમને આમ ચાલતું રહેશે તો આપણાં નગરજનો સાવ ખાલી થઇ જશે. માટે, આ પાંખડી સાધુને આપણાં નગરમાંથી કાઢી મૂકવા માટે કોઈ ચોક્કસ ઉપાય કરવો પડશે."
રાજા: હા, રોશન હું પણ તેમજ વિચારું છું. તમે ત્યાં જ જાવ અને આને માટે યોગ્ય કોઈ તરકીબ અજમાવો.
રોશન: જી, મહારાજ
અને રોશન ફરીથી સાધુ મહાત્માની ઓરડીની બહાર લાઈનમાં ઊભો રહી જાય છે.
એક પછી એક દરબારનો વારો આવે તેમ તેનો પણ વારો આવે છે.
પોતાનો વારો આવ્યો એટલે તેણે ત્યાં હાજર એવા તમામ દરબારીને સાધુ મહાત્માની ઓરડીની અંદર આવવા કહ્યું અને પછી હોંશિયારી પૂર્વક તે બોલ્યો કે, " આ સાધુ મહાત્મા ખૂબ મહાન છે. જો તમારે દરેક જણે મૃત્યુ બાદ સ્વર્ગમાં જવું હોય તો તેમની દાઢીનો એક એક વાળ ખેંચી લો તો તમને સ્વર્ગની સીડી પ્રાપ્ત થઈ જશે. "
અને પછી તો સ્વર્ગની સીડી પ્રાપ્ત કરવા માટે એક પછી એક દરબારી સાધુની દાઢીમાંથી વાળ ખેંચવા માટે પડાપડી કરવા લાગ્યા અને સાધુ પોતાની જગ્યાએથી ગબડીને નીચે પડી ગયો અને બધું જ એમનું એમ મૂકીને પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી છુટ્યો.
સાધુની ઓરડીની બહાર રાજાના સૈનિકો તે પાંખડીને પકડવા માટે હાજર જ હતાં જેથી તે પકડાઈ ગયો અને તેને રાજાની સામે હાજર કરવામાં આવ્યો. તમામ દરબારીને તેની સાધુને આપેલી ભેટ પાછી મળી અને સાધુએ પોતાની પાંખડી ચાલની ભરેલા દરબારમાં કબૂલાત કરી અને તેને રાજ્યની જેલમાં ધકેલી દેવામાં આવ્યો.
આમ, રાજાના હૂકમ અને રોશનની બુદ્ધી તેમજ સમયસૂચકતાને કારણે રાજ દરબારીઓ આબાદ રીતે બચી ગયા.
આવા પાંખડી સાધુઓથી સાવધાન રહેવા વિનંતી 🙏
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/1/2022